અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/પ્રમુખીય : ગુજરાતી ભાષાની નાડી પરીક્ષા – ડૉ. ભગીરથ બ્રહ્મભટ્ટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રમુખીય : ગુજરાતી ભાષાની નાડી પરીક્ષા
ડૉ. ભગીરથ બ્રહ્મભટ્ટ
(૧)

ગુજરાતી ભાષા સંકટમાં છે એનાં પ્રમાણ એ છે કે ગયા કેટલાંય વર્ષોથી ‘માતૃભાષા બચાવો’, ‘ગુજરાતી ભાષાનું ગૌરવ વધારો’, ‘ગુજરાતી બચાવ ઝુંબેશ’ જેવાં સૂત્રાત્મક અભિયાનો આપણે ચલાવી રહ્યા છીએ. ‘યુનેસ્કો’ના એક અહેવાલમાં પણ ગુજરાતી ભાષાને ભયજનક (ડેન્જર) ઝોનમાં મૂકી દીધી છે તેની સૂચના ડૉ. અવધેશકુમાર સિંહે ગુજરાતી સાહિત્ય પરિષદના જૂનાગઢમાં આયોજિત ૪૬મા અધિવેશનમાં આપી હતી. આ પછી તો ગુજરાતી ભાષા ૫૨ કોઈ ને કોઈ પ્રકારનું સંકટ તોળાઈ રહ્યું છે તેમાં કોઈ શંકા રહેતી નથી. અન્ય ભારતીય ભાષાઓની તુલનામાં ગુજરાતી ભાષા હાંસિયામાં ધકેલાતી જાય છે, તે પણ સત્ય છે. આ એક ગંભીર ચિંતાનો વિષય છે.

(૨)

ગુજરાતી ભાષાના સંકટ સામે એવી દલીલો પણ સાંભળવા મળે છે કે આ સંકટ માટે અંગ્રેજી અને હિન્દીનાં આક્રમણો જવાબદાર છે. કેટલાક વિદ્વાનો આનો દોષ સરકારી નીતિઓને આપે છે. કેટલાક વિજાણુ માધ્યમોને જવાબદાર ગણે છે તો કેટલાક પ્રજાની બેદરકારીને અને પ્રજાના ખોટા અંગ્રેજી વ્યામોહને પણ કારણ માને છે. આ બધાં કારણો ખરેખર સાચાં છે? ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓએ ગુજરાતી ૫૨ આવેલા સંકટનાં વૈજ્ઞાનિક કારણ જાણવાની કોઈ કોશિશ કરી છે ખરી? પ્રત્યેક ભાષા પોતાના પરિવેશમાં વિકસિત થાય છે. જેમાં તેના સંપર્કમાં આવતી ભાષાઓ, સામાજિક, આર્થિક, રાજનૈતિક, ધાર્મિક, સાંસ્કૃતિક, સાહિત્યિક આદિ અન્ય શક્તિઓ સામેલ હોય છે. આ સર્વે શક્તિઓ પ્રસ્તુત ભાષાને પ્રત્યક્ષ યા પરોક્ષ, સકારાત્મક યા નકારાત્મક રૂપે પ્રભાવિત કરે છે અને આ સર્વે શક્તિઓના પ્રભાવ હેઠળ ભાષાનો વિકાસ થાય છે. બાહ્ય પરિવેશમાં રહેનારી ભાષાઓ અને અન્ય શક્તિઓ પ્રસ્તુત ભાષાના વિકાસને પોતાના નકારાત્મક પ્રભાવથી રોકવાનો પ્રયાસ કરે તો પણ પ્રસ્તુત ભાષા આંતરિક રૂપે સશક્ત, ક્ષમતાવાન અને ઊર્જાવાન હોય તો તે બધાજ પ્રકારના બાહ્ય અવરોધો પછી પણ તેને હટાવી વિકસિત થશે જ.

(૩)

ગુજરાતી ભાષા પણ અન્ય ભારતીય આર્યભાષાઓની સાથે સાથે ઈ.સન ૧૦૦૦ વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવી. પોતાના જન્મ પછી ગુજરાતી ભાષા પણ વિભિન્ન સંસ્કૃતિઓ અને ભાષાઓના જેમકે તુર્કી, અરબી, અફગાની, ફારસી, પોર્ટુગીઝ, અંગ્રેજી આદિના સંપર્કમાં આવી અને ઓગણીસમી સદી સુધી પોતાની પ્રકૃતિ પ્રમાણે તે વિદેશી ભાષાઓનાં સકારાત્મક ભાષિક તત્ત્વોને આત્મસાત્ કરીને વિકસિત થતી રહી. ઓગણીસમી સદીમાં જ્યારે ભા૨ત અંગ્રેજી શાસનના અંતર્ગત આવ્યું ત્યારે રાજકીય ભાષા અંગ્રેજી અને લૉર્ડ મૅકાલેની આધુનિક શિક્ષાના અંતર્ગત પણ ભારતની અન્ય ભાષાઓ વિકસિત થતી રહી, પણ એક માત્ર ગુજરાતી જ એવી ભારતીય ભાષા હતી જેની સામે જોડણીનો વિકટ પ્રશ્ન ઊભો થઈ ગયો. ગુજરાતી ભાષા સાથે જ આવું કેમ બન્યું? અને આજે પણ એ પ્રશ્ન વિકટ રૂપે ગુજરાતી સામે ઊભો જ છે. કોઈએ પણ આ સમસ્યાનાં વૈજ્ઞાનિક કારણ શોધવાનો પ્રયત્ન કર્યો છે? આધુનિક ભાષાવિજ્ઞાની યા ધ્વનિ-ધ્વનિતંત્ર વિજ્ઞાનીનું પ્રથમ કર્તવ્ય આ પ્રશ્નને હલ કરવાનું છે. એને બદલે તેઓ પણ ગુજરાતી જોડણીને સામાન્ય વ્યક્તિની માફક સરળ બનાવવાની ઝુંબેશમાં સામેલ થઈ ગયા. આ રીતે ગુજરાતી ભાષાવિજ્ઞાની આ ધ્વનિ-ધ્વનિતંત્ર વિજ્ઞાની સર્વ સાધારણના સ્તર પર ઉતરી ગયા. આવી વિચિત્ર ઘટના કોઈ પણ ભાષામાં બની છે ખરી?

(૪)

ઉપર્યુક્ત પ્રશ્નો પર વૈજ્ઞાનિક વિચારણા પહેલાં એક વૈજ્ઞાનિક સિદ્ધાંતને સમજી લઈએ. ગુજરાતી ભાષાના સંકટનાં વિભિન્ન બાહ્ય કારણો ગુજરાતી ભાષાવિદોએ આપ્યાં છે તેમનો આપણે ઉપર ઉલ્લેખ કરી ચૂક્યા છીએ. પ્રત્યેક ભાષાનો પોતાના પરિવેશ સાથે બાહ્ય સંઘર્ષ થાય છે. આ બાહ્ય સંઘર્ષ સાથે સાથે ભાષામાં એક આંતરિક સંઘર્ષ પણ થતો રહે છે. આ આંતરિક સંઘર્ષ જ ભાષાને ઊર્જાવાન, સશક્ત બનાવી બાહ્ય સંઘર્ષો સામે ટકીને વિકાસ કરવાની ક્ષમતા આપે છે. ભાષા અગર આંતિરક રૂપે અશક્ત છે તો જ બાહ્ય પ્રભાવ તેના વિકાસને અવરુદ્ધ કરી દે છે અને સમય આવે તેને નષ્ટ પણ કરી દે છે. ઈ. સન્ ૧૮૦૦ પછી બીજી આર્યભાષાઓ હિન્દી-મરાઠી-બંગાલી આદિ સમાન પરિવેશ હોવા છતાં વિકસિત થઈ પણ ગુજરાતી ૫૨ સંકટ આવી ગયું. તેનું મૂળ કારણ ગુજરાતીની આંતરિક શક્તિ ક્ષીણ થવા લાગી છે.

(૫)

હવે વાત જ્યારે ભાષામાં આવેલી આંતરિક વિકૃતિઓની છે તો તે જાણવું પણ જરૂરી છે કે તે વિકૃતિ કયા સ્તર ૫૨ આવી છે? સોંશૂરે ભાષાના બે સ્તરોનું વર્ણન કર્યું છે પરોલ અને લાંગ. પરોલ એટલે બોલાતી ભાષા એટલે વાગ્ભાષા યા વાણી જે ભાષાનું ભૌતિક સ્વરૂપ છે અને લાંગ એટલે ભાષાનું માનસિક સ્વરૂપ. વાગ્ભાષાની જનેતા સામાન્ય જનતા છે જે પોતાના વ્યાવહારિક સામાજિક-આર્થિક ક્રિયા-કલાપો દરમિયાન વાગ્ભાષાને ઉત્પન્ન કરીને વિકસિત કરે છે. વાગ્ભાષાને તેની પ્રકૃતિ વિરુદ્ધ પ્રભાવિત કરવામાં ન આવે ત્યારે જનતા તેને સ્વાભાવિક રૂપે વિકસિત કરે જ છે. વાગ્ભાષાના માધ્યમથી જ માનસિક ભાષા ભાષકના મસ્તિષ્કમાં સ્થાપિત થાય છે અને વિકાસની સાથે સાથે માનસિક ભાષાના માધ્યમથી વાગ્ભાષા બોલાય છે. ભાષાનાં આ બંને વિપરીત સ્વરૂપો આ પ્રમાણે પરસ્પર દ્વંદ્વાત્મક સંબંધ ધરાવે છે. જ્યાં વાગ્ભાષા સર્વ સાધારણ જનતા નિર્મિત કરે છે, ત્યાં માનસિક ભાષાને ભાષાવિદો લિપિબદ્ધ કરી તેને દૃષ્ટય ભૌતિક (લિખિત) સ્વરૂપ આપે છે. લિખિત માનસિક ભાષાનો વિકાસ ભાષાવિદો દ્વારા થવાના કારણે માનસિક ભાષાનું યથાર્થ ભાષાવિદોની ચેતનામાં પ્રગટ થાય છે અને તે પ્રમાણે અગર ભાષાવિદો લિખિત ભાષાનો વિકાસ કરે તો વાગ્ભાષા અને માનસિક ભાષા અને તેનું લેખિત સ્વરૂપ એક બીજાને સકારાત્મક રૂપે સહયોગ કરી વિકસિત કરે છે. અન્ય ભારતીય ભાષાઓના વિકાસમાં આ યથાર્થ જોઈ શકાય છે પરંતુ ગુજરાતી જ એક માત્ર એવી ભાષા છે, જેના ભાષાવિદો ગુજરાતી લિખિત ભાષાનો તેની પ્રકૃતિ પ્રમાણે વિકાસ કરી શક્યા નથી. આ જ કારણે વાગ્ભાષા ભાષાનું મુખ્ય સ્વરૂપ છે તેનો વિકાસ પણ લિખિત ભાષાના પ્રભાવથી અવરુદ્ધ થવા લાગ્યો અને તેમાં પણ ભાષિક વિકૃતિઓ ઉત્પન્ન થવા લાગી.

(૬)

ગુજરાતી ભાષામાં આવેલી ભાષિક વિકૃતિઓની ચર્ચા પહેલાં એક મહત્ત્વપૂર્ણ વાત પર આપ સર્વેનું ધ્યાન દોરવા ચાહું છું. ગુજરાતી સાહિત્યનો તો વિકાસ જોવા મળે છે પણ ગુજરાતી ભાષાવિજ્ઞાનની શી સ્થિતિ છે તેના ૫૨ કોઈએ ધ્યાન આપ્યું છે? ગયા કેટલાંય વર્ષોથી ગુજરાતી ભાષાવિજ્ઞાન, વ્યાકરણ અને ખાસ કરીને ધ્વનિ ધ્વનિતંત્રવિજ્ઞાનનો વિકાસ સ્થિર થઈ ગયો છે. આજ સુધી તો ગુજરાતી ભાષાવિજ્ઞાનને એક જુદા વિષય રૂપે વિકસિત થઈ સ્થાપિત થઈ જવું જોઈતું હતું. પણ ના થઈ શક્યું, કારણ કે તે ગતિહીન સ્થિતિમાં આવી ગયું છે. ગતિ જ જીવન છે અને જ્યાં ગતિહીનતા આવે ત્યાં અંતની સંભાવના નિશ્ચિત છે. ધ્વનિ અને ધ્વનિતંત્રવિજ્ઞાન, ભાષાવિજ્ઞાન અને વ્યાકરણના પાયાની શાખા છે. ગુજરાતીની આ શાખામાં ગયા લગભગ ૫૦ વર્ષ પહેલાં નવીનતાના નામે જે કંઈ સ્થાપિત કરવામાં આવ્યું તેને આજ સુધી જડતાપૂર્વક આપણે વળગી રહ્યા છીએ. તેમાં કેટલું નવીન અને ભાષાની પ્રકૃતિને અનુકૂળ છે તેનું અને કેટલું નિંદામણ છે જે ભાષાના વિકાસને રૂંધી રહ્યું છે તેના પર કદી કોઈએ વિચાર કર્યો છે? ભાષાના ધ્વનિઓ, તેનાથી નિર્મિત થતા અક્ષરો, અક્ષરોથી શબ્દો, શબ્દોથી વાક્યો અને તે સર્વેના અર્થને સ્પષ્ટ કરતાં ભાષિક તત્ત્વો તેમની સંરચના તેમને સંચાલિત કરતા નિયમો, પ્રક્રિયા અને વ્યાકરણ ભાષાની આંતર્વસ્તુ છે. આંતર્વસ્તુમાં વિકૃતિ આવે એટલે વિકાસ કરવાની ભાષાની આંતિરક શક્તિ, ઊર્જા અને ક્ષમતા ક્ષીણ થઈ જાય છે. હવે આપણે ભાષાવિજ્ઞાન અને વ્યાકરણની પાયાની શાખામાં આવી ગયેલી વિકૃતિઓ પર વિચાર કરીશું.

(૭)

માનસિક ભાષાનાં લિખિત સ્વરૂપને વિકસિત કરવું હોય તો સહુથી પહેલાં ગુજરાતી ભાષાના ધ્વનિઓની સ્પષ્ટ સમજ હોવી જરૂરી છે. શું આપણે આ સ્પષ્ટ સમજ ધરાવીએ છીએ? તેના પર વિચાર કરીએ. (i) આમ તો સૌપ્રથમ આધુનિક ભાષાવિજ્ઞાનમાં ધ્વનિઘટકની તો વિભાવના ટી. એન. દવે લાવ્યા પણ સહુથી વધારે પ્રભાવ આપણા ૫૨ પ્રબોધ પંડિતનો છે. પંડિતે ધ્વનિઘટક તારવવા માટે ભેદક-ધ્વનિ, ભેદક ધર્મ, ઉક્તિઓના અંશો વચ્ચેના ત્રણ પ્રકારના સંબંધ, પેટર્ન અને જંક્ચર આદિ પદ્ધતિઓ આપી છે, પણ શું આ પરથી ધ્વનિઘટકની સ્પષ્ટ સમજ કેળવી શક્યા છીએ? ભિન્ન ભિન્ન ભાષાવિદોએ ધ્વનિઘટકને ભિન્ન ભિન્ન રૂપે પરિભાષિત કર્યો છે તેથી તે સર્વેને લઈને યાંત્રિકરૂપે છાત્રો સામે પિરસી દઈએ પછી પણ ધ્વનિ-ઘટકને સાચે જ આપણે સમજીએ છીએ ખરા? (ii) અંગ્રેજી અને સર્વે ભારતીય ભાષાઓમાં હ્રસ્વ-દીર્ઘ ઇ-ઈ, ઉ-ઊ છે જ. પણ ગુજરાતીમાં પંડિતે ધ્વનિ ઘટક તારવવા માટે ઉપર જણાવેલ પદ્ધતિઓને એક બાજુએ મૂકીને માત્ર જંકચરના આધારે જાહેર કરી દીધું કે જંકચર પહેલાં સ્વર દીર્ઘ અને અન્યત્ર હ્રસ્વ હોય છે. એટલે હ્રસ્વતા-દીર્ઘતાનો કોઈ અર્થ નથી એટલે પંડિતે હ્રસ્વ-દીર્ઘ ઈ, ઈ, ઉ, ઊ ને ધ્વનિઘટક રૂપે અસ્વીકાર કરી દીધા. ધ્વનિવિજ્ઞાનમાં ધ્વનિઘટક તારવવાના આધાર વ્યાકરણમાં સ્વર-વ્યંજન સ્થાપિત કરવાના આધા૨થી ભિન્ન હોય છે. ગુજરાતી વ્યાકરણ પ્રમાણે અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓ પ્રમાણે ઇ, ઈ, ઉ, ઊ એમ ચાર સ્વર છે જ. ધ્વનિવિજ્ઞાનમાં માત્ર એ સ્થાપિત કરવાનું હતું કે એ ચાર જુદા જુદા ધ્વનિઘટક છે કે એક ધ્વનિઘટકના બે ઉપઘટક છે. આ ગુજરાતી સ્વરોના ધ્વનિઘટક યા ઉપઘટક સ્થાપિત કરવા માટે બંને પ્રકારનાં પ્રમાણ છે પણ એ યથાર્થ ૫૨ કોઈ વિચાર કરવામાં ન આવ્યો. એના બદલે માત્ર જંકચરના આધારે ઈ અને ઉ માત્ર બે ધ્વનિઘટક છે એ ખોટું યથાર્થ સ્થાપિત કરી દેવાયું. અગર અમે કહીએ કે જે જંકચરના આધારે આ પ્રકારનો નિષ્કર્ષ પ્રાપ્ત કરવામાં આવ્યો છે તે જંકચરની સૈદ્ધાંતિક સમજ જ ખોટી છે; જેને જંકચર રૂપે સ્થાપિત કરાયું છે તે જંકચર જ નથી તો? તો સીધી વાત છે કે જંકચરના આધારે હ્રસ્વ-દીર્ઘ ઇ, ઉ સ્વરોને પંડિતે અસ્વીકાર કર્યાં છે તે નિષ્કર્ષ જ ખોટો સિદ્ધ થાય છે. પંડિતે ગુજરાતી સ્વરોના વર્ગીકરણ કરતાં સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતી સ્વરોના ભેદક ધર્મો છે, અગ્રત્વ-પૃષ્ઠત્વ અને ઉચ્ચ-મધ્ય-નિમ્ન સ્થાનો આદિ છે. ‘અ’ (a) અને ‘આ’ (a) મધ્ય સ્વરો નિમ્ન, અનિમ્ન જેવી બે ઊંચાઈ માટે આ બે પરિભાષાઓ વાપરીએ. પંડિતના સમયે જ વિશ્વની તમામ ભાષાઓના વર્ગીકરણ અને તેમના સાચા ઉચ્ચારણોની ઓળખ કેળવવા માટે પ્રસિદ્ધ અંગ્રેજ ધ્વનિવિજ્ઞાની ડેનિયલ જોન્સે વિષમબાહુ ચતુર્ભુજ પર આઠ માનક સ્વરોની પદ્ધતિ આપી હતી, જે તે વખતે પણ IPA દ્વારા માન્ય પદ્ધતિ હતી. પંડિતે તત્કાલીન ધ્વનિ-ધ્વનિતંત્રવિજ્ઞાન અને IPA દ્વારા માન્ય આ પદ્ધતિના સ્થાને તેની ઉપર ઉપરની સમજ પર આધારિત પોતાની પદ્ધતિ સ્થાપિત કરીને ગુજરાતીમાં આઠ સ્વર સ્થાપિત કરી દીધા. આવી સ્થિતિમાં પંડિતે ગુજરાતીમાં સ્થાપિત કરેલા આઠ સ્વરની વાસ્તવિકતા કેટલી યથાર્થ છે? કોઈ સૈદ્ધાંતિક ચર્ચા વગર ભાષાવિજ્ઞાનમાં આપણે એ આઠ સ્વરો સ્વીકારી લીધા. (iii) ગુજરાતી નાસિક ધ્વનિઓ બાબત પણ આવી જ ખોટી સૈદ્ધાંતિક સમજના આધારે પંડિતે ગુજરાતીમાં ચાર અનુનાસિક ધ્વનિઘટક, જેમકે ન, મ, ણ અને કાં (n, m, n, N) સ્થાપિત કરી દીધા જેમાં કાં (N) ધ્વનિઘટકના ચાર ઉપઘટક બતાવ્યા છે જેમકે ડ્, ઝ્ અ એ (એ = ‘અ’ સ્વ૨ની પાછળ દીર્ઘ અંશનું અનુનાસ્તિકત્વ) અને (~) (= સ્વરોનુ આનુનાસ્તિકત્વ) આમાં ડ્ અને ઞ વ્યંજન ધ્વનિઓ છે. જેમનો ધ્વનિ સ્વરથી સર્વથા ભિન્ન હોવાથી તે સાનુનાસિક સ્વર યા તેમાંનું અનુનાસિક ત્વ (~) કદી પણ ઉપઘટક બનતા નથી. આ જ પ્રમાણે અ ઉપર બતાવ્યા પ્રમાણે ‘અ’ સ્વરનો જ પાછળનો દીર્ઘ ભાગ સાનુનાસિક બનવાથી પ્રાપ્ત થાય છે જેને પૂર્વાનુમાનિત સાનુનાસિકતા (anticipatory nasalisation) કહેવાય છે. સ્વરનો તે માત્ર એક અંશ છે એટલે તે પણ ઉપઘટક ન બની શકે. એ જ પ્રકારે (~) ધ્વનિ સ્વર પર આશ્રિત નાસિક ધ્વનિ છે જેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. જેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન હોય તે ધ્વનિઘટક કે ઉપઘટક બની જ શકતા નથી. ઉપર્યુક્ત સમજ તો ધ્વનિ ધ્વનિતંત્રવિજ્ઞાનનો અન્ય ભાષાભાષી છાત્ર પણ ધરાવે છે. પંડિતે અનુસ્વાર ધ્વનિની ચર્ચા સુદ્ધાં કરી નથી તો પણ કોઈ સૈદ્ધાન્તિક પ્રતિવાદ વગર ગુજરાતી ભાષાવિજ્ઞાન/વ્યાકરણમાં પંડિતે સ્થાપેલા ચાર અનુનાસિક ધ્વનિઘટક સ્વીકારી લેવાયા. ગુજરાતીમાં આજે પણ હિન્દીમાં છે તેમ પાંચ નાસિક વ્યંજન, બે અનુસ્વાર ધ્વનિઓ (તીવ્ર-મૃદુ નહીં પણ સમવર્ગીય અને સંસ્કૃત અનુસ્વાર ધ્વનિઓ) અને એક સાનુનાસિક ધ્વનિ છે જ, પણ આપણે તેની ઓળખ સ્વરોની ઓળખની માફક જ ખોઈ બેઠા છીએ. આ નાસિક ધ્વનિઓ ગુજરાતીમાં જેટલી સ્પષ્ટ છે કે એટલી લેખનમાં વ્યક્ત કરી શક્યા નથી એટલે વધારે ભ્રાંતિ ઊભી થઈ છે. (iv) પંડિતે તેમના સમયમાં અંગ્રેજી ધ્વનિઓની વિશ્લેષણ પદ્ધતિને અનુસરીને અને અંગ્રેજીમાં કાર્યરત પ્રાણત્વના નિયમને ગુજરાતી પ્રકૃતિના વિરુદ્ધ તેના પર આરોપિત કરી અમેરિકન અધ્યયન કેન્દ્રના મિતવ્યવતાના સિદ્ધાંતના આધારે ગુજરાતીમાં મળતા દશ મહાપ્રાણ વ્યંજનોના અસ્તિત્વને જ અસ્વીકાર કરી દીધો. પંડિતે હિન્દીમાં તેના હોવાનું માન્યું હતું પણ ગુજરાતીમાં તેમનો અસ્વીકાર કર્યો. ગુજરાતીમાં મહાપ્રાણ વ્યંજનની ઉપસ્થિતિ એટલી સ્પષ્ટ છે કે તેનો અસ્વીકાર કોઈ કરી જ ન શકે. યોગેન્દ્ર વ્યાસે પંડિતની આ માન્યતાનું ખંડન કર્યું છે. ગુજરાતી વ્યાકરણમાં જે આજે પણ માન્ય છે. વાસ્તવમાં પંડિતના મહાપ્રાણ વ્યંજનો બાબત પ્રાપ્ત નિષ્કર્ષનું સૈદ્ધાન્તિક ખંડન, તેમને આ નિષ્કર્ષ પ્રાપ્ત કરવા અપનાવેલા સિદ્ધાન્તોના ખંડન અને ગુજરાતી વાગ્ભાષામાં તેમની ઉપસ્થિતિના પ્રમાણો સાથે કરવું જોઈએ. જે પંડિત ગુજરાતીમાં આટલી સ્પષ્ટ રીતે ઉપસ્થિત મહાપ્રાણ વ્યંજનોને અને નાસિક ધ્વનિઓને ન ઓળખી શક્યા ત્યારે તેમના દ્વારા ઇ, ઈ, ઉ, ઊ સ્વરોનો અસ્વીકાર પણ કેટલો યથાર્થ હોઈ શકે તેના પર વિચાર થવો જોઈએ. (v) ઉપર્યુક્ત વર્ણનથી સ્પષ્ટ થાય છે કે આપણે મહત્ત્વપૂર્ણ ગુજરાતી ધ્વનિઓની ઓળખ યથાર્થ રૂપે પ્રાપ્ત કરી શક્યા જ નથી. આવી સ્થિતિમાં વિદેશી શબ્દોમાં આવેલી તેમની ધ્વનિઓની ઓળખનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી. અંગ્રેજી The જે દ, દિ અને દી રૂપે ઉચ્ચારાય છે. આપણે ધી રૂપે ઉચ્ચારતા રહ્યા. ઉર્દૂના માધ્યમથી અરબી-ફારસી અને અંગ્રેજીથી આવેલા જ – ધ્વનિની ઓળખ આપણે કરી જ ન શક્યા. આ વ્યંજન જિન્દગી, નજર. આઝાદી, ગઝલ જેવા અરબી ફારસી અને dogs, boys જેવા અંગ્રેજી શબ્દોમાં સંભળાય છે. જોડણી નિયમમાં આને ‘ઝ’ થી લખાય છે, પણ નજર અને જિન્દગીમાં તે જ દ્વારા અને આઝાદી અને ગઝલમાં તે ‘ઝ થી લખાય છે. જોડણીના પ્રભાવના કા૨ણે પંડિતે પણ પોતાના ઉચ્ચારણનું ઉદાહરણ આપીને આ વ્યંજનની સર્વથા ખોટી ઓળખ કરી છે. (vi) ગુજરાતીમાં આજ સુધી વર્ણ અને અક્ષરનું યથાર્થ સ્પષ્ટ નથી. સાર્થ જોડણી કોશમાં બંનેને એક બીજાના પર્યાય બતાવાયાં છે. યોગેન્દ્ર વ્યાસે અક્ષરની કંઈક અંશે ગુણાત્મક પરિભાષા આપી છે; પરંતુ અક્ષરનું વર્ગીકરણ અને તેમનામાં કાર્યરત નિયમોનું અભિજ્ઞાન આજ સુધી થયું નથી. ગુજરાતી ધ્વનિઓ અને તેમના પરિવર્તનના યથાર્થને સમજવા માટે અક્ષરોનું તેમના ધ્વનિઘટકોમાં વિભાજન કરવું અત્યંત અનિવાર્ય છે; પરંતુ પાયાની આ શર્ત પૂરી કર્યા વગર પંડિત અને અન્ય ભાષાવિજ્ઞાનીઓએ ગુજરાતી ધ્વનિ અને તેમનાં પરિવર્તનોનું અધ્યયન પ્રસ્તુત કર્યું છે, આથી ઘણા ખોટા નિષ્કર્ષો પ્રાપ્ત થયા છે. (vii) આ જ સ્થિતિ ઉચ્ચારણ અંગો અને સ્થાનો બાબત પણ છે. ગુજરાતીમાં ખોટી રીતે ઉપરી જડબાના ભાગોને સ્થાનો અને જીભ અને તેના ભાગોને અંગ રૂપે વર્ગીકૃત કર્યા છે. પંડિત, કોઠારી, ઊર્મિ દેસાઈ, કા. બ. વ્યાસ આદિએ ઉચ્ચારણ અંગો અને સ્થાનોનું ભિન્ન ભિન્ન રીતે વર્ગીક૨ણ કર્યું છે જે આધુનિક ધ્વનિવિજ્ઞાન અને IPA દ્વારા માન્ય વર્ગીકરણમાં સ્પષ્ટ જોઈ શકાય છે. જ્યાં ઉચ્ચારણ અને સ્થાનોનું વર્ગીક૨ણ જ ખોટું હોય ત્યાં ઉચ્ચારણ રીતિ પણ ખોટી જ હોવાની અને તેના કારણે ધ્વનિઓની ઉત્પત્તિ અને ઉચ્ચારણનું જ્ઞાન પણ યથાર્થ તો નહીં જ મળે. પંડિત અને સર્વે ભાષાવિજ્ઞાનીઓ પ્રમાણે ઈ, એ અને ઍનું ઉચ્ચારણ સ્થાન કઠોર તાલુ છે, અને જીભનો અગ્ર ભાગ એટલે જિહ્વાગ્ર ત્યાં સુધી ભિન્ન ભિન્ન ઊંચાઈ પર ઉપર ઉઠીને આ અગ્ર સ્વરોને ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે પંડિત આદિએ જીભના જે ભાગને જિહ્વાગ્ર કહ્યો છે તેને કઠોરતાલુ તરફ ઉપર ઉઠાવીને આ સ્વરોનું ઉચ્ચારણ કરી જુઓ. આ રીતે આ સ્વરો ઉત્પન્ન થશે જ નહીં. તેના માટે જિહ્વામધ્યને કઠોરતાલુ તરફ ઉપર ઉઠાવવું પડશે. આ પ્રમાણે આ સ્વરો અગ્ર નહીં પણ મધ્યસ્વર કહેવાશે. સ્વરોના આવાં ખોટાં ઉચ્ચારણ અંગો, સ્થાન અને વર્ગીકરણ આપણે વર્ષોથી ગુજરાતી છાત્રોને ભણાવી રહ્યા છીએ પણ આશ્ચર્ય તો એ છે કોઈનું આ તરફ ધ્યાન જતું નથી અને કોઈ પણ આ યથાર્થને સ્થાપિત કરવા માગતું નથી. ઉપર વર્ણવેલા આવા ઘણા સૈદ્ધાંતિક પ્રશ્નો છે પણ આટલાથી આપણી ભાષાનું યથાર્થ આપણી સામે આવી જાય છે.

(૮)

ઉપર્યુક્ત વર્ણિત સૈદ્ધાંતિક સ્થિતિને સમજવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ સંમેલનમાં ગુજરાતી જોડણી વિશે માર્ગદર્શન આપતાં આનંદશંકર બાપુભાઈ ધ્રુવે શાસ્ત્રીય મર્યાદાની વાત કરી હતી તેને સમજવી જોઈએ. તે નીચે પ્રમાણે છે “ખરી વાત એવી છે કે ભાષા નિર્જીવ પદાર્થ નથી, અને તેથી અનેક શક્તિઓની અસર તળે તેનો દેહ બંધાતો જાય છે. અને એ સર્વ શક્તિઓને માનવાથી જ યથાર્થ ગ્રહણ થાય છે – એમાંથી એકનો જ અંગીકાર ક૨વો યા સર્વત્ર એકને જ પ્રધાન સ્થાને સ્થાપવી તે તત્ત્વજ્ઞાનની પરિભાષામાં (એક્સટ્રેકક્ષન) ખંડગ્રહણ કહે છે. ‘તે છે’.” (સાર્થ ગૂ. જોડણી કોશ ૧૯૬૭-પૃ. ૧૪) ધ્રુવના આ કથનના આધારે ગુજરાતી ભાષાવિજ્ઞાન માટે એટલું કહેવું જોઈએ કે ગુજરાતી ધ્વનિ – ધ્વનિવિજ્ઞાનના અધ્યયનમાં વાસ્તવમાં ખંડ ગ્રહણ જ કરાયું છે. સાથે સાથે જે સિદ્ધાન્તોના આધાર પર અધ્યયન કરવામાં આવ્યું છે તેમની સમજ પણ અધ્યયન કર્તાને પૂર્ણતઃ સ્પષ્ટ ન હતી.

(૯)

અંતમાં આપણે ગુજરાતીના સહુથી વિકટ જોડણીના પ્રશ્ન પર વિચાર કરીએ. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓની પ્રકૃતિ સર્વથા ભિન્ન છે, તો પણ અંગ્રેજીના પ્રભાવ અંતર્ગત એક ખોટી માન્યતા એ સ્થાપિત થઈ ગઈ કે ઉચ્ચારણ પ્રમાણે લેખન થઈ શકતું જ નથી. આધુનિક ધ્વનિવિજ્ઞાન (phonetics) જ્યારે ઈ. સન્ ૧૮૭૦-૭૫માં અસ્તિત્વમાં આવ્યું અને ઈ. સન્ ૧૯૮૬માં IPAની સ્થાપના થઈ ત્યારથી જ ઉચ્ચારણ પ્રમાણે ધ્વનિમીક લેખન (Phonemic writing) માટે એક ઉચ્ચારણ મૂલક વર્ણમાળા બનાવવાના કાર્યને IPA એ સર્વાધિક મહત્ત્વ આપ્યું અને આવી પ્રથમ વર્ણમાળા IPA એ ઈ. સન્ ૧૮૮૮માં પ્રકાશિત કરી જે સમય સમય ૫૨ સંશોધિત કરાતી રહી જેની છેલ્લી સંશોધિત આવૃતિ ૧૯૯૩માં પ્રકાશિત થઈ. તેની સાથે ૧૯૯૬ની નવીનતમ જાણકારી સાથે ૨૦૦૫માં તે પ્રકાશિત કરાઈ છે. આ વર્ણમાળા દ્વારા વિશ્વની કોઈ પણ ભાષાના શબ્દોને તેમના ધ્વનિના ઉચ્ચારણ પ્રમાણે લખી શકાય છે, અને તેના આધારે કોઈ પણ ભાષાની ધ્વનિઓ અને તેમનામાં થતાં પરિવર્તનોનું અધ્યયન કરવામાં આવે છે. દેવનાગરી લિપિમાં ઉચ્ચારણ પ્રમાણે આક્ષરિક લેખન કરવાની ક્ષમતા છે, જે દેવનાગરીની જ એક આંશિક પરિવર્તિત લિપિ ગુજરાતીમાં પણ છે. ગુજરાતી છાત્રોને ધ્વનિ – ધ્વનિવિજ્ઞાનના શિક્ષણ આપવા માટે ગુજરાતીમાં પણ આ પ્રકારનું ઉચ્ચારણ પ્રમાણે આક્ષરિક લેખન થઈ શકે છે જે ગુજરાતી ભાષા અને ભાષકોની પ્રકૃતિમાં પણ છે. ઓગણીસમી સદીમાં આધુનિક સ્કૂલ શિક્ષણ શરૂ થતાં ભાષા અને ભાષાની પ્રકૃતિ પ્રમાણે હોવા છતાં ઉચ્ચારણ પ્રમાણે લેખન છોડી દેવાયું. જો આ પ્રમાણે લેખન શીખવાડવામાં આવ્યું હોત તો જોડણી નિયમ ઘડવાની જરૂર ન પડત. ઉચ્ચારણ પ્રમાણે લેખનની સાથે છાત્રને સ્વાભાવિક રૂપે નિયમોનું જ્ઞાન પણ પ્રાપ્ત થતું જાત. ઉચ્ચારણ પ્રમાણે લેખન ન થવાને કારણે જ ઈ. સન્ ૧૮૭૨ પહેલાં ઘડાયેલા જોડણી નિયમો પણ જોડણીની અરાજકતા જરા પણ ઓછી ન થઈ. ઈ. સન્ ૧૮૭૩માં નર્મદાશંકર લાલશંકરે સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સુધી પરસ્પર સંગતિ વ્યવહાર વધ્યો નથી, ઘણા ગ્રંથકારો થયા નથી. અનેક કોશગ્રંથ થયા નથી; જ્યાં સુધી પ્રદેશ પ્રદેશની ભાષા સંમિશ્રણ રૂપે એક રૂપ થઈ નથી, ત્યાં સુધી લેખન-શુદ્ધિ વિશે અવિચળ નિયમ બાંધવા દુર્લભ છે.” (ગૂ. સા. જો. કોશ ૧૯૬૭ પેજ-૨૩) વર્તમાન જોડણી નિયમ વાસ્તવમાં નિર્દેશ જ્યારે ઈ. સન્ ૧૯૨૯ સુધી ઘડીને પ્રકાશિત કરાયા ત્યાં સુધી શું ક્ષેત્રીય બોલીઓ સમ્મિશ્રિત થઈને એક માનક બોલી (standard dialect) રૂપે વિકસિત થઈ ગઈ હતી? ઉત્તર છે ના. તો પછી જે જોડણી નિયમ ઘડાયા તે યથાર્થ છે ખરા? જોડણી નિયમ ઘડાયા તેનો આધાર પણ સર્વથા અવૈજ્ઞાનિક છે. ધ્યાન રાખવાનું એ છે કે જોડણી નિયમ વાંચવા – લખવા – મુદ્રણમાં સરળતા, સુંદરતા, પ્રચલિત રૂઢિ અને વલણના આ આધારે ઘડાયા છે. આ જ સરળતા આદિના આધારે આ નિયમ (વાસ્તવમાં નિર્દેશ) ૨૦૦૩માં સંશોધિત કરાયા. આ જ સરળતાના આધારે આજે ઊંઝા ગ્રૂપ ગુજરાતી બચાવવા જોડણી સુધારની ઝુંબેશ ચલાવી રહ્યું છે.

(૧૦)

ગુજરાતીની કેવી દયનીય સ્થિતિ છે કે જે ધ્વનિવિજ્ઞાનીઓએ ધ્વનિ- ધ્વનિવિજ્ઞાનના અધ્યયન માટે ઉચ્ચારણ પ્રમાણે આક્ષરિક / ધ્વનિમીક લેખન માટે લિપિને વિકસિત કરવાની હતી તે ભાષાવિદોએ જ ઉચ્ચારણ પ્રમાણે આક્ષકિ લેખનનો વિરોધ કર્યો જેના કારણે ઊંઝા ગ્રૂપ જેની અવૈજ્ઞાનિક ધારાને બળ પ્રાપ્ત થયું. જ્યારે દિન અને દીનમાં અર્થભેદ કેવી રીતે કરાશે જેવો પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે જવાબ મળ્યો સંદર્ભથી થશે. અહીં વિદ્વાન ભાષાવિજ્ઞાની એ ભૂલી ગયા કે દિન અને દીનના ન્યૂનતમ યુગ્મ (minimal pair) દ્વારા ઇ અને ઈ. વ્યતિરેકી વિતરણમાં આવી શબ્દાર્થ ભેદ કરે છે અને તેના કારણે અને ગુજરાતીમાં ધ્વનિઘટક રૂપે સ્થાપિત થાય છે. ગુજરાતી જોડણી. વાસ્તવમાં નિર્દેશો ને અસ્વીકાર કરતાં પંડિતે આ સંદર્ભ આધારિત શબ્દાર્થને એક માત્ર પ્રધાનના આપીને ગુજરાતી જોડણી નિયમો વિશે આક્રોશપૂર્વક કહ્યું છે, “શબ્દ એનો અર્થ સંદર્ભથી પ્રગટ કરે છે, ‘કોન્ટેક્સ્ટ ઈઝ મીડિંગ’ શબ્દ પૂર્વાપર સંબંધ (કોન્ટેક્ટ માં મુકાય છે ત્યારે સંદર્ભથી અર્થ પ્રગટ કરે છે. હ્રસ્વ-દીપનું કંઈ મહત્ત્વ નથી જોડણીનું તૂત મિથ્યા છે. એને ફેંકી દેવું જોઇએ... જોડણીના તાયફાઓ બંધ કરો. મીથ્યા કાલક્ષેપમાં અટવાતી આ ભ્રાન્ત દશા છે.” (ગુજરાતી બચાવ ઝુંબેશ, ૧૪-૦૨-૦૯, ૧૯૮૯માં પ્રકાશિત ‘ક્ષણ-લક્ષણ’માંના એક લેખમાંથી) અવૈજ્ઞાનિક જોડણી નિયમો પ્રત્યે પંડિતે ઉપર વ્યક્ત કરેલો આક્રોશપૂર્ણ વિરોધ જોડણી નિયમોથી ત્રાસિત એક સર્વ સાધારણ ગુજરાતીનો વિરોધ છે. આ એક ઉચ્ચ કોટિના ધ્વનિવિજ્ઞાનીને છાજે એવો સૈધાંતિક વિરોધ નથી. એક ધ્વનિ વિજ્ઞાનીના નાતે તેઓએ જોડણી નિયમોની અવૈજ્ઞાનિકતા રીદ્ધાંતિક આધારો પર સિદ્ધ કરવાની હતી, તેમનું સૈદ્ધાંતિક ખંડન કરવાનું હતું અને ગુજરાતી ભાષા અને ભાષકની પ્રકૃતિના અનુરૂપ લિપિને વિકસિત કરી ઉચ્ચારણ પ્રમાણે લેખન પદ્ધતિ સ્થાપિત કરવાની હતી. આ થયું હોત તો આજે ગુજરાતી જોડણીનો પ્રશ્ન હંમેશાં માટે હલ થઈ ગયો હોત.

(૧૧)

પંડિત દ્વારા શબ્દાર્થ પ્રગટ કરવા માત્ર સંદર્ભને જ પ્રધાનતા આપી દેવી તે ધ્રુવના શબ્દોમાં ખંડગ્રહણ છે અને એનાથી ભાષાનું યા જોડણીનું યથાર્થ પ્રાપ્ત કરી જ ન શકાય. પંડિતની સંદર્ભના આધારે શબ્દાર્થ પ્રગટ થવાની આ ધારણા વ્યવહારવાદી છે, જે બતાવે છે કે જે વ્યવહારમાં ઉપયોગી છે તે યથાર્થ છે. દર્શનના ક્ષેત્રમાં આ વિચારધારા ઉપયોગિતાવાદ (Pragmatism)ના નામે ઓળખાય છે, જેના કારણે સમસ્યાઓના તાત્કાલિક ઉપાય જ કરાય છે પણ લાંબે ગાળે ગંભી૨ મોટી સમસ્યાઓ ઊભી થઈ જ જાય છે. જોડણીનિયમ આનું પ્રમાણ છે. જયંત કોઠારીએ ગુજરાતીઓની આ ઉપયોગિતાવાદી / વ્યવહારવાદી પ્રવૃત્તિ પર કહ્યું હતું, “ગુજરાતીઓ અનાગ્રહી ને વ્યવહારડાહ્યા. જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડાવવામાં માનનારા. ભાષાને પણ એ મમત્વ અને મમતાનો વિષય નહીં બનાવે. એને જે ભાષાથી · પોતાનું હિત સચવાતું લાગશે એને વળગશે.”

(૧૨)

ઉપર કરેલી ચર્ચાથી ગુજરાતીની ગતિ અવરુદ્ધ થવાનાં કારણો પણ સ્પષ્ટ થઈ જાય છે. ગુજરાતી ભાષા અને ભાષકની પ્રકૃતિને અનુકૂળ “ઉચ્ચારણ પ્રમાણે આક્ષરિક” લેખન ઓગણીસમી સદીમાં ત્યજી દેવાયું તે પહેલું મહત્ત્વપૂર્ણ કારણ છે. અહીંથી પોતાના અને અન્ય ભાષાઓના ધ્વનિઓની ઓળખ ખોરવાતી ગઈ. આ મૂળ કારણથી જોડણીનો વિકટ પ્રશ્ન પણ ઊભો થયો. ઈ. સન્ ૧૯૨૯માં જોડણી નિયમોમાં એક જ પ્રકારનું અનુસ્વાર ચિહ્ન અર્થાત્ બિન્દુ વાપરવા નિર્દેશથી નાસિક ધ્વનિઓની ઓળખ પણ ઓસરી ગઈ ઈ. સન્ ૧૮૭૩માં નર્મદાશંક૨ લાલશંક૨ દવેએ કહ્યું હતું, “જ્યાં સુધી પ્રદેશ પ્રદેશની ભાષા સંમિશ્રણે એકરૂપ થઈ નથી ત્યાં સુધી લેખન શુદ્ધિ માટે અવિચળ નિયમ બાંધવા દુર્લભ છે.” ઈ. સન્ ૧૯૨૯માં જ્યારે જોડણી નિયમ ભાષામાંથી શોધવાના હતા, તેને બદલે અવૈજ્ઞાનિક આધારો ઘડી દેવાયા ત્યારે શું આપણે ત્યાં ઈ. સન્ ૧૯૨૯માં જેમ ઈ. સન્ ૧૮૭૫માં હિન્દીમાં પ્રાદેશિક બોલીઓના સંમિશ્રણથી વિકસિત થઈ ગયેલી ખડી (માનક) બોલી જેને પં. મહાવી૨ પ્રસાદે ઈ. સન્ ૧૯૦૦માં સાહિત્યની ભાષારૂપે સ્થાપિત કરી, તેવી કોઈ માનક (ખડી) બોલી વિકસિત થઈ હતી? આઝાદી પછી હવે આવી માનક ગુજરાતી બોલી પ્રદેશસ્તર પર વિકસિત થઈ ગઈ છે પણ તેના આધારે જોડણી નિયમો અને સાહિત્યિક ભાષા ૫૨ નવેસરથી વિચાર કરવાના બદલે એક ઉચ્ચવર્ણીય અલ્પમત વર્ગની પ્રાદેશિક બોલીઓથી કપાયેલી કૃત્રિમ ભાષાને આજે પણ વળગી રહ્યા છીએ જે પોતે પણ પરિવર્તિત થઈ માનક બોલીનું અંગ બની ગઈ છે. આ વિશે વિચાર કરવાનો આપણી પાસે સમય છે ખરો? આ શિષ્ટ ભાષાને શુદ્ધ ભાષાના નામે વાગ્ભાષા/ બોલીઓ પર આરોપિત કરીને ખંડગ્રહણ દ્વારા આપણે વાગ્ભાષાનું કેટલું નુકસાન કર્યું છે, તેનો ખ્યાલ આવે છે ખરો? આમ તો મોટાભાગે આપણે અંગ્રેજીની આંધળી નકલ જ કરી છે પણ ઈ. સન્ ૧૯૬૫થી ગુજરાતી ધ્વનિ ધ્વનિતંત્ર વિજ્ઞાનમાં પોતાના પુરાતનની ઉપેક્ષા કરી અંગ્રેજીનું અંધાનુકરણ કરીને અસ્પષ્ટ રીતે સમજેલા સિદ્ધાંતોને આજે પણ વળગી રહ્યા છીએ. અને ખોટી વાટે વળી ગયા છીએ. ઈ. સન્ ૧૯૬૫ પછી આજે લગભગ ૫૦ વર્ષોમાં વિશ્વની વિકસિત ભાષાઓના ધ્વનિતંત્ર – ધ્વનિતંત્રવિજ્ઞાન અને ભાષાવિજ્ઞાનના અધ્યયન અને શોધના આધારભૂત સિદ્ધાંતો ઉચ્ચસ્તર ૫૨ વિકસિત થઈ ગયા છે. શું આપણે તેમનું જ્ઞાન પ્રાપ્ત કરવાની જરા પણ કોશિશ કરી છે? આપણે અંગ્રેજી લિપિની ખોટી સમજના આધારે એક ખોટી માન્યતા કેળવી લીધી છે કે ‘ઉચ્ચારણ પ્રમાણે લેખન’ થઈ શકતું નથી પણ શું આપ જાણો છો કે આવા લેખન વગર આધુનિક ધ્વનિતંત્ર - ધ્વનિતંત્રવિજ્ઞાન અને ભાષાવિજ્ઞાનનું અધ્યયન અને શોધકાર્ય થઈ શકતું જ નથી? ઈ. સન ૧૯૧૭માં ડેનિયલ જો English pronouncing Dictionary પ્રકાશિત થઈ અને તેની સંશોધિત ૧૭મી આવૃત્તિ ૨૦૦૫માં પ્રકાશિત કરાઈ છે. જેમાં અંગ્રેજી શબ્દોચ્ચારણ માટે વર્ણમાળા પણ આપવામાં આવી છે. જેના આધારે વિશ્વની કોઈ પણ ભાષાના શબ્દોના ઉચ્ચારણનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. અને કોઈ પણ ભાષાના શબ્દોનું ઉચ્ચારણ પ્રમાણે ધ્વનીમ (ધ્વનિઘટક) લેખન કરી શકાય છે. આપણે તો “ઉચ્ચારણ પ્રમાણે આક્ષરિક લેખન”ની આપણી પધ્ધતિને જ ખોરવી નાખી. અક્ષરોના ધ્વનીમ વિભાજન વગર આપણે ધ્વનિતી - ધ્વનિવિજ્ઞાનનું અધ્યયન કરે રાખ્યું, કેવી વિચિત્ર સ્થિતિ છે! વિચારો. આપણે બાહ્ય પરિબળોને ક્યાં સુધી દોષ દઈશું. આપણી ભાષાની આંતરિક શક્તિ આપન્ને જ તોડી નાખી છે, તેના પર ક્યારે ધ્યાન આપીશું?

(૧૩)

આજે હવે ગુજરાતી ભાષાવિજ્ઞાન / ધ્વનિ - ધ્વનિતંત્રવિજ્ઞાન પર ચર્ચા કરવાના સ્થાને મૂળ ચર્ચા પૂર્વ ભાષાવિજ્ઞાનીઓએ જે સિદ્ધાંતોના આધારે ગુજરાતી ધ્વનિ – ધ્વનિતંત્રવિજ્ઞાન યા ભાષાવિજ્ઞાનનું અધ્યયન કર્યું છે તે સિદ્ધાંતો પર થવી જોઈએ. ખોટા સિદ્ધાંતોના સ્થાન પર આધુનિક ધ્વનિ – ધ્વનિતંત્રવિજ્ઞાન યા ભાષાવિજ્ઞાનમાં સ્થાપિત સિદ્ધાંતોની સ્પષ્ટ સમજ પ્રાપ્ત કરી ગુજરાતી ભાષાવિજ્ઞાન/ ધ્વનિ – ધ્વનિતંત્રવિજ્ઞાનનું નવેસરથી વૈજ્ઞાનિક અધ્યયન કરવાથી જ ગુજરાતીને જીવતદાન આપી વિકસિત કરી શકાશે. ગુજરાતી જોડણીના નિયમ પર વૈજ્ઞાનિક આધારે પુનઃવિચાર થવો જોઈએ. ઉચ્ચારણ પ્રમાણે લેખનની પદ્ધતિ દ્વારા ભાષામાં નિહિત નિયમોને શોધીને સ્થાપિત કરવાથી જ જોડણી નિયમોના પ્રશ્નને હમેશા માટે હલ કરી શકાશે. ગુજરાતી ધ્વનિ – ધ્વનિતંત્ર વિજ્ઞાનની વૈજ્ઞાનિક માહિતી આપતું પુસ્તક “ગુજરાતી ભાષાના અર્વાચીન ધ્વનિતી – ધ્વનિવિજ્ઞાનનું વૈજ્ઞાનિક અધ્યયન” જે અત્યારે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં પ્રકાશિત થઈ રહ્યું છે જેના લેખક : મગન પટેલ ભગીરથ બ્રહ્મભટ્ટ છે. આ પુસ્તકમાં ગુજરાતી ધ્વનિતી – ધ્વનિવિજ્ઞાનની વિસ્તારથી સમીક્ષા કરવામાં આવી છે. વધારે માહિતી માટે આ પુસ્તકનું અધ્યયન કરવું.