અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/વિવેચન એક જાત તપાસ – ‘A dialogue with self’ – ગુણવંત વ્યાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિવેચન એક જાત તપાસ – ‘A dialogue with self’
ગુણવંત વ્યાસ

આજે મારી સામે આપણા અધ્યાપન ક્ષેત્રની ઉજળી પરંપરાના સીમા સ્તંભરૂપ થોડા પૂર્વ અભ્યાસુ અધ્યાપક મિત્રો છે, થોડા મારા સમકાલીન સહ્રદય અધ્યાપક મિત્રો છે ને વિશેષ તો ઉગતી પ્રતિભાના આવિષ્કાર સમા ફૂલ્લિંગોથી ઉભરાતા નવોદિત અધ્યાપકો છે ત્યારે મારે થોડી મારા મનની વાત કરવી છે. એક અધ્યાપક હોવાને નાતે એ વાત તો મારી જ છે; પણ કંઈક એ આપણી પણ છે! અધ્યાપક હોવાના નાતે મારે તેમ તમારે પણ કૃતિ સમીક્ષાથી લઈને સૈદ્ધાંતિક વિવેચન સુધીના વિવિધ સ્તરોમાંથી નિયમિત પસાર થવાનું રહેતું હોય ત્યારે મારો આ વિચારલેખ કંઈક અંશે જરૂરથી ઉપયોગી બનશે. અહીં ઉપસ્થિત મોટાભાગના અધ્યાપકો પીએચ.ડી પદવી પ્રાપ્ત છે. કેટલાકનો અભ્યાસ ચાલી રહ્યો હશે. હવે તો અધ્યાપક માટે આ પદવી અનિવાર્ય બનતી જતી હોય, ને એ માટે બે સમીક્ષા અભ્યાસો પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ કરવાની પૂર્વ શરત પણ પળાતી હોય ત્યારે આવા સજ્જ સમૂહ સામે મારું આજનું મનોચિંતન કેટલું પ્રસ્તુત છે એ પ્રશ્ન થાય; પણ થોડા વર્ષોમાં થયેલા પીએચ.ડી સંશોધનો અને એ નિમિત્તે પ્રગટ લેખો સામે પણ અનેક પ્રશ્નો થયા હોય ત્યારે મારો આ જાત સાથેનો સંવાદ જરૂર સમયસરનો બની રહેશે. અત્યાર સુધીના મારા વાંચન-મનન-અધ્યયનમાંથી ઉદભવેલા વિચાર મંથનનો આ નવનીત છે. વિવેચનક્ષેત્રના મારા પૂર્વસુરીઓએ ઉભા કરેલા આદર્શોનો આ એક અંશ છે. આપણે આપણા આદર્શોનો આદર કરવાનું ચૂક્યા ત્યારથી અભ્યાસ ચૂક્યા છીએ એવું મને સતત લાગ્યું છે. અભ્યાસ ચુંકાતા નજીવું બની ગયેલું આપણું વિવેચન અવલોકન થોડી સક્રિય કલમોથી આજે ઓક્સિજન પર છે ત્યારે એને પુનર્જીવિત કરવા પૂર્વસૂરિઓના પ્રમાણિત વિચારો સિદ્ધાંતોને નવ્ય સમીક્ષકોમાં વાવવા પડશે; તો જ વિવેચન ફરી ધબકતું નરવું-ગરવું બની શકશે. ગુજરાતી ભાષા સાહિત્ય એટલા માટે ધન્ય છે કે એને જેટલા ઉમદા અને ઉત્કૃષ્ટ સર્જકો મળ્યા છે એટલા જ અધિકારી અભ્યાસુઓ મરમી મૂલ્યાંકનકારો અને સાક્ષર સંશોધકો મળ્યા છે. અર્વાચીનકાળના આરંભથી આજ સુધી સીમા સ્તંભરૂપ એવા સમર્થ સંશોધકો વિવેચકોએ સાહિત્યને તુલવી-મૂલવીને એના યથાર્થને વાચક આગળ મૂકી આપ્યો છે. આપણા પૂર્વસુરી વિવેચકોની તલસ્પર્શી અભ્યાસનિષ્ઠા ઉચ્ચકોટીની વિવિધતા અને તીક્ષણ સંશોધક દૃષ્ટિ આજે મારામાં કેટલી છે એ મારે જોવાનું છે. તથ્યોની પૂરી માવજત કર્યા પછી ઝીણવટ અને ચીવટભરી વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્જન પાસે જવાની મારી સજ્જતા છે? એ મારે મારી જાતને પૂછવાનું છે. આપણા પૂર્વસૂરિઓના વિવેચનમાં જે પ્રકારે ઊંડી અને વ્યાપક વિધ્વતાથી વિભૂષિત પર્યેષક બુદ્ધિનાં દર્શન થતાં હતાં એનો થોડો અંશ પણ મારા લખાણમાં જોવા મળે છે કે કેમ? એ મારે શોધવાનું છે. વિવેચકે પહેલા તો પોતાના જ લખાણનું વૈજ્ઞાનિક ચોક્કસાઈથી પરીક્ષણ કરવાનું છે. મારે મારા જ લખાણની શાસ્ત્રીયતા તપાસવાની છે. ખોટા અને આડંબરી પાંડીત્યથી દૂર થઈ સૌમ્ય ઉદાર અને વિવેકપરાયણ વૃત્તિ કેળવવાની છે. ઉતાવળિયા અને કાચા અભિપ્રાયોને ફરી તપાસીને સુધારી લેવા જેટલી નમ્રતા કેળવવાની છે. વિવેચકનો ધર્મ સમજ્યા વિના હું કઈ રીતે વિવેચન કરી શકું?! સહૃદયતા વિનાની વિવેચના વાંજણી છે. વિશ્વનાથ ભટ્ટની માન્યતાને મારે સ્વીકારવાની છે કે, ‘સાહિત્ય કૃતિના સૌંદર્યનું આકલન વિવેચક તર્કબુદ્ધિથી કે વિદ્વતાથી નહીં પણ પોતાની સહજોપલબ્ધિથી કરતો હોવાથી વિવેચનમાં નિકષસ્થાને બુદ્ધિ નહીં પણ ઊર્મિ હોય છે!’ ઉમાશંકર અભિપ્રેત જીવન સાપેક્ષ ધોરણનો પણ મારે સ્વીકાર કરવાનો છે. એ કહેતા કે, ‘કોઈ પણ રચના કાવ્યકૃતિ કલાકૃતિ છે કે કેમ તેનો નિર્ણય અલબત્ત કાવ્યકલાના ધોરણો માનદંડોથી જ થઈ શકે; પરંતુ એ રચના મહાન કલાકૃતિ છે કે કેમ તેની તપાસ, કસોટી અને નિર્ણય તો જીવન-સાપેક્ષ ધોરણો-માનદંડોથી જ થવાના.’ ભાવનાશીલ અને જીવનલક્ષી વિવેચના મારે ઉમાશંકર પાસેથી શીખવાની છે. આ જ વાતનું જાણે પરોક્ષ રીતે સમર્થન કરતા હોય તેમ નિરંજન ભગતે પણ ‘સ્વાધ્યાયલોક-૧’માં સવાસો વર્ષની ગુજરાતી કવિતાના મહત્વના સ્તંભો ચિંતતા ગુજરાતી કાવ્યવિવેચનની મર્યાદા ગાઈ: ‘કવિતામાં લય, કલ્પન, સંરચના આદિ વિચારો તો માત્ર તેના સાધનો છે. એ દ્વારા અને એ સાધનોની સંવાદિતા, સમતુલા અને સપ્રમાણતા દ્વારા કવિતાનું જે સાધ્ય છે, એટલે કે ક્ષણ માટે, ક્ષણાર્ધ માટે પણ જે રસસમૃદ્ધિ છે, જે સંપૂર્ણ સ્વાયત, સંવાદી અને સમૃદ્ધ જીવનનું દર્શન છે. એનું વિવેચન થયું નથી. મનુષ્ય જીવન અને વિશ્વના સંદર્ભમાં એક જીવનમૂલ્ય તરીકે કવિતાનું વિવેચન થયું નથી.’ નિરંજન ભગતની ફરિયાદ મારે કાને ધરવી પડશે. સાથેસાથે, મારે શુષ્ક વિવેચનાથી દૂર થઈ, વિજયરાય વૈધની જેમ તીખી અને પ્રહારાત્મક એવી વેગીલી વાણીમાં જમા-ઉધાર પાસાંને ચીંધી બતાવવાં પડશે. જરૂર પડે ત્યાં પ્રતિવાદ ને પ્રતિકાર કરીને પણ સાચાને સાચું ને ખોટાને ખોટું કહેવું પડશે. ઉભાપોહની આવશ્યકતા વર્તાય તો એ પણ કરી-કરાવી શકવાના સામર્થ્ય પછી પણ મારે હૃદયતા ચૂકવાની નથી. અનંતરાય રાવળની જેમ સહૃદયતા, સૌંદર્ય દ્રષ્ટિ અને વિદ્વતાના સમન્વયથી જ વિવેચન ન્યાયી અને સત્વશીલ બનશે એ સમજીશ તો જ મારા માટે વિવેચન એ અનંતરાય કથ્યો ‘ધરમનો કાંટો’ બની રહેશે! - આ સમયે મને અનંતરાય રાવળે લખેલો એક લેખ યાદ આવે છે એ લેખનું શીર્ષક હતું - ‘જોઈએ છે સાહિત્યવિવેચનનો સિદ્ધાંતગ્રંથ’! - આ ચીસ મને આજે સંભળાય છે! સમજાય છે કોઈને?! આજે આવો જ સાહિત્ય વિવેચનનો આદર્શ સિદ્ધાંતગ્રંથ અનિવાર્ય બન્યો છે. એ આપનાર એનો અધિકૃત મીમાંશક પછી ગાંધી ઢબે પહેલે જ પાને અધિકાર પૂર્વક એક અવતરણ ટાંકે કે, ‘હવે પછી કોઈને સ્વેચ્છાએ વિવેચન કરવાનો અધિકાર નથી (!)’ જોકે, ‘એ જરા જ્યાદા હો ગયા! તમે કહી શકો કે, ‘એ બાત કુછ હજમ નહીં હુઈ, સર!’ તો એના માટે હાજમોલા પાસે નહીં, પણ હાજરાહજૂર એવા રમણભાઈ નીલકંઠ, વિજયરાય વૈદ્ય, વિશ્વનાથ ભટ્ટ, વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી, રામપ્રસાદ બક્ષી જેવા સક્ષમ સાક્ષરો પાસે જવું પડશે. આ બધા ઉપરાંત મારે મારી ગરજે નવલરામ, નરસિંહરાવ, બ.કા. ઠાકોર ને નાન્હાલાલને વાંચવા પડશે. મારા લખાણમાં તાટસ્થ અને સ્થિરબુદ્ધિ લાવવા કે ઊંડાણ ને લાઘવ કેળવવા ઉમાશંકર-સુંદરમને સેવવા પડશે. રમણભાઈ નીલકંઠે પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનનો અભ્યાસ કરી વિવાદ કરવાની શક્તિ વિકસાવી. એમના કાવ્યતત્વ વિચાર અને સાહિત્ય વિચારના વિવેચનાત્મક લખાણોથી હું વિમુખ કેમ થઈ શકું? અંગ્રેજી સાહિત્યનું બહુ વાંચન કરીને વિવેચનને સર્જનલક્ષી બનાવનાર વિજયરાય વૈધની કૌતુકરાગી વિવેચનામાં જોવા મળતો રંગદર્શિતા અને સંસ્કાર ગ્રહિતાનો ગુણ હું કેમ વિસરું? અર્વાચીન વિવેચન કલાના આદ્ય દ્રષ્ટા (વિશ્વનાથ ભટ્ટના શબ્દો) ગણાયેલા વિજયરાય વૈદ્યએ પાંચસોએક કે હજારેક શબ્દોમાં કરેલા સર્જકના અંગત પરિચયો, સાહિત્યવિવેચનની ચર્ચાઓ, સમકાલીન સાહિત્યિક ઘટનાઓની નોંધો વગેરેને મારે વાંચવા પડે. વિજયરાય વૈદ્યની સાથે જ કૌતુકરાગી વિવેચનનો લાક્ષણિક પરિચય કરાવનાર વિશ્વનાથ ભટ્ટના ‘વિવેચનનો આદર્શ’, ‘વિવેચનની અગત્ય’, ‘વિવેચકની સર્જકતા’, ‘વિવેચનની પવિત્રતા’ જેવા સૈદ્ધાંતિક વિવેચનલેખોના અભ્યાસ વિના અમે લખીએ તો લખીએ પણ શું?! એ માટે મારે ઊર્મિલક્ષી સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે! એકપક્ષી મતાગ્રહમાં પરિણમતા વિવેચનની માનસિકતા સામે વિવાદ પણ છેડવો પડે ને જરૂર પડે વાટકી વ્યવહારનો પણ વિરોધ કરવો પડે! વિશ્વનાથ ભટ્ટનો ‘વિવેચનની પવિત્રતા’ લેખ વાંચો - બધું સમજાઇ જશે! વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પણ આજે ધારાના-ઉર્મિશિલ સૌંદર્ય લક્ષીતાના - વિવેચક એ માનતા કે ‘ઉત્તમ કૃતિના પરિશિલનથી રુચિ ઘડાયેલી હોય એવી આંતરિક સજ્જતા જ વિવેચક માટે પર્યાપ્ત છે.’ વિવેચન પાંડિત્યના ભારથી લદાયેલું નહીં, પણ કલાકૃતિના સાક્ષાત અનુભવના આનંદથી ધબકતું હોવું જોઈએ. ભાવકની અને એ નિમિત્તે ભાષકોની રસવૃતીના ઘડતરમાં અને સાંસ્કૃતિક મૂલ્યબોધમાં વિવેચકનું કર્તવ્ય છે એમ સ્પષ્ટપણે એ માને છે. રામપ્રસાદ બક્ષીએ આધુનિક વિવેચનની સંજ્ઞાઓથી આપણને પરિચિત કરાવ્યા. સંસ્કૃત કાવ્યમીમાંસાનો ઊંડો પરિચય કરાવ્યો. નાટ્યશાસ્ત્રના અનેક તત્વોનું પૃથ્થકરણ કરીને રસના વિવિધ પ્રકારોની ઝીણવટભરી તપાસ કરી. અર્વાચીન કાળના ઉગમકાળે નવલરામ જેવા વિવેચક આપણને મળ્યા હોય ત્યારે સંસ્કૃત સાહિત્યના આ અભ્યાસુના ‘કાવ્યશાસ્ત્ર સંબંધી વિચારો’ને મારે જાણવા પડે. નરસિંહરાવ દિવેટિયાને મારે એટલા માટે વાંચવા જોઈએ કે મારામાં સત્યાગ્રહી વલણ વિકસે; સમતોલ દ્રષ્ટિ ખુલે ને પ્રતિપક્ષીનેય ન્યાય મળે! બ.કા. ઠાકોરના સૈદ્ધાંતિક મુદ્દાઓ પરના વ્યાખ્યાનો મારી વિવેચકીય સમજને માંજે; ‘સિમ્પલ’નો અર્થ ‘સરળ’ પણ સુસ્પષ્ટ થાય એ મને બ.કા.ઠા. જ શીખવાડે! નવીન કવિતા વિશેની એમની સમજને સમજતો જઈને હું મારી સમજને ઘડું! નાન્હાલાલના વક્તવ્યોના સંપાદનોમાંથી પસાર થતાં મને શાસ્ત્રીયતા, ઊંડાણ, પૃથ્થકરણના ખરા અર્થો સમજાય! નાન્હાલાલને હું એટલે ચાહું કે એમને વક્તા તરીકે મળતા નિમંત્રણોમાંથી એ અમુક નો જ સ્વીકાર કરતા તોયે એમના અસંખ્ય વ્યાખ્યાનો નોંધાય! વ્યાખ્યાન માટે ઓછામાં ઓછી એક મહિનાની તૈયારીનો એમનો આગ્રહ અને વિષય પર સજ થયા પછી જ વક્તવ્ય આપવાનો એમનો નિર્ણય ઉપરાંત, લેખ તૈયાર કરીને સાથે જ લઈ જવાની એમની શિસ્ત જોઈને મને ‘વારી જાઉં રે..’ ગાવાનું મન થાય! ઉમાશંકરની મને ચીવટ ને લગન ગમે. વિવેચનની સમજ ગમે; ને વિશેષ ગમે એમના વિવેચનગ્રંથોના માર્મિક શીર્ષકો! એમનો માનવતાવાદી અભિગમ અને ભાવનાશીલ હૃદય એમને જીવનવાદી વિવેચક તરીકે ઓળખાવે! તો સંદર્ભનીનિષ્ઠા તાટસ્થ્ય, અભ્યાસશીલતા અને રસદ્રષ્ટિ મને પ્રભાવીત કરે. એમના ‘અર્વાચીન કવિતા’માંથી પસાર થતા તો દિલ બાંગબાં હો જાયે! આ ગ્રંથના પ્રારંભે લખેલા શબ્દો તો મને આજે ય ઘણા-ઘણા સંદર્ભે અનુભવાતા ને સાચા પડતા જણાય! એ લખે: ‘અર્વાચીન ગુજરાતી કવિતા વિશે હું લગભગ જાણતો હતો, તેવો મારો ખ્યાલ એ વિષય વાંચવાનો શરૂ કરતા તરત જ ખોટો નીવડ્યો. મેં જોયું કે પોતાને ગુજરાતી કવિતાનો અભ્યાસી ગણતો માણસ મોટે ભાગે આપણા મોટા મોટા કવિઓના ધોરી રસ્તા પર જ ચાલે છે. એ રસ્તાની સાથે આવી મળતા અનેક નાના મોટા રસ્તાઓ અને ગલી ફૂંચીઓનો અને એમાંની રસસંપત્તિનો ખ્યાલ તેને નહીં જેવો હોય છે.’ શું સુંદરમે સ્વીકારી એવી પોતાની મર્યાદા આજે કોઈ સ્વીકારશે? શું આ સ્તરની નિખાલસતા ક્યાંય જોવા મળે છે? હું ચૂપ કેમ છું? કેમ કંઈ બોલતો નથી? શું મારામાં વિજયરાય વૈદ્ય જેવી શક્તિ અને હિંમત છે કે જેમણે એમની વિવેચન કારકિર્દીના પ્રારંભે જ રમણભાઈ નીલકંઠના સાહિત્ય પરિષદના અધ્યક્ષીય પ્રવચનની આકરી ટીકા કરેલી તેમ હુંય એવી નિર્ભયિતતા સાથે સત્યનો કડક આગ્રહી બની શકું છું? જહાંગીર એદલજી સંજણાની જેમ કોઈનીયે શેહશરમ રાખ્યા વિના કરાલને રોદ્ર બની શકું? ‘શ્યામ રંગ સમીપેન જાઉં’ એવી અસ્પૃશ્યતા અહીં નહીં જ ચાલે! એની સમીપ જઈને શ્યામ રંગ દેખવાનું અને દેખાડવાનું કર્તુત્વ તો વિવેચકનું હોવું ઘટે. રૌદ્ર નહીં તોયે સૌમ્ય ટીકા તો આવશ્યક ખરી જ! એ માટે મારે રમણભાઈ નીલકંઠ જેવી વિવાદ કરવાની પ્રબળ ને પ્રખર શક્તિ વિકસાવવી પડે; કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોનો આગ્રહ સ્વીકારવો પડે! હા, એ આગ્રહ ભૃગુરાય અંજારિયા જેવો અને જેટલો આત્યંતિક ન બની જાય કે મારી હયાતીમાં હું એને પ્રગટ ન કરી શકું! ભૃગુરાય પૂર્ણતાના એવા તો આગ્રહી હતા કે એમણે એમના ‘કાન્ત’ અને ‘કલાન્ત કવિ’ જેવા ઘણા ઉત્તમ વિવેચન લેખો એમની હયાતીમાં ગ્રંથસ્થ ન જ કર્યા! જે પછીથી જયંત કોઠારી અને સુધા અંજારિયા દ્વારા મરણોત્તર પ્રકાશન પામ્યા! જોકે, ભૃગુરાય અંજારિયાનો એક ગુણ તો મારે સંશોધન દરમિયાન જરૂર કેળવવો રહ્યો કે સંશોધન દરમિયાન થતી જતી વિશેષ સ્વાધ્યાય નોંધોને સ્વતંત્ર લેખ કે પુસ્તક રૂપે મૂકી શકાય! યાદ રહે: ભૃગુરાયે ‘કાન્ત’ વિશેના એમના પીએચ.ડી સંશોધન નિમિત્તે થતી જતી એવી નોંધો પછીથી ‘કાન્ત: સાલવારી’, ‘કાન્તના કાવ્યોની આનુપૂર્વા કે ‘કાન્તના જીવન અંગેની મુલાકાત નોંધો’ જેવાં શીર્ષકોથી પ્રગટ થઈ! જહાંગીર એદલજી સંજણાએ તો બાલાશંકર કંથારીયા વિશે ‘ક્લાન્ત કવિ કે કલાન્ત કવિ’ (૧૯૯૯) પુસ્તક પ્રગટ કરીને જબરો ઉહાપોહ સર્જો હતો અને ‘ગીતિ’ની ચર્ચામાં નરસિંહરાવને પણ હંફાવ્યા હતા! એમના યાદગાર પુસ્તક ‘અનાર્યનાં અડપલાં’ અને એમાંય ખાસ તો ‘સાહિત્યનું ધ્યેય’ આજના ઊગતા અધ્યાપકો-સમીક્ષકો-વિવેચકોએ ખાસ વાંચવા જોઈએ; ને એમાંથી શું લખવું ની સાથે શું ન લખવું - ની પણ સમજ કેળવવી જોઈએ! તો અધ્યાપકે-અભ્યાસુએ ચંદ્રવદન ચી. મહેતાના અલગારી સ્વભાવથી પણ દૂર રહેવું જોઈએ. શાસ્ત્રીયતા વગરનું અરુઢ અભિગમથી એમણે કરેલું વિવેચન કેટલું ગ્રાહ્ય-અગ્રાહ્ય છે એ તપાસીએ તો જ મારી સમજ સ્પષ્ટ થશે. એમાં મને વૈવ્યક્તિક ઉષ્મા તો જણાય જ છે, પણ આત્મલક્ષી રાગીયતાના અંશો પણ દેખાય છે! વિવેચક તરીકે હું મારી જાતને ઢંઢોળું છું! મારામાં તલાવગ્રાહી અભ્યાસનિષ્ઠા કેટલી છે એ મેં જોયું જ નથી. સત્યનિષ્ઠ હું કેટલો છું કે મારામાં તટસ્થ કેટલું છે એ મેં તપાસ્યું જ નથી! સુશ્લિષ્ટતાના અભાવયુક્ત, કૃતિનું ખંડ દર્શન કરાવતો એકપક્ષીય મારો અભિનિવેશ ક્યાંક મને વાગમિતામાં તો નથી દોરતો ને?! સમ્યક દ્રષ્ટિ સાથેનું પ્રયોગશીલ વલણ મારા લખાણને રસલક્ષી અને મર્મદર્શી બનાવશે. આસ્વાદલક્ષી લખાણ પણ સઘન, મૌલિક અને શાસ્ત્રીય બનવું જોઈશે. તેજસ્વી અને મૌલિક અર્થઘટનનો જ મને તારશે; અને શાસ્ત્રીય અભિગમયુક્ત અભ્યાસ જ એને દીર્ઘજીવી બનાવશે એ સત્ય છે. મારે સંસ્કૃત નાટકોનો અભ્યાસ કરવો હશે તો મારે ડોલનરાય માંકડ પાસે જવું પડશે. મારે અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રારંભિક ભૂમિકા સમજવી હશે તો મારે જહાંગીર એદલજીને વાંચવા પડશે. મારે કાવ્યશાસ્ત્ર સંબંધી વિચારો જાણવા હશે તો મારે આપણા આદિવવેચક નવલરામને સેવવા પડશે. નાન્હાલાલ વિશે અભ્યાસ કરતો હું અનંતરાય રાવળને કેમ વિચરી શકું? ગ્રંથસમીક્ષા, કૃતિસમીક્ષા કે પ્રત્યક્ષ વિવેચન માટે મારો આજનો આદર્શ સુરેશ જોશી હોવા છતાં મારે મણીલાલ દ્વિવેદીના એકધારા તેર વર્ષના તપ સમી ગ્રંથસમીક્ષાની નોંધ લેવી પડશે. હીરાલાલ પારેખના ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલા અવલોકનોના સંગ્રહોની શ્રેણી ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના આઠ ભાગોનું આકલન કરવું પડશે. સુન્દરમના ‘અવલોકના’માંથી પસાર થવું પડશે, અને ડોલનરાયના ‘નૈવેદ્ય’ ને રમણભાઈ નીલકંઠના ‘જૂઈ અને કેતકી’નું પરિશીલન કરવું પડશે. ગીજુભાઈ બધેકાએ બે ભાગમાં આપેલ ‘વાર્તાનું શાસ્ત્ર’ તો મેં જોયું જ નથી અને હું વાર્તા-વિવેચન કરું છું! તુલનાત્મક અભ્યાસ દરમિયાન હું કેમ્બ્રિજ યુનિ. પ્રાપ્ત બી.એ. પદવી પ્રાપ્ત, જર્મનની વુતર્સબર્ગ યુનિ.ની પીએચ.ડી પદવી પ્રાપ્ત અને બનારસ સેન્ટ્રલ હિન્દુ કૉલેજના અંગ્રેજીના અધ્યાપક એરચ જહાંગીર તારાપોરવાળાને તો યાદ જ કરતો નથી! મારે દયારામના અભ્યાસ સમયે શંકરપ્રસાદ છગનલાલ રાવળે તૈયાર કરેલું ‘દયારામનું જીવનચરિત્ર’ સામે રાખવું પડશે. ભાલણ, ઉદ્ધવ અને ભીમના અભ્યાસ પૂર્વે રામલાલ ચુનીલાલ મોદીને વાંચવા પડશે. આખાના અભ્યાસ ટાણે ઉમાશંકરના અભ્યાસને ન જ ભૂલું તો મારું અધ્યાપક હોવું સાર્થક ગણાશે. સમયના પ્રવાહે આપણે આપણા પૂર્વસૂરિઓના અપૂર્વ અભ્યાસો, સંશોધનો, મૂલ્યાંકનોથી દૂર જઈ રહ્યા છીએ ત્યારે ફરી એનું સ્મરણ કરી નર્મદકથ્યું ‘ભૂલ્યા ત્યાંથી ફરી ગણો, ભાઈ! ભૂલ્યા ત્યાંથી ફરી’ - ને સ્વીકારીએ ને આવાં અમૂલાં કામોને પુનઃમુદ્રિત કરી, કાં તો ડિઝીલાઇઝેશન કરીને સાચવી લઈએ તો કદાચ આવનારી પેઢી આપણને માફ કરશે; નહીં તો…

તા. ૨૮-૦૨-૨૦૨૩ મંગળવાર
આણંદ આર્ટસ કોલેજ, મો. ૯૪૨૬૩૧૭૯૧૩ આણંદ