અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/લોકપ્રિય અને લોકપ્રિયનું કાવ્યશાસ્ત્ર – નીતા ભગત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લોકપ્રિય અને લોકપ્રિયનું કાવ્યશાસ્ત્ર
નીતા ભગત

આપણે જયારે સાહિત્ય કે કળા એમ કહીએ છીએ ત્યારે આપણા મનમાં મોટા ભાગે તો શિષ્ટ સાહિત્ય કે શિસ્ટ કળા અભિપ્રેત હોય છે. સર્જકની ચેતના એના વિચારવિશ્વ, સંવેદનાવિશ્વ, ભાવવિશ્વ કે ભાષાવિશ્વનું એવું રસાયન સિદ્ધ કરે છે જેમાંથી એક રસકીય સત્તાનું નિર્માણ થાય છે. આ સત્તા નિર્માણમાં સર્જકે પોતાને અભિપ્રેત એવા કલ્પના, વ્યંજના, સૌંદર્ય, મૂર્તતા વગેરેના અનેક અવકાશો રચ્યાં હોય છે. સહૃદય ભાવક આ અવકાશોમાં પ્રવેશીને કૃતિના ભાસ્કાર્યોને ઉકેલે છે. કળાકારની સર્જનયાત્રાના અનેક પડાવોને તે સમજે-પામે છે કે તેને પામવાની મથામણ કરે છે અને તેનાં સ્વકીય સંકેતવિશ્વોને તે અવગત કરાવતો જાય છે. ભાવ-ભાષા-રસની સંકુલતા વિવિધ રચના રિતિઓની સાભિપ્રાયતા, માધ્યમની તરેહ-તરેહની ગુંજાઈશ, એ દ્વારા સિદ્ધ થતી અર્થપૂર્ણતા અને કળાત્મકતા કળા અને જીવનનું સાયુજ્ય, પરંપરાગત અને નવ્યતાનો અન્વય વિવિધ ભાષાભંગિમાઓ, વિધવિધ રસોનું વિશ્વ, નાનાવિધ મુલ્યોની ગૂંથણી ઇત્યાદી અનેક પરિમાણોનો ભાવબોધ આ શિષ્ટ સાહિત્ય-કળાના જગતમાં આપણને થાય છે. એ ઘટકોનું એકત્વ નિતાન્ત સૌંદર્યનું વાચક બનતું જણાય છે. ઘણી વાર આવી કૃતિના બીજા છેડાઓ અન્ય કૃતિ સાથે જોડાય છે અને સહજ રીતે પોતાનો વ્યાપ ધારણ કરે છે, અને પોતાનું વિશેષ મૂલ્ય પ્રકટ કરે છે અને એમ કાળના પ્રવાહમાં એ પોતાની ઓળખ ટકાવી રાખે છે. શિષ્ટ સાહિત્યની આપણી આવી દીર્ઘપરંપરામાં કેટલીક કૃતિઓએ સમયે-સમયે જનચેતનાને વધુ પ્રભાવિત કર્યાંનાં દ્રષ્ટાંતો મળ્યાં છે. નરસિંહ – મીરાંબાઈ – પ્રેમાનંદ – શામળ – દયારામની રચનાઓનું અહી સહજ સ્મરણ થવાનું. એ સમયની જાગતિક – સાહિત્યિક – રાજકીય પરિસ્થિતિઓ તેમજ મોખિક પરંપરાનાસંદર્ભે આપણે તેમને અવલોકીએ છીએ. ધીરાનાં પદો વાંસની ભૂંગળીમાં વહેતા મુકાતા, પ્રજા પોતાની રીતે તેને મેળવી લેતી. દલપતરામ – નર્મદ – ગોવર્ધનરામ – કાન્ત – કલાપી – ઉમાશંકર જોશી – સુન્દરમ્ – વગેરે તરત આપણા સ્મૃતિપટ ઉપર અંકાવાના.એમનો સંદર્ભ અલબત્ત,મધ્યકાલીન ધારા કરતાં જુદો છે. કાલિદાસ – ભવભૂતિ – ભાસ, શરદબાબૂ – બંકિમબાબૂ – શેક્સપિયર – મિલ્ટન વગેરેનો આ યાદીમાં સમાવેશ કરી શકાય. મૌખિક અને મુદ્રિત પરંપરાનાં આ સર્જનોને જે-તે સમયની પ્રજાએ આવકાર્યાં – વધાવ્યાં અને તેઓ લોક હૈયામાં ચિરકાળ સુધી જીવંત રહ્યાં છે. જે-તે સમયના લોકે આ સાહિત્યને જિવાડ્યું છે એમાંનાં શાશ્વત મૂલ્યો અને તેઓને સ્પર્શી જાય એવી જીવનરીતિની નિરૂપણરિતિથી. વહેતા સમયપ્રવાહની સાથે અનેક વૈશ્વિક પ્રસ્ફુરણો અને પરિપ્રેક્ષ્યોએ માનવચેતનાને પ્રભાવિત કરી છે. બે વિશ્વ યુદ્ધોત્તર સમયગાળો, વિજ્ઞાન-ટેકનોલોજીનો ઝડપી વિકાસ અને માનવજીવનમાં તેનો અરવપદે થયેલો ત્વરિત પ્રવેશ સામાન્ય જનથી માંડીને કળાકાર – સહુને એ વિશે વિચારવા તકાજો કરે છે. વિશ્વ ત્યારે કલ્પનાનાં અવનવાં રૂપો ધારીને પ્રગટ થતું નહોતું. એક ગામડાંરૂપે તે આપણને પ્રત્યક્ષ થવા માંડ્યું. આ વૈશ્વિકીકરણનો ઝડપભેર ફૂંકાતો પવન પોતાની સાથે ઘણાં આશ્ચર્યલોક લેતો આવ્યો. આદર્શપ્રિયતા, શિષ્ટતા, યુદ્ધગ્રસ્તતા કે એકવિધતાની નાગચૂડમાં જકડાયેલા માણસને સરૂઆતમાં થોડું ધૂંધળું- ધૂંધળું લાગ્યું. પરંતુ જીવનની વાસ્તવિકતાઓને નવી રીતે જોવા-જાણવાની તેના માટે અનુકૂળતા ઊભી થઈ તેમાં સભાન-અભાનપણે એ તે તરફ ઢળવા લાગ્યો. ૧૯૬૦માં સુઝાન સોન્ટેગ તેમના લેખ Against Interpretationમાં પોતાની ચર્ચામાં જેને New Sensibility – નવ્ય સંવેદનજન્યતા તરીકે ઓળખાવે છે તેની સાથે આ માનવીનો મુકાબલો શરૂ થઈ ચૂક્યો હતો. તે સમયના વર્ગવિશેષ પર આ લોકપ્રિયનો – નવ્ય સંવેદનજન્યતાનો સીધો પ્રભાવ પડ્યો. શિષ્ટ તરફથી લોકપ્રિયતા પ્રતિનું આ પ્રયાણ. આ સંવેદનજન્યતાએ આધુનિકતાવાદના સાંસ્કૃતિક સાદઅંશોનો નકાર કર્યો. એક નવા ભૂપ્રદેશની રચના થઈ જેમાં અનેક પ્રકારનાં પરિવર્તનોની શક્તાઓનો સમાવેશ થયો, કેમ કે ૧૯૬૦ની આસપાસ વિશ્વમાં બૌદ્ધિકોએ આ પરિસ્થિતિ ઉપરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. લોકપ્રિયતાના પ્રથમ વિચારક તરીકે ઓળખાતા લોરેન્સ એેલોવના મતે અહીં એક વિશિષ્ટ પ્રકારની નગરચેતનાનું ગ્રથન સમૂહ દ્વારા થાય છે. તેમાં ફિલ્મો, જાહેરાતો, વિજ્ઞાનકથાઓ, લોકપ્રિય સંગીત વગેરેનો સમાવેશ થાય છે. મોટા ભાગના બૌદ્ધિકોએ આ પ્રકારની નવી વ્યાપારી સંસ્કૃતિ પ્રત્યે પોતાનો અણગમો દર્શાવ્યો નથી. ઊલટાનું તેમણે એને આવકારીને એના વિશે વિગતે ચર્ચાઓ કરી છે. બહુ ઉત્સાહપૂર્વક એનો ઉપયોગ કરવા માંડ્યો હતો. એક રીતે પ્રજાની બદલાતી જતી સંવેદનાનું તેમાં પ્રતિબિંબ ઝિલાયું છે. અહીં જોઈ શકાશે કે આ પરિવર્તનમાં હાશકારો છે, મુક્તિ છે અને તેનો સહજરૂપે થયેલો સ્વીકાર છે. આ ભાલણ-શામળ સામેનો ‘મુગ્ધરસિક’ નથી, શિષ્ટ અને મધ્યમ વર્ગ છે આ તો. શિષ્ટસાહિત્ય અને લોકપ્રિય સાહિત્ય વિશે આટલી પ્રારંભિક વાત કર્યાં પછી હવે આ લોકપ્રિય શું છે અને એનાં કાવ્યશાસ્ત્રનાં મહત્તવનાં ગૃહીતો શાં છે તે જોઈએ. વૈશ્વિકીકારણ અને ટેકનોલોજીના પ્રભાવ હેઠળ પાંગરતી લોકપ્રિયની આ વિભાવના પાયામાં રાજકારણ, સમાજકારણ, અર્થકારણ વગેરે રહેલાં છે. ઉપર જોયું તેમ, બૌદ્ધિકોએ એનો વિરોધ કરવાને બદલે એને આવકાર આપ્યો એ ઘટના મહત્તવની પુરવાર થઈ. ઝ્યાંફ્રાન્કોઈઝ લ્યોતાર્ આને જ્ઞાનના ક્ષેત્રમાં પ્રવર્તતી કટોકટીરૂપે જોવા પ્રેરાયા છે. તેઓ બૌદ્ધિકોના નિષેધાત્મક heroism અંગે પૂરેપૂરા સભાન હતા. બીજી બાજુ સ્ટીવન કોન્નોર લ્યોતરના આ પરીક્ષણને છદ્મી રૂપકગ્રંથિ રૂપે જુએ છે. અહી ઘણાં પરસ્પરવિરોધી અને અંતિમવાદી વલણો જોઈ શકાય છે. કટલાકને લોકપ્રિય એ ઉચ્ચ આધુનિકતાવાદની કેટલીક ચોક્કસતા સામેનો એક પેઢીનો વિરોધ જણાય છે. કેટલાકને શિષ્ટ અને લોકપ્રિય વચ્ચે આ રીતે જોવાતો ભેદ જૂની પેઢીનો નિરર્થક વિચાર જણાય છે. કેટલાકને એ બૌદ્ધિકોની એક નવા પ્રકારની પેઢી જેવો એ લાગે છે. આ પ્રકારની ચર્ચા-વિચારણામાંથી પસાર થઈએ છીએ ત્યારે એમાંથી એક વાત એ સ્પસ્ટ થાય છે કે આ બન્ને તત્ત્વોનું ઉદભવસ્થાન તો એક જ છે. તે છે માનવી - અર્થાત્ પ્રજાસમૂહ. આ બન્ને એકસાથે જીવે છે અર્થાત્ તે સહજીવીરૂપે રહે છે. એમાં કેટલુંક સામ્ય જણાય છે અને થોડીક ભિન્નતા પણ એમાં રહેલી છે. જીવનની વાસ્તવિકતાઓનો પરિચય આપણને આ બંને દ્વારા જ નજીકથી થાય છે. માણસનાં વિચાર-વાણી-વર્તન, એના સામાજિક સબંધો, સાંસ્કૃતિક વલણો, એમના ભાવ-ભાવનાઓ વગેરે વડે રચાતું આવતું આ વાસ્તવ અગાઉનાં ક્ષેત્રોના ઉચ્છેદનું પ્રવેશદ્વાર બને છે એવું ઈવાન ચેમ્બર્સનું માનવું છે. ઉચ્છેદ ન કહીએ તોપણ આ એક ફાંટો તો છે જ. નવ્ય સંવેદનજન્યતા અથવા આ વાસ્તવને આપણા રોજબરોજના જિવતા જીવન સાથે સીધો સબંધ છે. એ સમૂહ સાથે સંલગ્ન છે. આ સમૂહ અર્થાત્ જનસમાજ. આ જનસમૂહનું મનોરંજન કરવું એ એનું ધ્યય છે. નગરજીવન સાથે એ વધુ નિકટતા દાખવે છે. આવું લોકપ્રિય સાહિત્ય શિષ્ટ, ઉચ્ચ, બહુપરિમાણી સાહિત્યને કે સંવેદનાના વિમર્શને નકારે છે. પરંપરાગત ભાવન અને રસતત્ત્વના ઘટકોથી પોતાને લગભગ અળગું રાખે છે. પોતાની આગવી સાંપ્રદાયિકતાનું એ નિર્માણ કરે છે. નવા વિચારો અને અવનવી માહિતી પીરસવાની વૃતિ જ મુખ્યત્વે એના કેન્દ્રમાં છે. કળા તત્ત્વ કે વ્યંજક્તાનો પ્રશ્ન ત્યાં ગૌણ બની રહે છે. આ સમૂહ સંસ્કૃતિ – સમૂહ માધ્યમો, વિજાણું માધ્યમો જેવાં કે વર્તમાનપત્રો, ટેલિવિઝન, એફ. એમ. રેડયો, સિનેમા, વ્યવસાયી રંગભૂમિ, જાહેરાતોનું વિશ્વ, ઇન્ટરનેટ, યૂટ્યુબ વગેરે કોમિક્સ, સ્ટેશનના બુકસ્ટોલ અને બસસ્ટેશન તથા એરપોર્ટના બુકસ્ટોલ પર વેચાતી ભાતભાતની નવલકથાઓ, અનેક પ્રકારના સંગીતની સીડી, રિ-મિક્સ, ફ્યુઝન ગીતો, ઓપ, પોપગીતો, રેપ સંગીત,જાઝ સંગીત, વિજ્ઞાનકથા, સાહસકથા, ભૂતકથા, રોમાંચકથા, જાસુસકથા, રહસ્યકથા, સનસનીખેજ કથાઓ, અતિશૃંગારી કથાઓ જાતીયતા – હિંસા વગેરે યુક્ત કથાઓ, મુશાયરાઓ, કવિસંમેલનો, કૉલેજોમાં વિવિધ ડેની થતી ઉજવણી, ફનફેર વગેરે વગેરે દ્વારા સમૂહનું નિર્ભાર રહી મનોરંજન (Entertainment) કરવું એવી નેમ સાથે પોતાની આગવી સાંપ્રદયિક્તાનું વિશ્વ અહીં રચાય છે. એ દ્વારા બજાર, સાંસ્કૃતિક ગ્રાહકવાદ, મૂળીવાદના અવનવાં અર્થક્ષેત્રો રચાય છે. કહો કે આગવી મનોરંજક સંસ્કૃતિની રચના થાય છે. હાંસિયામાં ધકેલાયેલાઓના અવાજો, નવા ઊભરતા અવાજો કોબેના મર્સર કહે છે તેમ હાંસિયામાંથી સરકીને, બહાર નીકળીને કેટલીક નિશ્ચિતતાઓ અને સર્વસ્વીકૃત સત્યોને એના સ્થાનેથી દૂર હડસેલીને, પોતાના વસ્તવમાં એને ઢાળીને જોવા-સમજવાના નવા માર્ગો તેઓ અપનાવે છે. વસ્તવ અહીં સવાયા વાસ્તવ રૂપે – even better than the real thing-રૂપે અનુભવાય છે. ઝ્યાં બોદ્રિલાર્દ આથી જ આવા વાસ્તવને Hyperrealism - અતિવાસ્તવિકતા જોવા પ્રેરાયા છે. આ વાસ્તવના અંશો સર્વત્ર પથરાયેલા જોવા મળે છે. આ સમૂહમાધ્યમો અને બજાર બંને આ સંસ્કૃતિનાં નિર્ણાયક જનસ્થાનો છે. આપણા સમયના બધા પ્રકારના સમજો અને સ્વયં પોતાની અંદર ઝડપથી પરિવર્તન લાવતા વિષયો પર દ્રષ્ટિપાત કરીએ તો જણાશે કે એક તરફ વૈશ્વિકીકારણનો પ્રભાવ અને બીજી બાજુ રાષ્ટ્રવાદ માટેના દુરાગ્રહમાંથી રચાતી સાંસ્કૃતિક રાજનીતિ ઉભોક્તાવાદી – ગ્રાહકવાદી અથવા લોકપ્રિય સંસ્કૃતિનું માળખું રચે છે. આપણે ઉપર જોયું તેમ માધ્યમોનું એમાં ભારોભાર વર્ચસ્ રહ્યું છે. હવે કોઈ પણ મધ્યમ પર દ્રષ્ટીપાત કરીશું તો તેમાં સ્થાનીયતાનાં તત્ત્વોને સ્થાને વૈશ્વિક સ્પંદો વધુ ઝીલાયેલા અનુભવાશે. સમૂહમાધ્યમો, બજાર, ગ્રાહકવાદ – આ ત્રણે દ્વારા ગ્લોબલનું નવું સત્ય આ રીતે ઊભરીને આવે છે. આ સત્ય વધુ ને વધુ પ્રસર્યું છે. વધુ ને વધુ તેનો પ્રભાવ પાથરતું રહ્યું છે અને યુવાજગત સમેત સૌને વધુ ને વધુ ગમતું રહ્યું છે. ટેકનોલોજીથી સહુથી વધુ પ્રભાવિત થનાર આ સત્ય કેવી કેવી રીતે ઉજાગર થતું આવે છે તે જોવું રસપ્રદ બને તેમ છે. ગઈ સદીના ઉત્તરાર્ધમાં અન્ય દેશોની યુનિવર્સિટીઓની જેમ ભારતની અમુક યુનિવર્સિટીઓમાં ઈવેન્ટ મેનેજમેન્ટના મહત્તવના ઘટકરૂપે લોકપ્રિય સાહિત્યને અભ્યાસનો વિષય બનાવવામાં આવ્યો. તેથી કેટલાકને આંનદ થયો. વિદ્યાર્થી શુદ્ધ કળાના – સાહિત્યના ચોક્કસ અને શુષ્ક અભ્યાસમાંથી બહાર નીકળીને આ જગતમાં, પોતાના સમયમાં જે કંઈ ચાલી રહ્યું છે તેને તથા પોતાની આસપાસના વિશ્વને સમજી શકાશે એવા હેતુ સાથે કેટલાક તેનો સહર્ષ સ્વીકાર કરે છે. અગાઉ જોયું છે તેમ લોકપ્રિય સાહિત્યકાર નવા નવા વિષયો અને વિધવિધ માહિતીસભર લખાણ દ્વારા હળવું મનોરંજન પીરસે છે. પોતાની વાતને અપૂર્વ રીતે કે અસામાન્ય શૈલીમાં આલેખવાને બદલે તે સીધી, સરળ શૈલીમાં લોકમાનસને પોષક કે ગમતી એવી શૈલીમાં પોતાની વાત મૂકે છે. પુનરાવર્તન થાય તો એને એ માટે વાંધો નથી. એ કોઈ માનસિક અથવા બૌદ્ધિક વ્યાયામમાં પડવાને બદલે વાચકોનું કુતૂહલ વધે, તેને ત્વરિત આનદ મળે, મન હળવું થાય એ પ્રકારનું સાહિત્ય આપે છે. કહો કે એ escapeનો એક છેડો છે. પોતાની રચના બહુપરીમાણી કે અનેકાર્થી ન બને તો એનો એને રંજ નથી. એ રીતિ-અભિવ્યક્તિ ભિન્ન ભિન્ન તરાહોની શોધ માટે તત્પર હોતો નથી. વાચકની રુચીને સંતોષે એ જ એનો ઉપક્રમ હોય છે. જરૂર જણાય ત્યાં એ શિષ્ટ સાહિત્યની પોતાને અનુકૂળ એવી થોડીક રીતિઓનું અનુકરણ કરવા પ્રેરાય છે. આ સાહિત્ય સંકુલતાને બદલે પ્રકટતાયુક્ત (Exposing) બને એ માટેના તરીકાઓ તે અપનાવે છે. ફ્રેડરિક જેમ્નસ કહે છે તેમ મ્હોરું પહેરીને બોલવા જેવી આ વાત છે. કાલગ્રસ્ત કે મૃત:પ્રાય બની ગઈ હોય તેવી અથવા ચર્વિતચર્વણ શૈલીઓ હોય તો તેને અપનાવવાનો તેને છોછ નથી હોતો. નવી સ્ફૂર્તિલી સર્જનાત્મકતાને સ્થાને અહીં ઘણી વાર સૂત્રોનું જગત જોવા મળે છે. ઘણી વાર જુદાં જુદાં સર્જનોમાંથી થોડા થોડા અંશો લઈને બનાવેલી અનુકૃતિ સમ-વાચના પણ જોવા મળે છે. એક નવા પ્રકારનું સપાટી ઉપરનું જગત રજૂ થાય છે જેમાં ગહનતા કે સંગોપિત શક્યતાઓનું આલેખન ભાગ્યે જ થાય છે. કહો કે ક્ષણના ઉત્સવ જેવું બધું લાગે. લોકપ્રિય સાહિત્યમાં સાહિત્યકારની કલ્પના અનુસારનો એક વાચક હોય છે. આ વાચકની પસંદગી કેવી છે? એની પાસે પાસે કેટલો સમય છે? એનાં મનોગત અને સ્વપ્નજગત કેવાં હોય છે? આ બધી બાબતોને અનુલક્ષીને સાહિત્યકાર કલ્પનાઓ, વિગતો, માહિતીઓ, ગલગલિયાં કરે તેવાં જાતીય વર્ણનો-કલ્પનો વગેરે દ્વારા મસાલેદાર ગૂંફ રચીને વાચકને ઉત્તેજે છે, ઉન્માદી બનાવે છે. એને કેફ ચડે છે. એની અંદરની ઓળખ માટેની સક્રિયતા ગૌણ બની જાય છે. અહીં ભૂતકાળ કે ભવિષ્યકાળના સંદર્ભોને બદલે વાચકને કેવળ વર્તમાનની સપાટી ઉપર તે વિહરતો રાખે છે. Perpetual present – જેથી તેને કોઈ સંદિગ્ધતા – સંકુલતામાં અટવાવું પડતું નથી. આ સાહિત્યકારની ભાષારચના પોતાની, એનું વ્યાકરણ પણ પોતાનું આગવું કેટલાંક ચોક્કસ સ્વરૂપોમાં એની આવનજાવન ચાલુ રહે છે. સાથોસાથ વિજ્ઞાનકથા, જાસૂસકથા,સનસનીખેજ કથા, રહસ્યકથા, ભૂતકથા અતિપ્રાકૃત તત્ત્વોને વિષય બનાવતી કથા, કોમિક્સ જેવા સાહિત્યપ્રકારોમાં આ સાહિત્યકાર વધુ ખેડાણ કરતો આવ્યો છે. ફેન્ટસીની સાથે પુરાકાથાઓની મોંમાથા વિનાની અવળસવળ પણ એમાં આવે. આ સ્વરૂપોએ સાહિત્ય ઉપરાંત સિનેમા, ટેલિવિઝન, મેગેઝીન,વગેરેને વધુ પ્રભાવિત કર્યાં છે. કેન વોર્પોલના મતે આ સાહિત્યની સફળતાનું શ્રેય એના સત્ત્વમાં નહીં, પણ એની માત્રામાં સમાયેલું છે. આવાં પુસ્તકો વિપુલ માત્રામાં છપાય છે અને એવી જ મોટી સંખ્યામાં વેચાય છે. બજારની શરતોને પરિપૂર્ણ કરે તો જ એ લોકપ્રિય નામને સાર્થક કરે ને ! અર્થાત્ લોકપ્રિયને સમજવા માટે આગળ ઉલ્લેખ કર્યો છે તેમ બજારની પ્રક્રિયાને આત્મસાત્ કરવી પડે. બીજા શબ્દોમાં કહીએ તો પુસ્તકના અર્થશાસ્ત્રને સમજવું પડે. કેટલાકને આ વાત ઉપહાસજનક લાગે, પરંતુ આ વાતમાં તથ્ય છે. જુઓ, શબ્દ જે રીતે એનો અર્થ રજૂ કરે છે તે કેવળ શબ્દકોશગત અર્થ નથી રહેતો. આ શબ્દ પૈસો બનાવામાં કેટલો ઉપયોગી છે? એવો પ્રશ્ન પહેલા વિચારવો પડે. આ પ્રશ્ન જટિલ બજારની સંરચનાનો વિષય બને છે. સંરચનાનો પ્રભાવ શબ્દાર્થ ઝીલે છે. લોકપ્રિયને સમજવું હોય તો કયું પુસ્તક કયા પ્રકારની સંચારપ્રક્રિયામાંથી પસાર થઈને આવે છે તે અવગત કરવું પડે તેમાં જ તેના પ્રભાવનો અભ્યાસ સમજવો જરૂરી બને છે. એમાં નિહિત સૂત્રોને ત્યારે જ આપણે ગ્રહી શકીએ. કહો કે લોકરુચી કઈ દિશામાં છે તેની નાડ અહીં બજાર પારખી ગયું છે. લોકપ્રિય લેખક લેખક ન રહેતાં લહિયો બની જાય છે. એની પાસે અત્યાધિક લેખનક્ષમતા હોવી જોઈએ. પ્રચુર માત્રામાં લખવું અને પ્રચુર માત્રામાં વેચવું એ લોકપ્રિયતાનો માપદંડ બને છે. બજાર જેમજેમ તેજ બનતું જાય તેમતેમ તેનો ગ્રાફ ઊંચે જાય છે. આથી વોર્પોલ સાહિત્યને ઉધોગરૂપે જુએ છે જેના લેખકને વિપુલ ધનરાશિ મળે છે. લોકપ્રિય લેખન માટે દૈનિક નિયમિતતા આવશ્યક મનાય છે. એને ખાસ્સો પરિશ્રમ કરવાનો હોય છે. IPL ખેલાડીની માફક આવા લેખકના ભાવતાલ થતા રહે છે. સફળ લેખકની આસપાસ દરિદ્રતા ભાગ્યે જ ફરકે. ભવિષ્યમાં આવા લેખકોની બોલી બોલાય, હરાજી થાય તો નવાઈ નહીં. સામે પક્ષે તેઓ પણ પોતાના સહાયક, મેનેજર વગેરેની નિમણૂક કરીને પોતાના કાર્યાલયને ધમધમતું રાખે છે. માગ અને પુરવઠાના અર્થશાસ્ત્રીય સિદ્ધાંતને સતત ચરિતાર્થ કરે છે. આજનો લેખક હવે સીધું વેબસાઇટઉપર લખાણ મૂકે છે. એ જેમ જેમ લખતો રહે એમ એ બધાંનું વેચાણ વધતું જાય. એમના વાંચકો હવે સાઈબર વાંચકો છે વેબસાઇટ ઉપર થોડું વાંચ્યા પછી એને એ રસપ્રદ લાગે છે તો એ પૈસા ભરીને વધુ વાંચવા તત્પર રહે છે. સ્ટીફન કિંગ નામના લેખકે ચાર નવલકથાઓ લખી. એમની નવલકથાઓનું વેચાણ ચાર કરોડની સંખ્યાને આંબી ગયું. લગભગ એકાદ દાયકામાં તેઓ આવા સિદ્ધહસ્ત લેખક બની ગયાં. આવા બેસ્ટ સેલરની યાદીમાં આપણે વિક્રમ શેઠ, અમિતાવ ઘોષ, ચેતન ભગત, અમીષ ત્રિપાઠી જેવા લેખકોને મૂકી શકીએ. એમનાં લાખનો સાઈબર સિવાય પણ સરેરાશ માણસોના રસનો વિષય બન્યાં છે. અહીં લોકતત્ત્વ જ રસતત્ત્વ છે. લોકપ્રિયનો મહત્ત્વનો માપદંડ શો એવો પ્રશ્ન મનમાં જરૂર ઉદભવે. એનો જવાબ છે સહજ સુખનો અનુભવ. કોઈ કવિતા, વાર્તા કે નવલકથા એના વાચકને સુખનો અનુભવ અનિવાર્યપણે કરાવે એની અપેક્ષા રહે છે. અહીં ‘સુખ’ એટલે સપાટી પરનો આનંદ. બૌદ્ધિક આયામ વિના જે સહજપણે પમાય તે. જ્હોન ફિસ્કે નામના વિચારક આ સૂરને આગળ લઈ જાય છે. તેમની દ્રષ્ટિએ ઉત્પાદ્ય સુખ – productive pleasure રહિત લોકપ્રિયતાની કલ્પના થઈ શકતી નથી. તેમના મતે જોં તમારે બેસ્ટ સેલર બનવું હોય તો તમારી કૃતિમાં ‘સુખ’નો અનુભવ કરાવનારું તત્ત્વ હોવું ઘટે. કાં તો એ પ્રશંસારૂપે આવે અથવા બીજા અંતિમે એ નિર્ભત્સર્નારુપેય હોય શકે. એની સાથે સામાજિક, આર્થિક, રાજનૈતિક સત્તા જોડાયેલી છે. પોતાની વાતને વિસ્તારતા ફિસ્કે બહુ મહત્ત્વનું દિશાસૂચન કરે છે. કૃતિ દ્વારા વાચકને જેટલો ‘સુખ’નો અનુભવ થાય એટલી એટલી એની સ્વતંત્રતા અને મુક્તિ. આ મુક્તિને દરેક વાચક પોતાની રીતે ભોગવવા ઈચ્છુક રહેવાનો. વધારે સાચી રીતે કહેવું હોય તો એને ‘સુખ’નીક્ષણોને ભોગવી લેવી છે. ફિસ્કેની સાથે રોલાં બાર્થની વિચારણાને મૂકીને જોતાં એનું નવું પરિમાણ પ્રાપ્ત થાય છે. તેમના વિચાર અનુસાર લોકપ્રિય રચનામાં ‘સુખ’નું નિર્માણ એ સામાજિક પ્રક્રિયા છે. એનું વર્ચસ્ હોય છે. ‘સુખ’માં સામાજિક ઓળખ ઊભી થાય છે. બાર્થે ‘સુખ’ (pleasure) અને ‘આંનદ’ (Joyous) વચ્ચેની વ્યવર્તકતા દર્શાવી છે. આ ‘સુખ’ ક્ષણિક છે. દૈનિક છે. વ્યક્તિ નિર્ધન હોય તોપણ તે સત્તાને આધીન રહીને સુખ પામી શકે છે. અહીં તેની ઓળખ ઊભી થાય છે. આંનદ (Joy) વિશિષ્ટ પ્રયોજન હોય ત્યારે ઉદભવે છે. આમાં વ્યક્તિએ સ્વયં એમાં સંકળાવું પડે છે. એણે આનંદના ખોજી બનવું પડે છે. અહીં ‘સુખ’ (pleasure) અને ‘આંનદ’ (Joy) એમ લોકપ્રિયતાનાં બે સ્તરનો નિર્દેશ મળે છે. આ આનંદ નવરાશની પળોમાં રચાય છે. એમ કહી શકાય કે લોકપ્રિયતાનો આ ખ્યાલ મૂલત: નવરાશની પળોના ઉપભોગનો પણ વિભાવ બને છે. ફ્રેન્ક રિચાર્ડ્ઝ નામના બાળસાહિત્યકારે બિલી બંડર નામના ચરિત્રની રચના કરી. ( આપણે અહીં હેરી પોટરનું સ્મરણ થવાનું.) કહેવાય છે કે રિચાર્ડ્ઝ એક દિવસના ઓછામાં ઓછા ૧૮,૦૦૦ જેટલા શબ્દો લખતા. એમનું પ્રકાશિત સાહિત્ય આશરે છ કરોડ શબ્દોનું હોવાનું મનાય છે. ઉપરાંત અનેક અંગ્રેજી નવલકથાકારોના ઘણાં દ્રષ્ટાંત મળ્યાં છે જેમણે એકાદ દાયકા અગાઉ ઘણાં રેકોર્ડ્ઝ બદલી નાખ્યા છે. જેમ કે ડેનિસ રોબિન્સે ૧૭૦ નવલકથાઓ, રૂબી આયર્સને ૧૪૩ નવલકથાઓ, બાર્બરા કોટલેન્ડે ૨૩૦ દળદાર નવલકથાઓ, ઉર્સૂલા બ્લૂમ જેવા ૪૩૦થી વધુ આવી નવલકથાઓ આપે છે. આ પ્રકારનું સર્જન ઉત્તરોતર વધતું રહ્યું છે અને ઘણી વાર તો એક લેખક પોતે જ પોતાના રેકોર્ડ્ઝ તોડી ઝડપથી આગળ વધી રહ્યો છે. અહીં મને રોબિન કૂક નામના એક અમેરિકન નેત્રસર્જનનું સ્મરણ થાય છે. કૂક બહુ મોટા સર્જન હતા. તેમની પ્રેક્ટિસ ધમધોકાર ચાલતી હતી. એ દરમિયાન એમણે લેખક બનવાનું સ્વપ્ન જોયું, એ પણ સૌથી વધુ લોકપ્રિય લેખક બનવાનું. એ માટે તેઓએ લેખનનો ખાસ કોર્સ કર્યો, બીજી બાજુ ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાતી બેસ્ટ સેલર્સ નવલકથાઓ ધ્યાનપૂર્વક વાંચી. અન્ય દોઢસો જેટલી લોકપ્રિય નવલકથાઓ વાંચ્યા બાદ એમણે લોકપ્રિયની ફોર્મ્યુલા શોધી કાઢી. એ મુજબ એમણે થ્રીલરકથા ‘કોમા’ લખી. આ નવલકથાનું પ્રકાશન થાય એના આગળ દિવસે એમણે આ નવલકથા પરથી બનનારી ફિલ્મના પોતાના અધિકારો વેચ્યા. પુસ્તક-ફિલ્મ એ રીતે સમાંતરે અત્યંત લોકપ્રિય નીવડ્યાં. અહીં આપણે આપણા અશ્વિની ભટ્ટનું નામ તરત યાદ આવે. એમની ‘આશકામંડલ’ અને ‘ઓથાર’ – આ બંને નવલકથાઓએ પણ લોકપ્રિયતાની સરહદ લગભગ ઓળંગી દીધી હતી. બજાર, ગ્રાહકની તુલાને સંતુલિત રાખવા સતત ઉદ્યુકત રહેતા આ નવલકથાઓની વચ્ચે બોબ એશ્લે જેવા લોકપ્રિય સાહિત્યના વિવેચક એમના ગ્રંથ Reading Popular Narrativesમાં આપણું ધ્યાન દોરે છે કે, લોકપ્રિય કૃતિ વાંચવી-સમજવી સરળ છે એવું મનાય છે, પરંતુ આ એટલું સરળ નથી. જેને આપણે સસ્તું, બે ટકાનું અને તુચ્છ માનીએ છીએ તેના અભ્યાસમાં ગહનતા હોવી જોઈએ. વાસ્તવમાં એકપક્ષી વાચન સરળ લાગે છે. પરંતુ દેખીતી સરળતાની પાછળ એની સંરચના જટિલ પણ હોય શકે. ભલે એના પ્રભાવની પ્રક્રિયા સરળ હોય, એશ્લેની આ વાત સૂચક છે. દેખીતી રીતે આ સાહિત્યને ગ્રાહકવાદી સંસ્કૃતિ સાથે સબંધ છે એવું મનાય છે. આ ગ્રાહકોના સમૂહના વિચારતંત્રની સંરચનાઓ આ સાહિત્યકારો રચે છે.એની પાછળ ભાતીગળ વિચારધારાઓનાં તંત્રો પડેલાં છે. આ બધી બાબતોનું આ નવલકથાકારે ધ્યાન રાખવાનું છે. મનોરંજનની અર્થવ્યવસ્થાનાં તંત્રો એણે મજબૂત રાખવાના છે. સાથોસાથ બહું ઝડપથી પરિવર્તિત થતી વાચકોની માનસિકતાને ધ્યાનમાં રાખીને એને ચાલવાનું છે. ઉપરાંત કથાકારના માધ્યમનું અંતર્વસ્તુ અને એની સંરચના બંને ગ્લોબલ છે. તેને ગઈકાલ અને આવતીકાલમાં કોઈ રસ નથી. એની સાથે કેવળ વર્તમાન છે. આ વર્તમાનને લેખક આકર્ષકરૂપે દર્શાવે – capture કરી શકાય તે રીતે – તો જ તે સફળ થાય. રોલાં બાર્થની work to textની વાત અહી જુદા સંદર્ભે તપાસવા જેવી છે. એ નવલકથા હવે વાચકનો પાઠ – text છે. એની text એના ‘સુખ’નું નિર્માણ કરનારી હોવી જોઈએ. પછી એ લેખક ટેકનોલોજીનો ભરપૂર લાભ લે અથવા ઓદ્યોગિક અને શહેરીજીવનના ઇતિહાસઅંશોને એમાં વણી લે, એની કથાના કેન્દ્રમાં કેવળ દેહ જ હોય, હિંસા-જાતીયતા હોય, સંસ્કૃતિ કે સમાજમાં જેને નિષિદ્ધ માનતા હોય તેની સાથે પણ તે કામ પડતો હોય કે ધન, ધર્મ, રાજનીતિ, સંસ્કૃતિની ભેળસેળયુક્ત મસાલેદાર કથા રજૂ કરતો હોય એની સામે એને કોઈ વાંધો નથી, પરંતુ આ બધાની સંરચાઓને ઝડપથી ઉકેલી શકાય એવી નવલકથાકારે પોતે ઊભી કરેલી સૃષ્ટી સુધી બેરોકટોક પહોંચી શકાવું જોઈએ. કથાકારે ઊભી કરેલી વિચારધારાઓનાં તંત્રો કે સમૂહના વિચારતંત્રની સંરચનાઓને અનુભવ કરાવે એવી પોતાની આગવી ભાષા અને એના વ્યાકરણ ઉપરની એની પકડ ઢીલી ન પડવી જોઈએ. તો જ એ પોતાના લક્ષ્યને વીંધી શકે. ફ્રેડરિક જેમ્સન અનુ-આધુનિકતાને Pastiche ( પોસ્તાશ)ની સંસ્કૃતિ તારીખે ઓળખાવે છે. જુદા જુદા કલાકારોની સંગીતની તરજના કેટલાક ખંડો પસંદ કરીને બવાવેલ નવી તરજ કે કોઈ લેખકની વિવિધ શૈલીઓમાંથી પસંદ કરીને બનાવેલી પોતાની રચનાની શૈલીને તે Pastiche (અનુકૃતિ કહીએ પણ એ પૂરેપૂરો પર્યાય લાગતો નથી) કહે છે. આને સમજાવવા માટે એણે Nostalgia Filmનું દ્રષ્ટાંત આપ્યું છે. એ ફિલ્મમાં ૧૯૮૦, ૧૯૯૦ના અરસાની ઘણી ફિલ્મોના ખંડો સમાવાયા છે. એ દ્વારા દિગ્દર્શક ૧૯૫૦ના અમેરિકાની વિશિષ્ટ શૈલીઓ અને વાતાવરણને ફરીથી ખડું કરવાનો ઉદેશ ધરાવતા જણાય છે. અહીં ભૂતકાળની ચોક્કસ શૈલીનો અનુભવ કરાવવાનો દેખીતી રીતે પ્રયત્ન કર્યો છે, પરંતુ એ દ્વારા સાચો ભૂતકાળ અહીં ખડો થતો નથી. અહીં સમયનો અનુભવ કરાવવો છે, પરંતુ સમય Continum (ભૂત-વર્તમાન-અનાગત) રૂપે નથી અનુભવતો. અહીં આ રીતિ દ્વારા એ Schizophrenic – ખંડિત મનસ્કતાનું લક્ષણ દર્શાવવા માંગે છે. પ્રજાએ ઇતિહાસદ્રષ્ટિ ગુમાવી દીધી છે, એમને માટે ભૂત-વર્તમાન-ભવિષ્ય વચ્ચે કોઈ ભેદ રહ્યો નથી. આ સંસ્કૃતિ ઐતિહાસિક સ્મુતિભ્રંશ Historical Amnesiaથી – પીડાતી સંસ્કૃતિ છે. એને ઉપસાવવા માટેની એમણે પસંદ કરેલી આ યુક્તિ છે. બીજી બાજુ લોકપ્રિય સંગીત – Pop music-માં આપણે આના ઘણાં સક્ષમ ઉદાહરણો મળે છે. આધુનિકતા બિટલ્સ, મેડોના, રોલિંગ સ્ટોન્સનો, માઈકલ જેક્સનનો પ્રભાવ હતો. ત્યારપછીના ગાળામાં ટેકનોલોજીનું અત્યંત આકર્ષણ રહ્યું અને સંગીત વગરના રોજિંદા જીવનની કલ્પના સુધ્ધાં થાઈ શકે તેમ નથી. મોબાઇલ ફોન, પબ, રેસ્ટોરાં, શેરીઓ શોપિંગ સેન્ટરો, મોલ, રમતનાં મેદાનો, લિફ્ટ, એરપોર્ટ – એમ યાદી લંબાતી જાય – ટૂંકમાં જ્યાં જઈએ છીએ ત્યાં આ પોપ સંગીત રિ-મિક્સ, ફ્યુઝનરૂપે ચોતરફ મોટા અવાજે સંભળાતું હોય છે. હવે Punk rock, ઝાઝ, ઓપ, પોપ અને રેપ સંગીતે આ બધાનું સ્થાન લઈ લીધું છે. હાંસિયામાં મુકાયેલા, તિરસ્કૃત થયેલા, subitem તરીકે ઓળખાતા લોકો પોતાના વિદ્રોહને વાચા આપવા માટે ઘણી વાર આવા Rap સંગીતને પ્રયોજે છે. Text પણ એમની પોતાની બનાવેલી અને એની રજૂઆત પણ આગવી રીતે જ કરવાની. (યો યો હની સિંહ) એ દ્વારા તેઓ કહેવાતા ઉન્નતભ્રૂઓ કે કહેવાતા વિવેચકોને ફરજ પાડે છે કે તમે ટીકા કરવાનું છોડો. અમારી આ પ્રસ્તુતિ – Performanceને સમજીને બતાવો. આ રેપ સંગીતને પોતાના છંદ-અલંકારો છે, એની પ્રાસલીલાઓ છે, ચોક્કસ તાલબદ્ધતા છે. આ બધા વળે થતી વિલક્ષણ આરોહ-અવરોહયુક્ત રજૂઆતની સંરચાનાઓને સમજવા માટે તેઓ પડકાર ફેંકે છે. ( અહીં હિન્દી ફિલ્મ ગાયક બાદશાહનાં ગીતોને આપણે તપાસી શકીએ.) લોકપ્રિયતાના પાયામાં રહેલ ઉપેક્ષાના ભાવનું તેઓ આ રીતે સંક્રમણ કરવા પ્રેરાયા લાગે છે. તેમને કોઈ પણ પ્રકારની સંકુલતા કે સંદિગ્ધતા, વ્યંજના કે અર્થઘટન અભિપ્રેત નથી. રોજબરોજના ઘટકોને સામે છેડેથી જોવાની પ્રક્રિયા કેવી રોમાંચક હોઈ શકે તેનો નિર્દેશ અહીં જોઈ શકાશે. લોકપ્રિય સાહિત્ય અને લોકપ્રિય સંગીતની જેમ સમૂહ માધ્યમોમાં સહુથી વધુ આધિપત્ય ભોગવતું ઘટક છે ટેલિવિઝન. દેખીતી રીતે અહીં લોકપ્રિય સંગીતની જેમ કોય ખાસ પ્રવાહો નથી હોતા, પરંતુ જિમ કોલિન્સ જણાવે છે તેમ ટેલિવિઝન આ પ્રકારની લોકપ્રિય સંસ્કૃતિનો અર્ક છે.ડેઈલી સોપ ઓપેરથી માંડીને, જાહેરાતોથી માંડીને અનેક વિશ્વોનાં સત્ત્વો એમાં ગૂંથાય છે. એ માટે ખાસ પ્રતીકો દ્વારા અર્થવ્યવસ્થા માટેનું જરૂરી આયોજન કરવામાં આવે છે. ધાર્મિક શ્રેણીઓ, આધ્યાત્મિક મેળાવડા, રમતના કાર્યક્રમો, રસોઈ શોની ચેનલો, રોજિંદી ધારાવાહિક સિરિયલો, કે.બી.સી. જેવા કાર્યક્રમો, ટેલેન્ટ હન્ટ શો, બિગબોસ, વિશ્વસુંદરી સ્પર્ધાઓ, મુશાયરાઓ, કવિસંમેલનો, સિનેમા શો, પ્રવાસ શો જેવા કાર્યક્રમો, ગણપતિ ઉત્સવ, દુર્ગાપૂજા, નવરાત્રિ વગેરે જેવા હાઈટેક ધાર્મિક તહેવારોનાં વિશેષ સીધાં પ્રસારણો, ફેસન શો, શારીરિક સૌષ્ઠવ સ્પર્ધા, વિવિધ અવોર્ડ સમારંભો, નવા વર્ષના આગમનની ઉજવણીના કાર્યક્રમો વગેરે વિધવિધ રસરુચિ ધરાવનારને ભરપૂર ભરપૂર મનોરંજન પીરસતી સામગ્રી ઘેરબેઠાં આપણે પ્રાપ્ત થાય છે. આવા પ્રત્યક કાર્યક્રમની રજૂઆત પાછળ સમાજશાસ્ત્રીય, અર્થશાસ્ત્રીય, ભૂમિકા રહેલી છે. ઉપલક દ્રષ્ટિએ સમૂહ ચેતનાને આગળ ધરાય છે, પણ વક્તા એ છે કે મોટા ભાગે રાજનૈતિક ઘટકો આનું નિયમન કરતા હોય છે. Contextને બદલે Text એમના માટે મહત્ત્વની હોય છે. ટેલિવિઝન જે કોઈ અર્થવ્યવસ્થા સ્વીકારે તેમાં આ લોકપ્રિયતા દ્વારા વિશેષ વૃદ્ધિ થતી રહે છે. એના માટે સૂત્રાત્મક જાહેરાતો, જિંગલ્સ, વિશિષ્ટ ગ્લોબલ ચિહ્નો – પ્રતીકો એમાં સમર્પક પુરવાર થાય છે. એ રીતે સમાજની સાથે અર્થવ્યવસ્થા boost થાય છે. સામાજિક સંરચનાઓ ત્વરિત પરિર્તિત થાય છે. આપણે માનીએ કે ન માનીએ પરંતુ આપણે એનાં રંગમાં રંગાયા વગર રહેતા નથી. ફેન્સ અને Iconનું આખું વિશ્વ એનાં જ્વલંત ઉદાહરણો છે. ફેશન icon, રમતનો icon, સૌષ્ઠવનાં icon,રાજકારણના icon, ધર્મગુરુ icon – અર્થાત્ આ પ્રકારનાં pop iconનું આખું સમાજશાસ્ત્ર રચાય છે.ગઈ સદીના અંતમાં તો જીન્સ ઉપર સંશોધનો થયાં, વેલેન્ટાઇન્સ પર અધ્યયનોથયાં. એમાંથી પ્રતિમામૂલક મૂડીવાદ પ્રસર્યો – પાંગર્યો. આ સાંસ્કૃતિક મૂડીવાદે ઘણાં ક્ષેત્રે અગણિત લોકોને Exposer આપ્યું. તેઓનો નવા પ્રકારનો અવકાશ પ્રાપ્ત થયો, નવી space પ્રાપ્ત થઈ. મનોરંજનના સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને રાજનીતિના ત્રિપરિમાણોએ મૂળી અને માનવ વચ્ચે અભેદ રચી દીધો. અફએમ, રેડયો, ગુગલની વિવિધ એપ્સ જેવી કે વોટ્સએપ, સ્કાયપે, અઈએમઓ, ફેસબુક, ટિ્વટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ, હોટસ્ટાર વગેરે દ્વારા સંચારમાધ્યમો આજના સમયના મનુષ્ય માટે જાણે કે પ્રાણવાયુની ગરજ સારે છે. એની લાઈક્સ, ફોલોઅર્સના આંકડાઓની જટાજાળ, રેટિંગ વગેરે દ્વારા ભાષાને નવો ઓપ મળ્યો છે. (અમુક કરોડની ક્લબ, ફ્લોપ શો, હાઈ રેટિંગ જેવા શબ્દપ્રયોગો.) સંદેશાઓની ભાષામાં શબ્દો-આંકડા-ચિહ્નોની મદદથી આગવો શબ્દાન્વય જોવા મળે છે. લક્ષ્મીપૂજન ડિજિટલ થાય છે. વાસ્તુપૂજા – લગ્નવિધિ – મંગળફેરા વગેરે પણ સંપૂર્ણપણે ડિજિટલ બનશે એની શક્યતા નકારી શકાય તેમ નથી. અહીં મૃત:પ્રાય ઔદ્યોગિક એકમો પુન:પલ્લવિત થઈ શકે છે. મંદ-સુસ્ત બજાર ઓચિંતુ પ્રાણવાન બની શકે છે. કેમકે મીડિયા હાઈપ કામનાઓનું નિર્માણ કરીને એને દિન-પ્રતિદિન સક્રિય બનાવે છે. વાચકો, વ્યુઅર્સ, ફોલોઅર્સની ક્લબોમાં અનેક પ્રકારના અવકાશો ઊભા કરી આપતા સ્વપ્નજગતની અહીં નિરંતર વાવણી થયા કરે છે. આપણે પુસ્તકો સિવાયના પ્રબળ પ્રભાવક તત્ત્વો જોયાં. જો એને નકારાત્મકરૂપે જોઈએ તો એમ જણાય કે અહીં કોઈ સંકુલતા નથી, સૌંદર્ય નથી માત્ર રોજબરોજના ઘટકોની એકવિધ રજૂઆત છે. એને વિદ્યાયકરૂપે જોઈશું તો આપણે દ્રશ્ય-શ્રાવ્યની રજૂઆત દ્વારા એમાંના આંતરકૃતિત્વ સુધી પહોંચી શકીએ. પ્રશ્ન છે આપણે ઊભાં કરેલાં વલણોનાં ચોખઠાંમાંથી મુક્તિ મેળવવાનો. અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ, શિષ્ટ અને લોકપ્રિય બંને સહજીવી છે. બંને જીવનની વાસ્તવિકતાઓ સુધી પોતાની રીતે પહોંચવાનો ઉપક્રમ ધરાવે છે. આથી બંને એકમેકને સહાયક બનવાની ક્ષમતા ધરાવે છે. બંને દ્વારા માણસને આનંદ અનુભવાય છે. અલબત્ત, બંનેનાં સ્વરૂપ ભિન્ન કોટિનાં છે. જોકે, સમાજજીવનમાં બંનેનું પોતાનું આગવું સ્થાન છે. એક સમયે લોકપ્રિય ગણાયેલ શેકસપિયર, શરદબાબૂ જેવા સર્જકો બીજા યુગમાં શિષ્ટ સાહિત્યકાર તરીકે પ્રતિષ્ઠિત થયા છે. આથી ઉચ્ચાવચતા નક્કી કરવી કે એનું ક્રમાંકન કરવું એ આજના સમયમાં લગભગ અશક્ય જેવું બનતું જાય છે. વૈશ્વિકીકરણના આજના સંદર્ભમાં લોકપ્રિયતાને અને શિષ્ટતાને સામસામે રાખીને ભાગ્યે જ વિચારી શકાય તેમ છે. સંકીર્ણ વિચારધારાઓથી મુક્ત બનીને. બૃહદ્ ફલક ઉપાર મુકાયેલી રચના આસ્વદબોધનાં અનેક ક્ષેત્રો ઉઘાડી આપશે. ભાવક અથવા વાચકને પોતાનામાં સંગોપિત રહેલા અનેક વાચકનો પરિચય થશે. પેલી નવી spaceને અનેક રીતે ભરવા માટે તે સક્રિય બનશે. એને કળાફિલ્મ કે ઓફ્બીટ ફિલ્મની જેમ જ સામાન્ય અથવા ફોમ્યુલા ફિલ્મો નિહાળવી ગમે છે. ટેલિવિઝનની ધારાવાહિક સિરિયલોમાં પણ તેને રસ પડે છે. ધાર્મિક શ્રેણીઓના જેટલી જ તલ્લીનતાથી તે સી.આઈ.ડી. કે ક્રાઇમ પેટ્રોલને એક જ સ્તરેથી માણી શકવાની તે ક્ષમતા ધરાવે છે. પંડિત બિરજુ મહારાજના ક્લાસિકલ નૃત્યની જેમ તે અંગકસરતના દાવસમા આજકાલના ફિલ્મી નૃત્યના તલની સાથે ઝૂમે છે. પંડિત જસરાજના શાસ્ત્રીય ગાયનને સાંભળીને પરિષ્કૃત થયેલી રસરુચિને મેડોના,શકીરા કે સુનિધિ ચૌહાણની ગાયકી માણવી ગમે છે. લોકગીતો ને લોકનાટ્યોની સાથે એને પોપગીતો અને લોકપ્રિય રંગભૂમિના હળવા – દ્વિઅર્થી સંવાદોમાં – ગીતોમાં પણ રસ પડી શકે છે. જગમોહનની સુરાવલિ સાથે અરિજિતસિંઘ અને મીકાસિંઘના સૂરોનો મેળ બેસાડી શકતો આસ્વદક પોતાને પોતાના સમય સાથે અપડેટ રાખવા પોતાની રીતે સતત પ્રયત્નશીલ રહે છે. આબાલવૃદ્ધ મોબાઇલ ફોનનો ઉપયોગ જે રીતે કરી રહ્યા છે તે આ વાતનું જ્વલંત દ્રષ્ટાંત છે. પોતાનામાં અનેક પ્રકારની ગ્રાહકતાનાં ધોરણો સાથે, એકમાં અનેક ભાવકોને ઉછેરતો આજનો આ ભાવક ઉપર નિર્દેશી છે તેવી અનેકસ્તરીય સંરચનાઓના સંપર્કમાં રહીને જીવતો હોય છે. ત્યારે પ્રશ્ન થાય છે કે શું એ અનેક કેન્દ્રોમાં વિભાજિત થઈ જાય છે? એ દર વખતે નવા કેન્દ્રમાં પ્રવેશતી વખતે પોતાનું bracketing કરી શકે છે ખરો? એનું ભાવન સાતત્યપૂર્ણ રહે છે કે વિશૃંખલ અથવા અનેકકેન્દ્રી બની રહે છે? Textual અને intertextualની ભરમારમાં એ અટવાઈ જતો નથી ને? આવા અનેક પ્રશ્નોના ઉત્તરો એટલા હાથવગા બની શકે તેમ નથી. અનેક કેન્દ્રો પર વિહરતી ચેતનાને માટે open ended – ઉઘાડા છોડાવાળા અનુભવો કેટલા આવકાર્ય રહેશે તે તો સમય કહેશે. પરંતુ આ પ્રકારની ઉભય તત્ત્વની સહસ્થિતિ આજનું સત્ય છે. સહેજ જુદા સંદર્ભેમાં એન્ડ્રી હાયસન જેને Great devide કહે છે તેના દ્વારા તો જ ખૂલી શકાશે. અથવા મહાત્મા ગાંધીજીએ બધી જ બારીઓ ખુલ્લી રાખીને ચારે બાજુથી આવતા પવનના સ્પર્શની કરેલી કામના અહીં જરા જુદી રીતે યાદ આવે છે. ખાસ તો ક્લાસિક – શિષ્ટ છે તો પોપ્યુલર લોકપ્રિય પણ છે. જીવન છે તો જીવન સાથે જોડાયેલાં આવાં વિવિધ વિરોધી વાનાં પણ છે. તમારે ખુદે ભાવક તરીકે નક્કી કરવાનું છે : મારે માત્ર ‘ક્ષણિક’ સુખ જોઈએ છે? આજનો જ લ્હાવો લૂંટવો છે? જો તેમ હોય તો સર્વ હાથવગું છે.