અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/સાહિત્યના શિક્ષણન વિભાવના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્યના શિક્ષણની વિભાવના
ભરત મહેતા

ગુજરાતી અધ્યાપક સંઘના આપણે સહુ હોદ્દેદારો છીએ. સંઘની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આપણે આપણી સાહિત્યસમજને તીક્ષ્ણ કરીએ છીએ અને સહુની વચ્ચે વહેંચીએ છીએ. ૯૦માં હું અધ્યાપક બન્યો, એ જ વર્ષે અર્ઘ્ય બેઠકમાં ‘અંધારું' નવલકથા વિશે વ્યક્તવ્ય આપેલું. હવે નિવૃત્તિની નજીક છું ત્યારે પ્રમુખીય વ્યક્તવ્ય આપી રહ્યો છું. વચગાળામાં મંત્રીરૂપે પણ કામ કર્યું. ગુજરાતીનો અધ્યાપક સંઘ આપણી કારકિર્દીનું સરવૈયું માંગે છે અને જે આપવું આપણી ફરજ છે. ૧૯૯૦માં અધ્યાપનમાં જોડાયા પછી મેં અવિરત વિવેચનાત્મક લેખો લખ્યા છે. જેના કારણે હું ત્રણ દાયકામાં કેવળ વિવેચન-સંશોધનનાં જ અઢાર પુસ્તકો આપી શક્યો છું. તદુપરાંત પંદર જેટલાં સંપાદનો પણ કર્યા છે. ગુજરાતી વિવેચન સાથે પનારો પડતાં મેં જોયું કે મને ઘણાં મિત્રોએ વિવાદાસ્પદ ગણ્યો છે. એ મને મળેલો પુરસ્કાર છે. મને સાહિત્યનાં અવલોકનો કરતી વેળાએ અ-રૂઢ રીતે વિચારવાનું ગમતું. સાહિત્યની સાથોસાથ શિક્ષણ, રાજનીતિ, ફિલ્મ અને સામાજિક સુધારણાનાં આંદોલનો મારા રસનો વિષય હોઈને મારી સાહિત્યસમજ વિવિધ પરિમાણી બની છે. વળી, મને કેવળ લેખનમાં જ નહીં, પણ જો કોઈ મુદ્દો યોગ્ય લાગે તો એ માટે લેખનથી આગળ વધી હું એ અંગે લડવામાં પણ માનું છું. એક ઉદાહરણ આપીને વાત કરું તો આપણે ત્યાં ગુજરાત સાહિત્ય અકાદમીમાં લેખકો દ્વારા ચૂંટણીથી હોદ્દેદારો નિમાતા હતા અને ચાલતી હતી. જ્યારે એની કારોબરી, પ્રમુખ વગેરેને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કેવળ મુખ્યમંત્રીના આદેશથી બનાવવાનું શરૂ કરતાં મેં ગુજરાતી સાહિત્ય અકાદમીએ આપેલાં ચારેય પુરસ્કારો પરત કર્યાં! સાહિત્ય હો કે શિક્ષણ એની સ્વાયત્તતા પર થતો કોઈ પણ હુમલો હું સાંખી શકતો નથી. હમણાં જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ વર્ષ પહેલા નિયત કરેલી ‘તમસ' જેવી નોંધપાત્ર ભારતીય નવલકથાને એકાએક અભ્યાસમાંથી કાઢી નાંખી. જેનો અનુવાદ માનનીય નારાયણ દેસાઈએ કરેલો છે અને જે કૃતિ યુ.જી.સી. દ્વારા લેવાતી નેટની પરીક્ષાના અભ્યાસક્રમમાં છે. તો આ અંગે પણ મેં ઊહાપોહ કરેલો. આવી વિભીષણવૃત્તિ આજના ભીષણ સમયમાં શિક્ષક પાસે હોવી જોઈએ. એ હું માનું છું. હા, મારી એવી પ્રવૃત્તિના કારણે પ્રમોશન, અધ્યક્ષપદ વગેરેથી વંચિત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, આવે છે. તેમ છતાં એનેય હું એક પુરસ્કાર માનીને જ ચાલ્યો છું. ત્રણ દાયકાના મારા શિક્ષક તરીકેના અનુભવથી હું એટલું કહી શકું-કે હાલમાં તો ભારતમાં શિક્ષણનું ભવિષ્ય અંધકારમય છે. શિક્ષણ મેળવવું હવે એક અધિકાર નથી. હવે શિક્ષણ એક બાજારુવસ્તુ (commodity) બની ગયું છે. આમજનતા માટે શિક્ષણનાં જ ફાંફાં છે, ત્યારે સાહિત્યશિક્ષણ માટે કોણ ઉત્સુક, ઉત્કટ હોય એ સમજી શકાય છે. કોઈ ગુજરાતીના અધ્યાપક- વ્યક્તિ પણ દીકરા-દીકરીને ગુજરાતી સાથે એમ.એ., પીએચ. ડી. થાય એવું વિચારતા નથી. કોઈના ભણતાં હોય તો ક્યાંક ન ગોઠવાયાં હોય તેવા વિરલ અપવાદો મળી આવે એ વસ્તુ જુદી છે. મોટાં શહેરોમાં વિનયન વિદ્યાશાખાવાળી શાળાઓની સંખ્યા ન બરાબર છે. હાલમાં જ એમ. એસ. યુનિવર્સિટી સંચાલિત શાળામાં પણ વિનયન શાળા બંધ કરવામાં આવી. જો ૧૧-૧૨માં વિનયન ભણ્યાં જ નહીં હોય, તો વિનયન કોલેજો ક્યાંથી ટકશે? ઘણાં એમ કહે છે કે વાણિજ્ય કે વિજ્ઞાન પ્રવાહવાળા પણ આવતા હોય છે. એ વાત સાચી છે પણ મુખ્યપ્રવાહ જ્યાંથી આવે એ જો અટકી જાય તો આવા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ ન હોઈ શકે. તેમ છતાં વિશાળ જનતાનાં ગરીબ બાળકો પૈસાના અભાવે વિનયન વિદ્યાશાખામાં વિસ્ફોટની માફક આવવાની સંભાવના છે. પ્રત્યેક યુવાનને વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી બનવાનું એક સ્વપ્ન હોય છે. તેથી એવા યુવાનો આપણી પાસે આવશે. સમાજના નીચલા થરનાં યુવક-યુવતીઓ જેમાં સવિશેષ હશે. આવા સંજોગોમાં મોંઘુદાટ શિક્ષણ નહીં લઈ શકનાર આમ-જનતાનાં સંતાનો વિનયન શાખામાં આવશે. તેથી એક મોટી સંભાવના ઊભી થાય છે કે આપણે એમને સુસજ્જ નાગરિક બનાવીએ એ જરૂરી છે. આ વર્ષે માસપ્રમોશનના કારણે સ્નાતક થવા ઇચ્છનારનો મોટો વિસ્ફોટ થશે. બાકી, તો હું ભણતો ત્યારે ઉચ્ચશિક્ષણ કેવળ ૪% હતું. આજે વેપારીકરણ પછી એની ટકાવારી વધી છે. છતાં હજુ શિક્ષણના આંકડા ભયજનક છે. કોરોનાકાળમાં આપણે શિક્ષણ અને આરોગ્ય-સુવિધાના બેફામ ખાનગીકરણના કારણે થયેલી પરિસ્થિતિ ભોગવી ચૂક્યા છીએ. ભારતમાં બારમા ધોરણ પછી સ્નાતકકક્ષાએ ૨૪% યુવાનો પહોંચે છે. જ્યારે આદિવાસી યુવાનો બારમા પછી કેવળ ૬% ગ્રેજ્યુએટ થવા આવે છે. અનુસૂચિત જાતિ (S.C.)માંથી કેવળ ૮% અને લઘુમતીમાંથી ૯%. હવે તમે વિચારો કે કેટલી મોટી જનસંખ્યા જેવું છે તેવા ઉચ્ચશિક્ષણથી પણ વંચિત છે. દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ આ ભૂમિકાએ વિકાસ કરી શકે? દુનિયાના સહુથી મોટા લોકશાહી દેશમાં બેકારીનો આંકડો ધ્રુજાવી દે એવો પ્રચંડ છે, ત્યારે સાહિત્યશિક્ષણ લેવા હોંશે હોંશે કોણ આવે? આઝાદીનું ૭૫મું વર્ષ ઉજવતાં હોઈએ ત્યારે જો આ સ્થિતિ હોય, તો સરકારો ઉચ્ચશિક્ષણની ગંભીરતાને સમજી જ નથી એમ કહેવાય. આઝાદી પૂર્વે શિક્ષણ અને સાહિત્યશિક્ષણ વિશે કેવાં કાર્યો થયાં હતાં એની એક ઝલક જોઈએ. ૧૬મી જુલાઈ, ૧૮૫૪માં સર ચાર્લ્સવૂડે એક મુસદ્દો તૈયાર કરેલો જેને વૂડડિપર-પેચ કહેવામાં આવે છે. જે ભારતમાં આધુનિક કેળવણીની ઐતિહાસિક તવારીખ છે. જે અનુસાર પ્રાથમિકશાળાથી વિશ્વવિદ્યાલયની વ્યવસ્થા નક્કી થયેલી. જેના અન્વયે જ કલકત્તા, મદ્રાસ અને મુંબઈ વિશ્વવિદ્યાલયની સ્થાપના (૧૮૫૭) થઈ હતી. સેડલર કમિશન (૧૯૧૯) કે જેણે માધ્યમિક શિક્ષણ અને વિશ્વવિદ્યાલયનો પરસ્પરનો અનુબંધ વિચારેલો. જે અગત્યની બાબત હતી. જેમાં એ પણ સ્વીકારવામાં આવ્યું કે યુનિવર્સિટી પર સરકારનું નિયંત્રણ ઓછામાં ઓછું હોય. યુનિવર્સિટીમાં અધ્યાપક જ નિર્ણયો લે! સાર્જન્ટ રિપોર્ટ (૧૯૪૪) પણ આઝાદી પૂર્વેનો મહત્ત્વનો અહેવાલ હતો. જેમાં એ ભારપૂર્વક સ્વીકારાયું કે પરીક્ષાનો દબદબો એવો છે કે વિદ્યાર્થીઓમાં મૌલિક ચિંતનને બદલે ગોખણપટ્ટીનો જ વિકાસ થાય છે. અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચે જીવંત સંપર્ક નથી. રાજ્ય વિશ્વવિદ્યાલયને જરૂરી આર્થિક સહાય નથી કરતું, મોંઘીદાટ ફી ભરવી પડે છે, જેનાં કારણે ગરીબ અને યોગ્ય વિદ્યાર્થીઓ વંચિત રહી જાય છે. છેલ્લી ભલામણ એ હતી કે વિશ્વવિદ્યાલયની સંખ્યા વધુ હોવી જોઈએ. જ્યારે ભારતમાં હજુ ઉચ્ચશિક્ષણમાં સાહિત્યશિક્ષણમાં સાહિત્યશિક્ષણ કેવી રીતે અપાય એ વિશેની કોઈ નક્કર યોજના બની ન હતી, ત્યારે શ્રી ડોલરરાય માંકડે છેક ઈ.સ. ૧૯૪૭માં ગુજરાતીનો અધ્યાપક સંઘ બનાવી પોતાની નિસબત પ્રગટ કરી હતી. જે સંઘ આજ લગી કાર્યરત છે. યુનિવર્સિટી ઍજ્યુકેશન કમિટી (૧૯૪૮-૪૯) રાધાકૃષ્ણનના અધ્યક્ષપદે બની હતી. ત્યારબાદ યુ.જી.સી.(૧૯૫૬)ની સ્થાપના થઈ. ત્યારબાદ કોઠારી કમિશન (૧૯૬૪-૬૬) આવ્યું. ત્યારપછી તો પચરંગી પ્રયોગોનું કાર્યક્ષેત્ર ઉચ્ચશિક્ષણ બની ગયું. બ્રિટિશ પદ્ધતિથી અમેરિકન પદ્ધતિમાં આવ્યા. ઈ.સ. ૧૮૨૩માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નેટિવ (દેશી) વિદ્વાનોને પ્રોત્સાહિત કરવા માટે એક લાખ અનુદાન આપેલું. જેને કારણે ભારતીય પ્રશિષ્ટ સંસ્કૃત કૃતિઓ છાપવામાં આવેલી. સંસ્કૃત કૉલેજ (૧૮૨૪) કલકત્તામાં સ્થાપવામાં આવી હતી. ઈ.સ. ૧૮૭૪માં રોયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના થઈ જેમાં પણ સંસ્કૃત-અરબી ગ્રંથમાળાઓ છાપવામાં આવી. ઈ.સ. ૧૮૩૫માં મેકોલેમિનિટ્સ પછી અંગ્રેજીમાં શિક્ષણ આપવાનું શરૂ થયું. મેકોલેમિનિટ્સ પૂર્વે બાર વર્ષ પહેલાં રાજા રામમોહન રાયે આધુનિક શિક્ષણની માંગ કરેલી અને સંસ્કૃતશિક્ષણ વ્યવહારિક નથી એવું લોર્ડ એમહર્ટનને પત્ર લખીને જણાવેલું. સામંતીકાળમાં શિક્ષણક્ષેત્રે અંધારું હતું. શિક્ષણ મોટાભાગે ધાર્મિક હતું અને લોકો વંશપરંપરાગત વ્યવસાયોની તાલીમ મેળવતા. ચતુર પટેલની કવિતામાં છે તેમ –

મારા દાદા દરજી
મારા બાપા દરજી
ને હું ય દરજી
જેવી પ્રભુની મરજી

..આવું વાતાવરણ હતું, જ્યારે બ્રિટિશગાળામાં તો કારકૂનો પેદા કરનારું હતું, જે શિક્ષણ આઝાદી પછી સર્વાંગી સસ્તુ અને સર્વવ્યાપક બનવું જોઈનું હતું, પરંતુ બેકારોનું કારખાનું બની ગયું. ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. ૪૭ કરોડ યુવાનો છે. વર્ષે ૮૨ લાખ નોકરીઓ ઊભી કરીએ તો બેકારીનો જે દર છે તે સ્થિર રહે. પ્રતિ મહિને ૧૩ લાખથી વધુ યુવાનો બેકારીની સંખ્યામાં ઉમેરાય છે. સુંદરમની ‘ઈટાળા’ કાવ્ય જેવી હાલત છે. જો આ યુવાશક્તિનો વિદ્યેયાત્મક ઉપયોગ નહીં કરીએ, એમને રસિક, સંવેદનશીલ અને સાચા નાગરિકો નહીં બનાવીએ તો અસહ્ય સંકટ ઊભું થશે. મૂળવાત એ છે કે આપણે ત્યાં બંધારણને તડકે મૂકીને શિક્ષણને એક કમાઉ પ્રવૃત્તિ બનાવી દીધી છે. તેથી સહુથી પહેલાં મને એ યાદ આપવું જરૂરી લાગે છે કે બંધારણે શિક્ષણ કેવું હોવું જોઈએ તે અંગે જે કહ્યું છે તે જોઈએ અને એનું આપણે શું કર્યું? બંધારણે સહુથી પહેલાં સમાન શિક્ષણની વાત કરી. શું ખાનગી શાળાઓ, કોલેજો અને ખાનગી યુનિવર્સિટીઓના વિસ્ફોટમાં બંધારણની આ ભાવના કકડભૂસ નથી થઈ ગઈ? શિક્ષણ ગ્રાહકવાદના રોગથી ગ્રસ્ત છે. સમાનતામૂલક શિક્ષણ, સાંપ્રદાયિકતાથી મુક્ત શિક્ષણ, અસહિષ્ણુતા પેદા ન કરે એવું શિક્ષણ, પિતૃસત્તાથી મુક્ત કરે એવું શિક્ષણ, કોઈ સમુદાય કે વર્ગ કોઈના વર્ચસ્વનો ભોગ ન બને એવું શિક્ષણ, અરે ત્યાં સુધી છે કે વિકલાંગ (દિવ્યાંગ) પણ સામાન્ય લોકોના વર્ચસ્વનો ભોગ ન બને તેવું શિક્ષણ. આપણે આવું શિક્ષણ આપી શક્યા છીએ? ઈ.સ. ૧૯૮૬ની શિક્ષણનીતિના નવોદય વિદ્યાલય પોતે જ ભેદભાવવાળી શિક્ષણયોજનાનો પુરાવો છે. એ જ વખતે શિક્ષણ મંત્રાલય કેન્દ્રસરકારે બંધ કર્યું અને માનવ સંસાધન મંત્રાલય બની ગયું. સાહિત્યના શિક્ષક પાસે બંધારણે રાખેલી અપેક્ષા સચવાય તેવી છે. જો આપણે સરસ રીતે અભ્યાસક્રમો બનાવીએ તો આપણે આ કરી શકીએ તેમ છીએ. જે છે એમાં કેવી રીતે નવું થાય, તેમજ જે નથી એમાં એવું શું ઉમેરાય તે હવે હું કહેવા ઇચ્છું છું. અત્યારે ભારતમાં જ નહીં વિશ્વમાં પણ સાહિત્યશિક્ષણ પરત્વે ભરપૂર નૈરાશ્ય છે. સાહિત્યશિક્ષણ મરણાસન્ન અવસ્થામાં આઈ.સી.યુ.માં વેન્ટિલેટર ઉપર છે. હમણાં હમણાં આઈ.સી.યુ. શબ્દ લોકપ્રિય થયો છે. ગ્રાહકવાદ, બજારકેન્દ્રિયતાને કારણે સાહિત્યશિક્ષણ પર સંકટ ઊભું થયું છે. એક રસ્તો છે આ બધાની સામે શરણાગતિનો જે જાણીતો રસ્તો છે; બીજો રસ્તો છે કે નહીં એ ખબર નથી, શોધવો પડશે. હાર સ્વીકારવાની સાહિત્યની પ્રકૃતિ જ ના પાડે છે. આખા પુસ્તકપ્રકાશન ઉદ્યોગ પર ભય તોળાઈ રહ્યો છે. ઈ-બૂક ડિજિટલ બૂક્સનું ચલણ વધી રહ્યું છે. પરિસંવાદોનું સ્થાન વેબિનારોએ લીધું છે. સાહિત્યશિક્ષણને શ્રદ્ધાંજલિ આપતાં હોય તેવાં પુસ્તકો પણ લખાયાં છે. એક રીતે એ ચેતવણીનો ઘંટ છે. તમે જેને અર્વાચીન/આધુનિક સાહિત્યની મહાનકૃતિઓ કહી છે એને કોઈ ભોથો ભાઈ પણ યુનિવર્સિટીના કૅમ્પસની બહાર ઓળખતું નથી. આવું નૈરાશ્ય અનેક ચિંતકોમાં જણાય છે. જિરાલ્ડ ગ્રાફે કહ્યું કે ‘સાહિત્ય આપણને જીવનનાં મૂલ્યો વિશે કંઈક કહે છે અને સંસ્કૃતિને મદદરૂપ થાય છે.’ એ વિશે ઘણાને શંકા છે. સાહિત્યની આવી ભૂમિકાને કેટલાક નકારે છે. સર વોલ્ટર રેલે તો કહ્યું કે—‘ભગવાન આપણને બધાને માફ કરે. કયામતના દિવસે મને સાહિત્ય ભણાવવા વિશે પૂછશે. બચાવમાં હું કહીશ કે હું જેમાં માનતો ન હતો એ જ મેં ભણાવ્યા કર્યું હતું !’ સાહિત્યશિક્ષણ ઠંડુંગાર બની ગયું છે. અન્ય સંસ્થાઓ સમાજની જે રીતે સતત પરિવર્તિત રહી એ સાહિત્યશિક્ષણમાં શક્ય ન બન્યું. જમાના સાથે તાલ મિલાવવાના અથાક પ્રયાસોના બદલે એ જ વર્ષો જૂના ચીલે ચાલ્યા કર્યું. સમાજની નવી પરિસ્થિતિઓ, એને વાચા આપતા સાહિત્યથી એ ઘણીવાર દૂર રહી ગયું. જ્ઞાનની એક શાખા (?) તરીકે એણે જે રીતે સુસજ્જ થવું જોઈએ એ ન થઈ શક્યું. સાહિત્યશિક્ષણ એક સામાજિક સંસ્થા તરીકેની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ ગયું છે. જિરાલ્ડ ગ્રાફના પુસ્તક ‘પ્રોફેસિંગ લિટરેચર’નું ઉપશીર્ષક જ ઈન્સ્ટીટ્યુશનલ હિસ્ટરી છે. સમાજના સળગતાં પ્રશ્નો સાથે તો એને ન્હાવાનિચોવવાનો પ્રશ્ન ન હોય એમ વર્તે છે. સમાજના જ્વલંત પ્રશ્નો વિશે લખાતા સાહિત્યથી સાહિત્યશિક્ષણ આભડછેટ કેમ રાખે છે? પોતાની આસપાસના સામાજિક, રાજકીય, નૈતિક પ્રશ્નોથી છેટાં રહેવામાં સાહિત્યશિક્ષણ પોતાને પવિત્ર માન્યા કરશે તો એ એની પ્રસ્તુતતા ગુમાવી દેશે. કવિતા અને સાહિત્યને આપણે મોટા ભાગે આધ્યાત્મિકતા સાથે જોડી. કવિતા આત્માની માતૃભાષા કે કળા એટલે લીલા - એવાં વિધાનો પહેલી નજરે જ સામાજિકતાને હાંસિયામાં ધકેલી દે છે. એલ્વિન કર્નાન આને મડદાં ચૂંથવાનું (autopsy) કામ ગણે છે. વિદ્યાશાખા તરીકે સાહિત્યશિક્ષણની આત્મઘાતીવૃત્તિનું દ્યોતક ગણે છે. ગુનાહિત પ્રવૃત્તિ તરીકે culpable act ગણાવે છે. આ રીતે સાહિત્ય અને સાહિત્યશિક્ષણનો દરજ્જો સંકટમાં છે. ‘નવલકથાનો નાભિશ્વાસ’ લેખ લખનાર સુ.જો.એ સાહિત્યશિક્ષણનો નાભિશ્વાસ સાંભળેલો. એમણે જીવનના અંતિમ દિવસોમાં ‘વિદ્યાવિનાશના માર્ગે' ગ્રંથ આપેલો. ઇલેક્ટ્રોનિક મીડિયાએ એ રીતે કળાપ્રવૃત્તિ પર વર્ચસ સ્થાપી દીધું છે કે નવી નવલકથા ન વાંચનાર અધ્યાપક ચૂક્યા વગર 'અનુપમા’ સિરિયલના પ્રત્યેક હપ્તા જુએ છે. સાહિત્યસિદ્ધાંતનું કે નવા કાવ્યસંગ્રહનું પુસ્તક ખરીદવું પડે અથવા ગ્રંથાલયનાં પગથિયાં ચઢવાં પડે, જયારે વગર તકલીફે 'અનુપમા’ એને ઘેર બેઠાં ગંગા જેવી લાગે છે. જો અધ્યાપકોની આ સ્થિતિ હોય, તો સામાન્ય માણસો શું સાહિત્ય વાંચતા હશે? સાહિત્યનો દરજ્જો નીચે ઊતર્યો છે એ આપણે સ્વીકારવું જ પડે. મોબાઈલ, કમ્પ્યૂટરના વિસ્ફોટે સાહિત્ય તરફ જતાં માણસોને અટકાવ્યાં છે પણ હવે તે સ્વીકારી લેવું પડે. છાપખાનાંથી કમ્પ્યૂટર સુધી સંસ્કૃતિમાં જે સ્થિત્યંતર થયું એ બહુ મોટું પરિબળ છે સાહિત્યને હાંસિયામાં ધકેલવાનું. ધીમે ધીમે ‘એક હતી લાઈબ્રેરી' એવી વાર્તા લખવી ૫ડશે. ગ્રંથાલયો લુપ્ત થઈ રહ્યાં છે. સાહિત્યના મરણાસન્ન થવામાં આંતર-બાહ્ય બેઉ પરિબળો રહેલાં છે. એ પરિબળોનો મુકાબલો કરવામાં જો સાહિત્યશિક્ષણ પણ નિષ્ફળ જાય તો સાહિત્યશિક્ષણ એક યાંત્રિક પ્રક્રિયા બની જશે. સાહિત્ય દ્વારા મળતાં જ્ઞાન, આનંદ કે ડહાપણ વીજાણુ માધ્યમોમાંથી પ્રાપ્ત થવા માંડ્યું છે. એટલે હવે આપણે સાહિત્યશિક્ષણ કેવળ પુસ્તકોના આધારે જ આપતાં રહીશું તો જુનવાણી રહી જઈશું. ‘ક્વીન' ફિલ્મ જે રીતે નારીવાદને રેખાંકિત કરે છે એ ભલભલી કવિતા, વાર્તા કે નાટક ન પણ કરી શકે. તેથી આપણે એનો સમાવેશ કરવો જોઈએ. આપણે ત્યાં પણ સુરેશ જોષીએ ચિંતનની ઊર્જા ગુમાવી દીધી હોવાથી તમામ યુનિવર્સિટીઓને તાળાં મારી દેવાની વાત કરી હતી. નિત્શેએ હું શિક્ષણમાંથી પ્રશિષ્ટ ગ્રંથોને હાંકી કાઢવાની વાત કરી હતી. આ બધા વિચારો સાથે આપણે સહમત હોઈએ કે ન હોઈએ પરંતુ આ વિચારો સાહિત્યના ગંભીર ચિંતકોના છે એ તો સ્વીકારવું જ જોઈએ. જોકે અનુઆધુનિકતામાં આખું પરિદૃશ્ય બદલાઈ ગયું છે. પીટર સ્વીસ્ક એ ‘ફ્રોમ લિટરેચર ટુ બિટરેચર’ (૨૦૧૩) નામના પુસ્તકમાં કહ્યું છે કે, 'કમ્પ્યૂટરને આધુનિક કવિતાનો પ્રોગ્રામ બરાબર સમજાવી દો અને તમે કહો કે લા.ઠા. પ્રકારની કવિતા આપો તો આપશે. તમે પ્રોગ્રામ શીખવી દો પછી સુ.જો. જેવો નિબંધ લખવાનો પ્રયત્ન કરશે. કમ્પ્યૂટર ખુદ જ લેખક. મનુષ્ય જ લેખક ન હોઈ શકે મશીન પણ લેખક હોઈ શકે.’ લેખકનું પદ પણ જોખમમાં છે. એ દિવસો દૂર નથી કે રોબોટ વાર્તા કહેતો હોય કે સૉનેટ લખતો હોય! Boomer, જે FB, Twitterનો બેતાજ બાદશાહ છે, તે હવે લેખક બનશે. Boomer writer's websites પણ જોવા મળવાની સંભાવના છે. સાહિત્યશિક્ષણના - સાહિત્યના મૃત્યુની ગંભીરતાથી શિક્ષણશાસ્ત્રીઓએ ચર્ચા કરી છે. એમાં ઘણું વજૂદ છે, છતાં પણ એ નૈરાશ્યને ઊભેઊભું સ્વીકારી લેવું એ તો માનવતામાંથી જ શ્રદ્ધા ખોઈ બેસવા જેવું લાગે છે. મનુષ્યની પ્રકૃતિ સામે ગમે તેવા પડકારો આવ્યા હોય એનો એ પ્રતિરોધ કરતી રહી છે, તેથી એ એના રસ્તા ખોળશે જ. બીજું, ત્રીજા વિશ્વયુદ્ધ તરીકે આપણે કરોડો યુવાનો સાથે પનારો પાડવો પડશે. તેથી હથિયાર હેઠાં મૂકી દેવાં એ કાયરતા ગણાય, તેથી ફિલ્મ કે સિરિયલથી પણ સાહિત્યશિક્ષણ શરૂ કરી શકાય. ક્યારેક ફરિયાદ થતી કે ફલાણાં સાહેબ તો ફિલ્મની વાર્તા જ કહે છે પણ એ સમય પસાર કરવા નહીં પણ એક પ્રયુક્તિલેખે એનો ઉપયોગ થઈ શકે. ગભરાવા જેવું નથી. સાહિત્યશિક્ષણ પર હુમલાઓ વારંવાર થયા છે. હમણાં જ કોરોનાકાળની શબ્દાવલિઓમાં કહીએ તો First, Second, Third wave આવી છે, પણ આપણે anti-virus ખોળી કાઢીશું. પુન: આ વિદ્યાશાખાને નવજીવન પ્રદાન કરવું પડશે. આ વિદ્યાશાખા પડી ભાંગે તો આપણે કેવળ માનવયંત્રોથી યંત્રમાનવોની જેમ ઘેરાઈ જઈશું. સાહિત્યશિક્ષણ ડહાપણ, વિવેક અને સંવેદનાની તાલીમ છે, એનાથી હાથ ધોઈ નાખીશું. એ જે સમાજ સર્જાશે તે અસહ્ય હશે એમાં કોઈ શંકા નથી. નાથાન હોલિયરે કંઈક વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવી પડે એમ કહ્યું છે. આ નકારાત્મકતા અને ટૂંકી દૃષ્ટિ સામે ફીંડલું વાળી દેવાની વૃત્તિ બંધ કરવી પડે. આપણે જાણે થાકીહારી ગયા હોય તેમ બધું પતાવી દેતાં હોઈએ છીએ. આપણે શિક્ષકો વાતો પણ એ જ રીતે કરીએ છીએ-ઉમાશંકર પતાવ્યો, સુંદરમ્ પતાવવાના છે. સાતમું પગારપંચ જોઈએ છે, પરન્તુ આપણી સજ્જતા ચોથા પગારપંચ પછી વધી છે ખરી? રાખમાંથી બેઠાં થતાં ફિનિક્સ પંખીની જેમ એને ઊભું કરવું પડશે. વિવેચકો અને સંશોધકોની સ્વીકૃતિ-અસ્વીકૃતિ પર સાહિત્યનું ભવિષ્ય નથી ટકતું. એ ભયંકર ભૂલ હશે કે જો આપણે સાહિત્યને આધુનિક સમાજથી સર્વથા સ્વાયત્ત પ્રવૃત્તિ લેખીશું તો સાહિત્યે પણ એની ઉપયોગિતા સિદ્ધ કરવી રહી. સાહિત્યપ્રવૃત્તિ કરવાની જ નથી. એ કહેવતમાં શ્રદ્ધા રાખવા જેવી છે, કે ભલે એની ઘોષણાઓ વારંવાર થયા કરે. જેણે જે હાથ મોંને ખવડાવે છે એને મોં બચકું ન ભરે! સાહિત્યશિક્ષકનું પરંપરાગત પ્રતિમાન હવે બદલાઈ ચૂક્યું છે. પહેલાં વ્યાકરણ, ધર્મશાસ્ત્ર, કાવ્યશાસ્ત્રમાં પારંગત આદર્શ વ્યક્તિ સાહિત્યશિક્ષક હતો. આજે સામે બેઠેલો વિદ્યાર્થી પરિવર્તિત થઈ ચૂક્યો છે. એને જીવતાજીવન સાથે જોડાયેલો શિક્ષક અને અભ્યાસક્રમ જોઈએ છે. એ એની સમક્ષ નથી હોતો એટલે એ થોડા જ વખતમાં ઉદાસીન થઈ જાય છે. હું અત્યારે પરેશ નાયક ઈ.સ. ર૦રર' નાટક ભણાવું છું. વિદ્યાર્થીઓને ખૂબ જ રસ પડે છે એનું સીધું કારણ એ છે કે નાટ્યકળાની સાથોસાથ સમકાલીન પ્રશ્નો એમાં છે. તેથી અભિવ્યક્તિમાં અકુંઠિતતા પણ છે. મેક્સવેબરે એક રસ્તો કાઢેલો, તમે જે યુનિવર્સિટીમાં ભણ્યા હોય, ત્યાં નહીં અન્ય યુનિવર્સિટીમાં જ અધ્યાપક બનો, જેથી યુનિવર્સીટીની અધ્યયન પરંપરાની, તેજની તુલના થાય. જેમ કે શરીફાબહેન એમ.એસ. યુનિટમાંથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં આવ્યા. ભરત પંડ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.એસ. યુનિવર્સીટીમાં આવ્યા. કાન્તિલાલ માલસતર એમ.એસ. યુનિવર્સિટીમાંથી ગુજરાત યુનિવર્સિટીમાં ગયા. રાજેશ મકવાણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી હવે સેન્ટ્રલ યુનિવર્સિટી જેવી અગ્રણી સંસ્થામાં ગયા. તમે જે યુનિવર્સિટીમાં ભણ્યા છો એ અન્ય યુનિવર્સિટીમાં કસોટીએ ચઢશે. નવા પડકારો ઝીલવા પડે, તેજવલયો પ્રસરે. બાબા આદમથી ચાલ્યું આવતું હોય તેવું અને તેમ જ ભણાવવાની યાંત્રિકતામાંથી આપણે કરું બહાર નહીં નીકળીએ તો વર્ગખંડનો સમય બેઉ તરફ કેવળ પસાર થશે. કોઈ રચનાત્મક અનુભવ બેઉ છેડે નહીં થાય. વિદ્યાર્થી સાથે આપણો હૃદયસંવાદ રચાવો જોઈએ. હું કોઈ દિવસ શાંતિથી ભણી શક્યો જ નથી. એક ઉત્કટતા મને ભણાવતી વખતે ઘેરી લે છે. મને થાય કે આપેલ સમયમાં હું વધુમાં વધુ કંઈક આપું. હું નિવૃત્તિની નજીક હોવા છતાં આજે પણ તૈયારી વગર ક્લાસ લઈ શકતો જ નથી. વિદ્યાર્થીઓને ફાળવેલી એક પણ મિનિટ હું બગાડવા ઇચ્છતો નથી. એ પ્રતીતિ મને મારા વિદ્યાર્થીઓ પ્રત્યે થાય છે. પસંદ કરેલ કાર્યક્ષેત્રનો આ આનંદ એ જ આપણી પ્રાપ્તિ છે. ગુજરાતી અધ્યાપક સંઘનું ઊંઝામાં જે સંમેલન ભરાયું હતું, એમાં એક બેઠક હતી ‘સાહિત્યનું અધ્યાપનશાસ્ત્ર' વક્તા હતા શિરીષ પંચાલ, સુમન શાહ અને હું. ત્યારે મને સાહિત્યના અધ્યાપનશાસ્ત્ર વિશે નિરાંતે કામ કરવાની તક મળેલી. જે લેખ હમણાં જ ‘બુદ્ધિપ્રકાશ' (મે-૨૦૨૧)માં પ્રગટ થયો છે. અધ્યાપકમિત્રોને એ જોવા વિનંતી છે. એ વ્યાખ્યાનની આગલી કડી રૂપે હું આજે પ્રમુખીય વ્યાખ્યાન આપવા માંગુ છું. પહેલી વાત ધ્યાનથી એ સમજવી પડશે કે એક બાજુ ન કેળવાયેલો મોટો વિદ્યાર્થી સમૂહ હોય અને બીજી તરફ સાહિત્ય છે. સાહિત્યકારને આપણે એવું તો ન કહી શકીએ કે તમે વિદ્યાર્થીઓ સમજી શકે એવું જ લખો! કોઈક પ્રેમચંદજી કે મેઘાણી લખી શકે, પરન્તુ બધાએ એમ જ કરવું જરૂરી નથી. બીજી તરફ વિદ્યાર્થીનો સાહિત્યસમજ બોધ ત્વરિત એટલો વધારી ન શકાય કે એ એકાએક સુરેશ જોષીની વાર્તા સમજી જ જાય. અહીં મધ્યસ્થી તરીકે સાહિત્યના અધ્યાપનની ભૂમિકા પડકારરૂપ અને મહત્ત્વની છે. સામાન્યબુદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓમાં આ સામાન્ય બુદ્ધિને ઓળંગીને સાહિત્યસમજ બોધ આપણે વિકસાવવો પડે. આપણે જાણીએ છીએ કે ભણવામાં ઠોઠ હોય એને ‘ઢ’ કહેવાનો રિવાજ છે. એને ‘ઢ’ કેમ કહ્યો? પ, ફ, બ, કે ઠ કેમ ના કહ્યો? એનું કારણ એ છે કે લિપિમાં સદીઓ પછી બધા જ અક્ષરમાં પરિવર્તન આવ્યું પરંતુ ‘ઢ’માં કોઈ પરિવર્તન ન આવ્યું, તેથી જેનામાં કોઈ પરિવર્તન ન આવે એને 'ઢ' કહ્યા! એક રાજાના આવા ચાર 'ઢ' દીકરાને કોઈ ભણાવી શક્યું ન હતું, ત્યારે એને એક શિક્ષકે ‘પંચતંત્રની વાર્તાઓ’ ઘડીને શિક્ષિત બનાવેલા. સાહિત્યના અધ્યાપનશાસ્ત્રનો એ આપણો પહેલો પરચો! આપણી પાસે પણ સમાજના, ખાસ કરીને શિક્ષણસમાજના બહિષ્કૃત-તિરસ્કૃત મોટો જથ્થો સાહિત્ય ભણવા આવે છે. તેથી અન્ય શિક્ષકો કરતાં આપણું કામ વધુ પડકારરૂપ છે. સાહિત્યકૃતિ આપણને સમભાવી, વ્યાપક બનાવે તેવી હોવી જોઈએ. થોકબંધ સાહિત્ય રોજબરોજ પ્રગટ થયે જ જાય છે. ઘણીવાર આપણને એમ પણ કહેવામાં આવ્યું કે સાહિત્ય સમાજની આરસી (Mirror) છે. બ્રેખ્ત કહે છે કે, ‘સાહિત્યકૃતિ હથોડી છે જે વાસ્તવિકતાને નવો ઘાટ આપે છે. આપણી આસપાસ એવું ઘણું છે કે જે સડી ગયું છે. જે ત્યાજ્ય છે. એમાંથી આપણને સાહિત્યે ઉગારવાનું કામ કરવું જોઈએ. નહિતર લાખો યહૂદીઓની કત્લેઆમ કરીને હિટલર બિથોવની સિમ્ફની નિરાંતે સાંભળતો હતો એવો ઘાટ થાય. જ્ઞાતિ, ધર્મ, કોમ, પ્રદેશની વાડાબંધીમાંથી આપણે મુક્ત થઈએ. રવીન્દ્રનાથે આવા મનુષ્યની કલ્પના કરી છે. આવા કેટલા વિદ્યાર્થીઓ આપણે પેદા કર્યા એ કારકિર્દીના અંતે જાતને પૂછવા જેવો સવાલ છે. વિદ્યા સા વિમુક્તયે, વિદ્યા આપણને મુક્તિ આપે છે. શેમાંથી મુક્તિ આપે છે? બેકારીમાંથી, ના સંકુચિતતામાંથી. જો આપણે કળા, સાહિત્ય અને જ્ઞાનની સંનિકટ હોઈએ તો આપણે સંકુચિત રહી શકીએ જ નહીં. જો આપણે એવા મુક્ત માનવ ન બનીએ તો દળીદળીને કુલડીમાં ભર્યું ગણાય. એ જ અર્થમાં વિવેકાનંદે શિક્ષણને મનુષ્યનિર્માણની પ્રક્રિયા કહી હતી. હજુ મેં મારી આસપાસ એવા શિક્ષિત લોકો થોકબંધ જોયા છે કે જેઓ દલિતો, આદિવાસીઓ, લઘુમતીને નીચા ગણે છે. હજુ એમનો સ્ત્રી વિશેનો દૃષ્ટિકોણ એટલો જ સામંતી છે. આનું કારણ એ છે કે સાહિત્ય સર્જન અને અધ્યાપનમાં વ્યાપક અભિગમ ગેરહાજર છે. સર્જન અને અધ્યાપનમાં પ્રગતિશીલ અભિગમની માંગ કરવી જોઈએ. ‘તમસ' જેવી શ્રેષ્ઠ કૃતિને જો અભ્યાસક્રમમાંથી હકાલપટ્ટી કરીએ તો આ શક્ય નથી. આપણી આસપાસ થોકબંધ સાહિત્ય સર્જાય છે, તેમાંથી જેનો હેતુ કેવળ જનમનરંજન હોય તે અભ્યાસક્રમમાં ન હોય. ઝવેરચંદ મેઘાણીએ ‘મળેલા જીવ'ની પ્રસ્તાવનામાં લખેલું કે, 'જે પલાળે એ સાહિત્ય સાહિત્ય નહીં, પરન્તુ જે પખાળે એ સાહિત્ય.' અહીં પખાળવું એ ક્રિયાપદ સૂચવે છે કે મલિનતા દૂર કરવી. સાચું સાહિત્ય એ જે આપણને વધુ ઉન્નત મનુષ્ય બનાવે. તેથી એવી કૃતિઓ અભ્યાસક્રમમાં આવવી જોઈએ. સાહિત્યના શિક્ષકને એવું લાગે છે કે એની પાસે પ્રયોગશાળા નથી ! એનું જ્ઞાન વ્યવહારિક નથી. પણ એને સમજવું જોઈએ કે સામે ઊભેલો વિદ્યાર્થી તારી પ્રયોગશાળા છે. વિશ્વવિદ્યાલયમાં સાહિત્યશિક્ષણનું મૂળ પ્રયોજન શું છે? જે રીતે વિજ્ઞાનશાખામાંથી વૈજ્ઞાનિક પેદા થાય, મેડિકલમાંથી ડૉક્ટર, ઈજનેરીમાંથી ઈજનેરો પેદા થાય એમ સાહિત્યમાંથી એમ.એ. થયા પછી આપણે વિવેચકો કે પ્રકાંડ અધ્યાપકો પેદા કરી શકીએ છીએ? આપે જાણીએ છીએ કે આનો ઉત્તર ‘ના’ છે. તો એનો ઉપાય વિચારવો એ આપણી ફરજ છે. આપણે તૈયાર કરેલો વિદ્યાર્થી વિવેચનાત્મક બુદ્ધિ ધરાવતો થયો છે? એ નારીવાદ ભણ્યા પછી ‘અનુપમા’માં નારીચેતનાને રેખાંકિત કરીને હળવેથી પિતૃસત્તાને ગોઠવી દેતી, નાયકને ઊજળો કરી દેતી ચતુરાઈ પકડી શકે છે? એક જ વર્ષમાં રજૂ થયેલી ફિલ્મ 'ગદર-એક પ્રેમકથા’ અને ‘લગાન’નો ભેદ પામી શકે છે? ‘લગાન'નો સર્વસમાવેશી રાષ્ટ્રવાદ અને ‘ગદર-એક પ્રેમકથા'નો ધર્મકેન્દ્રી રાષ્ટ્રવાદ એ પારખી શકે છે? જો એનામાં વિવેચનાત્મક બુદ્ધિનું નિર્માણ કરીએ તો સમાજને સારા પત્રકારો, ફિલ્મમેકર્સ સુધ્ધાં મળી શકે તેમ છે. જેની આજે બહુ જ જરૂર છે. આવા સંજોગોમાં આપણી પસંદગી ખૂબ જ મહત્ત્વની હોય છે. આપણે એક વર્ગવિભાજિત સમાજમાં જીવીએ છીએ. પણ સાહિત્યમાત્ર એક પ્રકારનું હોઈ શકે નહીં. તેથી આપણે જે સાહિત્ય પસંદ કરીએ તેમાં પ્રગાઢ સામાજિક નિસબત પ્રગટેલી હોય તો એ વિદ્યાર્થી સુધી સંક્રાંત થશે. એવું સાહિત્ય હોય તો એ અગ્રતાક્રમથી મુકાવવું જોઈએ. ન હોય તો એની માંગ કરવી જોઈએ. એક કૌંચયુગલનો વધ જોઈને વ્યથિત વાલ્મીકિનો કવિકંઠ બોલી ઉઠેલો 'મા નિષાદ’. આજે આપણે આવા કવિકંઠની જરૂર નથી? ઉનામાં દલિતોને ઢીબી નાંખ્યાની કવિતા દલિત સાહિત્યકારોએ જ લખવાની? કિસાન આંદોલનમાં ત્રણસો ખેડૂતો મરી ગયા કે આત્મહત્યા કરી એનું સાહિત્ય ક્યાં છે? વગર કિસાન આંદોલને કૃષ્ણલાલ શ્રીધરાણીએ સ્વરાજરક્ષક કવિતા લખેલી એ યાદ આવે. કવિને આપણે પ્રજાનું મુખ કહ્યો છે. એ રાજાનું મુખ નથી કે રાજા બોલે એ જ પોપટવાણી પઢે!

રાજા બોલા રાત હૈ, રાની બોલી રાત હૈ
મંત્રી બોલા રાત હૈ, સંત્રી બોલા રાત હૈ
યહ સૂબહ સૂબહ કી બાત હૈ.

નોટબંધીમાં સો મર્યા, ભલે એ રાતોરાત ઝીંકાઈ, પણ શું લૉકડાઉનમાં મજૂરોને સ્થળાંતર કરવાનો સમય આપ્યો હોત, તો દોઢસો મજૂરો મરત? રેલના પાટા પર સૂતેલા મજૂરોની બાજુમાં રઝળતી રોટલીઓ આજના કોઈ વાલ્મીકિને મા નિષાદ કહેતા પ્રેરતું નથી? જે બોલે એની હત્યા થાય. ઇન્દિરાજીની કટોકટી વખતે કેવો વિરોધ થયેલો. ઉમાશંકરે રાજસભા છોડી 'અલવિદા દિલ્હી' કાવ્ય લખેલું વાંચી જજો. દર્શકે વિધાનસભાનું વિસર્જન અને સોક્રેટિસનું સર્જન એમ કહેલું. આજે તો કુલ્બર્ગી-પાનસર-દાભોલકર જેવા મોટા ગજાના વયોવૃદ્ધ લેખકોની હત્યા થઈ એનો કોઈ પડઘો લેખકો પર પડ્યો? ગુજરાતીમાં સમખાવા પૂરતી ‘ધારો કે આ વાર્તા નથી' નામની હિમાંશી શેલતે વાર્તા લખી. પણ બીજા કેમ ચૂપ છે? બેરોજગારી આજે આપણી સહુથી મોટી સમસ્યા છે. વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ, વિશ્વનો સૌથી મોટો બેરોજગાર દેશ છે. આ બેરોજગારોની વ્યથાનું કોઈ સાહિત્ય ખરું? ‘તર્પણ' નાટક/વાર્તા રવીન્દ્ર પારેખે લખી છે. શું આવું અઢળક સાહિત્ય જરૂરી નથી? આવા પ્રશ્નો વિવેચકોને જ નહીં અધ્યાપકોને પણ થવા જોઈએ. પ્રત્યેક મનુષ્ય પૂર્ણ અને સંસ્કૃત મનુષ્ય બને એવી તમામ શક્યતાઓ અને સંભાવનાઓ હોવા છતાં આપણે અનુભવી રહ્યા છીએ કે આપણી આસપાસમાં પડેલી વિવિધ સત્તાઓ મનુષ્યને પશુ-સમ બનાવી દે છે. આ સત્તાઓ સામે સતત સંઘર્ષ ચાલે છે. આવી સત્તાઓ સામે નિરાશ થઈને કોઈક કાફકાએ મનુષ્યને વંદો બનાવી દીધો. એલિયટને દુનિયા જ 'વેસ્ટલેન્ડ' કહેતાં મરુભૂમિ લાગી. પણ ના, મનુષ્ય એના કપરાંમાં કપરા સમયમાં પણ લડી રહ્યો છે. એ સંઘર્ષનું એક સાધન સાહિત્ય છે. ધર્મસત્તા, ધનસત્તા, પિતૃસત્તા અને જાતિસત્તા સામે સાહિત્યે હંમેશાં વિદ્રોહ કર્યો છે. આ સાહિત્ય પ્રગતિશીલ અને પ્રતિરોધની ચેતનાથી પ્રતિબદ્ધ હોય છે. આવું સાહિત્ય આજના સમયની માંગ છે. ગુજરાતી સાહિત્યમાં સંઘર્ષ કરતાં કેટકેટલાં નાયક-નાયિકા આવ્યાં? એ સાહિત્ય અભ્યાસક્રમમાં હોવું જોઈએ. ‘આંસુભીનો ઉજાસ', 'કૂવો', 'બત્રીસ પૂતળીની વેદના' નમૂનાના દાખલા યાદ કરી શકાય. મીનળ દવેનો ‘ઓથાર' સંગ્રહ તમે અભ્યાસક્રમમાં મૂક્યો એ અભિનંદનીય ઘટના છે. તમે સહુ સાહિત્યના અધ્યાપકો જ્યાં પણ, જ્યારે પણ તક મળે ત્યારે આવાં પ્રગતિશીલ અને પ્રતિરોધી સાહિત્યનો આસ્વાદ કરાવી નવી પેઢીને સુસજ્જ નાગરિકો બનાવો એવી અપેક્ષા છે. અન્ય વિદ્યાશાખા કરતાં આપણી પાસે વધુ મોટી તક છે. દેશની લોકશાહી તો સલામત રહેશે. ૧૫મી ઑગષ્ટ, ૨૦૨૧થી દેશની આઝાદીનું પંચોતેરમું વર્ષ બેસશે. બંગાળ, કેરળ, આસામની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તાધીશોએ પાંચ મહિના પહેલાં જ પંચોતેરમું ઊજવવું શરૂ કર્યું છે. શેમાંથી આઝાદી મેળવવાની હતી? માત્ર ગોરા અંગ્રેજોથી? એ આઝાદીના લડવૈયાઓમાં સેંકડો સાહિત્યકારો પણ હતા. એ પણ આ વર્ષે યાદ આવવું જોઈએ. મેઘાણીએ એ વખતે લખેલું કે -

જાગો જગના ક્ષુધાર્ત, જાગો દુર્બલ અશક્ત
ઈન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે…

*
સત્તા, નિયમોની જાળ, ધારા કેરી, ચૂંગાલ

ભોળા - કંગાલ કાજ ફાંસલા પસારે...…

*
ધનિકો મહાલંત મુક્ત, ગરીબોના લાલ રક્ત

સત્તાના ભક્ત આજ શોષે કરભારે…

શું હજુ આવું ભારત છે? છે તો કેમ છે? એ પ્રશ્નનો વિચાર વિદ્યાર્થી આવી કવિતા ભણે તો કરી શકે. પ્રેમચંદજી ઈ.સ. ૧૯૩૬માં અવસાન પામ્યા, પરંતુ એમણે 'આહુતિ' વાર્તામાં લખેલું કે, ‘જ્હૉનની જગ્યાએ ગોવિંદ ગાદીએ બેસી જાય એ આઝાદી નથી.’ આઝાદીના જ એક લડવૈયા ઉમાશંકર જોશીએ ‘સમયરંગ'માં લખ્યું છે કે - ‘એક ભારતીય નાગરિક તરીકે મને એવું લાગે છે કે ગોરી બ્રિટિશ સાર્વભૌમતાને દૂર કરી એને સ્થાને ઘઉંવર્ણા રાજ્યકર્તા સ્થાપ્યા છે અને આપણે અત્યારે ધનપતિઓના ખોળામાં જઈ પડવાની અણી પર છીએ. અત્યારની પરિસ્થિતિમાં સૌથી વધુ લાભ ખાટવાનો ધનપતિઓને છે. અનેક રાષ્ટ્રીય (મલ્ટીનેશનલ) ઉદ્યોગો માટે હવે દેશમાં મોકળું મેદાન છે.' (પૃ.૪૨૪) S.E.Z., S.A.Z. ના નામે ૧૯૯૦થી આ ધોધમાર ચાલ્યું. પાણીથી સસ્તા ભાવે વિશાળ જમીનો, સમુદ્રો, પહાડો, ટાટા, બિરલા, અંબાણી, અદાણીને પધારાવ્યાં છે. એ લોકો વળી પાછા ઉમાશંકર ઉમાશંકર કરે છે! આ સંપ્રજ્ઞતાની વિરલ ખોટ અમે તો અનુભવી રહ્યા છીએ. આજે વૈશ્વિકીકરણની આવી ચપેટમાં દેશમાં વ્યાપકસ્તરે વેચાણમહોત્સવો ચાલે છે. વિમાનમથકો, રેલવે, રમતનાં મેદાનો, સરકારી હૉસ્પિટલો. સરકારી બૅન્કો. વીમા કંપનીઓ વેચાઈ રહી છે. શું સરકારી શાળા કૉલેજો-યુનિવર્સિટીઓ બચશે ખરી? એવો ધ્રાસ્કો પડે છે. પછી કોનો સંઘ? કોનું અધ્યાપન? એવો પ્રશ્ન નાગરિક તરીકે મને થાય છે. ઉચ્ચશિક્ષણ માટે ઉચ્ચકક્ષાના સંદર્ભગ્રંથો ‘ગ્રંથનિર્માણ બોર્ડ' પ્રગટ કરતું હતું. સક્રિય અને ગતિશીલ હતું. ત્યાં પણ હવે આર્થિક સહાય ન થતી હોવાથી મંદપ્રાણ, બંધ થવાના વાંકે જીવતું હોય તેવું ગ્રંથ-નિર્વાણ બોર્ડ થઈ ગયું છે! ગ્રંથનિર્માણ બોર્ડમાં દીર્ઘદૃષ્ટા વિદ્વાનને નિયામક તરીકે મુકાતા હતા એ પણ બંધ થયું. આ વૈશ્વિકીકરણમાં સાહિત્યને જેને સહુથી વધુ ચિંતા છે એ મનુષ્યની કિંમત ઘટી રહી છે. જ્ઞાનપીઠ પુરસ્કૃત કવિ કેદારનાથ અગ્રવાલ એમની એક કવિતામાં લખે છે –

આજ જબ કિ
સબ ચીજોં કા દામ બઢને કી ઓર હૈ
આદમી કી કિંમત મેં ભારી છૂટ કા શોર હૈ

આ સ્થિતિમાં સાહિત્યના સર્જકો અને અધ્યાપકોનું ઉત્તરદાયિત્વ શું હોઈ શકે? એ વિચારવું વેળાસરનું ગણાશે. નર્મદના શહેરમાં છીએ, વીર નર્મદના નામ સાથે જોડાયેલી યુનિવર્સિટીવાળા શહેરમાં છીએ. જે ૧૯મી સદીમાં થયેલા સમાજ-સુધારણાનું કેન્દ્ર (Epicenter) હતું. દુર્ગારામ મહેતા, કરસનદાસ મૂળજી, મહીપતરામ નીલકંઠ, ઇચ્છારામ દેસાઈનું શહેર, રહીરહીને એ લોકો કહી રહ્યા છે કે સાહિત્ય અને વિશાળ જનતા વચ્ચે મોટી ખાઈ પડી ગઈ છે તે સરખી કરો. ઝટ ડહોળી નાંખો મનજળ સ્થિર થયેલાં તો રસિકડાં તમારા ગીત ગાશે. એ નર્મદને યાદ કરીને નિરંજન ભગતે આવું કાવ્ય કેમ લખવું પડ્યું ? સ્હેજ માથું ખંજવાળો.

ક્યાં તુજ જોમ જુસ્સો?
ક્યાં આ જંતુ માણહા
માથા પરની રેફ નર્મદ
સ્હેજ ખસી ગઈ!

એ લોકોએ અંધશ્રદ્ધા, વિધવાવિવાહ સામે મોરચો માંડ્યો હતો. દુર્ગારામ મહેતાએ ભૂવાઓને શહેરની વચ્ચોવચ પડકાર્યા હતા. આજે એચ.આર.ડી. પ્રધાન કે શિક્ષણમંત્રી ભૂવાઓનું જાહેરમાં સન્માન કરે છે. તેથી આપણી ફરજ બની જાય છે કે દુર્ગારામની માનવધર્મ સભાની વાત કરવી. રૂઢિચુસ્તતા ચોમેર આધુનિકતાની વચ્ચોવચ વધતી જાય છે, ત્યારે આપણને વિચાર આવે કે અત્યારે કેટકેટલી ‘ભદ્રંભદ્ર’ નવલકથા લખવી જોઈએ. જો લખાય તો એને સ્થાન આપીએ? જો ન લખાય તો એ જ ‘ભદ્રંભદ્ર'થી આપણે વિદ્યાર્થીઓને પ્રગતિશીલ વિચારો આપીએ. ગાંધી આવ્યા પૂર્વે લખાયેલી શરદબાબુની નવલકથા 'પલ્લીસમાજ'માંથી એકવાર પસાર થઈએ તો ખબર પડે કે સર્જક કઈ રીતે પોતાના વાચકને પરંપરામાંથી બહાર કાઢીને પ્રગતિશીલ બનાવે છે. ૧૨૭ મુસ્લિમોની સીમીના કાર્યકર તરીકે ધરપકડ થઈ. વીસ વર્ષે સજા ભોગવ્યા બાદ તમામ નિર્દોષ છૂટ્યાં. વ્યવસ્થાની આ એબ્સર્ડિટી આપણી પાસે ‘મેટાફોર્મેસિસ’ જેવી કૃતિ ક્યારે સર્જાવશે? દાખલા તરીકે આપણે ‘માનવીની ભવાઈ' ભણાવતા હોઈએ, ત્યારે એ દૃશ્ય અચૂક ચર્ચવું જોઈએ કે જ્યાં પરંપરાગત અંધશ્રદ્ધાને લેખકે કેવો જવાબ આપ્યો છે. વાવણી વખતે બધાંય હળ-બળદ લઈને નીકળી પડ્યા છે. રૂપા ચિંતામાં છે. નાનો કાળુ હળ જોતરી ન શકે. શું કરું? શું કરું?ની ચિંતામાં હોય બીજી પા બારમાથાળી માલી મેણાં મારતી હોય, એ નીકળી પડે છે દીકરાને લઈને. ગામમાં પટલાણી ખેતરમાં ઓરવા ગયાની ટીકા થઈ. એમાંય વરસાદ ન પડ્યો ત્યારે, તો અફવા જ ફેલાઈ ગઈ કે બાઈમાણસ હળને હાથ અડાડે પછી તો વરસાદ ન પડે. હવે રૂપા પરથી હળ પસાર કરવાની સજા થાય. રૂપા સજા ભોગવવા તૈયાર થાય છે. ગામ આખું ખેતર પર ઊભરાયું પણ અચાનક વરસાદ આવ્યો અને સહુ એને રૂપામાનો ચમત્કાર માનવા માંડ્યા. ‘ને એ રાતે તો લગભગ આખાય ગામની સ્ત્રીઓ રૂપાને ઘેર આવી બેઠી! કો’કો રૂપામા! હાસોહાસ કે'જો, તમે કઈ માતાનું સમરણ-' ને રૂપા સજળ નેત્રે સ્વગત કહેતી હોય તેમ બોલી: 'સમરણ જો હાચું પૂછો તો મારા આદમીનું જ કર્યું તું બુન કે –ને હસીને ઉમેર્યું: ‘કાં’ક ગાળો ભાંડી'તી ભગવાનને, બાકી-‘ એ જ રીતે ફૂલી ડોશીને ગામ ડાકણ ગણે છે એ અંગે પણ પન્નાલાલનો પ્રતિભાવ પ્રગતિશીલ છે. એ ‘માનવીની ભવાઈ'નું નારીવાદી બાકોરું છે. જમીનના વહીવટની જાણતલ, વૈદકની જાણતલ, દાયણ, સમાજની વિગતોથી જાણતલ હોવાથી આવું બૈરું મનેખ પિતૃસત્તાને પાલવે નહીં એટલે ડાકણ ગણાવી છે. કૃતિના આવા પ્રગતિશીલ અંશોને આપણે વિદ્યાર્થીઓ સામે ધરવા જરૂરી છે. એવી જ રીતે મને ઘણી વાર એવો વિચાર આવે છે કે ભારતીય નવલકથામાં પહેલી એવી કઈ નાયિકા કે જેણે સગાઈ તોડી હોય? જવાબ છે - 'ગોરા'ની સુચરિતા. સુચરિતાએ વડીલો દ્વારા નક્કી કરેલા યુવક પર રાજીખુશીથી મંજૂરીની મહોર પણ મારી હતી, છતાં એ વ્યક્તિના વિચારો યોગ્ય ન લાગતાં એ સગાઈ તોડે છે. એવી જ રીતે એવી પહેલી નાયિકા કઈ કે જેણે વડીલો નથી ઇચ્છતાં છતાં પોતાને યોગ્ય લાગે તેવા યુવક સાથે ઘર માંડ્યું હોય? તો જવાબ છે ‘ગોરા'ની લલિતા. તમે જુઓ છેક ૧૯૦૭માં માણે રાષ્ટ્રમીમાંસાની સમાંતરે રજૂ થયેલી ‘ગોરા'ની પ્રણયમીમાંસા કેટલી પ્રગતિશીલ છે. ગોરા-સુચરિતા અને લલિતા-વિનયનો ઉચ્ચ મૂલ્યબોધપરક પ્રેમ પ્રેમનું ઉન્નત સ્વરૂપ છે. એની સમાંતરે ‘છિન્નપત્ર'ની પ્રણયમીમાંસા બોદી અને વેવલી લાગે છે. એવી જ રીતે આ વર્ષે સુરેશ જોષીની સાથે સાથે જેમની જન્મશતાબ્દી છે તે રેણુને પણ યાદ કરી શકાય. રેણુએ ‘મૈલા આંચલ' દ્વારા કમલી અને પ્રશાંતના પુત્ર દ્વારા નવભારતમાં પ્રગટનારાં સંઘર્ષ અને રોમાંચનું જે ચિત્ર પાડ્યું છે તે વિકરાળ વાસ્તવિકતા અને નિરાશાવાદ વચ્ચેનો આશાવાદ છે. માત્ર આધુનિક સાહિત્ય નહીં, પણ જ્યારે આપણે મધ્યકાલીન કે પુરોગામી સાહિત્ય ભણાવીએ ત્યારે પણ પ્રગતિશીલ અભિગમનો વિનિયોગ કરવો જોઈએ. ભક્તિઆંદોલન અને સ્વતંત્રતા સંગ્રામ એ બે એવાં આંદોલન છે કે જેને પ્રગતિશીલ વિચારો પ્રેર્યા હતા. ગંગાસતીના ભજનમાં ગવાયેલું-

આવો પાનબાઈ! તમને દેખાડું એવા દેશ
જ્યાં વરણ નહીં, નહીં વેશ.

આ રીતે આપણે નરસિંહ, મીરાં, અખો, કબીર સરખી રીતે ભણાવીએ તો ધાર્મિક સંકુચિતતામાંથી, કર્મકાંડોમાંથી બહાર નીકળી શકીએ. જે આજે ખૂબ જરૂરી છે. મને ઘણી વાર એવો વિચાર આવે કે આ ભક્તિઆંદોલન ગુજરાત પૂરતું સીમિત નહોતું પણ ભારતવ્યાપી હતું. તેથી મધ્યકાલીન ભારતીય સાહિત્ય જેવું એક પેપર ભણાવવું જોઈએ. જેથી કરીને કબીર, સુરદાસ, તુલસીના સંદર્ભે આપણે આપણી પરંપરાને વધુ સઘન પામી શકીએ. આવું પ્રશ્નપત્ર પ્રગતિશીલ સાહિત્યશિક્ષણ માટે જરૂરી છે. આજે જ્યારે ધાર્મિક સંકુચિતતાને રાજસત્તા બળ આપી રહી છે, ત્યારે આપણે આ પ્રકારના શિક્ષણ દ્વારા પ્રતિરોધ કરી શકીએ. આપણે આપણા અભ્યાસક્રમોમાં પ્રયોગો કરવા જોઈએ. યુ.જી.સી.એ પણ આંતરવિદ્યાકીય અભિગમ પર ભાર મૂક્યો છે. જેમ કે, મેં વૈશ્વિકીકરણ અને સાહિત્ય પ્રશ્નપત્ર દાખલ કર્યું. જેથી આપણે મનુષ્ય પર પડતા આ પ્રભાવને સાહિત્ય શી રીતે ઝીલે છે તે બતાવી શકીએ. એક બાજુ ફિલ્મોના નામ ‘જબ વી મેટ' હોય, કે ‘ઠંડા મતલબ કોકાકોલા' જેવી જાહેરાત બાળક હજ્જારો વાર સાંભળતો હોય એની અસરો તો પડવાની જ. વિકાસના લાભાલાભની આવા પ્રશ્નપત્રોમાં સાહિત્યકૃતિ દ્વારા ચર્ચા સંભવી શકે. જ્યારે સેમેસ્ટર પદ્ધતિમાં વધુ પ્રશ્નપત્ર આપવાનો અવકાશ ઊભો થયો છે, ત્યારે કાયદો અને સાહિત્ય, માનવાધિકારો અને સાહિત્ય, પ્રતિરોધનું સાહિત્ય જેવા અવનવા પ્રયોગો કરી શકાય. આતંકવાદની માધ્યમો કેટકેટલીક ચર્ચાઓ કરે છે, શું આપણે સાહિત્યકૃતિઓ દ્વારા આ ચર્ચા ન કરી શકીએ? આતંકવાદને આલેખતી સેંકડો ફિલ્મો બને છે, તો સાહિત્યકૃતિનો અભાવ કેમ છે? કેમ સર્જક એનો મુકાબલો નથી કરતો? પાકિસ્તાનમાં ‘ખુદા કે લિયે’ કે ‘બોલ' જેવી ફિલ્મ ઉદાહરણરૂપે મૂકી શકાય. આતંકવાદ અને સાહિત્ય એવો પરિસંવાદ કરવો હોય તો આપણે શું ધરીશું? કેમ ધરી શકતા નથી? શું આપણે પલાયનવાદી છીએ? અરે સાહિત્યસંદર્ભે પણ આપણે વ્યાપક થવાની જરૂર છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આપણે વર્ષોથી ભણાવીએ છીએ. મધ્યકાલીન ભારતીય સાહિત્યના અનુસંધાનમાં જોવાથી વધુ રોચક અને સઘન સંસ્કૃતિવિમર્શ ઊભો કરે છે. ભક્તિઆંદોલનના ભારતીય પરિમાણોમાં આપણે પ્રવેશતા જ નથી. શા માટે એમ.એ. કક્ષાએ મધ્યકાલીન ભારતીય સાહિત્ય એવું એક પ્રશ્નપત્ર દાખલ ન કરી શકીએ? બસવેશ્વર, સુરદાસ. કબીર, તુલસી, ચૈતન્ય મહાપ્રભુની સાથે ગુજરાતીના મધ્યકાળને મૂકવાથી મધ્યકાળનું પૂરું ચિત્ર આપણને મળશે. તુલનાત્મક સાહિત્યમાં કે લોકસાહિત્યમાં મેં તુલનાત્મક લોકસાહિત્યનું પ્રશ્નપત્ર જોયું નથી. ખરેખર તો લોકસાહિત્યની વિવિધ પ્રાદેશિક પરંપરાઓના પરિચયથી આપણી સંસ્કૃતિ એ વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિનો મેળાવડો છે તે સમજી શકાશે. ગુજરાતમાં ગુજરાતી, બંગાળમાં બંગાળી, મહારાષ્ટ્રમાં મરાઠી તો ઉર્દૂ સાહિત્ય ક્યાં ભણાવીશું? ઉર્દૂ ભાષા ભારતીય છે. એમાં સમર્થ સાહિત્યકારોએ બહુમૂલ્ય પ્રદાન કર્યું છે. એનાથી વંચિત રહેવું આપણને પાલવશે નહીં. અંતે આ વર્ષ જેમની જન્મશતાબ્દીનું છે એ સાહિર લુધિયાનવીની એક પંક્તિથી પૂરું કરું.

બીતેંગે કભી તો દિન આખિર,
યે ભૂખ ઓર બેકારી કે
ટૂટેંગે કભી તો બૂત આખિર,
દોલત કી ઈઝારેદારી કે
બુનિયાદ ઉઠાઈ જાયેગી,
વો સુબહ કભી તો આયેગી……

સંદર્ભ : ૧. એલ્વિન કર્નાન, ધ ડેથ ઑફ લિટરેચર (૧૯૯૦), યેલ યુનિવર્સિટી પ્રકાશન ૨. જ્હૉન એલિસ, લિટરેચર લોસ્ટ (૧૯૯૭), યેલ યુનિવર્સિટી પ્રકાશન ૩. જિરાલ્ડ ગ્રાફ, પ્રોફિસિંગ લિટરેચર (૧૯૮૭), શિકાગો યુનિવર્સિટી પ્રકાશન ૪. પીટર સ્વીટ્ઝ, ફ્રોમ લિટરેચર ટુ બિટરેચર (૨૦૧૩), મેકગિલ ક્વીન યુનિવર્સિટી પ્રકાશન ૫. નાથાન હોલિયર, ડાયગ્નોસિંગ ધ ડેથ ઓફ લિટરેચર (૨૦૦૭), વેટ ઈન્ક,

***