અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/પ્રૌદ્યોગિક વિજ્ઞાન અને મધ્યકાલીન ફાગુકાવ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રમુખીય સંબોધન :
[ગુજરતીનો અધ્યાપક સંઘનું 69મું અધિવેશન]
કીર્તિદા શાહ

ત્રીસેક વર્ષ મેં ગુજરાતી સાહિત્ય અને ભાષાનું અધ્યયન-અધ્યાપન કર્યું. અધ્યયન-અધ્યાપન દરમ્યાન ઘણી સાહિત્યકૃતિઓનો સઘન અભ્યાસ કર્યો. અધ્યાપક સંઘના પ્રમુખ તરીકે પ્રમુખીય વ્યાખ્યાનનો વિષય વિચાર્યો ત્યારે સૌથી પહેલા ભારત સરકાર સાથે કરેલા એક ભાષા સંદર્ભના પ્રોજેકટ સંદર્ભે વ્યાખ્યાન તૈયાર કરવાનું વિચાર્યું. પ્રોજેક્ટનું શીર્ષક- ILCI GUJARATI CORPORA ઇન્ડિયન લેંગવેજીસ કોર્પોરા ઇનિસ્પેટિવ આ પ્રોજેકટ ૧૭ માતૃભાષાઓએ કામ કર્યું છે. એમાં એક ગુજરાતી હતી. દરેક માતૃભાષાને પ્રોજેકટ લીડર પાસેથી અઠવાડિયાના પ્રથમ સોમવારે હિન્દી ભાષામાં ૧૦૦૦ વાક્યો ઓનલાઈન મળતા. આ વકયોનો અનુવાદ પ્રત્યેક ભાષાના સંયોજકે ૧૫ દિવસમાં કરીને ઓનલાઈન પાછો મોકલવાનો. પછી વકયોને વ્યાકરણની વ્યવસ્થામાં ગોઠવવાના. પછી એ વાક્યોના ચંક એટલે કે વાકયને ખંડમાં વિભાજિત કરવાના. એમ ૧,૦૦,૦૦૦ વાકયોનું કામ માત્ર બે વર્ષના સમયમાં પૂર્ણ કરવાનું હતું. નિદર્શનરૂપ એક વાક્ય જોઈએ. गंगा नदी में तैरती दीपमालोओं का दृष्य देखते ही बनता है। અનુવાદ ગંગા નદી પર તરતા દીવડાઓનું દ્રશ્ય દ્રશ્ય સૌદર્યમય છે. આમ વાક્યનો અનુવાદ કરવામાં “દેખતે હી બનતા” શબ્દપ્રયોગનો યોગ્ય અર્થ સાથે અનુવાદ કરવાનો હતો. અનુવાદ થયા પછી વાકયમાંથી શબ્દોને વ્યાકરણની વ્યવસ્થામાં ગોઠવવાના હતા. જેમકે – ગંગા = નામ નદી = નામ પર = અનુગ તરતા = કૃદંત દીવડાઓનું = જાતિવાચક સંજ્ઞા દ્રશ્ય = જાતિવાચક સંજ્ઞા સૌંદયમય = વિશેષણ છે = સહાયકારી ક્રિયાપદ . (પૂર્ણવિરામ) = વિરામચિહ્ન આ કામ અત્યંત ચોકસાઈનું હતું. ગુજરાતી વ્યાકરણ મશીન કેવી રીતે ગ્રહણ કરી શકે તેની પણ કાળજી કરવાની હતી. આ ડેટા = સામગ્રીની ચકાસણી ગવર્નમેન્ટની સીડેક સંસ્થા કરતી હતી જેમાં ગુજરતીનો ડેટા શુદ્ધ – સ્પષ્ટ તૈયાર થયો છે. સીડેકનું પ્રમાણપત્ર ડેટાને મળ્યું છે. એમ વાકયના પ્રત્યેક ઘટકને વ્યાકરણની વ્યવસ્થામાં એમની કઈ ઓળખ છે તે દર્શાવવાનું હતું. આ બધી પ્રક્રિયા બહુ જ રસપ્રદ રહી. ગુજરાતી ભાષાનું સમગ્ર વ્યાકરણ અને એની સૂક્ષ્મતાઓ હસ્તામલકવત્ બની. આપણા મોબાઈલ અને કમ્પ્યૂટરમાં આપણને આજે આપણી માતૃભાષામાં જે લખાણ વાંચવા-લખવાનો આનંદ મળે છે તે આ પ્રકારના મશીન ટ્રાન્સલેસન પ્રોજેક્ટ દ્વારા સંપૂર્ણ ચકાસીને તૈયાર કરેલા કોપર્સને આભારી છે. આ રીતે ચકાસીને તૈયાર થયેલા કોપર્સને કારણ કે સાચો અનુવાદ મશીન કરી શકે છે. ભાષા સામગ્રી એકત્રીકરણની સમગ્ર પ્રક્રિયા અત્યંત રસપ્રદ અને સાંપ્રત સમયને સ્પર્શનારી છે. એટલે વિચાર્યું કે પ્રોજેકટમાં કરેલી આ સમગ્ર સંશોધનાત્મક પ્રક્રિયા વિશે આપ સૌ સાથે વાત કરી શકાય અને યંત્રસંસ્કૃતિના પરિવેશમાં એ ઉપયોગી અને રસપ્રદ પણ બની રહે જ. પણ પાછું મારું મન મારા વિશેષ અભ્યાસેલા મધ્યકાલીન સાહિત્ય તરફ વળ્યું. યુવાનીનાં દસ વર્ષ મધ્યકાળમાં રચાયેલા સાહિત્યના સંશોધનમાં અખા ભગતનો શબ્દ વાપરીને કહું તો “રસબસ” રહી છું. સંખ્યાબંધ હસ્તપ્રતો વાંચી-ઊકેલી છે. જૈન ગૂર્જરકવિઓ, ગુજરાતી હસ્તપ્રતોના સૂચિગ્રંથો, બૃહદ કાવ્યદોહન, ગુજરાતી હસ્તપ્રતોની સંકલિત યાદી જેવાં સંદર્ભ પુસ્તકોનો સઘન અભ્યાસ કર્યો છે. પ્રચલિત પદોના લેખકનાં નામ ખો ખોટાં હતા તે મૂળ હસ્તપ્રતના આધારે સંશોધન કરીને સાચા સોધ્યા છે – પ્રેમળદાસ –ગેમલદાસ. આપણું પ્રચલિત પદ ‘હરિને ભજતા હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે’ -ના કવિનું નામ આ સભામાં બેઠેલા સહું “પ્રેમળદાસ” માને–જાણે છે. હકીકતમાં આ કવિનું નામ મૂળ હસ્તપ્રતમાં “ગેમલદાસ” મળ્યું છે જે સાચું છે. આવા તો સંખ્યાબંધ નિદર્શનો આપી શકાય તેમ છે પણ એ ફરી કોઈકવાર . મધ્યકાલીન મુખ્યત્વે પદ્યપ્રધાન રહ્યું છે એ સુવિદિત છે. આ સમયના સર્જકોના કવિપણાની લાક્ષણિકતાનું એક રસપ્રદ દ્રષ્ટાંત જોઈએ . કાવ્યને અંતે કવિ પોતાના નામ ઉપરાંત કૃતિની રચના સંવત આપતા.કેટલાક કવિઓ રચના સંવત આંકડામાં નહીં પરંતુ “રવિવેદ ચંદ્ર રસ વરસે લિખિતંગ“આ રીતે શબ્દોમાં લખતા. આ રવિ–વેદ-ચંદ્ર –રસ દ્વારા ક્યો અંક અભિપ્રેત છે તે શોધવાનું થતું . એની શોધ માટે‘વસ્તુસંખ્યા કોશ‘રતિલાલ નાયક સંપાદિત કોશ અમારી વહારે આવ્યો. કવિએ નિર્દેશેલા શબ્દોના અંક ક્યાં થાય તે કોશમાંથી શોધ્યું.રવિ= ૦૧, વેદ= ૦૪, ચંદ્ર =૦૧, રસ=૬/૯, એટલે રચનાસંવત ૧૪૧૬/૧૪૧૯. એક બીજું નિદર્શન કવિનામ સંદર્ભનું જોઈએ – ઈંદ્રાવતી પ્રાણનાથ -- કેટલાક સંપ્રદાયમાં એવી પ્રથા હોય છે કે એ સંપ્રદાયમાં જોડાયેલ વ્યક્તિ જો પુરુષ હોય તો પણ પોતાનું નામ સ્ત્રીનું રાખે છે . જેમકે –ઈંદ્રાવતી પ્રાણનાથ નામ વાંચીએ તો એ સ્ત્રીનામ હોવાનું જ અનુમાન થાય. પણ ખરેખર એ પુરુષનું નામ છે. એમના રચેલા બધા પદોને અંતે ઈંદ્રાવતી પ્રાણનાથ નામ મળે છે પણ શંશોધન કરતાં જણાયું કે આ તો સંપ્રદાયની પરંપરા છે . આ પ્રકારની મધ્યકાલીન સાહિતની સંશોધનાત્મક પ્રક્રિયા ઉપરાંત ‘કુંવારબાઈનું મામેરું’,‘સુદામાચરિત્ર’, નરસિંહ, મીરાં અને દયારામના પદો હીંચકા પર બેસીને મોટેમોટેથી બુલંદ અવાજે લલકાર્યા છે. સાહિત્ય કોશની રચના અને શંશોધનમાં પ્રો. જયંત કોઠારીની ટ્રેનિંગને કારણે જૈનસાહિત્યનો અત્યંત નિકટથી સઘન અભ્યાસ કર્યો છે. પ્રસ્તુત અભ્યાસ દરમિયાન જે ડિલાઈટ-આનંદની અનુભૂતિ થઈ છે તે અવર્ણનીય છે. આ સાહિત્યે જે ડહાપણનું ભાથુંબંધાવ્યું છે તે પણ અનન્ય છે. આવી રસપ્રદ અનુભૂતિ કરાવીને જીવન જીવવાની સંખ્યાબંધ ચાવીઓ આ સાહિત્યએ મને ભેટ આપી છે એ તમને સૌને વહેંચું . આ ન વિસરવા જેવા મૂલ્યવાન મધ્યકાલીન સાહિત્યના સાગરમાંથી આચમનરૂપેહું તમારી પાસે તે સમયમાં અત્યંત લોકપ્રિય બનેલી, કાવ્યબલળે બળકટ અને જીવન જીવવાની અનુપમ દ્રષ્ટિ સંપડાવતી સ્થૂલિભદ્ર-કોશાના કથાવસ્તુને અવનવીન સ્વરૂપોમાં ઢાળતી રચનાઓ વિશે વાત કરીશ. ઈ.સ. ૧૧૫૦થી ઈ.સ. ૧૮૫૦નો સમય આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો છે.ગુજરાતી સહિતા કોશ-૧ નોંધે છે તે મુજબ આ સમય દરમિયાન ૧૬૦૦ જેટલા કવિઓની ૩૦૦૦ ઉપરાંત રચનાઓ મળે છે. આમાંના ૭૫ ટકા જેટલા કવિઓ જૈન સાધુ કવિઓ છે. આ કવિઓમાં યશોવિજય, જ્ઞાનવિમલ, જયવંતસૂરી,હીરાવિજયસૂરી એમ લાંબી કવિસૂચિ આપી શકાય એવી યશસ્વી પરંપરા આપણાં સાહિત્યની રહી છે. આ યશસ્વી પરંપરામાં અનેક સાહિત્ય સ્વરૂપો રચાયાં છે- કક્કા,કથા,બરમાસી, ચર્ચરી, ચૈત્યવંદન, ફાગુ, છંદ,બારમાસ/બારમાસી,વિવાહલુ અને સઝાય વગેરે. સ્વરૂપવૈવિધ્ય ઉપરાંત વિષય વૈવિષ્ય પણ આ સમયના સાહિત્યએ આપ્યું છે. દાન, શીલ, તપ જેવા વિષયો વિવિધ સાહિત્યસ્વરૂપમાં કાવ્યમય રીતે રજૂ થયા છે. એમાં પણ લોકપ્રિય બનેલા વિષયોની તો ૮૦-૧૦૦ જેટલી રચનાઓ સ્વરૂપ વૈવિધ્ય સાથે કાવ્યબળે અહમઅહમિકા કરતી મળી છે. એ વિશાળ જગતને જાણવા–સમજવા-માણવા ઘણાં વર્ષો પલાંઠી લગાવીને બેસવું પડે તેમ છે. કેમકે આ રચનાઓ જૂની ગુજરાતી અને હસ્તપ્રતોમાં છે જેમાં અનેક પાઠભેદને ઉકેલવા-સમજવા પડે છે. આજે આપણે શીલને કેન્દ્ર કરતી સ્થૂલિભદ્ર-કોશા વિષયક રચનાઓના સંદર્ભ સાથે શીલ અને દીક્ષાના મોટિફ ધરાવતી રચનાઓનો પરિચય કરીશું. સ્થૂલિભદ્ર અને કોશા ગુજરાતી કથાસાહિત્યનું પ્રિય યુગલ રહ્યું છે. પ્રસ્તુત કથાનકને કેન્દ્ર કરતી ૭૯ જેટલી કૃતિઓ મળી છે. જે એના સ્વરૂપ વૈવિધ્યથી પણ આકર્ષણ ઊભું કરે છે. અઠ્ઠાવીસો, ગણધરવેલી, ગહૂંલી, ગીત, બરમાસા, ફાગુ , ચરિત્ર, ચોપાઈ, છંદ, નવરસ, ધમાલ, બાસઠિયો, રાસ, કાગળ. આ રચના કરનારા કવિઓ ૭૯ જેટલા મળે છે એમાંના કેટલાકનાં નામ જુઓ. રંગવલ્લભ, લક્ષ્મીવિમલ, નયસુંદર, અમૃતસાગર, હીરાણંદ, ઉદયરત્ન, માણેકવિજય, ઉદયરત્ન, સૌભાગ્યવિમલ , જિનહર્ષ વગેરે. વિવિધ સ્વરૂપોમાં રચાયેલી આ રચનાઓ ૪/૫ કડીથી ૧૫૧ ઢાળ સુધી વિસ્તરે છે. કૃતિમાં પ્રવેશતા પહેલાં આપણે સંમયશીલતાનો મહિમા કરતા કથાનકને જાણીએ . કારણ કે કાવ્યમાં કવિને સ્થૂલિભદ્ર અને કોશાના જીવનની બધી વિગતોનો ઉલ્લેખ કરવાનો અવકાશ ઓછો હોય છે. ભાવક પાસે જો એમના જીવનસંદર્ભની માહિતી ન હોય તો ભાવક કાવ્યનો ભાવ પકડી ના શકે. એટલે આપણે પહેલા સંક્ષેપમાં આ યુગલની જીવનરેખા જોઈએ. મગધદેશમાં પાટલીપુત્રમાં નંદ નામનો રાજા રાજ્ય કરતો હતો. એને શકટાલ નામનો બુદ્ધિશાળી, વ્યવહારદક્ષ અને નિર્ભય મંત્રી હતો. એની પત્નીનું નામ લક્ષ્મીવતી હતું. એમને સાત પુત્રી અને બે પુત્રો હતા. મોટા પુત્રનું નામ સ્થૂલિભદ્ર અને નાનાનું નામ શ્રીયક હતું. મગધદેશમાં કોશા નામની યુવાન જાજરમાન ગણિકા રહેતી રહી. કોશાને જોઈ સ્થૂલિભદ્ર તેના પર મોહિત થાય છે અને પછી કોશાના ઘરે જ રહી જાય છે. એમ કરતાં-કરતાં બાર વર્ષ વીતી જાય છે. એકવાર વરરુચિ નામનો એક પંડિત પાટલિપુત્રમાં આવે છે. આ પંડિત રાજાને પ્રસન્ન કરવા ૧૦૮ નવા શ્લોક રચીને સંભળાવે છે. રાજા ખુશ થાય છે અને મંત્રીને વરરુચિને દાન આપવા આજ્ઞા કરે છે પરંતુ રાજાનો બુદ્ધિશાળી મંત્રી વરરુચિની દાનત સમજી જાય છે એટલે તે રાજાને વરરુચિને દાન આપતા રોકે છે. વરરુચિ વારંવાર રાજા પાસે આવીને જૂના –નવા શ્લોક સંભળાવે છે અને રાજા પાસેથી દાન લઈ જાય છે. મંત્રી રાજાને સમજાવે છે કે આમ વારંવાર દાન આપવાથી ભંડાર ખલાસ થઇ જશે . આથી મંત્રી અને વરરુચિ વચ્ચે વેર બંધાય છે. વરરુચિ પોતાના વિદ્યાર્થીઓ દ્વારા એક શ્લોક નગરમાં ઠેરઠેર બોલાવીને રાજાના મનમાં શંકા પેદા કરે છે. એ શ્લોકમાં કહ્યું છે કે “શકટાલમંત્રી રાજાને મરાવી નાખી પોતાના પુત્ર શ્રીયકને ગાદીએ બેસાડશે.” રાજાને મંત્રી માટે દુર્ભાવ ઉત્પન્ન થાય છે. રાજા મંત્રી અને તેના કુટુંબનું નિકંદન કાઢી નાખવાનો વિચાર કરે છે. મંત્રીને આ વાતની ખબર પડે છે એટલે મંત્રી પોતે જ પોતાના દીકરા શ્રીયકને કહે છે કે રાજાની સભામાં તું મારો શિરચ્છેદ કરજે . ન છૂટકે શ્રીયક પિતાનો શિરચ્છેદ કરે છે. પિતાના મૃત્યુ પછી શ્રીયકના કહેવાથી રાજા સ્થૂલિભદ્રને બોલાવીને મંત્રી બનવા કહે છે; પરંતુ જે ઘટના બની એનાથી સ્થૂલિભદ્રને સંસાર પ્રત્યે નિર્વેદ થાય છે અને તેઓ દીક્ષા લેવાનો સંકલ્પ કરે છે. કવિઓએ તેમની રચનાઓમાં પ્રસ્તુત કથાનો ઉપયોગ કર્યો નથી. સાહિત્યકૃતિઓમાં કવિઓ સ્થૂલિભદ્રએ સંભુતિવિજય પાસે દીક્ષા લીધા પછી ગુરુને ત્યાં કઈ ઘટના બની તે પ્રસંગથી કાવ્યનો આરંભ કર્યો છે. પણ સ્થૂલિભદ્રની દિક્ષાનું કારણ જાણ્યા વિના ભાવક કાવ્યસંદર્ભ ન સમજી શકે . એટલે થોડો કથાસાર જોઈએ - નિર્વેદ પામેલા સ્થૂલિભદ્ર વિહાર કરતાં-કરતાં પાટલીપુત્ર આવે છે. ત્યાં જ ચાતુર્માસ કરવાનો નિર્ણય કરે છે. ચાતુર્માસ દરમિયાન ગુરુ પોતાના શિષ્યોના સંયમજીવનની કસોટી કરવાનું નક્કી કરે છે. કસોટી કરવા ગુરુ એક શિષ્યને કૂવાના કાંઠે, એક શિષ્યને સાપના દર પાસે અને એક શિષ્યને સિંહની ગુફા પાસે રહીને આરાધના કરવા માટે આજ્ઞા આપે છે. તે વખતે સ્થૂલિભદ્ર પોતાના બ્રહ્મચર્યવ્રતની કસોટી માટે પોતે જ કોશાને ત્યાં રહેવાનો આદેશ માંગે છે. કોશાને ત્યાં રહેવા ગયા પછી એના ઘણાં પ્રલોભનો છતાં સ્થૂલિભદ્ર વિચલિત થતાં નથી . ચાતુર્માસને અંતે પેલા શિષ્યો જ્યારે પાછા ફરે છે ત્યારે ગુરુ મહારાજ દુષ્કર – અતિ કઠિન એવી સાધના તમે કરી એમ તેને કહે છે; પરંતુ જ્યારે સ્થૂલિભદ્ર પાછા ફરે છે ત્યારે ગુરુમહારાજ ‘દુષ્કર દુષ્કર’ એમ બે વાર બોલે છે. તે વખતે ઈર્ષ્યા અને દ્વેષથી પ્રેરાયેલો સિંહગુફાવાળો શિષ્ય તેની સામે વાંધો લે છે. પોતે પણ કોશાને ત્યાં રહી શકે છે એમ તે કહે છે. તેથી બીજા ચાતુર્માસમાં ગુરુમહારાજ એને કોશાને ત્યાં જવા માટે રજા આપે છે. પહેલે જ દિવસે તે શિષ્ય ચલિત થઈ જાય છે અને ભાન ભૂલી જાય છે; પરંતુ ગણિકા એને વશ થતી નથી. તે કહે છે. “મને તમારો ધર્મલાભ નહીં, પણ ‘અર્થલાભ’ જોઈએ. નાણાં વિના અમે પ્રેમ ન કરીએ. માટે નાણાં કમાઈ લાવો.” એ માટે સાધુ દ્રવ્ય કમાઈને રત્નકંબલ ખરીદીને કોશાને ત્યાં આવે છે. કોશા એના ટુકડા કરી, પગ લૂછી એને ખાળમાં નાંખી દે છે અને અને કહે છે કે “શીલની કિંમત આગળ રત્નકંબલની કશી જ વિસાત નથી.” આથી શિષ્યની આંખ ખૂલી જાય છે. એને સમજાય છે કે સ્થૂલિભદ્રએ કામવાસના પર જે વિજય મેળવ્યો છે તે માટે ખરેખર “દુષ્કર દુષ્કર” કહેવું યોગ્ય છે. એથી જ સ્થૂલિભદ્રનું નામ પ્રાત:સ્મરણીય બની ગયું. આ ઐતિહાસિક કથાનકમાં શૃંગારરસ, વિશેષત: વિપ્રલંભ શૃંગારરસનું નિરૂપણ કલામય છે. સંયમશીલતાના મહિમાને કારણે આગળ નોંધ્યું તેમ ઘણા કવિઓએ વિવિધ સ્વરૂપમાં કથાનકને પ્રયોજયું છે; પરંતુ એ બધાંમાં ‘ફાગુ’ સ્વરૂપમાં આ કથાનકને વધારે કલાત્મક રૂપ જે રચનાઓમાં પ્રાપ્ત થયું છે તે રચનાઓ જોઈએ. (૧) જિનપદ્મસૂરીકૃત ‘સ્થૂલિભદ્ર ફાગુ’ જોઈએ. સ્થૂલિભદ્ર પોતે જ પોતાના ચારિત્ર્યની પરીક્ષા કરવા કોશા ગણિકાને ત્યાં જવાની આજ્ઞા ગુરુ પાસે માંગે છે. કોશા પોતાના દ્વારે સ્થૂલિભદ્રને આવેલા જુવે છે. કવિ વર્ણવે છે:

“ ચમકિય ચિત્તહિ દાસડિય વેગિ જાઈ વધાવી”

કોશા સ્થૂલિભદ્રને વધાવે છે પરંતુ સ્થૂલિભદ્રનું ચિત્ત તો

“રહિયઉ સીહકિસોર જિમ ધીરિમ હિયઈ ધરેવી”

સિંહનું બાળ કેવું ધીર ગંભીર હોય એવી ગંભીરતા સાથે સ્થૂલિભદ્ર કોશા પાસે રહે છે . કાવ્યમાં કવિએ વર્ષાઋતુનું વર્ણન કર્યું છે એમાં મહાપ્રાણ વ્યંજનોનો ઉપયોગ કરીને, પ્રાસયોજના દ્વારા વરસાદ પડતો હોય એવું શબ્દચિત્ર નાદસૌંદર્ય ઊભું કરીને રજૂ કરીને એ પરિવેશની કામીજનોનાં ચિત્ત પર થતી અસરનું આલેખન કવિ કરે છે તે જુઓ.

ઝિરિમિરિ ઝિરિમિરિ ઝિરિમિરિ એ મેહા વરિસંતિ,
ખલહલ ખલહલ ખલહલ એ વાહલા વહંતિ,
ઝબઝબ ઝબઝબ ઝબઝબ એ વીજુલિય ઝબકઈ,
થરહર થરહર થરહર એ વિરહિણિમણું કંપઈ.

મહુરગંભીરસરેણ મેહ જિમ જિમ ગાજંતે,
પંચબાણ નિય કુસુમબાણ તિમ તિમ સાજંતે,
જિમ જિમ કેતકિ મહમહંત પરિમલ વિહસાવઈ,
તિમ તિમ કામિ ય ચરણ લગ્ગિ નિયરમણિ મનાવઈ.

સિયલકોમલસુરહિ વાય જિમ જિમ વાયંતે,
માણમડપ્ફર માણણિ ય તિમ તિમ નાચંતે,
જિમ જિમ જલભરભરિય મેહ ગયણમ્ગણિ મિલિયા,
તિમ તિમ કામી તણા નયણ નીરહિ ઝલહલિયા.

આ વરસાદની અસર કોશાના ચિત્ત પર થઈ છે. કોશા હવે શૃંગાર કરવા સજ્જ થઈ છે. કવિએ કરેલું કોશાનું સ્વરૂપવર્ણન જુઓ.

મેહારવભરતઊલટિ ય જિમ જિમ નાચઈ મોર,
તિમ તિમ માણિણિ ખલભલઈ સાહિતા જિમ ચોર.
અઈ સિંગારું કરેઈ વેસ મોટઈ મનઊલટી,
રઈયરંગિ બહુરંગિ ચંગિ ચંદણરસઊગટી.
ચંપ કેતકિ જાઈ કુસુમ સિરિ ખુંપ ભરેઈ,
અતિ આછઉ સુકુમાલ ચીરુ પહિરણિ પહિરેઇ.

લહલહ લહલહ લહલહ એ ઉરિ મોતિયાહારો,
રણરણ રણરણ રણરણ એ પગિ નેઉરસારો,
ઝગમગ ઝગમગ ઝગમગ એ કાનિહિ વરકુંડલ,
ઝલહલ ઝલહલ ઝલહલ એ આભરણહં માંડલ.

કન્નજુચાલ જસુ જહલહંત કિર મયણહિંડોલા,
ચંચલ ચપલ તરંગચંગ જસુ નયણકચોલા,
સોહઈ જાસુ કપોલપાલિ જાણું ગાલિમસૂરા,
કોમલ વિમલું સુકંઠ જાસુ વાજઈ સંખતૂરા,

(૨)

સ્થૂલિભદ્રવિષયક બધાં જ ફાગુ કાવ્યોમાં ઉત્તમ રચના જયવંતસૂરિકૃત ‘સ્થૂલિભદ્રકોશા પ્રેમવિલાસ ફાગ’ છે. જયવંતસૂરીએ વસંતઋતુનો સંદર્ભ રાખ્યો છે. વસંતઋતુ ખીલી છે ને કોશા એકલી છે ત્યારે તેના મનના ભાવ કવિ વર્ણવે છે જુઓ-

તરુઅરવેલિ આલિંગન દેખિય સીલ સલાય,
ભરયૌવન પ્રિય વેગલુ ખિણ ન વિસારિઓ ‘જાઈ’
પ્રિયડઉ ‘ટલવલઈ પ્રદેશથી,‘રડઈ ગોરી માંદિરમાંહીથી.

સુકઈ સરોવર જલ વિના, હંસા કિસ્યું રે કરેસિ,
જસ ઘરિ ગમતીયા ગોરડી, તસ કિમ ગમઈ રે વિદેશ.

ઝૂરતાં જાઈ દિન રાતડી, આંખી હુઈ ઉજાગરાઈ રાતડી.

વિરહની સ્થિતિમાં કોશાને કશું ચેન નથી. કવિ કોશાની બેચેની જુઓ કેવી રીતે રજૂ કરે છે.

સખિ મુઝ ન ગમઈ ચંદ, ન ચંદન કરઈ રે સંતોષ.

વસંત દેખી મોરું મન ગભરહઈ,
પાપિણી કોઈલડી કોહઉં કોહઉં કરઈ.

જેણે આવો વિરહ કરાવ્યો છે એના પર નાયિકા ફિટકાર વરસાવે છે જુઓ –

રે સાજન જે તિઈ કરિઉં તે મિઈં કહિઉં રે ન જાઈ,
વયરીડા વેધ વિલાઈનઈ ઈમ કાં અલગું થાય.
વીજ પડઓ તે ઊપરિ જે કરી છાંડઈ નેહ,
વિરહિઈં બાલ્યાં માણસ સ્યું કરઅ વરસી મેહ.

વિરહમાં રહેવાતું નથી ત્યારે કોશા વિચારે છે—

હું સિઇં ન સરજી પંખિણિ , જિમ ભમતી પ્રીઉ પાસી,
હું સિઇં ન સરજી ચંદન, કરતી પ્રિયતનુ વાસ.
હું સિઇં ન સરજી ફૂલડાં, લેતી આલિંગન જાણ,
મુહી સુરંગ જ શોભતાં, હું સિઇં ન સરજી પાન.

સ્થૂલિભદ્ર વિનાની કોશાની સ્થિતિનું વર્ણન જોઈએ-

ઝૂરિ ઝૂરિ પંજર થઈ સાજન તાહરઈ કાજી,
નીંદ ન સમરું, વીંઝડી ન કરઈ મોરી સાર.
ભૂખ તરસ સુખ નીંદડી, દેહ તણી સાન વાન,
જીવ સાષિઈ મઈ તુઝ દેઉં થોડઈ ઘણું સ્યું જાણિ.

(3)

કવિ માલદેવની રચના ‘સ્થૂલિભદ્ર ફાગ’ જોઈએ. જેમાં સ્થૂલિભદ્ર કોશા ગણિકાને ત્યાંથી પાછા ફરે છે ત્યારે ગુરુ સ્થૂલિભદ્રનાં વખાણ કરે છે.

સ્થૂલિભદ્રના વખાણ સાંભળીને એક શિષ્યને ઈર્ષ્યા થઈ તે કહે છે –

‘કોશા વેશ્યાઈ ઘરે, હું ચોમાસું ઠાવું રે’

પછી શિષ્ય કોશા પાસે આવે છે. કોશા એની પરીક્ષા કરે છે જુઓ-

કરિ શણગાર સંધ્યા સિઈં, જુ મુનિ પાસઈ આઈ રે,
દેખત હા ચિત્ત લાઈઉ, સુદ્ધિ રહી નહીં કાંઈ રે.

કોશા કહિ ન માનીઈ, ધન વિણ ઇહાં કોઈ રે,
ધરમલાભ કહીઈ નાહીં, અરથ-લાભ ઇહાં હોઈ રે.

ચુમસઇ વિષયા-વસઇ, દેશ ગયું નેપાલી રે,
રત્નકંબલ આણ્યુ તિણિ, કોશાએ ચીરી કાઢ્યું રે.

શીલ-રતન-કંબલ ખોયું, તિ મતિમૂઢ આયણા રે,
હોડ ન કીજી પારકી, સ્થૂલિભદ્ર શું માના રે.

સ્થૂલિભદ્રના શીલ સાથે હરીફાઈ કરવી એ નરી મૂર્ખતા છે.

(૪)

મલદેવકૃત ‘સ્થૂલિભદ્ર ફાગ’ જુઓ-

સ્થૂલિભદ્રના આગમન સમયે શણગાર સજીને તૈયાર થયેલી કોશાનું સુંદર શબ્દચિત્ર મલદેવે કર્યું છે જોઈએ-

કાનહી કુંડલ ધારતી, જાનુ મદનકી જાલી રે,
શ્યામ ભુજંગી યૂ વેણી, યૌવન ધન રખવાલી રે.

કુચ ઉપરી નવસર વણ્યું, મોતીહાર સોહાવઈ રે,
પરબત તિં જન ઊતરતી, ગંગા નદી જલ આવઈ રે.

આમ કોશાના કેશ, કપાળ, અધર, દાંત, નયન, ભ્રમર, કાન, ચોટલો, રોમવાલિ, ચરણ એમ મસ્તકથી ચરણ સુધીના અંગાંગોનું વર્ણન કવિએ કર્યું છે. કોશાને સ્થૂલિભદ્ર માટે પ્રેમ છે પરંતુ સ્થૂલિભદ્રએ પાંચ મહાવ્રત અંગીકાર કર્યા છે એટલે હવે કોશા તેમને માટે પ્રિયતમાં રહી નથી. પ્રણયભાવ ફક્ત કોશાને જ છે. એ તક ઝડપીને કવિએ એકપક્ષી પ્રેમ કેવો હોય તેનાં કેવા પરિણામો આવે તેનાં સરસ દ્રષ્ટાંત આપ્યા છે.

એક અંગકઈ નહરઈ, કછૂ ન હોવઈ રંગો રે,
દીવા કે ચિત્તિમાંહે નહીં, જલિ પતંગો રે.
પાણિ કે મનહીં નહીં, મીન મરિ ક્ષણિ મહિઉ રે,
કેતકીકે મનહીં નહીં ભમર મરિ રસ- વિણું રે,
એક અંગકઈ નેહરઈ, રંગ કિહૂ નહીં હોવઈ રે.
નેહ એકંગ ન કીજઈ, જિઉં ચાતક ઘન-નીરો રે,
સારંગ પીઉ પીઉ મુખી બોલિ, મેહ ન જાનઈ પીરો રે.


એક જ કથાવસ્તુને જુદા-જુદા કવિઓએ વૈવિધ્યપૂર્ણ કાવ્યપ્રયુક્તિબળે નવું રૂપ આપ્યું છે. કોઈએ વર્ષા વર્ણનને ખીલવ્યું છે કોઈએ કોશાનું સૌંદર્યવર્ણન કેન્દ્રમાં રાખ્યું છે. ક્યાંક વસંતવર્ણનની પણ નૂતન ભાત જોવા મળી છે. વિરહિણી કોશાના મનોભાવ પણ કેટલાંક કાવ્યોમાં સરસ શબ્દબદ્ધ થયા છે. આમ, દરેક રચનામાં એક જ કથાનાં વિવિધ પાસાંઓ કવિઓની પસંદગી મુજબ વૈવિધ્યસભર રીતે નૂતન રૂપરંગે શબ્દબદ્ધ થયા છે. આ રસપ્રદ રચનાઓ વિશેના અભ્યાસથી આપણાં ચિત્તમાં કેટલીક વસ્તુ ધ્યાનપત્ર બને છે.


(૧)

વિવિધ ભાષાઓના સાહિત્યનો આપણો જે અભ્યાસ છે એમાં સામન્ય રીતે શીલની કસોટી સ્ત્રીની થાય છે. આપણને આપણા સીતા, દમયંતી તરત યાદ આવે ને અંગ્રેજીના વાચકને યાદ આવે ડેસ્ડીમોના. આ પરીક્ષા કાં તો પતિ કરે, કાં તો પ્રેમી કરે, કાં તો સમાજ કરે. પ્રસ્તુત સંદર્ભમાં સ્થૂલિભદ્ર-કોશાની આ રચનાઓ નોખી-અનોખી છે. અહીં કવિઓએ શીલ પરીક્ષાનું મોટિફ લીધું છે. મોટિફ = પરીક્ષા, કસોટી. જે કાવ્યરચનાની પ્રયુક્તિ તરીકે આવે છે. કાવ્યમાં એ સંઘર્ષનું કારક બને છે. કવિ મોટિફનો ઉપયોગ જેટલો પ્રભાવક કરી શકે એટલું કાવ્યતત્વ નિખરે. અહીં આગળ જણાવ્યું એવું કોઈ શીલની પરીક્ષાનું કારણ દર્શાવ્યું નથી. વળી, અન્ય કોઈ વ્યક્તિ કે સમાજ પણ શીલપરીક્ષક નથી. સ્થૂલિભદ્ર પોતે પોતાના શીલની પરીક્ષા સ્વયં કરવા કોશા ગણિકાને ત્યાં જવા ગુરુની આજ્ઞા માંગે છે અને વિચલિત થયા વિના પાછા ફરે છે. બને છે એવું કે સ્થૂલિભદ્રનું સંયમજીવન ગણિકાને પ્રભાવિત કરે છે અને એ પોતાનો વ્યવસાય છોડી સંયમધર્મ અંગીકાર કરે છે.

(૨)

ભારતીય કાવ્યસિદ્ધાંતમાંથી અભિનવગુપ્તના રસસિદ્ધાંતનો સંદર્ભ લઈને આ રચનાઓનો અભ્યાસ કરીએ તો વિરહ અને શૃંગારરસની નિષ્પત્તિ સંદર્ભે કવિએ વિભાવ, અનુભાવ, સંચારી ભાવોના સુંદર આલેખન દ્વારા એક અનુપમ કાવ્યસૃષ્ટિનું નિર્માણ કર્યું છે.

(૩)

રૉબોટ અને યંત્રસંસ્કૃતિના આ સમયમાં આ રચનાઓનું શું મૂલ્ય? કોઈને એવો પ્રશ્ન થાય તો એનો જવાબ (૧) આ સાહિત્ય આપણો ન વિસરવા જેવો વારસો છે. એ આપણું હેરિટેજ છે .એનું જતન આપની નૈતિક જવાબદારી છે. (૨) આ સાહિત્ય મિત્ર અથવા પ્રિયજન બની રહીને જીવનરાહ ચીંધે છે. (૩) આજે સમગ્ર સમાજમાં સતત મૂલ્યનો હ્રાસ થતો આપણે સૌ અનુભવી રહયા છીએ ત્યારે આ સાહિત્ય સુગરકોટેડ ક્વિનાઈન બની મૂળમાંથી સફાઈનું કામ કરે છે.