અનુક્રમ/કલાપીના જીવનકવનનો એક વળાંક

From Ekatra Foundation
Jump to navigation Jump to search


કલાપીના જીવનકવનનો એક વળાંક


કલાપીના ‘ઉત્સુક હૃદય’ નામે કાવ્યમાં નીચેની બે પંક્તિઓ આવે છેઃ

હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત્‌ હરિને,
તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શો રસ પૂરે?

શોભના સાથેનાં લગ્ન પછી થોડા સમયમાં આ કાવ્ય લખાયેલું છે અને આ પછી કલાપીની કવિતા સૂફીવાદી ઈશ્વરી પ્રેમગાન તરફ વળી જાય છે. આથી આ પંક્તિઓમાં કલાપીના જીવનનો અને એની કવિતાનો એક વળાંક જોવાનું સરળ બની જાય છે. આ પંક્તિને નિમિત્ત કરીને થયેલું કેટલુંક ચિંતન-વિવેચન જુઓઃ ૧. નવલરામ ત્રિવેદી : “પ્રિયાપ્રેમમાં સંપૂર્ણ પ્રપાત પામીને કવિનું હૃદય ત્યાં જ વિરમતું નથી. કુદરતનું રહસ્ય તેમનાં પ્રણયતૃપ્ત નયનો પાસે પળેપળે પ્રકટ થતું ભાસે છે : પણ કવિને એટલાથી તૃપ્તિ નથી. તેમને તો એ સૃષ્ટિના સ્રષ્ટાનાં દર્શનની અભિલાષા જાગે છે... આ સમય પછી કલાપીએ લખેલાં સર્વ કાવ્યો પ્રિયાપ્રેમ નહીં પણ પ્રભુપ્રેમ વિશે જ છે. પણ તેની સંખ્યા ઘણી થોડી છે, કારણ, હૃદય જ્યારે ભરપૂર હોય છે ત્યારે જીભ મૂંગી બને છે.”[1]

૨. સુન્દરમ્‌ : “...ગાનની અંદર પણ કલાપી કંઈક શોધી રહ્યો છે... પ્રિયપાત્રની પ્રાપ્તિમાંથી પણ જીવનનું સર્વસ્વ હાથ નથી આવતું... આમ કેમ? એનો જવાબ તો સૃષ્ટિના પ્રારંભથી જ જીવનદૃષ્ટાઓ આપતા રહ્યા છે. આ બધા રસો છે તે તો પ્રભુના રસની છાયાઓ છે. અમેય, અખૂટ, અતાગ, શાશ્વત રસસાગર તો તે જ છે. અને કલાપીને પણ તેની ઝાંખી થાય છે.”[2]

૩. અનંતરાય રાવળ : “પ્રેમનું આ તપ તપીને પછી એની સિદ્ધિ મેળવતાં સુરસિંહજીનું પ્રણયદર્દ શમી ગયું. ચક્રવાકની વિપ્રલંભ-ચીસો શમી ગઈ, એમના આત્માએ પ્રસન્નતા અનુભવી, જે ‘ઉત્સુક હૃદય’ કાવ્યમાં સુંદર રીતે વ્યક્ત થઈ છે. પણ આ આનંદ-ઉછાળ થોડો વખત જ રહ્યો. ઝંખના જેટલી મજા મિલનની હોતી નથી. તેમ વળી આ નિત્યના રસપિપાસુને રસનું એક શિખર લાધતાં એથી ઊંચા દિવ્ય રસની અભિલાષા જાગી...”[3] “કલાપીનો આંતર પરિચય કરતાં એ ભાવનાવિહારી જીવાત્મા દિવ્ય રસનો... શોધક કે પિપાસુ છે એમ સમજાય છે. પ્રકૃતિસૌન્દર્ય, મિત્રસ્નેહ, પુસ્તકો, રમા, શોભના વગેરે તેના આરામ અને રસવિષય બને છે તે એ રસના થોડાં બિંદુનો આસ્વાદ કરાવે છે તેથી, પણ એથી એને તૃપ્તિ થતી નથી. એ પરમ રસતત્ત્વની પ્યાસ અને ખોજે અનેક સુંદર ભવ્ય ગઝલો એની પાસે લખાવી છે.”[4] “પ્રણયપ્રકરણ પૂરું થતાં, એમની અમર રસના, દિવ્ય સનમના, હરિના દર્શનાનુભવની વૃત્તિ જોર પકડે છે... આ પંથના ‘કલાપી’ એકલ પ્રવાસી જ બન્યા હશે એનું સૂચન દિલદારને નશો ન ચડ્યાની ફરિયાદ કરતી ‘સાકીને ઠપકો’ એ નામની ગઝલમાં આપણને મળે છે. અતિ ઝંખેલા પ્રણયની સિદ્ધિ પછી નષ્ટો મોહઃ જેવા અનુભવે એમને આ પંથે વેગથી વાળ્યા હોય... ‘સાક્ષાત્‌ હરિને’ જોવા ચાલેલા ’કલાપી’ના જિગરને હરિદર્શન થયું પણ ખરું, એ એમની ‘આપની યાદી’ એ નામની છેલ્લી ગઝલ આપણને કહે છે.”[5]

૪. ઇન્દ્રવદન દવે : “પણ મારું હૃદય તો સાક્ષાત્‌ પ્રભુને જ જોવા તલસે છે એટલે એ પ્રભુની માત્ર છબી (નકલ) જેવી કુદરતમાં અને શોભનામાં મને શાનો આનંદ આવે? શોભનાને પરણ્યા પછી માત્ર ચાર-પાંચ મહિનામાં જ કવિને સમજાઈ ગયું કે જે પૂર્ણ સૌન્દર્ય, પ્રેમની ભાવના કલ્પનામાં રમી રહી હતી તેનો સમગ્ર આવિષ્કાર તો એકમાત્ર પરમાત્માને પોતાનો બનાવવામાં જ પ્રાપ્ત થાય તેમ છે.”[6] આ બધામાંથી આટલા મુદ્દાઓ નીકળે છે : ૧. અતિ ઝંખેલા પ્રણયની સિદ્ધિ પછી મોહ નષ્ટ થતાં, પ્રિયાપ્રેમથી અતૃપ્ત થઈને, રસનું એક શિખર લાધતાં એથી ઊંચા દિવ્યરસની અભિલાષાથી કલાપી પ્રભુપ્રેમ તરફ વળે છે. ૨. કલાપીને ઝાંખી થાય છે કે પ્રકૃતિસૌન્દર્ય, મિત્રસ્નેહ, પ્રિય પ્રેમ વગેરે સર્વ પ્રભુના રસની છાયાઓ છે; અમેય, અખૂટ, અતાગ, શાશ્વત રસસાગર તો પ્રભુ જ છે. ૩. આ પછી કલાપી માત્ર પ્રભુપ્રેમનાં કાવ્યો લખે છે તેનું કારણ આ. ૪. કલાપીના જીવનકવનનો આ વળાંક શોભના સાથેનાં લગ્ન પછી ચાર-પાંચ મહિનામાં લખાયેલા ‘ઉત્સુક હૃદય’ની પ્રસ્તુત પંક્તિઓમાં નોંધાયો છે. ૫. પ્રભુપ્રેમના માર્ગમાં કલાપી એકલ પ્રવાસી જ બન્યા હશે. પ્રિયતમાનો સાથ એમાં એમને મળ્યો જણાતો નથી. આ પાંચે મુદ્દાઓ વિષે થોડા ઊહાપોહને સ્થાન છે એમ લાગે છે. ખાસ કરીને જે પંક્તિઓનો આધાર લઈને આ તારણો પર જવામાં આવ્યું છે, એ પંક્તિઓનો કાવ્યગત સંદર્ભ એવો છે કે જે આપણને થોડું જુદી રીતે વિચારવાની કદાચ ફરજ પાડે.


સૌ પ્રથમ તો એ વસ્તુ ધ્યાન ખેંચે છે કે આ બે પંક્તિઓ જેમાં આવે છે એ ‘ઉત્સુક હૃદય’ પ્રધાનતયા પ્રિયામિલનની ઉત્સુકતાને, એના આનંદમય રોમાંચને અને એની નિશ્ચિતતાને કારણે થતી ઈશ્વર-કૃપાની આર્દ્ર અનુભૂતિને નિરૂપતું કાવ્ય છે :

અહો! ક્યારે પેલો કનકમય ભાનુ નીકળશે?
પ્રિયાનો ભેટો જે કિરણકરથી કાલ ધરશે?

*

ગઈ છે સૌ ચિન્તા, અનુકૂળ વિધિયે થઈ ગયો,
અમારાં ભાવિને વણકર વિધાતા વણી રહ્યો,
પ્રભુએ, વ્હાલાંએ, જગત પરનાં લોક સઘળે,
દીધો નિર્મિ તેનો મધુર કર મારા કર સહે.
હવે તો જાણે એ કુસુમપદને ચુંબન કરું.
ભરાઈને પ્યાલે અધરપરવાળે જઈ કહ્યું.

*

સુધાની પ્યાલી આ સહુ તરફ જાણે છલકતી.
હવામાં હીરાની ઝગમગ થતી આ રજ ભરી;
દીસે તાજું તાજું જગત સહુ રોમાંચમય આ!
જુદાઈના કિલ્લા હૃદયથડકે શું ઢળી જતા!

*

પ્રિયાને પામંતાં કુદરત બધી પામીશ નકી,
જહીં ઇષ્ટપ્રાપ્તિ તહીં સહુ, તહીં મ્હેર હરિની.

પ્રશ્ન એ ઊભો થાય છે કે જે ક્ષણે કલાપી શોભનાની પ્રાપ્તિમાં જીવનની સાર્થકતા અનુભવી રહ્યા છે, એને ઇષ્ટપ્રાપ્તિ અને હરિની મહેર ગણી રહ્યા છે, પ્રિયાને પામતાં કુદરતને આપોઆપ પામી શકાશે એવું માની રહ્યા છે, હૃદયની થડકથી જુદાઈના કિલ્લા ઢળી જતા જોઈ રહ્યા છે અને પ્યાલામાં ભરાઈને પ્રિયાના અધરપરવાળે જઈ ઠરવાનું ઇચ્છી રહ્યા છે એ ક્ષણે પ્રિયાપ્રેમને હરિરસની માત્ર છાયા ગણે અને એમાં પોતાને રસ રહ્યો નથી એવું કહે એ સંભવિત ખરું? આ રીતે, આ નવમી કડી પહેલી આઠ કડીમાં રજૂ થયેલા સંવેદનનો છેદ જ ઉડાડી નાખે. આઠ કડી સુધી પ્રિયામિલનની રોમાંચભરી આતુરતા અને નવમી કડીમાં એને સ્થાને હરિદર્શનની આતુરતા – આ તો ભારે વિસંગતિ ગણાય અને એ કોઈ રીતે નિર્વાહ્ય ન બની શકે. બીજી રીતે જોઈએ તો, આ કાવ્ય લખાયું છે શોભના સાથેનાં લગ્ન પછી ચારપાંચ માસે, પણ “લગ્નની આગલી રાતે જાણે અનુભવેલા ઉત્કંઠ અને કોડભર્યા, કલ્પનાસભર અને પ્રસન્ન હૈયાનો આનંદ વર્ણવવા કવિ બેઠા હોય એવી”[7] કવિતામાં, લગ્ન પછી ચારપાંચ મહિનામાં થયેલી પ્રતીતિ – પૂર્ણ પ્રેમ અને સૌન્દર્યની ભાવના તો પરમાત્માની પ્રાપ્તિમાં રહેલી છે એવી પ્રતીતિ કેમ આવી શકે? તો પછી આ બે પંક્તિઓનું તાત્પર્ય કંઈ જુદું હોવાનો સંભવ ખરો? એ નોંધપાત્ર છે કે શ્રી અનંતરાય રાવળ, પોતે અન્ય સ્થાનોએ કરેલા વિવેચનથી જુદા પડીને, આ કાવ્ય પરના ટિપ્પણમાં આ પંક્તિઓનું લાક્ષણિક અર્થઘટન કરે છે : “ઇષ્ટની (ચિરવાંછિત શોભનાની) પ્રાપ્તિ સાથે કુદરતની પણ પ્રાપ્તિ થવાની આગલી કડીની વાતનું અનુસંધાન. હવે તો કવિ કહે છે, મારું હૃદય સાક્ષાત્‌ પ્રભુને જ તલપે છે. એ વખતે એની છબી જેવી કુદરતમાં શાનો આનંદ આવે? ‘સાક્ષાત્‌ હરિ’નો અર્થ કવિના મનમાં આ કાવ્ય પૂરતો શોભના છે. એની એના દર્શન-મિલનની ઉત્કટ અધીરાઈ અને પ્રીતિના વેગ અને ઊંડાણનું એમાં સૂચન છે.”[8] આગલી કડીના અનુસંધાનમાં શ્રી અનંતરાય રાવળે કરેલું આ અર્થઘટન કાવ્યમાં દેખાતી અસંગતિને દૂર કરે છે એ રીતે ઉપયોગી છે. પણ એનું કાવ્યમાંથી કંઈ વિશેષ સમર્થન પ્રાપ્ત થાય છે કે કેમ તે વિચારવું જોઈએ. કાવ્યમાં બે વખત ‘પ્રભુ’ અને ‘બે વખત ‘હરિ’નો ઉલ્લેખ છે. એમાંથી એક વખત ‘પ્રભુ’ અને એક વખત ‘હરિ’ એના ચાલુ અર્થમાં જ છે એ દેખાઈ આવે એવું છે :

પ્રભુએ, વ્હાલાંએ, જગત પરના લોક સઘળે,
દીધા નિર્મી તેનો મધુર કર મારા કર સહે.

*

પ્રિયાને પાંમતાં કુદરત બધી પામીશ નકી,
જહીં ઇષ્ટપ્રાપ્તિ તહીં સહુ, તહીં મ્હેર હરિની.

પણ બાકીનાં બે સ્થાનોએ ‘પ્રભુ’ અને ‘હરિ’ શબ્દ મૂંઝવણ ઊભી કરે છે. એક વખત, રવિકિરણો અને વાદળીની તથા ગ્રહ-ઉપગ્રહની રસિક છૂપી ક્રીડાનું રહસ્ય આજે હૃદયને પ્રત્યક્ષ થાય છે અને જ્યાં નજર નાખે છે ત્યાં પોતાને આદર મળે છે એમ કહી કવિ વર્ણવે છે કે :

છતાં ‘લે ! લે’ એવો મધુર ધ્વનિ જાણે ગણગણી,
મને દેતાં દેતાં પવનલહરી કે ખસી જતી;
નક્કી પી દારૂ ને કુદરત વિનોદે ચડી દીસે,
પ્રભુને જોવાને અગર મદમાતી થઈ ચડે.

અહીં ‘પ્રભુ’ એટલે ‘ઈશ્વર’ એ અર્થ સહેલાઈથી બેસે તેમ નથી. પ્રભુને જોવાની વાત જ કાવ્યમાં એકાએક આવી પડતી લાગે છે. પણ કવિનું મન પ્રિયામિલન માટે આતુર છે તો કુદરતની મસ્તીમાં પણ એ પ્રિયાને જોવાની આતુરતા કલ્પે એ બંધ બેસે તેવું છે. કાવ્યમાં પ્રિયાનો જે મહિમા થાય છે એની સાથે પણ એ સુસંગત છે. આના અનુસંધાનમાં કવિ “પ્રિયાને પામંતાં કુદરત બધી પામીશ નકી” એમ કહે છે તે પણ આ અર્થનું સમર્થન કરે એવું છે. પછી રહ્યો નવમી કડીનો ‘સાક્ષાત્‌ હરિ’નો ઉલ્લેખ. પ્રિયાપ્રાપ્તિ. એટલે ઇષ્ટપ્રાપ્તિ, પ્રભુની મહેર એમ કરતાંકરતાં પ્રિયાદર્શન એટલે પ્રભુદર્શન કે હરિદર્શન એવું સમીકરણ કવિના ઉત્સુક હ્રદયે કરી નાખ્યું હોય એ અશક્ય નથી. વળી કડી ૬થી ૮માં પ્રિયા અને કુદરતનું દ્વન્દ્વ રજૂ થયેલું છે – ૮મી કડીમાં તો પ્રિયામાં કુદરતને સમાઈ ગયેલી માની છે. એટલે ૯મી કડીમાં કવિ પ્રિયાને જ ‘સાક્ષાત્‌ હરિ’ કહેતા હોય અને એની પ્રતિકૃતિ સમી કુદરતમાં હવે પોતાનો રસ રહ્યો નથી એવું સૂચવતા હોય તો એ સંગત બની રહે. ‘પ્રભુ’ કે ‘હરિ’ શબ્દનો આ વિશિષ્ટ અને લાક્ષણિક ઉપયોગ કહેવાય અને કવિએ એ શબ્દને કાવ્યમાં બે સ્થાનોએ ચાલુ અર્થમાં પ્રયોજીને ગૂંચવાડો ઊભો કર્યો છે – પણ કવિને શબ્દના અર્થને વિસ્તારવાની ક્યાં છૂટ નથી હોતી? જો કાવ્યની પંક્તિઓનું આ અર્થઘટન બરાબર હોય તો કલાપી શોભનાના પ્રેમથી અતૃપ્ત થઈને કે મોહ નષ્ટ થતાં ઈશ્વરપ્રેમ તરફ વળ્યા એવું આ કાવ્ય બતાવે છે એમ કહી શકાય નહિ.


પણ કલાપીએ આ પછી પ્રભુપ્રેમનાં જ કાવ્યો લખ્યાં છે એનું શું? – એવો પ્રશ્ન ઊઠે ખરો, પરન્તુ કલાપીના પ્રભુપ્રેમનાં આ કાવ્યો – ગઝલો પરત્વે બે મુદ્દા ખાસ વિચારવા જેવા છે : ૧. એક તો, આ ગઝલોમાં કેટલેક ઠેકાણે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો તલસાટ અને એને માટેની વ્યાકુળતા છે. તો પણ ઈશ્વરી કૃપાના સાક્ષાત્કારનો આનંદસભર ઉદ્‌ગાર એમાં સંભળાયા વિના રહેતો નથી. જીવનધન્યતાનું એક સબળ સંવેદન એમાં અભિવ્યક્ત થાય છે. આ ધન્યતાની લાગણી ક્યાંથી આવી? ધન્યતાનો અનુભવ કરાવે એવી એક જ ઘટના કલાપીના જીવનમાં એ વખતે બની હતી અને તે શોભનાની પ્રાપ્તિ, શોભનાનું સુખ. એટલે પ્રિયાપ્રેમને છાયારૂપ ગણી એનાથી ઊંચા પ્રભુપ્રેમ તરફ વળ્યા એમ નહિ પણ પ્રિયાપ્રેમનો અનુભવ જ એમના ઈશ્વરી પ્રેમના સાક્ષાત્કારનું નિમિત્ત બન્યો હોય એ રીતે પણ આ ગઝલોને જોઈ શકાય. ‘હૃદય ભરપૂર હોય’ તેમાંથી આ ગઝલો જન્મી છે તો હૃદયની સભરતાનો આ રીતે વિચાર કરી શકાય. ૨. બીજું, આ ગઝલો સૂફી કવિઓની રીતે પ્રભુને ઉદ્દેશીને જ લખાયેલી છે – શોભના કે બીજી કોઈ વ્યક્તિને ઉદ્દેશીને નહિ એવો કલાપીનો ખુલાસો[9] સ્વીકારવામાં બાધ નથી. એમના સંપ્રજ્ઞાત મનની એ માન્યતા છે પણ આ ગઝલોમાં જે ચિત્રકલ્પનો છે તે તો માનવશૃંગારનાં જ છે અને એની તાઝગી અને તાદૃશતા એવી છે કે આપણને એમ લાગ્યા વિના ન રહે કે માનવપ્રેમના નિબિડ સંસ્પર્શથી રોમાંચિત થયેલા, ચિત્તમાંથી આ ગઝલો જન્મી હશે :

યારી ગુલામી શું કરું તારી? સનમ!
ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને? સનમ!

*

જાણે વીંટાઈ ઝૂલ્ફમાં છૂપી રહું!

*

માશૂકોના ગાલના લાલી મહીં લાલી, અને
જ્યાંજ્યાં ચમન જ્યાંજ્યાં ગુલો, ત્યાંત્યાં નિશાની આપની!

અહીં એ નોંધી શકાય કે કલાપીએ એક વખત શોભનાને લખેલું “હું જ્યાંજ્યાં દૃષ્ટિ નાખું છું, ત્યાંત્યાં ચોગમ તારાં જ દર્શન જામી રહ્યાં છે”[10] તેનો જ ઉપયોગ ‘આપની યાદી’માં એમણે પછીથી કર્યો છે : “જ્યાંજ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.” ઉપરાંત આ કવિતાઓ શોભનાને ઉદ્દેશીને નથી લખાયેલી એમ કલાપી જે કાગળમાં કહે છે તે જ કાગળમાં આરંભે “શોભના સાથે બહુ જ આનંદ આવે છે તેમાં તો કંઈ જ શંકા નહિ” એમ સ્વીકાર્યું છે. (કાગળમાં નામને ઠેકાણે ખાલી જગ્યા છે. પણ એ શોભના જ છે એમાં શંકા લાગતી નથી). કલાપીના જીવનમાં આવી કવિતા અત્યારે જ કેમ આવી એનો આવો ખુલાસો આપી શકાય. ઓછામાં ઓછું, કલાપીના ચિત્તમાં પ્રિયાપ્રેમને સ્થાને પ્રભુપ્રેમ નહિ પણ લાગણીઓનો એક સંકુલ અસ્તિત્વ ધરાવતો થયો છે એમ કહી શકાય.


જે તારણો પર આપણે જઈએ છીએ તેનું સમર્થન કરે એવી કલાપીના જીવનને લગતી કોઈ માહિતી કે આધારો છે કે કેમ તે જોવું જોઈએ. કલાપી લગ્નના નિશ્ચયથી શોભનાને પોતાને બંગલે લાવ્યા તા. ૧૧–૭–‘૯૮ના રોજ, શોભના પણ કબૂલ થાય છે.[11] આ સમયની કલાપીની મનઃસ્થિતિનો ખ્યાલ તા. ૧૭-૭-૯૮ના રોજ દરબાર શ્રી. વાજસૂરવાળાને[12] તથા તા. ૧૭-૭-૯૮ના રોજ જટિલને[13] પત્રમાં ટાંકેલી બે પંક્તિઓ આપી દે છે :

“અબ તો બાત ફેલ ગઈ, જાને સબ કોઈ,
મીરાં તો મગન ભઈ! હોનારી સો હોઈ.”

તા. ૧૯–૭–૯૮ના રોજ કલાપી વાજસૂરવાળાને લખે છે[14] : “દુઃખ કરતાં આનંદનો ઇતિહાસ નાનો હોય છે અને તેથી દુઃખ કરતાં આનંદમાં બોલવાનું ઓછું હોય છે.

હમે હમારા જલા દિયા, અગન પલીતા હાથ,
તુમ તુમારા જલા દિયો! ફિર ચલો હમારી સાથ.”

લગભગ આ જ અરસામાં લખાયેલા જણાતા બીજા પત્રો પણ કલાપીના આત્મસંતોષને – જે પ્રિયતમા શોભનાની પ્રાપ્તિ, શોભનાને ઉગારીને પોતે બજાવેલું કર્તવ્ય વગેરે મિશ્ર કારણોથી હોવા સંભવ છે – સ્પષ્ટપણે પ્રગટ કરે છે : ૧. શોભનાને : “મારું જીવન તો હવે સર્વત્ર આનંદમય થઈ રહ્યું છે... હું જ્યાંજ્યાં દૃષ્ટિ નાખું છું, ત્યાંત્યાં ચોગમ તારાં જ પ્રફુલ્લ દર્શન જામી રહ્યાં છે. અંતઃકરણ સંતોષનાં પ્રબળ મોજાંમાં ઝૂલી રહ્યું છે, અને સર્વના સૂત્રધાર કૃપાલુ પ્રભુના આભારમાં ઘડીએ-ઘડીએ ડૂબી જાય છે...અરે, મને લાગે છે, જાણે પરમાનંદની સીમા પર હું ઊભો છું...”[15] ૨. મણિલાલ દ્વિવેદીને : “મને જે કંઈ તૃપ્તિ પ્રાપ્ત થઈ છે તેને માટે આપને કેવી રીતે અને શું લખું?... મને હવે કશી ઇચ્છાતૃષ્ણા નથી.”[16] “હાલનો મારો ઈતિહાસ સાવ ટૂંકો અને પૂર્ણ આનંદમય છે. વારંવાર કંઈ આભાર ગાવાની ઇચ્છા થઈ આવે છે પરન્તુ મૌન જ સેવાય છે.”[17] એ નોંધપાત્ર છે કે કલાપીનાં શોભના સાથે લગ્ન થાય છે તા. ૭–૯–૯૮ના રોજ. (તા. ૧૧–૭–૯૮ને લગ્નની તારીખ માનવામાં આવે છે તે આ રીતે ખોટું છે.) તા. ૨૪–૧૧–૯૮ના રોજ કલાપી શોભના સાથે રાજકોટ જઈ રહે છે. ત્યાંથી હડાળે અને વડિયે જાય છે.[18] પ્રાપ્ત માહિતી પ્રમાણે ‘ઉત્સુક હૃદય’ તા. ૮–૧૨–૯૮ના રોજ લખાયું છે. (જો કે કાન્તસંપાદિત ‘કેકારવ’ની ૧૯૨૨ની આવૃત્તિમાં આ કાવ્ય નીચે કોઈ તારીખ નથી. સાગરની આવૃત્તિથી આ તારીખ જોવા મળે છે.) કાવ્ય કયા સંજોગોમાં લખાયું હશે તેની કલ્પના જ કરવાની રહે છે. લગ્ન પછી કાવ્ય લખાયું છે – કાવ્યમાં પણ પ્રભુએ એનો મધુર કર મારા કર સાથે મેળવી આપ્યો એવો ઉલ્લેખ છે જ – પણ પ્રિયામિલન જાણે પહેલી વાર થવાનું હોય એવી ઉત્સુકતા એમાં છે. પ્રસંગોપાત્ત થોડો સમય છૂટા પડવાનું આવ્યું હોય ત્યાર પછીનું આ મિલન હશે? તો પછી કલાપીનો રોમાંચ હજુ સુધી ટક્યો છે એવું આ કાવ્ય બતાવતું ન ગણાય? કે પછી આ કાવ્યની રચનાતારીખ ખોટી હશે? જે હોય તે. આ પછી પણ તા. ૬–૧–૯૮ના રોજ કલાપી લલિતને લખે છે[19] તે નોંધપાત્ર છે : “સંસારમાં દુઃખ કરતાં સુખ વધારે છે એ જૂની માન્યતા વધારે દૃઢ થતી જાય છે અને તેથી થોડો આનંદ રહેતો નથી. પ્રભુ બહુ કૃપાલુ છે. મારાથી ગવાય તે ગીત ગાવા મન થાય છે, પરંતુ તે લાગણી હજુ બહુ બાલક છે.” છેલ્લા વાક્યનો ભાવ તો ચાર-છ માસ પહેલાં કલાપીએ મણિલાલ સમક્ષ પ્રગટ કરેલો તે આપણે જોઈ ગયા છીએ. એટલે ૯૯ના આરંભ સુધીમાં કલાપીની લાગણીમાં ખાસ કશું પરિવર્તન આવ્યું જણાતું નથી. ૯૯ના અરસામાં કલાપીએ વાજસૂરવાળા પાસે ‘ભાઈ મેં ભૂલ કરી’ એવું કહ્યું હોવાનો ઉલ્લેખ મળે છે,[20] પરંતુ એ લાગણી શોભનાને કારણે નહિ પણ શોભના સાથેનાં લગ્નને પરિણામે એમના ગૃહજીવન અને અન્ય માનવસંબંધોમાં જે વિષમતા ઊભી થઈ તેને કારણે થઈ હશે, કેમ કે શોભના સાથેનાં લગ્નના અરસામાં તેમણે જટિલને લખેલું[21] “સોબત – એ લાગણી રમાના ફેરફાર પછી માનવી પરથી છેક – બની શકે તેટલી – ઉઠાવી લઈ પુસ્તકો પર મૂકવાની ઇચ્છા દિવસે-દિવસે વધારે દૃઢ થતી જાય છે.” તા. ૨૨–૩–૯૯ના રોજ કાન્તને પણ લખે છે[22] :“સ્વભાવને ધક્કા લાગે એવાં માનવી ઘણાં હોવાને લીધે હૃદય કાંઈક સુક્કું થઈ જતું હોય એમ લાગે છે. ઉપાય તો માથેરાન જઈ આવીને તુર્ત છે એટલે રાજ્ય અને હૃદયની આશા દૂર લાગતી નથી.” આ પછી ૯૯ની ૧૮ એપ્રિલથી ૧૫ જૂન સુધીનો સમય કલાપી શોભના સાથે માથેરાન ગાળે જ છે.[23] શોભનાને ઘોડેસ્વારી કરાવવી, એની પાસે કવિતા વાંચવી વગેરે ચાલે છે. સ્વીડનબોર્ગનું વાચન પણ ત્યાં કેટલુંક થયું જણાય છે. માથેરાને કલાપીને ઘણી સ્વસ્થતા અને શાંતિ આપી જણાય છે, કેમ કે તા. ૧૭–૮–૯૯ ના રોજ તાત્યાસાહેબ પરના પત્રમાં તેઓ ઉલ્લેખ કરે છે[24] કે “પ્રભુ પરની શ્રદ્ધા માથેરાનથી જે કાંઈ નવી જ મારા હૃદયમાં આવી છે તે માટે પ્રભુના હજારો ઉપકાર ગાવાનું મન થાય છે.” એ પત્રમાં નિર્દેશ છે તે પ્રમાણે બીજે દિવસે રહેવાની વ્યવસ્થા કંઈક બદલાઈ રહી છે, ‘કેવો સ્નેહ! કેવો, અંત!’ (રમા સાથેના સ્નેહનો અંત?) એવી લાગણી થઈ રહી છે ત્યારે પ્રભુ પરની આ શ્રદ્ધા એમને ટકાવી રાખે છે. છેક તા. ૨૪–૧૧–૯૯ના રોજ કલાપી હરિસિંહજી પરના પત્રમાં[25] આ ઉદ્‌ગારો કરે છે તે નોંધવા જેવું છે : “હું જેને ચાહતો હતો, તેને મેળવી શક્યો છું અને મને પૂર્ણ સંતોષ છે. એ માનવી પણ હું જ્યાં હોઉં! ત્યાં રહેવા, હું વિચારું તે વિચારવા ઇચ્છે છે, એથી વિશેષ શું જોઈએ? ...થોડા કાળથી તું, માણસ હોઈ શકે તેટલો સુખી છું.” આ પહેલાં આપણે નોંધ્યું છે એ પ્રમાણે પોતાની ગઝલો વિષે ખુલાસો કરતી વખતે (છેક ૧૦–૪–૧૯૦૦ના રોજ) કલાપી સ્વીકારે છે કે “શોભના સાથે બહુ આનંદ આવે છે તેમાં તો કાંઈ જ શંકા નહીં.” તા. ૧૦–૬–૧૯૦૦ના રોજ તો કલાપીનું અવસાન થયું, એટલે એમ કહી શકાય કે લગભગ છેક સુધી કલાપીને શોભના સાથેનાં પોતાનાં લગ્નથી, પોતાની સ્થિતિથી એકંદરે સંતોષ જ રહ્યો છે. એમની પ્રેમની લાગણીમાં કશી ઓટ આવી હોય એમ માનવાને ખાસ કશું કારણ જણાતું નથી.


કોઈ એમ કહે કે કલાપીનું ચિત્ત તો બાળપણથી માંડીને અવારનવાર વૈરાગ્યના આવેગો અનુભવતું હતું – રાજપાટ છોડીને જંગલમાં જતા રહેવાના વિચાર એમને અનેક વખત આવ્યા કરતા હતા તેનું શું? શોભના સાથે લગ્ન પછીયે એમની ત્યાગની વૃત્તિ બળવત્તર નહોતી બની? તો પછી રાગ અને ત્યાગની વચ્ચે એમનું હૈયું ઝૂલતું હતું એમ ન કહેવાય? અહીં પણ થોડી સ્પષ્ટતાને અવકાશ છે એમ લાગે છે. કલાપીને વિદ્યાર્થી અવસ્થાથી જ ફિલસૂફીનો રસ લાગેલો દેખાય છે. જગતનું અને જગન્નિયંતાનું રહસ્ય પામવાની એક સાચી આકાંક્ષા પણ એમનામાં રહેલી જણાય છે, કશીયે ખટપટ વિનાના સરળ પ્રભુમય જીવનનું આકર્ષણ એમને છે, થિયોસોફી, સ્વીડનબોર્ગ, વગેરેના અભ્યાસથી એમની આ ધર્મવૃત્તિ પ્રૌઢ અને પરિપક્વ બની છે. આમ છતાં ત્યાગવૈરાગ્યની આ લાગણીઓ કે આ ધર્મવૃત્તિ એવી નહોતી કે જે માનવસંબંધો પરત્વે એમને ઉદાસીન કે વિરક્ત બનાવે, પંદર વર્ષની ઉંમરે એમનાં લગ્ન થયાં ત્યારે પહેલાં તો એ લગ્ન એમને અભ્યાસને હાનિકારક લાગેલાં પરન્તુ પછી રમા પ્રત્યે અસાધારણ સ્નેહઘેલછા અનુભવતા આપણે એમને જોઈએ છીએ. શોભનાને માટે પોતે તલસાટ અનુભવે છે ત્યારે આ જાતની આસક્તિ જ ખોટી અને એમાંથી પોતે મુક્ત થવું જોઈએ એવું ‘બિલ્વમંગળ આદિ કાવ્યો દ્વારા એ પોતાની જાતને સમજાવવા મથે છે, પરંતુ એમનું હૃદય આ વાત સ્વીકારી શક્યું જણાતું નથી. સ્ત્રીસુખ પરત્વે એમનાથી અનાસક્ત બની શકાયું નથી. રમા પ્રત્યેના પોતાના પ્રેમ અંગે કલાપી કહે છે કે “અમારા પ્રેમમાં સ્થૂલ ક્યાં છે અને સૂક્ષ્મ ક્યાં છે તે હું બરાબર કોઈપણ યત્ને જાણી શક્યો નથી.”[26] “આત્માને સ્થૂલથી જુદો હું પાડી શકતો નથી...”[27] “...ચુવાને ખાઈ તૃપ્ત થયેલી બિલાડી જ ખરી યાત્રાએ જઈ શકે છે. તૃપ્તિ વિના મારાથી ત્યાં પહોંચાતું નથી.”[28] ખરેખર ‘રાગ’નો ત્યાગ કલાપીને અશક્ય લાગે છે. રાગનો ત્યાગ જેમાં આવશ્યક ન હોય એવી ફિલસૂફી તરફ પણ એ ખેંચાય છે. ૧૮૯૪માં એમણે લખેલું : “પ્રવૃત્તિહીન મોક્ષને હું નથી માનતો. પ્રેમહીન હોય તો પ્રવૃત્તિહીન હોય. પ્રેમહીન મોક્ષ હોય જ નહિ.”[29] ‘રાગ’નો નહિ પણ ‘રાજ્ય’નો ત્યાગ એ ઝંખે છે. શોભના સાથેનાં લગ્ન પછી ૧૯૦૦માં કલાપીનો રાજ્યત્યાગનો વિચાર જોર પકડે છે ત્યારે એ લખે છે : “હું રાજ્ય છોડીને બુદ્ધ જેવો નથી બની શકવાનો તેમ હું રાજ્યમાં રહીને જનક જેવો નહિ બની શકું.”[30] આનો અર્થ એ કે બુદ્ધની પેઠે સંસારી જીવનનો આત્યંતિક ત્યાગ એ એમનું લક્ષ્ય નથી. રાજ્યનો ત્યાગ કરીને એકાંતમાં રહી વાંચવા-લખવાનો, પ્રભુનો વિચાર કરવાનો, તનનાં-મનનાં દર્દીઓમાં ભળવાનો એમને ખ્યાલ છે, પણ પત્નીઓમાંથી જે સાથે રહેવા તૈયાર થાય તેને સાથે રાખવા ઇચ્છે છે, પંચગની કે નીલગિરિમાં રહેવા વિચારે છે, કૉલેજમાં દર માસે મળતી તે તેરસોની રકમમાં પોતાનો નિર્વાહ ચાલશે એમ માને છે[31] તે પરથી કલાપીના ‘ત્યાગ’નું સ્વરૂપ સ્પષ્ટ થઈ જશે. તાત્યાસાહેબને એ લખે જ છે કે “સુખદુઃખ મને સમાન છે – એ મારો દાવો નથી. હું સત્તા ખોઈશ, રાજ્યપદ ખોઈશ, કેટલાક વૈભવ ખોઈશ – તેને માટે દયાની ખાતર કેટલાક મને કહેવા આવશે. સત્તા, કીર્તિ, રાજ્યપદ, વૈભવ, એમાં મને રસ નથી અને ઊલટો બોજો છે. એ બધું હું ખોતો નથી પણ મને ગમતું નથી એટલે ફેંકી દઉં છું.”[32] સ્નેહીઓ કે સ્નેહનો ત્યાગ કરવાની વાત આમાં ક્યાંયે આવતી નથી. સ્નેહીઓની ઇચ્છાને વશ વર્તીને તો એ ત્યાગનું પગલું લેતાં અટકે છે. જગતપ્રીતિ – જેમાં મિત્રસ્નેહ, વિદ્યાપ્રીતિ, નારીપ્રેમ સઘળું આવી જાય છે – કલાપીના વ્યક્તિત્વનો અવિભાજ્ય અંશ હતો – કાન્તની પેઠે, એનો પ્રભુપ્રીતિ સાથે કશોક અભેદ પણ કલાપીના મનમાં રચાયેલો લાગે છે. સ્નેહીઓ વિના, પત્ની વિના – કદાચ શોભના વિના – કલાપી રાજ્યત્યાગ કરવા તૈયાર થયા હોત ખરા? એ રીતે રાજ્યત્યાગ કર્યો હોત તો એ ટકી શકત ખરો? કાન્તના જેવું કંઈક ન થાત? પણ “નિર્વાણનું સુખ છોડી દઈ સંસારીને મદદ આપવા સંસારમાં રહેતા મહાત્માઓ”[33] ને ઉદ્દેશીને લખાયેલી ‘શરાબનો ઇન્કાર’ એ ગઝલમાં કલાપી કહે છે કે “આવું, કહો! ક્યાં એકલો! આશક જહાં થાતી નથી.” એ આપણા પ્રશ્નનો જવાબ હોવા પૂરતો સંભવ છે.


છેવટે એક પ્રશ્ન રહે છે – દિલદારને નશો ન ચડ્યાનું કલાપી કહે છે તે શું? શોભનાના પ્રેમમાં કલાપીને ઉત્કટતાનો અનુભવ ન થયાનું એમાંથી ન સૂચવાય? વસ્તુસ્થિતિ તપાસતાં કંઈક જુદું નીકળે છે. કેટલાંક વ્યાવહારિક કારણોથી તેમ કલાપીના સ્વભાવે ધારણ કરેલી ગંભીરતાને લીધે શોભનાને કલાપીના પ્રેમમાં ઓટ આવી હોવાની શંકા થઈ છે અને કલાપી એને સમજાવે છે.[34] “હવે જરા નાટક? – ‘અરે પ્રાણપ્યારી! તારા મુખારવિન્દ વિનાનો ચંદ્ર પણ ઝાંખો લાગે છે.’ કહે – એવું-એવું લખું તો તું ખુશી થાય ખરી કે? હું દિલગીર છું કે પ્રેમને બોલવાનો મારો કાળ ગયો છે નહિ તો કદાચ તને શંકા કાંઈ ન આવે એવું ઘણું લખી શક્યો હોત.” કલાપીએ શોભનાને ભણાવેલી, માથેરાન ગયા હતા ત્યારે એની સાથે કવિતાઓ વાંચેલી. આમ છતાં શોભનાને સાહિત્યનો કેટલો ઉત્કટ રસ હતો એ આપણે જાણતા નથી. ન હોય તો પણ એ વસ્તુ કલાપીના ધ્યાનબહાર ન હોય. ઉપરાંત આ બાબતમાં કલાપીની દૃષ્ટિ સ્પષ્ટ છે : “આપણી જ – આ લખનારની પણ સ્ત્રીઓને આપણે ચાહીએ છીએ શા માટે? તેઓ આપણને ચાહે છે માટે જ. બીજી કઈ રીતે તેઓ ચાહવાને યોગ્ય છે? વિદ્વાન છે? હુશિયાર છે? આપણા શોખમાં ભાગી થઈ શકે એવી છે?”[35] એટલે આ જાતની સ્થિતિ કલાપીના મનમાં નિરાશાનો કોઈ તીવ્ર પ્રત્યાઘાત જન્માવી ન શકે. પણ જીવનનો જે માર્ગ પોતે લેવા ચાહતા હતા તેમાં સાથ ન મળવાથી કલાપીને નિરાશા થઈ હોય. રમા પ્રત્યે ગાઢ પ્રેમમાં હતા ત્યારે પણ કલાપીને થયેલું – “એક જ વિચાર, એક જ મત, એક જ માર્ગ, તે બની શકે તેવું નથી. એકને રાજ્ય, વૈભવ, લક્ષ્મી, સત્તા વગેરેમાં લોભ તો બીજાને તેમાંનું કશું નહિ!”[36] શોભના તો, આપણે આગળ નોંધ્યું છે તે પ્રમાણે, કલાપી રહે ત્યાં રહેવા, વિચારે તે વિચારવા તૈયાર છે એમ કલાપીએ લખ્યું છે. આમ છતાં, વાસ્તવિક નિર્ણયની પળે શોભનાના મનમાં કંઈ અચકાટ હોય પણ ખરો. વળી કલાપી, ‘શરાબનો ઇન્કાર’માં જરા વ્યાપક સંદર્ભમાં કહે છે તેમ, એના ખરેખરા મન વિના એને ખેંચી જવા ચાહે પણ નહિ :

તાઝિમોથી, ઇશ્કથી, લાખો ખુશામદથી અગર –
જાઉં જહાંને લાવવા, તો ત્યાં મઝા એને નથી.

આ વસ્તુસ્થિતિ હોય તો પણ કલાપીએ એની સાથે, પોતાના સ્વભાવ મુજબ સમાધાન કરી લીધું હશે જ. એમની છેલ્લી ગઝલ પણ એ દર્શાવે છે. કદાચ ‘શરાબનો ઇનકાર’ની જેમ ‘સાકીને ઠપકો’માં કલાપીના મનમાં વ્યાપક સંદર્ભ હોય, કદાચ આ ગઝલો એક કવિમિજાજ હોય. કલાપીની પ્રભુપ્રીતિ સાચી હતી, પરંતુ એમાં માનવસ્નેહનો અનાદર નહોતો. વિભાગો કરવાથી સ્નેહ ન્યૂન બનતો નથી એવી માન્યતાથી રમા અને શોભનાને એક સાથે ચાહવા તત્પર થયેલા કલાપીના જીવનનો કોયડો પ્રિયા–કે–પ્રભુનો નહિ પણ પ્રિયા – અને – પ્રભુનો જણાય છે.

[કલાપીદર્શન, ૧૯૭૪]





  1. ‘કલાપી’, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, ૧૯૪૪, પૃ. ૬૨-૬૩.
  2. ‘અવલોકના’, આર. આર. શેઠની કંપની, મુંબઈ, ૧૯૬૫, પૃ. ૧૯૩-૯૪,
  3. ‘કલાપીનો કાવ્યકલાપ’, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૫૫, પ્રસ્તાવના, પૃ. ૧૨-૧૩.
  4. એજન, પૃ. ૧૫-૧૬.
  5. એજન, પૃ. ૩૧
  6. ‘કલાપીનો કેકારવ’, ગુજરાત પુસ્તકાલય સ. સ. મંડળ લિ. વડોદરા, સં. ૨૦૨૪, વિવરણ, પૃ. ૧૪૮.
  7. ઇન્દ્રવદન દવે, ‘કલાપીનો કેકાવાર’ વિવરણ, પૃ. ૧૪૭
  8. ‘કલાપીનો કાવ્યકલાપ’, વિવરણ, પૃ. ૨૮૦
  9. ‘કલાપીની પત્રધારા’, જીવનલાલ અમરશી મહેતા, અમદાવાદ, ૧૯૩૧ પૃ. ૩૮૬.
  10. એજન, પૃ. ૨
  11. ‘કલાપી એક અધ્યયન’, ઇન્દ્રવદન દવે, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૬૯, પૃ. ૧૭૩
  12. ‘કલાપીની પત્રધારા’, પૃ. ૨૦૦
  13. ‘કલાપીના ૧૪૪ પત્રો’, મુનિકુમાર ભટ્ટ, ભાવનગર, ૧૯૨૫, પૃ. ૬૫
  14. ‘કલાપીની પત્રધારા’, પૃ. ૨૦૦
  15. એજન, પૃ. ૭૨
  16. એજન, પૃ. ૬૭
  17. એજન, પૃ. ૬૮-૬૯
  18. ‘કલાપી એક અધ્યયન’, પૃ. ૧૭૪
  19. ‘કલાપીની પત્રધારા’, પૃ. ૪૦૨-૦૩
  20. ‘કલાપી એક અધ્યયન’, પૃ ૧૭૭.
  21. ‘કલાપીના ૧૪૪ પત્રો’, પૃ. ૬૬.
  22. એજન, પૃ. ૪૫
  23. ‘કલાપી એક અધ્યયન’, પૃ. ૧૭૪-૭૫
  24. ‘કલાપીની પત્રધારા’, પૃ. ૪૩૫.
  25. ‘કલાપીના ૧૪૪ પત્રો’, પૃ. ૭-૮.
  26. ‘કલાપીની પત્રધારા’, પૃ. ૫૪
  27. એજન, પૃ. ૫૬
  28. એજન, પૃ. ૧૯૫
  29. એજન, પૃ. ૧૩૩
  30. એજન, પૃ. ૪૨૫
  31. એજન, પૃ. ૪૨૬-૨૭
  32. એજન, પૃ. ૪૪૧
  33. કલાપીએ આપેલી સમજૂતી, જુઓ સાગરસંપાદિત ‘કેકારવ’ ની આવૃત્તિ ત્રીજી, પૃ. ૫૦૯-૧૦
  34. ‘કલાપીની પત્રધારા’, પૃ. ૭૫
  35. એજન, પૃ. ૩૩૮
  36. એજન, પૃ. ૫-૬