અનુક્રમ/પ્રતિબિંબ નહિ, પ્રતિક્રિયા


પ્રતિબિંબ નહિ, પ્રતિક્રિયા

આવૃત આવૃત મટીને ન–૧૬ બનવા તૈયાર થાય છે એની આ કથા છે.

આવૃત આવૃત મટીને ન–૧૬ બનવા તૈયાર થાય છે એની આ કથા છે. નવલકથાના આરંભનું એક દૃશ્ય નજરે તરે છે. કૉલેજનું ફોટોફંક્શન હમણાં જ પત્યું છે, અને મિજબાની ચાલી રહી છે. ફોટોફંક્શનમાં કેટલાક અધ્યાપકોને પાછલી હરોળમાં કલેરિકલ સ્ટાફ સાથે ઊભા રહેવાનું આવેલું. એનો કચવાટ એ અધ્યાપકો ટોળે વળીને કરી રહ્યા છે. આવૃતને પણ પાછળ ઊભા રહેવાનું આવેલું, પરંતુ એ એ ટોળામાં નથી. એ અળગો ઊભો રહી કંઈ જુદા જ વિચારો કરી રહ્યો છે. આવૃતનો આ પોઝ અનેક શક્યતાઓથી ભરેલો છે. આ નવલકથાકાર એ શક્યતાઓ પારખીને એક વિશિષ્ટ મનોજીવન સર્જી આપે છે. એ મનોજીવન કેવું છે? ખરી વાત છે. આવૃત ટોળામાં નથી. એકલો છે. એ મિજબાનીમાં ભળી શકતો નથી, એ ખૂબખૂબ માર્ક આપી શકતો નથી, એ શારદીને ધુત્કારી શકતો નથી. આવૃતને વિદ્યાર્થીઓ સમજી શકતા નથી, સાથીઓ સમજી શકતા નથી, પડોશીઓ સમજી શકતા નથી, પ્રીતિ પણ સમજી શકતી નથી. એ બધાથી અળગો છે. એના મનમાં ‘કોણ જાણે ક્યાંથી’ ચીનની એક દીવાલ બંધાઈ ગઈ છે. પણ આવૃત આ એકલતામાં મસ્ત નથી. ઘણી વાર એ અળગો ઊભો રહી આજુબાજુના જગતને તિરસ્કારની – તુચ્છકારની નજરથી જુએ છે, પણ અંતે એકલતાને એ સહી શકતો નથી. પ્રીતિ પોતાને મેચ નથી એવો વિચાર એને આવે છે છતાં પ્રીતિ વિના એ અકળાઈ જાય છે, અને એના આશ્લેષની ઉષ્મામાં પોતાના વિષાદને એ ઓગાળી દેવા મથે છે. એને ઇચ્છા થાય છે કે પેલા ‘જંગલી, જડ, કાળાકાળા હૂણો’ એના મનમાં બંધાયેલી દીવાલને ઓળંગી જાય. આવૃત એકલો છે, પણ એકલવીર નથી. એ hero – વીરનાયક નથી. એનું મન રોષે ભરાય છે પણ એ રોષ વંધ્ય છે. પ્રિન્સિપાલનું ગળું દાબી દેવાનું એને મન થાય છે, સેક્રેટરીની મોટર જોઈ ક્ષણેક આરબનું ખૂન કરી નાખતો મર્સોલ્ટ તેના પર સવાર થઈ જાય છે, Crime and Punishmentનો રાસ્કોલનિકોવ એને સાચો લાગે છે. પણ એ કશું કરી શકતો નથી. એ ભીરુ છે. એ પોતાની જાતને અને પોતાની વાતને છુપાવે છે. ટોળામાં નથી છતાં અળગો છે એમ ન દેખાય એની પણ એ કાળજી રાખે છે. આવૃત સંવેદનશીલ જાગ્રત આત્મા છે, એને પોતાની એક વૈયક્તિક ચેતના છે, પોતાના આદર્શો છે; એ બીજાઓથી જુદી રીતે વિચારે છે; જુદું સંવેદે છે. એ રીતે એ વિશિષ્ટ છે, પણ બીજી રીતે એ સામાન્ય – મામૂલી માણસ, a little man, છે. એનામાં વિદ્રોહ કરવાની શક્તિ કે સજ્જતા નથી. એ નિર્બળ છે. એ અકારણ ઉત્તેજિત થઈ જાય છે. એ લડી શકતો નથી અને શરણે થઈ જવા ચાહે છે. એ મથામણો અનુભવે છે, પણ એની મથામણો એક સંવેદનશીલ પણ નિર્બળ આદર્શવાદની મથામણો છે. એમાં ભવ્ય વીરતા નથી કે ગહન તત્ત્વચિંતનનો આવેશ પણ નથી. પણ એથી જ એ સાચુકલી છે. એથી જ એ નોકરી માટે જે વલખાં મારે છે એ સ્વાભાવિક લાગે છે; એથી જ અંતે એ ટોળામાંનો એક બની જવા તૈયાર થાય છે એ પ્રતીતિકર લાગે છે. એક નાનકડા માણસના જીવનમાં ઊગતી-કરમાતી આદર્શમયતાની આ કથા છે. આવૃતની આદર્શમયતા આપણામાં કોઈ વિસ્મયયુક્ત આદર જન્માવતી નથી કે એની આદર્શગ્રંથિઓ છૂટવા લાગે છે એથી કોઈ આઘાત કે આંચકો લાગતો નથી. સઘળું માત્ર આપણી સહાનુભૂતિને પાત્ર બની રહે છે. હા, આપણે સહ-અનુભવ કરીએ છીએ જાણે આપણે આપણું જ કોઈક માનસજીવન જીવીએ છીએ. જેની ચેતનાનો સળવળાટ સામાજિક પરિસ્થિતિની ભીંસમાં શમી જાય છે એ આવૃત તમે પણ હોઈ શકો છો, હું પણ હોઈ શકું છું. આવૃત વિશિષ્ટ છતાં એક પ્રતિનિધિપાત્ર બની જાય છે અને સરેરાશ માનવજીવનના ગૂઢ કારુણ્યનો ભીનો, શીતલ અને કંઈક કંપાવનારો સ્પર્શ આપણને થાય છે. એકંદરે, વૈયક્તિક ચેતનાના હ્રાસની આ કથા છે. આવૃત આવૃત મટી જઈ ન-૧૬ બનવા જાય છે. ન-૧૬ આવૃત નહિ હોય, એ બીબું હશે. આ જાતના જીવનદર્શનને અસ્તિત્વવાદી કહેવાય કે નાસ્તિવાદી કે કયા વાદી એ હું જાણતો નથી, પરંતુ આ આજના યુગનું લાક્ષણિક દર્શન છે એમ કહી શકાય – જે યુગમાં માણસ પોતાના અસ્તિત્વ વિષે વધુમાં વધુ સભાન બન્યો છે. છતાં કોઈપણ નવલકથાનું મૂલ્ય એના આવા કે તેવા જીવનદર્શનમાં નહિ પણ એ જીવનદર્શન જે સર્જક-કર્મથી રજૂ થયેલું હોય એમાં રહેલું હોય છે. આ નવલકથાને પણ આપણે એ દૃષ્ટિએ તપાસવાની રહે. જોઈએ, આ લેખક કઈ બાબતમાં અને કેટલું સર્જક-કર્મ બતાવે છે. આ નવલકથા આપણા શિક્ષણજગતમાં હમણાંહમણાં જે દૂષિત અશૈક્ષણિક વાતાવરણ પ્રસર્યું છે તેની ભૂમિકા પર મંડાયેલી છે. સ્થૂળ રીતે, એવા વાતાવરણમાં પ્રામાણિક વ્યક્તિની શી દશા થાય છે એ આ નવલકથાનો વિષય ગણાય. આપણા ઉચ્ચ શિક્ષણના જગતનું એક સાચું ચિત્ર કેટલીક લાક્ષણિક વીગતોથી લેખકે અહીં ઊભું પણ કર્યું છે. છતાં એમણે આ કથાને કેવળ એક દસ્તાવેજી કથા બનાવી દીધી નથી – આક્રોશમય કે કટાક્ષાત્મક દસ્તાવેજી કથા પણ નહિ. આમ બની શક્યું છે તેનું કારણ આ છે : પૂરેપૂરો વાસ્તવિક સામાજિક સંદર્ભ આ વાર્તામાં છે – અને તેથી તો વાર્તા ધૂંધળી અને હવાઈ બનતી અટકે છે અને એને એક નક્કર ઘાટ મળે છે – છતાં વાસ્તવિકતાની બાહ્ય સપાટીએ આ વાર્તા ખરેખર ચાલતી નથી, સમાજવ્યવસ્થાનો વિચાર કરતી જાગ્રત બુદ્ધિના સ્તરે પણ નહિ. પણ એ ચાલે છે મનના કંઈક ગૂઢ સ્તરે, જ્યાં મન પ્રવાહી સ્વરૂપમાં – એની સાચી ચંચળ અવસ્થામાં – અસ્તિત્વ ધરાવે છે અને એમાં એની સંવેદનગ્રાહકતાને અવરોધનાર ગાંગડાઓ જામ્યા હોતા નથી. એટલે એમ કહી શકાય કે આ નવલકથાનો વિષય છે એક ચોક્કસ પરિસ્થિતિથી એક સંવેદનશીલ ચિત્તમાં જન્મતાં પ્રક્રિયાઓનાં વર્તુળો. આ વર્તુળો વિસ્તરતાં જાય છે, એકબીજાંને ઓળંગે છે, કાપે છે અને પ્રતિક્રિયાઓનું એક સમૃદ્ધ જગત આપણી સમક્ષ ખડું થાય છે. આ વાર્તાને, આવૃતને અમાનુષી આપત્તિઓનો ભોગ બનતો બતાવીને દલિત-પીડિત વર્ગની હૃદયદ્રાવક વાર્તાનું રૂપ આપી શકાયું હોત અથવા આવૃતને આદર્શવાદનું પૂતળું બનાવી એને એક પ્રભાવક સંઘર્ષકથાનો ઘાટ આપી શકાયો હોત, પણ લેખકે એમ કર્યું નથી અને તેથી વાર્તા વધારે ઊંડા વાસ્તવ સુધી પહોંચી શકી છે. પ્રતિક્રિયાઓનાં આ વર્તુળો જે કેન્દ્રમાંથી પ્રસરે છે એ આવૃતના પાત્રને concieve કરવામાં – કલ્પવામાં, મારી દૃષ્ટિએ, લેખકનું પ્રથમપહેલું સર્જક-કર્મ રહેલું છે. એને લેખકે એક ચહેરા તરીકે કલ્પેલ છે, મહોરા તરીકે નહિ. તેથી અવારનવાર આસપાસની નાનીનાની ઘટનાઓથી એ ચહેરા પર અનેક જાતની રેખાઓ અંકાતી આપણે જોઈએ છીએ. એ માણસ છે, સૂત્ર નથી, અનેક પ્રસંગોએ એની લાગણીઓ સામસામી દિશામાં વહે છે. ન સમજાવી શકાય, ન નામ પાડી શકાય એવી મનોવૃત્તિઓ પણ એને થાય છે. “શારદી તરત ઘરમાંથી ચાલી જાય એવી વૃત્તિ આવૃતને ન થઈ. એ ઘરમાં રહે એવી પણ ઇચ્છા નહોતી.” આવૃતના ક્ષણક્ષણના તુચ્છ અમથા આવેગોને પણ લેખક ઘણી વાર નિખાલસતાથી રજૂ કરે છે, અને તેથી આવૃતનું પાત્ર થોડાક નિશ્ચિત ચરિત્રલક્ષણોમાં બંધાઈ રહેતું નથી, એ સમગ્ર સ્વરૂપે વ્યક્ત થાય છે. છતાં આ સર્વ પ્રતિક્રિયાઓ કોઈ એક મૂલબિંદુમાંથી જન્મી છે એવો અનુભવ તો આપણને થાય જ છે અને આવૃત એ આવૃત છે એવી પ્રતીતિને કશી હાનિ પહોંચતી નથી. આવા સચ્ચાઈભર્યા સચેતન, સંકુલ માનવચિત્તનો સાક્ષાત્કાર કરાવવામાં લેખકની કલ્પકતા રહેલી છે, બાહ્ય વાસ્તવિકતાની સપાટીએ જે વાર્તા ચાલતી હોય તેના લેખકનું કામ સરળ છે. સામાજિક વ્યવહારો અને વર્તનોની સૂઝ હોય તો એનાથી એનું ઘણુંખરું કામ ચાલે. આંતરજીવનની કથા આલેખનાર પાસે વિશેષ સૂઝ અને સર્જકકર્મની અપેક્ષા રહે છે. એ પણ બાહ્ય વર્તનોનો ઉપયોગ તો કરે, કેમ કે આંતરજીવનનાં ઊંડાણો પણ બાહ્ય વર્તન દ્વારા વ્યક્ત થતાં હોય છે, પરંતુ અહીં ઘણી વાર વર્તન suggestive – સૂચક હોય છે. એ આંતરવૃત્તિનો સીધો આવિષ્કાર નહિ પણ એની પ્રતિક્રિયારૂપ પણ હોય છે. દાખલા તરીકે, આ કથામાં લેખક આવૃતને વારેવારે પ્રીતિ સાથે દેહસંબંધનો ઉગ્ર આવેગ અનુભવતો આલેખે છે. આવે વખતે કથાસંદર્ભ અને આવૃતની મનોભૂમિકા તપાસીએ તો સમજાય છે કે આ આવેગ એક પ્રતિક્રિયા છે. આવૃત પોતાની હતાશાને અને પોતાના વિષાદને ભૂલવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અને પ્રીતિ અને એની વચ્ચે રહેલા માનસિક વિસંવાદને લક્ષમાં લઈએ તો એનું આ આવેગશીલ વર્તન એની આંતરવિછિન્નતાની એક ગાઢ પ્રતીતિ કરાવ્યા વિના ન રહે. લેખકે આછાઘેરા અનેક મનોભાવો આવા સંકેતાત્મક પણ સાહજિક વર્તનો દ્વારા પ્રગટ કર્યા છે એ એમની સૂઝ અને સર્જકતાનો પરિચય કરાવે છે. પણ બધુંયે આંતરજીવન આવાં વર્તનો દ્વારા પણ વ્યક્ત કરી શકાતું નથી. એ માટે બીજી ટેક્‌નિક યોજવી પડે છે. અહીં રૂપ, રંગ, ગંધ, અવાજ, તેજ, ગતિથી ભરેલું એક ઇન્દ્રિયજગત સર્જવાનો લેખકે જે ઉદ્યમ કર્યો છે એ એક ટેકનિક તરીકે ધ્યાનપાત્ર છે. એથી એક જાતની સાક્ષાત્કારકતા આવે છે અને આવૃતની સમૃદ્ધ સંવેદનશીલતાને ઉઠાવ મળે છે, કેમ કે આવૃતના ઇન્દ્રિયાનુભવની સામગ્રી તરીકે એ સઘળું બહુધા આવે છે, પણ એટલું બસ નથી. આવૃતના તે તે ક્ષણના મનોવ્યાપારોને પ્રકાશિત કરવામાં પણ એ કલ્પનસૃષ્ટિ પોતાનો ફાળો આપતી જણાય છે. એ સંકેતાત્મક બની જાય છે. શરૂઆતમાં આવતું પાનખરનું આ વર્ણન જુઓઃ મનને પ્રફુલ્લિત કરવા દાળ-શાકની વાસ ભૂલી તેણે દૃષ્ટિને દૂર મોકલી. ફરી એક ઠંડી લહેરખીએ તેના શરીરને સ્પર્શ કર્યો અને તેનું મન થરથરી ઊઠ્યું. આસપાસના લીમડા પરનાં જરઠ ને પીળાં બનતાં પર્ણો જરાય કંપ્યા વગર લટકતાં હતાં. પાનખરની શરૂઆત થઈ ગઈ હતી. બપોર થયાં છતાં ઘેરું સફેદ સફેદ ધુમ્મસ ચારેકોર વીંટળાઈ વળેલું. સૂર્યના પ્રકાશ ને તાપ એમાં નિસ્તેજ બની જતા હતા. કૉલેજના વિશાળ ઘૂમટ પર એ પ્રકાશ પથરાતો તો પણ ઘૂમટ પરનો ચળકાટ જાણે ઊપટી ગયેલો લાગ્યો. આમાંની એકેએક વીગતને પ્રતીકાત્મક રીતે ઘટાવવાનો કોઈ કૃત્રિમ પ્રયત્ન હું નહિ કરું, કેમ કે એથી વાસ્તવસૃષ્ટિના એક અંશ તરીકે જે સ્વાભાવિક રીતે આવ્યું છે અને તે રીતે જે આસ્વાદ્ય છે તે ગોઠવાયેલું અને આયાસજન્ય ભાસવા સંભવ છે, પણ છતાં ઇન્દ્રિયજગતના આ ચિત્રને આવૃતના એ વખતના મનોવ્યાપારોના સંદર્ભમાં વિચારવા જેવું છે. આજુબાજુ એને દેશનિકાલ કરવા જેવો સમાજ દેખાય છે. છતાં ભાવિની કોઈ આશા એને નથી. એ પોતે તો આત્મસંકોચ અને ઉત્સાહવિહીનતાના ભાવોથી ઘેરાયેલો છે. જરઠતા, નિસ્તેજતા, ધૂંધળાપણું વગેરે માત્ર બાહ્ય સૃષ્ટિમાં નથી, એ આવૃતના મનનાં મોજાંઓ છે એવું લાગે છે. છેલ્લે આવતું વર્ષાનું વર્ણન પણ આ રીતે વિચારવા જેવું છે. ત્યાં વીજળીના ક્ષણિક ઝબકાર સાથેનો ગાઢો અંધકાર, કાદવ, કાદવમાં સરી ન પડવાની તકેદારી, સીધી રાજમાર્ગ જેવી સડક – આ બધું ન–૧૬નું નિશ્ચિત સ્થાન લેવા જતા આવૃતની મનઃસૃષ્ટિનો એક ધ્વન્યાત્મક સંદર્ભ રચી આપે છે. આ અને આવાં બીજાં ઘણાં વર્ણનો બાહ્ય અને આંતરજગતનો એક કલાત્મક સંબંધ પ્રગટ કરે છે. વાર્તાના મર્મોને ઉજાળવાની એક બીજી રીતિ તે પ્રતીકાત્મક ઘટનાઓ યોજવાની રીતિ છે. એ રીતિ પણ અહીં કલાત્મક રીતે ઉપયોગમાં લેવાયેલી છે. આવી ઘટના તે ચકલીના માળાને ફેંદી નાખતા અને આવૃતના પ્રહારમાંથી છટકી જતા બિલાડાની ઘટના છે. આ ઘટના બને છે તે પહેલાં આવૃતે લીધેલી શારદીના ઘરની મુલાકાતે જન્માવેલાં વલયો આવૃતના ઘરને વીંટળાઈ વળ્યાં હોય છે અને પછી તરત આવૃતને કૉલેજમાંથી રજા મળે છે અને એનું દામ્પત્ય – એનું ઘર પેલા ફેંદાયેલા ચકલીના માળા જેવું જ બની જાય છે. બિલાડાની પેઠે પોતાના વિષેનો પેલો અપવાદ પણ આવૃતના હાથમાં આવતો નથી અને એ લાચારી અનુભવે છે. આવૃતના ભગ્ન ગૃહજીવનના કારુણ્યને અને એની અસહાયતાને આ ઘટના વ્યંજનાત્મક ઉઠાવ આપે છે. પણ વધારે મહત્ત્વનાં તો અહીં યોજાયેલાં ત્રણ પ્રતીકાત્મક સ્વપ્નો છે. આવૃતના મનના ઊંડાણમાં જે ભીષણ આંતરસંઘર્ષ ચાલી રહ્યો છે અને એ જે માનસિક સંત્રાસ અનુભવી રહ્યો છે એનો આવો વેધક સાક્ષાત્કાર આપણને બીજી કોઈ રીતે ભાગ્યે જ થઈ શક્યો હોત. જંગલી લોકો એક ગોરા માણસની પાછળ પડે છે, એ ગોરા માણસને ઝાડ સાથે બાંધી એની આજુબાજુ નાચે છે, આવૃત પોતાને એ જંગલી લોકો જેવો બની ગયેલો જુએ છે અને એ જંગલી લોકો એને પેલા ગોરા માણસની હત્યા કરવા પ્રેરે છે. આવૃત આસપાસના સમાજના આદેશને અનુવર્તી એમના જેવો બની પોતાની વૈયકિતક ચેતનાને ગૂંગળાવવા કેવો તૈયાર થાય છે તે આ સ્વપ્નો દ્વારા સૂચવાયું છે. કથાનું આંતરરહસ્ય માર્મિક રીતે સ્ફુટ કરવામાં આ સ્વપ્નોનો ફાળો ઘણો મહત્ત્વનો છે. દુર્બોધ બન્યા વિના અને વાર્તાના સ્વાભાવિક પ્રવાહને અવરોધ્યા વિના લેખક આમ કેટલીક અદ્યતન ટેક્‌નિક યોજી શક્યા છે તે તેમની સહજ સર્જકતાની પ્રતીતિ કરાવે છે. અંતે તો આ બધી સામગ્રી કેવા સંઘટનથી રજૂ થઈ છે તે જોવાનું રહે છે, કેમ કે કૃતિની કલાત્મકતાની છાપનો આધાર છેવટે સંઘટન હોય છે. આ લેખક સંઘટનની સારી કુશળતા બતાવે છે અને કથાને એક અખિલાઈ અર્પે છે. મનના આવેગોને અહીં યદૃચ્છાએ વહેતા મૂકવામાં નથી આવ્યા પણ એમનું એક લક્ષ્ય, એક ગતિ, એક pattern વરતાય છે. કથાના આરંભમાં જ લેખકનો અર્ધો વિજય રહેલો છે. રોજિંદા જીવનના એક સામાન્ય પ્રસંગ દ્વારા એમણે આપણને આવૃતના આંતરજગતમાં કેવો પ્રવેશ કરાવી દીધો છે અને એની આંતરવિચ્છિન્નતાનો કેવો ખ્યાલ આપી દીધો છે! એ ખ્યાલ પછીની નાનીનાની ઘટનાઓ અને એ ઘટનાઓ પ્રત્યેની આવૃતની પ્રતિક્રિયાઓથી વધારે સ્ફુટ થતો જાય છે. પ્રીતિ સાથેનું આવૃતનું ગૃહજીવન – પ્રીતિને દેખાતું આવૃતનું જક્કીપણું, મીંઢાપણું, એની નિર્દોષતા – નિખાલસતા આવૃતના વ્યક્તિત્વનું એક જુદું પરિમાણ પ્રગટ કરે છે. શારદીના પ્રસંગથી લેખકે વાર્તાને વળાંક આપ્યો છે પણ એ પ્રસંગને એમણે જરાયે loud બનવા દીધો નથી. વાર્તા પડખું ફેરવે છે છતાં આપણને આંચકો લાગતો નથી. આ પછી આવૃતનો અને લેખકનો પણ કસોટીકાળ શરૂ થાય છે. કેટલીક વિષમ અને વક્રતાભરી પરિસ્થિતિઓ યોજીને લેખકે આ કાળનું સારું નિર્વહણ કર્યું છે. આવૃત ઓળખાણનો ઉપયોગ – માંડમાંડ મનને મનાવીને – કરવા જાય અને શિક્ષણક્ષેત્રમાંથી આ સડો દૂર કરવો જોઈએ એવો એને જવાબ મળે! ધીમેધીમે આવૃતની વિશિષ્ટ ચેતના ઘસાવા લાગે છે. એનામાં સર્વસામાન્ય લાગણીઓ જાગવા લાગે છે. એને લાગે છે કે પ્રિન્સિપાલ સાચો છે, બધાએ નભવાનું છે, અને નભવું જોઈએ. એને લાગે છે કે એક ઘર જોઈએ. “જેની એક ઈંટ પર હાથ લગાડી આત્મીયતા અનુભવી શકાય, જેમાંથી કોઈ બહાર ન કાઢે. જેને બદલવાનું નહિ. આંખો મીંચીને જેનું સરનામું યાદ કર્યા સિવાય આપી દેવાય.” અહીં થોડેથોડે આંતરે ત્રણ સ્વપ્નો યોજીને લેખક આવૃતની આંતરચેતનામાં થતા પરિવર્તનને સૂચક પણ સુગ્રથિત રૂપે વ્યક્ત કરે છે. છેવટે ન-૧૬નું નિશ્ચિત સ્થાન લેવા કૉલેજ તરફ પ્રસ્થાન કરતો આવૃત લેખક આપણને બતાવે છે. અહીં નવલકથા અટકે છે પણ આપણી કલ્પનામાં એક સવાલ મૂકતી જાય છે. આવૃત આવૃત મટી જઈ ન-૧૬ બની શકશે? કોણ જાણે! લેખકે આવો ખુલ્લો અંત યોજી માનવમનની સાચી સૂઝ અને કલાકારને યોગ્ય તટસ્થતા બતાવી છે. શ્રી ગાડીતની અભિવ્યક્તિ સીધી છે, સાફ છે, કેટલીક અસરકારક લઢણો પણ એમણે ઉપજાવી છે અને પ્રસંગે લાક્ષણિક ઉક્તિઓ અને માર્મિક અલંકારો એમના ગદ્યમાં બહુ સ્વાભાવિકતાથી ગૂંથાઈ આવે છે. છતાં એમનું ગદ્ય હજુ વધારે સમૃદ્ધ અને સઘન બને એવી અપેક્ષા જરૂર રાખી શકાય. અને એમ બનશે ત્યારે એમની વાર્તાઓની આભા જુદી જ હશે. નવલકથાના નાભિશ્વાસની જાહેરાત થયા પછી છેલ્લા દશકામાં આપણને ગુજરાતી નવલકથાક્ષેત્રે કેટલીક આશાસ્પદ કલમો સાંપડી છે. આશાસ્પદ એટલે માત્ર લેખક વિષે આશા બંધાય એવી નહિ પણ ગુજરાતી નવલકથા વિષે પણ આશા બંધાય એવી. આ કલમનો પણ હું એમાં સમાવેશ કરું. શ્રી ગાડીતને વાસ્તવિક, સામાજિક પ્રાકૃતિક જગતની સારી પકડ છે છતાં એનું કેવળ પ્રતિબિંબ ઝીલવા કરતાં એની પ્રતિક્રિયાઓ આલેખવામાં વધારે રસ છે. માનવમનને શક્યતાઓના પુંજ તરીકે એ જોઈ શકે છે અને સાથેસાથે આજના યુગની લાક્ષણિક સંવેદનાને એ આકૃત કરી શકે છે. કેટલીક અદ્યતન ટેક્‌નિકનો ઔચિત્યથી અને અર્થપૂર્ણતાથી વિનિયોગ કરી કૃતિનું કલાત્મક રૂપવિધાન કરવાની એમનામાં શક્તિ છે. એમની આ નવલકથા વિષય અને વિષયની માવજતની આગવી શૈલીથી જરૂર ધ્યાન ખેંચશે. નવલકથાક્ષેત્રે શ્રી ગાડીતના આગમનને હું ઉમળકાથી વધાવું છું. તા. ૨૦-૭-૬૯ [આમુખ]