અનુક્રમ/સૂરોની મિલાવટ


સૂરોની મિલાવટ

‘દૂરના એ સૂર’, લે. દિગીશ મહેતા, પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૭૦.

ગુજરાતીમાં નિબંધનું સાહિત્ય ઠીકઠીક માતબર છે, હળવા હાસ્યના નિબંધો પણ સારી સંખ્યામાં મળી આવે તેમ છે, પરંતુ જેને અંગ્રેજીમાં personal essays કહેવામાં આવે છે તેવા, લેખકના વ્યક્તિત્વની છાપવાળા, અંગત સંવેદનો અને ચિત્તવ્યાપારોને ઝીલતા સર્જનાત્મક નિબંધોની દરિદ્રતા ઊડીને આંખે વળગે એવી છે. કાકાસાહેબ, ઉમાશંકર, સુરેશ જોષી...પછી કોણ એ યાદ કરવાની મથામણ કરવી પડે. તેમાંયે જેમાં લેખકની નિર્વ્યાજ સર્જકતા પ્રગટ થતી હોય એવા નિબંધો તો આપણને ગણતર જ મળવાના, કેમ કે નિબંધના અનિબદ્ધ વિહારમાં, લેખકના વ્યક્તિત્વના અંશરૂપે બીજાં પ્રયોજનો ગૂંથાઈ જવાં ખૂબ સ્વાભાવિક છે. આ પરિસ્થિતિમાં એક સૂક્ષ્મ, સંકુલ, સમૃદ્ધ સંવેદન-જગતને શબ્દ અને વાક્યની કેટલીક આગવી મુદ્રાઓ દ્વારા આકૃત કરવાનો અને એ રીતે નિબંધના સ્વરૂપની શક્યતાઓને ખીલવવાનો શ્રી દિગીશ મહેતાનો પુરુષાર્થ ખરે જ અભિનંદનીય છે. સંગ્રહમાં ૧૪ લખાણો છે. એમાંનું છેલ્લું લખાણ ‘નિબંધ અને હું’ આ સંગ્રહની પ્રસ્તાવના લેખી શકાય તેવું, લેખકના નિબંધ વિષેના ખ્યાલોને રજૂ કરતું લખાણ છે. એમાં નિબંધની અંગતતા અને ભાષાના emotive ઉપયોગને કારણે એમાં સિદ્ધ થતી સ્વરૂપલક્ષિતા (વસ્તુલક્ષિતા નહિ) – આ બે તત્ત્વો પર લેખકે આંગળી મૂકી આપી છે એ સૂચક છે અને એમના નિબંધોને તપાસવાની ચાવી આપે છે. શ્રી દિગીશનું સંવેદનજગત એ એક અંગત સંવેદનજગત છે. બાહ્ય વિશ્વના પદાર્થોની વાત કરે છે ત્યારે પણ શ્રી દિગીશ વાત કરી રહ્યા છે એ ભૂલી શકાય એવું નથી હોતું. જેમાં લેખક વિચાર કે વસ્તુને રજૂ કરવા પ્રવૃત્ત થયા છે એમ કહી શકાય એવા, ‘ચાલો સુધારીએ’ જેવા વિનોદાત્મક નિબંધમાં કે ‘એક મૈત્રી’ જેવા વ્યક્તિચિત્રણમાં કે ‘પાંચ સાંજ’માં આપેલા સાહિત્યમાં વર્ણવાયેલી પાંચ સાંજના આલેખમાં શ્રી દિગીશની વૈયક્તિક વ્યંગકલા, વસ્તુ અને સંદર્ભની ઊંડી નક્કર રેખાઓ ખેંચતી દૃષ્ટિ કે ચિત્રમાંથી સંવેદન ઝીલતી ચિત્તશક્તિ આગળ તરી આવ્યા વિના રહેતી નથી. પણ બાકીના નિબંધોમાં તો વિશેષપણે અંગત કહેવાય એવું સંવેદનજગત આપણને પ્રત્યક્ષ થાય છે. એ અંગત છે પણ idiosyncratic નથી. એટલે આપણી સહાનુભૂતિના તારને ઝણઝણાવી એ તરત આપણું થઈ જાય છે. આ નિબંધોમાં વરઘોડો, ઘર, પુલ, લાયબ્રેરી, પ્રવાહ, મેળો, પાવડિયાં, લોકજીવનનાં પાત્રો, ભિન્નભિન્ન સ્થળોએ જોયેલાં યુગલો અને દિવસ-છેડેના એક સમયખંડને લેખકે પોતાની આગવી રીતે, આંખ, કાન, નાક, ત્વચા અને મનની તીવ્ર શક્તિઓથી સંવેદ્યાં છે અને કલ્પનાપ્રવણ કાકુઓથી ભરેલી, ધ્વનિયુક્ત ભાષામાં એને મૂર્ત કરી આપ્યાં છે. પાણી છાંટેલી અગાશીમાં પાથરેલી પથારીમાં છલકાતાં ઠંડકનાં ખાબોચિયાં, ઊંઘના ઘેરા ઘાટા મખમલી પડદા, બાળપણના ઘરના ખોવાયેલા મઘમઘાટનું અચાનક આવી વીંટળાઈ વળતું ગૂંચળું, ચાબખાની જેમ વીંઝાતો નદીનો પટ, ટોળામાં ધક્કામુક્કી કરી આગળ આવી ઊભાં રહેતાં છોકરાં જેવાં ગામની લાયબ્રેરીનાં કબાટો–સ્થળો, પદાર્થો, વાતાવરણો અને મનની અનુભૂતિઓને લેખક મનમાં વસી જાય એવાં ઇન્દ્રિયગોચર રૂપ આપી શકે છે. અને નોંધપાત્ર હકીકત તો એ છે કે શ્રી દિગીશ માત્ર ચક્ષુનાં જ નહિ પણ સ્પર્શ, ઘ્રાણ અને શ્રવણનાં સંવેદનોને પણ અવારનવાર પ્રયોજે છે. શ્રી દિગીશ મહેતાનાં સંવેદનો અને શબ્દચિત્રોની બેત્રણ લાક્ષણિકતાઓ તારવી શકાય. એક તો, એમાં બારીક ઉભરાતી રેખાઓ છે. ‘લોક’માંનું આ એક રેખાચિત્ર જુઓ : તેની સાથે, તેને ડાબે ખભે હાથ મૂકી ઝૂલતો, તેનાથી જરા નીચો, બેઠી દડીનો, તેનો સાગરીત. પૂંઠાની ગોબાઈ ગયેલી કાળી ટોપી, જાડા કપડાની જરા ચળકાટવાળી બંડી, ભરાવદાર મોંહડપચી, નાકને દટ્ટો, વાતના જોશમાં ઊંચી જતી રહેલી ટોપીમાંથી નીકળતું કાળું લીસ્સું કપાળ. ઝૂકીને પેલા સાથે વાત કરતાં કરતાં તે તેના પગમાં, આંટળિયે આવતો. તેની પીળચટ્ટી મોટી કોડા જેવી આંખ, તે ખભા ઉલાળી વજનદાર શરીરનો ભાર આગળ ફેંકી ચાલતો. શ્રી દિગીશનાં સંવેદનચિત્રોની બીજી લાક્ષણિકતા એ છે કે એમાં એક પ્રકારની સમગ્રતા છે. પદાર્થ, પાત્ર કે મનઃસ્થિતિને સ્થળસમયના પૂરા સંદર્ભ સમેત લેખક રજૂ કરે છે. ‘દૃશ્યો’માં મૂકેલાં ત્રણ યુગલોનાં રેખાચિત્રો જુઓ. દરેક યુગલને, ક્યાં, કયા સમયે, કયા પરિવેશમાં અને કેવા પોઝમાં જોયું હતું તે બધું લેખક વીગતે આલેખે છે. વીગતોનો બોજ ઘણી વાર વધી જતો પણ લાગે, ઘણીબધી રેખાઓ અને વ્યાપક ફલકને કારણે કેન્દ્ર ઘણી વાર ઢંકાઈ જતું લાગે, છતાં ઘણીયે વાર એ સમૃદ્ધ સમગ્રતાની અનુભૂતિ કરાવવામાં પણ સફળ નીવડે છે. શ્રી દિગીશનાં સંવેદનોની ત્રીજી લાક્ષણિકતા છે એની સંકુલ ભાત. આ સંવેદનો રોપાયેલાં છે બાલ્યકૈશોર્યની મુગ્ધ કૌતુકભૂમિમાં, પણ એને ઉછેર્યાં છે પ્રૌઢ કલ્પનાશીલ ચિત્તવ્યાપારે; સાહિત્યસંસ્કૃતિના પરિશીલને એને પોષણ આપ્યું છે. દૂરના સૂરોમાં અત્યારના સૂરો ભળ્યા છે અને સૂરોની એ મિલાવટમાંથી સંગીતની એક મનોહર સંકુલ રાગરચના નીપજી આવી છે. બાળપણમાં ઉનાળાની ચાંદની રાતે, ઊંઘથી ઘેરાઈ રહેલા કર્ણપટે પડેલા બૅન્ડવાજાંના સૂરનું એક સંવેદન લેખકના ચિત્તમાં સંઘરાયું છે, પણ એને મૂર્ત કરતી વેળા આજના દિગીશની કલ્પનાપ્રવણતા એમાં પ્રવેશે છે અને તેઓ એને ઠંડકનાં ખાબોચિયા અને ઊંઘના ઘેરા ઘાટા મખમલી પડદાનાં નક્કર કલ્પનોના સંદર્ભમાં ગૂંથીને ઉઠાવ આપે છે. પછી સાહિત્યના વરઘોડાઓ સ્મરણે ચડે છે – નેમિનાથનો અને શિવનો પણ. અને વરઘોડો એક સ્થૂળ બિના ન રહેતાં માનવજીવનની ગતિનું પ્રતીક બની જાય છે. ‘ઘર’ નામના નિબંધમાં દાદાજીના ઘરને બાળપણમાં પોતે જે રીતે અનુભવ્યું હતું ત્યાંથી આરંભી માણસના અંતરતમ ઘરના માર્મિક ઉલ્લેખ સુધી લેખક પહોંચે છે અને છેલ્લે જ્યારે કહે છે કે “માણસ માત્ર આ જ માગે છે–સાંજ પડયે પાછા ફરવા માટે એક ઘર” ત્યારે એ ઉક્તિ અત્યંત ધ્વનિસભર બની આખા નિબંધને એક મૂલ્ય અર્પે છે. શ્રી દિગીશનું લક્ષ્ય કોઈક મનોગ્રાહ્ય તત્ત્વને, કોઈક ભાવછટાને રૂપબદ્ધ કરવાનું હોય છે. છતાં ઘણી વાર તેઓ માત્ર ‘દૃશ્યો’ – વર્ણનાત્મક રેખાચિત્રો આપતા હોય એવો ભાસ થાય છે. એ દૃષ્ટિએ વિચારતાં, લેખકના વ્યક્તિત્વનો નિબિડ સ્પર્શ પામેલા, એ વ્યક્તિત્વની સમૃદ્ધતાના પરિચાયક બની રહેતા, ‘દૂરના એ સૂર’ અને ‘ઘર’ જેવા નિબંધોની સભરતા વધારે સંતર્પક લાગે છે. શ્રી દિગીશના ઘણા શબ્દો તળપદા અને રણકાવાળા છે, વાક્યોના વળોટો કેટલીક વાર વિલક્ષણ તો કેટલીક વાર બિન-ગુજરાતી લાગે એવા પણ છે, પણ આ રીતે એમણે પોતાના મનોગતને મૂર્ત કરવાનું એક સમર્થ માધ્યમ ઊભું કરી લીધું છે, અથવા એમ કહો કે એમનાં સંવેદનો પોતાનાં વિશિષ્ટ નક્કર રૂપ આ વિલક્ષણ ભાષાપ્રયોગમાં પામે છે. ઘણી વાર વાક્યો એમના વિચારપ્રવાહના આરોહઅવરોહ સાથે પણ તાલ મિલાવતાં હોય છે. થોડાક શબ્દપ્રયોગો જુઓ : ‘ચાંદીનાં બટ્ટણ’, ‘બીડીના ધૂંવાડા’, ‘પગનો ભેજો’, ‘પાંચદશ ઉતારુઓ વહેતા મૂકી’, ‘કાંઠલે છીન્‌ છીન્‌ થઈ ગયેલો... ડગલો’, ‘લાકડાના વહેર જેવી બરબર માટી’, ‘જેમણે મારા અવાવરુ વિશ્વમાં એક બારી પાડી આપી.’ ‘બારી પાડવી’ જેવો શબ્દપ્રયોગ પહેલાં આપણને વિચિત્ર લાગે છે, પણ ‘બારી મૂકવી’ ‘બારી નાખવી’ જેવા પ્રયોગો અર્થની દૃષ્ટિએ મોળા લાગતાં આપણે એને સ્વીકારી લઈએ છીએ. નીચેનાં વાક્યો પણ જુઓ : • બાળપણના દિવસોની યાદ – તપેલી ધરતીમાંથી, વરસાદને પહેલે ઝપાટે ઝરતી મીઠી સુગંધ એમાંથી ઊભરાય છે. • મારે તો કામ છે સામેના ખૂણામાં, એ ઢળતી સાંજે, એ અંદરના ફિક્કા, બહારના કાળા ગુલાબી પ્રકાશમાં મેં જોયેલું એક જોડું – તેની સાથે. • ફલિત એ થાય છે કે આત્મકથા – કલાસ્વરૂપ તરીકે – તેની વ્યાખ્યાની વધુ નજીક કદાચ સ્પેન્ડર કે વેઈન છે, નહિ કે ગાંધીજી કે નહેરુ. ગુજરાતી વ્યાકરણના નિયમોને ચુસ્તપણે વળગતી આ વાક્યરચનાઓ નથી. પણ શ્રી દિગીશની વિચારભંગીને એ રજૂ કરે છે. આ રીતે, પહેલી દૃષ્ટિએ જે ખૂંચતું હોય તે પછીથી રુચતું થઈ જાય એવું દિગીશની ભાષા પરત્વે વારંવાર બને છે. છતાં “એનું (એના?) ટોળાથી છૂટા પડવાનું આથી આગળ શું કારણ?” એ વાક્યમાંનો ‘આથી આગળ’ જેવો પ્રયોગ આપણા મનમાં ન જ બેસે અને ‘આ સિવાય’ ‘આ ઉપરાંત’ જેવા પ્રયોગો આપણા મનમાં ઘોળાયા કરે એવું પણ ક્યાંક બને. દિગીશનું ગદ્ય ખૂબ સફાઈદાર અને પાસાદાર છે એમ નહિ કહી શકાય. એમાં ઘણા ખાંચાખૂણા છે. પણ એ એમના વિશિષ્ટ સંવેદક-સર્જક વ્યક્તિત્વમાંથી આવે છે. એ રીતે એનું ઔચિત્ય છે અને એ આસ્વાદ્ય પણ છે. એકંદરે શ્રી દિગીશનું ગદ્ય ઘણું સમૃદ્ધ અને સવીગત પૃથક્કરણ માગે એવું છે. એમાં શબ્દપ્રયોગોનું વૈવિધ્ય છે, વાક્યરચનાઓનું વૈવિધ્ય છે અને કાકુઓનું પણ વૈવિધ્ય છે. આપણા સંવેદનસત્ત્વમાં અને ભાષાસમૃદ્ધિમાં કંઈક આગવું અર્પણ કરી જતાં આ લખાણોથી નિબંધસાહિત્યના આપણા અવાવરુ વિશ્વમાં એક બારી પડતી હોય એવો ભાવ થાય છે. [બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૧૯૭૧]