અનુનય/આપણે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આપણે

સૂરજને જોવાની તાલાવેલીમાં
આખી રાત જાગીએ
ને પછી
સૂરજ વગરનું સવાર પડે!
આખી રાત
આકાશના મધપૂડાને નિચોવ્યા કરીએ
મધમાખોના ડંખ સહીએ
ને પછી સવારમાં
કાણો પડિયો ચાટવા મળે!
પંખીને પામવા
પહેરેલું વસ્ત્ર નાખીએ
ને
ભાયગ આગળ ભોંઠા પડીએ!
જિંદગીને ખભે બેસાડીને
જાળવી જાળવી ચાલીએ
ને ચાલી ચાલીને આવીએ
આખરે તો
એક નાજુક ટેકે ટેકવાઈ રહેલી
મરણની ભેંકાર ભેખડ ઉપર!
આપણી ધારણાઓની ધાર
વારે વારે વાગ્યા કરે
ને આપણે
લોહીલુહાણ... લોહીલુહાણ...
૨૦-૧૨-’૭૫