અનુનય/સવાર
Jump to navigation
Jump to search
સવાર
ગુલાબી રજાઈમાં ગોટપોટ
સવાર સળવળે
નદીના જળમાં સુરખીના સળ પડે!
ટૂંટિયું વાળી પડ્યા અંધારાના અંગે
ટચ્ચ ટાચકો ફૂટે;
માળામાં પાંખો ફડફડે
ભીનો ભીનો તેજ-ટહુકો
આભકંઠથી નીચે દડે!
સવારનું મુખ બ્હાર નીકળે,
અંધકારના કેશ રેશમી
અવળસવળ વાયુમાં ઊડે!
રક્તાંચલની ફડકે
લો આ તારાનો ટમટમતો છેલ્લો દીવો
હોલવાય
ને
સવાર ધીમે
ઊભી ટેકરીઓ ચડે!
૧૬-૧૧-’૬૮