અનુબોધ/‘પ્રથમ પુરુષ એકવચન’ (સુરેશ જોશી)

‘પ્રથમપુરુષ એકવચન’ : સુરેશ જોષી

- આપણા સાહિત્યમાં છઠ્ઠા દાયકામાં આધુનિકતાવાદનું જે આંદોલન શરૂ થયું હતું તેના મુખ્ય પ્રણેતા સુરેશ જોષી રહ્યા હતા, એ હકીકતથી આપણે સારી રીતે પરિચિત છીએ. અને, એય જાણીતી બાબત છે કે, તેમની સર્જકપ્રતિભા વિશેષતઃ ટૂંકી વાર્તા, નવલકથા, અને લલિત નિબંધ – જેવાં સ્વરૂપોમાં પૂરી સમૃદ્ધિ સાથે પ્રગટ થઈ છે. સર્જનાત્મક ગદ્યમાં, સતત અવનવા રમણીય આવિષ્કારોને અનવરુદ્ધ અવકાશ રચી આપતું લલિત નિબંધનું સ્વરૂપ પણ, તેમને અન્ય કથાસ્વરૂપો જેટલું જ પ્રિય રહ્યું છે; અને, પોતાની કારકિર્દીનાં અંતિમ વરસો સુધી તેઓ એ સ્વરૂપમાં કામ કરતા રહ્યા હતા. ૧૯૮૭ ના વર્ષમાં, તેમના પાછળના સમયમાં લખાયેલા નિબંધોમાંથી પસંદ કરીને તૈયાર થયેલા બે સંચયો –‘રમ્યાણિ વીક્ષ્ય’ અને ‘પ્રથમ પુરુષ એકવચન’ સાથોસાથ પ્રગટ થયા. એ પૂર્વે, ’જનાન્તિકે‘(૧૯૬૫), ઈદમ્‌ સર્વમ્‌’ (૧૯૭૧), અને અહો બત કિમ્‌ આશ્ચર્યમ્‌’(૧૯૭૬) જેવા નિબંધસંચયો કરેલા, તેમાં તેમની આગવી સંવેદનશીલતા અને આગવી શૈલીનો જે રીતે આવિષ્કાર થયેલો, તેની સાથેનું માર્મિક અનુસંધાન આ બે નવા સંચયોની રચનામાં જોવા મળે છે. આમ છતાં, અહીં નિબંધના ‘વિષય’ – જો ‘વિષય’ જેવી સંજ્રાાનો પ્રયોગ કર્યા વિના ચાલે એમ ન હોય તો-- બદલાતા રહ્યા દેખાય છે. એક સભાન સર્જક તરીકે, પોતાની કૃતિ નવો જ ઉઘાડ લઈ ને આવે, સંવેદનાના કોઈ નવા સ્તરને કે નવા ખૂણાને પ્રકાશિત કરે, એ દિશામાં તેમના ગંભીર પ્રયત્નો રહ્યા છે. ‘પ્રથમ પુરુષ એકવચન’માં સંપાદિત કુલ અડતાળીસ રચનાઓ પૈકી કેટલીકમાં બહારની પ્રકૃતિનાં લીલામય રૂપોનું દર્શન તેમના વિશિષ્ટ ભાવજગતને સંકોરવામાં નિમિત્ત બન્યું છે; તો, અન્ય રચનાઓમાં તેમની અસ્તિત્વ૫૨ક ભાવદશાની ખોજ અને ઓળખ એ તેમના લેખનમાં મુખ્ય પ્રેરણાબળ રહ્યું છે. સાથે પ્રગટ થયેલા સંચય ‘રમ્યામિ વીક્ષ્ય’ની રચનાઓની ઓળખ આપતાં અંદરના આવરણપૃષ્ઠ ૫૨ તેમણે અંગ્રેજી personal essays એ શબ્દપ્રયોગ કર્યો છે, તો ‘પ્રથમ પુરુષ એકવચન’ ની રચનાઓ માટે તેમણે અંગ્રેજી ‘autobiographical essays’ એવો શબ્દપ્રયોગ કર્યો છે. અહીં આ autobio- graphical વિશેષણ ઘણું દ્યોતક બની રહે છે. આપણે આગળની ચર્ચામાં જોઈશું કે પ્રથમ પુરુષ એકવચનની રચનાઓમાં જુદીજુદી રીતે તેમનું નિજી વ્યક્તિત્વ પ્રવેશતું રહ્યું છે, એક સર્જક ચિંતક તરીકે તેમણે જે લેખનકામ કર્યું તેની ભીતરમાં રહેલ સુરેશ જોષીની વિલક્ષણ માનવપ્રતિમા(Human Image) એમાં સુરેખ રીતે ઊપસે છે. ‘પ્રથમ પુરુષ એકવચન’માં સંચિત થયેલી નિબંધ રચનાનો, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, તેમની કારકિર્દીના આખરી તબક્કામાં લખાયેલી છે. આ ગાળામાં સહજ જ તેઓ પોતાના અસ્તિત્વ પરત્વે વધુ ઉત્કટ સંવેદનશીલતા પ્રગટ કરતા દેખાય છેઃ આયુષ્યનો ઘણોએક માર્ગ કપાઈ ચૂક્યા પછી પોતાનાં કાર્યોની – પોતાની પ્રવૃત્તિઓની ઉપલબ્ધિઓનો ફેરવિચા૨ ક૨વા ચિંતકો- સર્જકો પ્રેરાય એ સમજાય તેવું છે. સુરેશ જોષી પણ આ તબક્કે પોતાના અસ્તિત્વના આશયની ફેરતપાસ કરતા જણાશે. પણ તેમના વ્યક્તિત્વની વિલક્ષણતા એ છે કે હવે તેમણે પોતાના લેખન પરત્વેય અમુક અનાસક્તિ કેળવી લીધી છે. અસ્તિત્વની ગહન એકલતા, પરાયાપણું, વિરતિ અને આત્મગત વિચ્છિન્નતાની મનોદશાઓનો તેઓ જાણે સ્વસ્થતાથી તાગ લેવા ચાહે છે. એવી મનોદશાઓ ભોગવતા છતાં એનાથી ઊંચે ઊઠી એ દશાને તેઓ ભેદવા ચાહે છે. ઉત્કટ સંવેદનશીલતા સાથે કુશાગ્ર બૌદ્ધિક પ્રતિભાનો આવા ભાવબોધમાં વિસ્મય સાથે પરિચય થાય છે. એમાં અજબની સંયતતા પ્રગટ થઈ છે. અતિ સન્નદ્ધ આત્મસભાનતા એમાં સક્રિય બની છે. આ રીતે ઉ ત્કટ સભાનતાભરી ખોજ આ સંચયના મોટા ભાગના નિબંધોમાં ઘેરી પ્રભાવકતા આણે છે. સર્જન અને ચિંતનની પ્રક્રિયા સ્વયં સુરેશ જોષીના વ્યક્તિત્વની અખિલાઈ તરફ સંકેત કરે છે. આ સંચયની રચનાઓના આસ્વાદ અને વિવેચનના સંદર્ભમાં આપણે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ અહીં સ્પર્શવા માગીએ છીએ  : આ કાર્યશિબિરમાં મુખ્ય હેતુરૂપે આપણે આ રચનાઓના અધ્યયન- અધ્યાપનના વ્યાપક માળખામાં એ મુદ્દાઓ જોવા માગીએ છીએ, ત્યારે પૂર્વભૂમિકારૂપે નીચેની બાબતો ધ્યાનમાં લેવાની રહે છેઃ (ક) ‘લલિત નિબંધ’ સંજ્રાાથી ઓળખાવાતા નિબંધનું સ્વરૂપ અને પ્રયોજન, (ખ) ‘વૈયક્તિક નિબંધ’ / ‘લલિત નિબંધ’ના સ્વરૂપમાં નિબંધકારના self નું પ્રગટીકરણ, (ગ) સુરેશ જોષીના ‘લલિત નિબંધો’ સાથે આરંભાતી નિબંધસર્જનની પરંપરા

આ સંદર્ભમાં સર્વ પ્રથમ હું એમ નોંધવા ચાહું છું કે, આપણા વિવેચનમાં ‘નિબંધ’ના સ્વરૂપ અંગેની સિદ્ધાંતચર્ચામાં ક્યાંકથી મૂળથી જ મુશ્કેલી રહેલી જણાય છે. સિદ્ધાંતચર્ચામાં જે કંઈ કહેવાય છે, તેને ભિન્નભિન્ન રીતિના વૈયક્તિક કે લલિત નિબંધોનાં પ્રત્યક્ષ વિવેચનો સાથે એટલું સામંજસ્ય પણ નથી. અલબત્ત, એના મૂળમાં જતાં આપણા સાહિત્યની બદલાતી ગતિવિધિ સાથે નિબંધ’ સંજ્ઞાના પ્રયોગનો પ્રશ્ન પડેલો છે. ‘નિબંધ’ના સ્વરૂપની તત્ત્વચર્ચા કરતાં આપણે વારંવાર ફ્રેંચ નિબંધકા૨ મોન્તેઈને એ વિશે રજૂ કરેલું નિવેદન સ્મરણમાં આણીએ છીએ.’... For it is myself I portray’ - એવા મોન્ટેઈનના શબ્દો સહજ ભાવે સ્વીકારી લઈને આપણે એની ચર્ચા માંડતા હોઈએ છીએ. પણ, મોન્તેઈનનો નિજી (self) તેમના પોતાના નિબંધોમાં કેવી રીતે વ્યક્ત થતો રહ્યો છે, તે તરફ આપણું ઝાઝું ધ્યાન હોતું નથી. મોન્સેઈનના નિબંધોના અભ્યાસીઓએ નોંધ્યું જ હશે કે, એના વિષયો તો દર્શન અને નીતિશાસ્ત્રના પ્રશ્નો, માનવસ્વભાવની ખાસિયતો, માનવચારિત્ર્ય, શીલ, અને ચિત્તશક્તિઓ વગેરે છે. એમાં મોન્ટેઈનના અંગત ચિંતનસંવેદન, અંગત રુચિઅરુચિ, પસંદગીનાપસંદગી વગેરે પ્રવેશ્યાં છે. પણ, એ નિબંધોના વ્યક્ત શરીરનું ઝીણવટભર્યું અવલોકન કરતાં જણાશે કે, તેમના વિવિધ વિષયોના વિશાળ વાચનમાંથી મળેલી જ્ઞાનવિજ્ઞાનની ભરચક વિગતો એમાં પડેલી છે અને બૌદ્ધિક ખોજની ભૂમિકાને એ નિબંધો વારંવાર સ્પર્શતા રહે છે. અર્થાત્‌ મોન્ટેઈનના નિબંધોમાં તેમનો જ્રાાનમય અંશ વિશેષ પ્રાદુર્ભૂત થતો રહ્યો છે. કાકાસાહેબના પ્રકૃતિદર્શન અને સુરેશ જોષીના પ્રકૃતિદર્શનના નિબંધો પરસ્પરથી ઘણા નિરાળા છે; અને એ બંને નિબંધકારોના નિબંધો વળી મોન્તેઈ નના નિબંધોથી ઘણા જુદા છે. આપણા સાહિત્યજગતમાં, ખરેખર તો, એવી ઘટના ઘટી કે‘નિબંધ સંજ્ઞા, આરંભમાં, ગંભીર ચિંતન પ્રધાન અને બિનંગત ભૂમિકાએથી પ્રસ્તુત થતા નિબંધો માટે પ્રતિષ્ઠિત થઈ. નર્મદ, નવલરામ, મણિભાઈ, ગોવર્ધનરામ, ૨મણભાઈ, આનંદશંકર આદિ ચિંતકો- સાક્ષરોએ મુખ્યત્વે, આ પ્રકારના ગંભીર ચિંતનપરાયણ નિબંધોનું ખેડાણ કર્યું. રસપ્રદ મુદ્દો એ છે કે, આવા ગંભીર નિબંધો માટે ‘નિબંધ’ સંજ્ઞા દૃઢમૂલ થઈ તે સાથે, પ્રસ્તુત વિષયનું કંઈક હળવી રીતિએ નિરૂપણ કરતી, કે લેખકના નિજી વ્યક્તિત્વના ઉદ્રેકો લઈને આવતી, કે રમણીય ગદ્યશૈલીમાં ગતિ કરવા ચાહતી, કે વિશ્વમાં સૌંદર્યાનુભવ કરી તેનું આલેખન કરતી, કે સંપ્રજ્ઞપણે સર્જનાત્મક ગદ્યમાં આત્માભિવ્યક્તિ સાધતી રચનાઓની સાચી અને યથાર્થ ઓળખ માટે આરંભની નિબંધ’ સંજ્ઞા આપણા અભ્યાસીઓને ઘણી અપર્યાપ્ત લાગી. ગંભીર ચિંતનપરાયણ નિબંધોમાંથી કોઈ ને કોઈ રીતે અલગ પડતી, અને લેખકના વ્યક્તિત્વને – તેના selfને – જુદાજુદા સ્તરેથી અને જુદાજુદા રૂપે પ્રગટ કરવા ચાહતી, આ રચનાઓને ઓળખાવવા માટે આપણા વિવેચને‘હળવો નિબંધ’, ‘નિબંધિકા’, ‘લઘુનિબંધ’, ‘વૈયક્તિક નિબંધ’, ‘આત્મલક્ષી નિબંધ’, ‘લલિત નિબંધ’, ‘સર્જનાત્મક નિબંધ’, ‘રમણીય નિબંધ’– જેવી સંજ્ઞાઓ યોજીને કામ ચલાવ્યું છે. આ ઉપરાંત, ‘ચરિત્રમૂલક નિબંધ’, ‘પ્રવાસમૂલક નિબંધ’, ‘આત્મકથાત્મક નિબંધ’– જેવી સંજ્ઞાઓ પણ ક્યાંક પ્રયોજાતી રહી છે. એક રીતે, ‘હળવો નિબંધ’, ‘લલિત નિબંધ’ – જેવી સંજ્ઞાઓ કંઈ નિબંધસ્વરૂપના દૃઢ તર્કચુસ્ત પ્રભેદો કે પ્રકારોનો નિર્દેશ કરતી નથી : જુદા જુદા વિવેચનવિચારમાં જુદાજુદા સંદર્ભે કોઈ ને કોઈ વિલક્ષણ આવિષ્કારનો નિર્દેશ કરવા એ સંજ્રાાઓ સહજ પ્રચારમાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે એ પૈકી કેટલીક સંજ્ઞાઓ‘લલિત નિબંધ’, ‘રમણીય નિબંધ’, ‘સર્જનાત્મક નિબંધ’-

ઘણીવાર એકબીજાના પર્યાય હોય એ રીતે, કૃતિલક્ષી વિવેચનોમાં યોજાતી રહેલી છે. અને છતાં, એય નોંધવા જેવું છે કે, ચિંતનપરાયણ નિબંધની સામે ‘સર્જનાત્મક’ કે લલિત નિબંધના સ્વરૂપ વિશે, જોઈએ એવી, ગહનસૂક્ષ્મ તાત્ત્વિક ચર્ચા આપણે ત્યાં થઈ નથી. પ્રસ્તુત ચર્ચાના છેક હાર્દને જ સીધા સ્પર્શવા જઈએ તો, ગંભીર ચિંતનપરાયણ નિબંધની પરંપરાથી ઉફરા જઈને જ વૈયક્તિક કે લલિત કે સર્જનાત્મક નિબંધોના અવનવા એવા જે ઉન્મેષો પ્રગટ થતા રહ્યા છે, તેમાં તેના લેખકનો self કેવીકેવી રીતે, અને ક્યાક્યા સ્તરોથી, છતો થયો છે – તેની ઓળખ તેના આસ્વાદ વિવેચન અર્થે એક મહત્ત્વપૂર્ણ આધાર બની રહે છે. હળવી રીતિના વૈયક્તિક નિબંધોમાં લેખકના‘સ્વ’નું સીધું આવિષ્કરણ કે તેમાં આત્મનિવેદન કરતા ‘હું’નું કોઈ masque સાથેનું પ્રગટીકરણ, એ એક આગવો સંદર્ભ રચે છે. એમાં હાસ્યવિનોદ કે મર્મવ્યંગનું નિમિત્ત સામાજિક આચારવિચાર હોઈ શકે કે, માણસની સ્વભાવગત ઊણપો હોઈ શકે, કે લેખક પોતાની ત્રુટિઓ અને ભૂલોનો એમાં એક૨ા૨ કરતો જોવા મળે. આથી ભિન્ન, પ્રકૃતિના સૌંદર્યબોધનું આલેખન કરતા નિબંધોમાં લેખકની સર્જનાત્મક કલ્પનાનો ઓછોવત્તો વિનિયોગ થયેલો જોવા મળે, એમાં ભિન્નભિન્ન વિદ્યા અને લલિત કળાઓના સંસ્કારો પણ જોડાતા હોય. પણ, આ સિવાય અસ્તિત્વમૂલક ભાવદશાઓની ખોજ કરતા, અને ભાષાના સર્જનાત્મક ઉપયોગ દ્વારા સતત ચેતોવિસ્તાર સાધતા નિબંધોય આપણને મળ્યા છે. ભિન્નભિન્ન સ્તરના કે ભિન્નભિન્ન કોટિના આ નિબંધોમાં લેખકનું વ્યક્તિત્વ કેવી રીતે પ્રવેશ્યું છે, બાહ્ય જગતના સંદર્ભો- પદાર્થો દશ્યો બનાવો – તેમાં કેવું સ્થાન લે છે, લેખકના ચિત્તમાં કઈકઈ શક્તિ દ્વારા એ સંકળાય છે, લેખકનું જાગૃત અને અજાગૃત ચિત્ત એમાં કેવો ભાગ ભજવે છે અને નિબંધ૨ચનામાં સૂક્ષ્માતિસૂક્ષ્મ અર્થો અને મૂલ્યો કેવી રીતે ઊપસે છે – એવી એવી બાબતોનો આ પ્રકારના નિબંધોના આસ્વાદ વિવેચનની દૃષ્ટિએ ખૂબ ઝીણવટભર્યો વિચાર કરવાનો રહે. આગળ ઉપર આપણે જોઈશું કે‘પ્રથમ પુરુષ એકવચન’ના નિબંધોમાં જુદાજુદા સ્થાને‘હું’ની ગતિવિધિ અને સંચલના જુદાજુદા સ્તરેથી ચાલતી રહી છે. સુરેશ જોષીના ‘જનાન્તિકે’ સંચયના લલિત નિબંધો આધુનિકતાવાદની આબોહવામાં પાંગરેલી સાહિત્યિક ઘટના રહી છે. કવિતા, ટૂંકી વાર્તા અને નવલકથામાં સક્રિય બનેલી તેમની સર્જકચેતનાનો જ કોઈ એક પ્રાણવાન અંશ એમાં મુક્ત રીતે પાંગર્યો છે. એમાં અનેક રચનાઓ પ્રકૃતિની ભરચક સમૃદ્ધિઓનો ઐન્દ્રિયિક સંવેદનાઓ દ્વારા આપણને પરિચય કરાવે છે; તો, બીજી અનેક રચનાઓ તેમના સૌથી પ્રિય કવિઓ બૉદલેર રિલ્કે વગેરેની ભાવસૃષ્ટિઓમાંથી પ્રેરણા લઈને જન્મી છે. આવી રચનાઓમાં આત્મગત સંવેદન સ્વયં બાહ્ય પ્રકૃતિમાં એકાએક વિસ્તરી જાય છે કે, બાહ્ય પ્રકૃતિનાં દૃશ્યો જ તેમની વિલક્ષણ ભાવદશાને જગાડે છે – એનો કોઈ ક્રમ પ્રત્યક્ષ થતો નથી. પણ, વધુ યથાર્થ અને વધું પ્રસ્તુત બાબત એ છે કે, સુરેશ જોષીની સર્જકચેતના એકીસાથે દૃષ્ટા અને દૃશ્યને પકડમાં લઈને સ્વયં આત્મવિકાસ સાધે છે. અલબત્ત, આવા ચૈતસિક વ્યાપારમાં જાણ્યેઅજાણ્યે તેમનું મુક્ત ચિંતન પણ જોડાય છે. આધુનિક યંત્રસંસ્કૃતિ અને નગરજીવનની વિષમતાઓનું કે માનવજાતિ સામે આધુનિક યુગના પડકારોનું સળંગ ચિંતન કરતા નિબંધોય તેમણે લખ્યા છે. પણ તેમની સર્જકકલ્પનાના મોહક રંગોથી જે પ્રકૃતિ- વિષયક નિબંધો આલેખાયા, તે આપણા નિબંધસાહિત્યમાં અનોખી સમૃદ્ધિ આણે છે. ગુજરાતી ગદ્યનો આટલો લલિત, આટલો દીપ્તિમંત અને આટલો સર્જનાત્મક ઉન્મેષ અગાઉ ભાગ્યે જ પ્રગટ્યો હશે. એમાં ય દૃશ્યકલ્પનો શ્રુતિકલ્પનો કે ગંધસ્પર્શ ગતિ આદિ કલ્પનો અને અર્થ સમૃદ્ધ પ્રતીકોથી મંડિત ગદ્યનું પોત, ખરેખર જ, અનોખું રહ્યું છે. સુરેશ જોષીના આ લલિત નિબંધોમાં બહા૨ નાં દૃશ્યો કે પરિસ્થિતિઓ તો લેખન માટેનું ધક્કો આપનારું તત્ત્વ જ ઘણીવાર બની રહે છે. એવા ધક્કા સાથે સર્જકચેતના જે રીતે સંચાલિત થાય છે, તેમાં વર્તમાન ભાવદશા સહજ ઉદ્‌ઘટિત થવા માંડે છે. પ્રસંગે- પ્રસંગે અતીતનાં સ્મરણો વિશિષ્ટ સાહિત્યકૃતિઓનો ભાવપરિવેશ – દંતકથાઓ, પરીકથાઓ, પુરાણકથાઓ કે લોકસંસ્કૃતિના ભાવતંતુઓ – એમાં પ્રવેશતાં રહે છે. અને અંદરનું આ વિશ્વ વારંવાર ભાતીગળ કલ્પનો / પ્રતીકોના આશ્રયે પ્રગટ થાય છે. સુરેશ જોષીના લલિત નિબંધોમાં તત્સમ શબ્દોનો ચમત્કૃતિભર્યો વ્યાપક પ્રયોગ તેમાં વિશેષ સમૃદ્ધિ આણે છે. હવે, જો આપણે કાકાસાહેબના પ્રકૃતિવિષયક નિબંધો માટે પણ ‘લલિત નિબંધ’ જેવી સંજ્ઞા યોજાતા હોઈએ, તો- તો આપણે ભારપૂર્વક એ વાત નોંધવી જોઈએ કે, સુરેશ જોષીના આ પ્રકારના કહેવાતા નિબંધોનું સ્વરૂપ ચોક્કસપણે જુદું છે. પ્રકૃતિનું દર્શન કરતાં કાકાસાહેબ પણ વારંવાર પોતાનાં હર્ષશોક, કુતૂહલવિષાદ, વિસ્મય, ચિંતા, અસૂયા જેવા સંચારી ભાવોનું આલેખન કરે છેઃ પ્રકૃતિદશ્યોના વર્ણનમાં ઉપમા ઉત્પ્રેક્ષા આદિ અલંકા૨૨ચનાઓ કરે છે; અને ત્યાં તેમના સંવેદનને કાલ્પનિક ઉઠાવ પણ મળે છે. પણ તેમના પ્રકૃતિદર્શનમાં પ્રકૃતિની વિરાટ સત્તા અને ઐશ્વર્યનો સ્વીકાર છે. આથી ભિન્ન, સુરેશ જોષી પ્રકૃતિનાં કેટલાંક ચિત્રણોમાં માત્ર તેની ઐન્દ્રિયિક ગુણસમૃદ્ધિને ઉપસાવવા ચાહે છે; તો અન્ય સંદર્ભોમાં અંગત સંવેદનાઓ રજૂ કરવા તેને વધુ તો નિમિત્ત લેખે સ્થાન આપે છે. જોકે, સુરેશ જોષીના નિબંધોમાં તેમની આંતરચેતના અને બહારની પ્રકૃતિનાં દશ્યો વચ્ચેના સંબંધો સંકુલ અને દ્વન્દ્વાત્મક રહ્યા છે, એમ કહેવું વધુ ઉચિત છે. અહીં એમ નોંધવું જોઈએ કે, આ નિબંધસ્વરૂપની આંતરક્ષમતાનો તાગ લેવા, પોતાના અસ્તિત્વબોધને અને પોતાનાં આંતરસંચલનોને જુદીજુદી રીતે રજૂ કરવાનો તેમનો સભાન પ્રયાસ રહ્યો છે. તરુણ પેઢીના અનેક સર્જકો ગુલામમોહમ્મદ શેખ, ભોળાભાઈપટેલ, રઘુવીર ચૌધરી, દિગીશ મહેતા, ચંદ્રકાન્ત શેઠ, જ્યોતિષ જાની ભગવતીકુમાર શર્મા, અનિલ જોષી, મણિલાલ પટેલ, પુરુરાજ જોષી, પ્રવીણ દરજી, ભરત નાયક આદિએ આગવીઆગવી શૈલીએ આ સ્વરૂપ ખેડવાના જે પ્રયત્નો કર્યા છે, તેમાં લેખકના નિજી વ્યક્તિત્વનું ભિન્નભિન્ન સ્તરેથી પ્રગટીકરણ થતું જોવા મળે છે. વિષયવસ્તુનું પ્રસ્તુતીકરણ, અભિવ્યક્તિનાં ઉપકરણો અને સર્જનાત્મક ભાષાનું ઝીણવટભર્યું અવલોકન – એ વ્યક્તિત્વની ઓળખમાં ઘણું દ્યોતક નીવડે છે. નિબંધના રસકીય અંશો લેખકના વ્યક્તિત્વ અને બાહ્ય જગત વચ્ચેના ગતિશીલ સંબંધોમાં રહ્યા હોય છે.

‘પ્રથમ પુરુષ એકવચન’ની રચનાઓમાં સુરેશ જોષીનું વ્યક્તિત્વ જે રીતે ઊપસતું રહ્યું છે તેમાં કેટલાક વિષયો ઠીકઠીક સઘન આકાર લેતા દેખાય છે. (ક) પોતાના અસ્તિત્વબોધની ક્ષણોના અહેવાલોઃ પોતાના આયુષ્યની ઉત્તરાવસ્થામાં સહજ વેરાતી જતી એકલતા, પોતાની જાતથી અળગાપણું અને પરાયાપણું, ભ્રાંતિનિરસન, વિષાદ, અસ્તિત્વના ‘અર્થ’ ની ફરીફરીને ખોજ. (ખ) ઉત્તરાવસ્થામાં દમના વ્યાધિએ લીધેલો ભરડો. શરીરની અશક્તિ અને લાચારીના તીવ્ર ભાન સાથે જન્મી પડતી એબ્સર્ડની અનુભૂતિ, પંગુ શરીર અને સર્જક ચેતના વચ્ચેના ઘેરા વિસંવાદના બોધ સાથે જન્મતો વિષાદ, વિરતિ વગેરે ભાવો. (ગ) અધ્યાપકકુટિર (વડોદરા) ના નિવાસ દરમ્યાન આસપાસની પ્રકૃતિ સાથેના જીવંત સંબંધો, નિવૃત્તિ સાથે અધ્યાપકકુટિરની વિદાય અને શહેરમાં નવા મકાનમાં વસવાટ. અધ્યાપકકુટિરના પ્રાકૃતિક પરિવેશમાંથી ઉખડી ગયાની વેદના, હતાશા. (ઘ) સાહિત્ય અને શિક્ષણ જગતના પરિચિત અપરિચિત માણસો સાથેના વ્યવહાર અને સંબંધોને લગતી ક્રિયા- પ્રતિક્રિયાઓ, જાહેરજીવનનાં દંભ, સ્વાર્થ, પ્રપંચ વગેરેથી વ્યથા; સભાઓ સમિતિઓ અને પરિષદોથી વિમુખ થવાનું વલણ. (ચ) અંગત વાચનઅધ્યયનમાં આવતા કવિઓ- લેખકોની સાહિત્યસૃષ્ટિ અને તેના ભાવસંસ્કારો નિમિત્તે ચિંતન- સંવેદન. (છ) પોતાનાં સ્વભાવ, માનસિક વલણો, જાતતપાસ અને કઠોર આત્મનિરીક્ષણના વસ્તુસંદર્ભો (જ) બાળપણનાં સંસ્મરણો વગેરે. અલબત્ત, આ સંચયની રચનાઓમાં સુરેશ જોષીનું વ્યક્તિત્વ ભિન્નભિન્ન રીતે છતું થતું જણાશે. એમાં એક છેડે તેમનો‘હું’સર્જકચેતના રૂપે વિસ્મયકારી આવિર્ભાવો સાધે છે; બીજે છેડે પોતાના ઐતિહાસિક સંયોગો વચ્ચે પોતાના શીલ અને સ્વભાવને પ્રગટ કરતા અહમ્‌ને પ્રગટ કરે છે. આવા બે સ્તરો વચ્ચે તેમની સર્જકચેતના જુદીજુદી રીતે ગતિ કરતી રહી છે. એમાં કેટલાક સંદર્ભે સુરેશ જોષી પોતાના અનુભવો અને વિચારો સીધા નિવેદનરૂપે મૂકે છે, તો અન્ય સંદર્ભોમાં કલ્પનો / પ્રતીકોનો આશ્રય લે છે. પોતાના અસ્તિત્વના બોધની મથામણમાં સુરેશ જોષી ઉત્કટ આત્મસંપ્રજ્ઞતા દાખવે છે. પોતાની અસ્તિત્વ૫૨ક દશાઓને વારંવાર એ દશામાંથી બહાર આવી ઓળખવા મથ્યા છે. પોતાના મૂળ ‘સ્વ’થી અલગ પડી ગયાનું, તેનાથી પરાયા થઈ જવાનું, તીવ્ર ભાન તેમને રોકી લે છે. વિશ્વના અપરિમેય વિસ્તાર વચ્ચે પોતાનું અસ્તિત્વ કેવું તો અલ્પ બને છે તેનું તેઓ અવલોકન કરતા રહે છે. છઠ્ઠા ક્રમના નિબંધમાં પોતાના‘સર્જનાત્મક આત્મ’ની આવશ્યકતા નોંધતાં તેઓ કહે છેઃ મારું પોતાપણું મેં મારા કશા સ્વાર્થથી નહીં, પણ સર્જનની એક અનિવાર્ય આવશ્યકતા રૂપે જ ટકાવી રાખ્યું હોય છે. એ એક લાચારી છે. કારણ કે, આમ તો, હું અંગત રીતે એ પોતાપણા ૫૨ સહેજ સરખોય દાવો કરી શકતો નથી. એ પોતાપણાના સહભાગી જેટલે અંશે મારા વાચકો થાય છે, તેટલે અંશે હું થઈ શકતો નથી. આથી જ તો આ પોતાપણાને ઊતરડીને ફેંકી દેવાનો પ્રયત્ન કરું છું. પણ જોઉં છું, તો મારો આ ઉદ્યમ પોતે જ કેટલાકને માટે આસ્વાદ્ય બની રહે છે! તો હું શું કરું?’(પૃ.૨૧). પોતે રચેલી‘કૃતિ’ તેમની સ્વતંત્રતાને નકારી કાઢે છેઃ પોતાને જ પોતાપણાથી દૂર હડસેલી દે છે. એ રીતે ‘કૃતિ’ સ્વયં પોતાનામાં વિચ્છેદ જન્માવે છે. સર્જનના મૂળમાં રહેલો આ એક પાયાનો અંતર્વિરોધ છે. નવમા ક્રમના નિબંધમાં તેઓ જે રીતે ‘હું’ ની અપારવિધ સંભાવનાઓનું વર્ણન કરે છે, તેમાં તેમના ‘સર્જનાત્મક આત્મ’ ની જ ઝાંખી થાય છે. બાળક કોઈ વાર હાથમાં કોલસો આવી જાય છે ને ભીંત ૫૨ થોડાક લસરકાથી માણસનું ચિત્ર દોરી નાંખે છે તે શું ‘હું’ છું? ના, જો પ્રામાણિકપણે કહેવું હોય તો એમ જ કહેવું પડે કે ‘હું’ મને ઓળખતો નથી. મારો આકાર ગમે તે હોઈ શકે. કોઈવાર વૃક્ષની જેમ સીધો હું જમીનમાંથી જ ઊગી નીકળું છું, તો કોઈવાર જળની જેમ વહેતો થઈ જાઉં છું. કોઈવાર મને હું નક્કરપણે સ્પર્શથી અનુભવવાને ઉત્સુક થઈ જાઉં છું. ત્યારે જ ‘હું’ મને બાષ્પીભૂત થઈને ઊડી જતો જોઈ રહું છું. કોઈ વાર અવિરત ફરી રહેલા યુગચક્રના આંકા ઝિલનાર શિલા બની રહું છું.’ (પૃ.૩૧). આ સંદર્ભમાં ‘હું’ કોઈ જડ સીમિત સત્તારૂપ નહિ, પણ બહારના જગત સાથે- the Other સાથે – એકરૂપ થવા ઝંખતી ગતિશીલ ચેતના છે. ચેતોવિસ્તારની ઝંખના ક્યારેક તો સમસ્ત સ્થળકાળનાં પરિમાણોને વ્યાપી લે છે. કહો કે વિશ્વજીવનના અસીમ પ્રસાર સુધી તે વિસ્તરી જવા ચાહે છે. વીસમા ક્રમની રચનાનો આ સંદર્ભ જુઓઃ ‘કોઈક વાર એવું લાગે છે કે જાણે આખો દેશ મારામાં ઊગી નીકળે છે. વિષુવવૃત્તના કોઈ પણ અરણ્યથી વધુ નિબિડ હું બની ઊઠું છું. મંદિરોનાં શિખરો અને ગોપુરમ્‌ મારામાં ઊંચે ને ઊંચે વધ્યે જાય છે. મારા શ્વાસોચ્છ્‌વાસમાં આરતી ટાણેના ઘણ્ટા૨વ રણકી ઊઠે છે. શતાબ્દીઓની સળ મારામાં ઉખેળાતી આવે છે, અનેક યુદ્ધોની રણભેરી મારામાં ગાજી ઊઠે છે. સંસ્કૃતિનાં ઉત્થાનપતનનાં આંદોલનોથી હું વિક્ષુબ્ધ બની જાઉં છું...’(પૃ.૬૮) પણ આવા સંદર્ભોમાં ‘હું’નાં રૂપાંતરો સમાં ચૈતસિક આવિષ્કરણો વચ્ચે સુરેશ જોષીના નિજી અસ્તિત્વની ખોજના વ્યાપક સંદર્ભો મળે છે. પોતાના અસ્તિત્વની ઓળખમાં ઉત્કટ અને સન્નદ્ધ આત્મસભાનતાથી તેઓ અંતર્મુખી બને છે. આ ખોજમાં સાક્ષીભૂત ચેતના જ પોતાના જ અંશભૂત એવો કોઈક ‘ઈત૨’ the Other ને ભારે કુતૂહલથી અવલોકતી રહે છે. પોતે પોતાનાથી alienate થયાની ઉગ્ર સભાનતા એમાં છતી થાય છે. આયુષ્યના ઉત્તરકાળમાં દમના વ્યાધિનાં આક્રમણો જોરદાર બન્યાં તે પછી તેમની ચેતના વધુ ને વધુ અંતર્મુખી બની ક્ષણેક્ષણનાં અસ્તિત્વ૫૨ક સંચલનોનો તાગ લેવા તત્પર બની દેખાય છે. આ નિબંધસંચયમાં અસ્તિત્વબોધ અને અસ્તિત્વખોજના સંદર્ભો લગભગ સર્વત્ર જોવા મળે છે. વિષાદ, વિરતિ અને આત્મવિચ્છિન્નતાની લાગણીઓ એમાં સૂક્ષ્મ વિચારનું આલંબન લઈને પ્રગટ થાય છે. સહજ જ આવા સંદર્ભો ઘણા મર્મસ્પર્શી નીવડ્યા છે. પાંત્રીસમા ક્રમની રચનાનો આ સંદર્ભ જુઓ : ‘હું સ્વભાવથી સર્વત્રવિહારી છું. પણ શરીર જ હવે પહેરેગીર બનીને ચોકી કરી રહ્યું છે. આથી કાન માંડીને રાત્રિનાં જળનો ઓસરવાનો અવાજ સાંભળ્યા કરું છું. શરીરની મને માયા છે પણ શરીરે માંડેલો ઝઘડો મને જાણે અળગો પાડે છે. ઘણી વાર સદેહે આ દેહમાંથી ક્યાંક દૂર નીકળી ગયાનો અનુભવ થાય છે. મારી પોતાની સાથેની ઘનિષ્ઠતાના દિવસો પૂરા થયા લાગે છે. ઘણીવાર તો તૂટી ગયેલા નિદ્રાના તત્તુને ઝાલવા મથતો હું મારી જ અનુપસ્થિતિના શૂન્ય અવકાશમાં તરંગ બનીને તર્યા કરું છું.’ (પૃ.૧૪૧). અંતરીક્ષમાંનો પવન આ પોષની રાતને ખંખેરી નાંખે છે. એમાંથી કેટલો બધો તેજાબ ઝરે છે! એથી મારા શરીરની ત્વચામાં જ નહિ ઊંડેઊંડે બધે તિરાડો પડે છે. એમાંથી આવતું મારા શ્વાસનું બસૂરું સંગીત સાંભળીને હું અકળાઈ ઉઠું છું. એમાંથી નાસી છૂટવા મથું છું તો હું જોઉં છું, નિઃશબ્દતાની કાદવિયા ભોંયમાં ખૂંપી પહેલાં નહીં અનુભવેલી એવી કશીક અનોખી જ એકલતા મને ઘેરી વળે છે, અપારદર્શક શહેરોની ગલીઓમાંથી અથડાતોકૂટાતો હું કોઈ વાર વગર સરનામાના ઘરની શોધમાં ભટક્યા કરું છું.’ (પૃ.૧૫૩) પણ અસ્તિત્વની ઉત્કટ અને સન્નદ્ધ સભાનતાના સંદર્ભોની વચ્ચે, કે તેથી કંઈક અલગ રીતે, સુરેશ જોષીના વિલક્ષણ વ્યક્તિત્વનો ઉઘાડ થતો જોઈઅશકાશે. એ તો સૌને વિદિત છે કે આપણા આધુનિકતાવાદી લેખકોમાં તેમનું મનોવિશ્વ નિરાળું હતું, તેમની મનોઘટના નિરાળી હતી. આ નિબંધરચનાઓમાં અનેક સંદર્ભે તેમની ગહન એષણાઓ, આકાંક્ષાઓ, આશાનિરાશાઓ અને એવું બધું અંદરનું વિશ્વ પ્રગટ થયું છે; બીજી બાજુ, તેમનાં આત્મનિરીક્ષણો કેફિયતો એકરારો અને ગમાઅણગમાઓ પણ નોંધતાં રહ્યાં છે. તેમનું મનોગત એવા સંદર્ભોમાં એકદમ પારદર્શી બની આવ્યું છે. એમાં કેટલાંક સ્થાને સોનગઢમાં વીતેલા બાળપણનાં સ્મરણો છે, ફિલસૂફીના અધ્યયનના નિર્દેશો છે, તો અધ્યાપક કુટિરમાંથી પોતાના નવા નિવાસમાં સ્થળાંતર ક૨વાના પ્રસંગો પણ છે. સુરેશ જોષીના વિશેષ ચારિત્ર્યનો અને શીલનો એમાં પરિચય થાય છે જ, પણ એવા બધાય સંદર્ભોમાં તેમની ઉત્કટ સંવેદનપટુતાય સીધી સ્પર્શી જાય છે. સુરેશ જોષીના નિકટ પરિચયમાં આવવાનું જેમને બન્યું છે તેમણે એ રીતનું નિરીક્ષણ કદાચ કર્યું હશે કે વ્યવહારજગતની વૃત્તિપ્રવૃત્તિઓ સાથે, તેના ભૌતિકવાદી આશયો સાથે, તેમનું માનસ કોઈ રીતે મેળ સાધી શકે એમ હતું જ નહિ. આ રચનાઓમાં તેમનાં માનસિક વલણો એકદમ સ્પષ્ટ રીતે ખુલ્લાં થયાં છે. ખરું તો, બહારના જગતની ઊથલપાથલો અને તેજ રફતારથી બનતી ઐતિહાસિક ઘટનાઓમાં તેમનું મન ભાગ્યે જ ઠર્યું છે. આસપાસના જગત પ્રત્યે અમુક ઉદાસીનતા અને વિરતિનું વલણ બંધાઈ ચૂક્યું હોય એમ જ ભાસે. અગિયારમી રચનામાં તેમની એક લાક્ષણિક સ્થાયી વૃત્તિ છતી થઈ જાય છેઃ મોટી પ્રાપ્તિ, મોટું કાર્ય, ઝાઝો લાભ, ઝાઝી કીર્તિ અને આ બધાંને અંતે અમરતા – આ આખો ઉદ્યમ સરવાળે તો ક્લેશકર નીવડે છે. એનો ભાર ઉતારી નાખવા જેટલી નિઃસ્પૃહતા કેળવવી ઘટે. આથી ફૂલને ખીલતું જોવું એ એક મહાકાવ્ય રચવા જેટલું જ ઉત્તમ કાર્ય છે એમ હું માનું છું.’(પૃ.૩૯) આ રચનાઓમાં અનેક સ્થાને સુરેશ જોષી પોતાના અંતરનાં કાર્યો કરતી વેદનાના મૂળમાં ઊતરે છે. ત્યાં વ્યવહાર જગતની કુટિલતા, છલના કે દંભ જેવાં તત્ત્વો પકડી પાડે છે. ક્યારેક એવા કુટિલ જનને લક્ષમાં રાખી પોતાના આંતરિક સામર્થ્યને સંકોરે છે. ૪૧ મી કૃતિનો આ સંદર્ભઃ ‘મારા તો આશીર્વાદ છે કે જેને આ કે તે નિમિત્તે મારી સામે ઝૂઝવું હોય તે અનેક અક્ષૌહિણી સેના ભેગી કરે. આ હું અહંકારને વશ થઈને કહેતો નથી. યુદ્ધની પ્રતિષ્ઠા જળવાય એ માટે કહું છું. કાલ સુધી જે મિત્ર તરીકે પડખે હતા, તેનેય સામી હરોળમાં જોઉં, તો તેથી હવે મને અર્જુનના જેવો વિષાદ કે નિર્વેદ થવાનો નથી. મૈત્રીનો લંબાવેલો હાથ મેં કદી પાછો ખેંચ્યો નથી...’(પૃ.૧૭૩) દમના વ્યાધિથી શરીર પીડાતું રહ્યું, એટલે પાછળનાં વર્ષોમાં વાચન- અધ્યયનની પ્રવૃત્તિ મંદ પડી, એટલું જ નહિ, ઉત્કટ બનતી વિરતિને કારણે પોતાની લેખનપ્રવૃત્તિની સાર્થકતા વિશેય તેઓ પ્રશ્ન કરતા રહ્યા. વ્યાધિગ્રસ્ત ક્ષણોમાં, જોકે, તેમને વિષાદ અને વિરતિના ભાવપ્રદેશોમાં પાંગરેલી કવિતા, વિશેષતઃ રિલ્કેની રચનાઓ, ખૂબ અભ્યાસક નીવડી પણ, અધ્યયનવૃત્તિથી પોતે અળગા થઈ રહ્યા હોવાનું તીવ્ર કરૂણભાન પણ તેઓ કેટલીયે ક્ષણે અનુભવી રહ્યા. પોતે રચેલી પંક્તિઓ પણ ચિત્તમાં જાણે ઝાંખી છાયા જેવી બની ચૂકી હોય એમ તેમને લાગ્યું. આવી વિષાદની ક્ષણો ઘણી મર્મસ્પર્શી બની આવી છે. અધ્યાપકકુટિરમાં વર્ષો સુધીના નિવાસને કારણે એની સાથે અજબની આત્મીયતા બંધાઈ ચૂકી હતી. એના પરિવેશમાં – પરોઢ, સાંજ, રાત્રિના વિલક્ષણ પ્રહરોમાં વ્યાપી રહેતા પરિવેશમાં – તેમનું સમગ્ર અસ્તિત્વ ઓતપ્રોત થઈ ચૂક્યું હતું. એટલે એ કુટિર છોડવાની ક્ષણે તો પોતે સાવ મૂળથી જ ઊખડી ગયાની વ્યથા અનુભવી રહે છે. એ પ્રસંગનું વર્ણન તો સાચે જ મર્મભેદક બન્યું છે. ‘નવા ઘેર જઈ ને જોયું તો કોઈ છાયાવાળા વૃક્ષની ઓથ નથી. ગુલાબ મોગરો ચીમળાઈ ગયેલા હતા. હજી હું અવઢવમાં છું. મનને ગોઠશે ખરું? પુસ્તકો હાથવગાં હતાં તે કોણ જાણે ક્યાંનાં ક્યાં જઈ પડ્યાં છે. આંખ છતાં જાણે આંખનો કશો ઉપયોગ રહ્યો નથી. એ ઘરમાં કદાચ નવા જ પ્રકારની અનિદ્રા મારી રાહ જોતી હશે. હજુ બધે ફરી વળવાનું સાહસ એકઠું કરી શક્યો નથી. હજી એ ઘરના વાતાવરણનો મર્મ હાથ લાગ્યો નથી. આથી આગન્તુક જેવો અહીંતહીં અટવાયા કરું છું.’(પૃ.૧૭૬). આવા અનેક સંદર્ભોમાંથી પસાર થતાં સુરેશ જોષીની વ્યક્તિતા વધુ ને વધુ અખિલાઈ માં પ્રત્યક્ષ થાય છે. પ્રસ્તુત સંચયની રચનાઓ, તેમના માર્મિક વ્યક્તિત્વબોધને કારણે, કદાચ, અગાઉની રચનાઓ કરતાં કંઈ જુદા સ્તરેથી આપણને પ્રભાવિત કરી જાય છે. એ કા૨ણે જ એ રચનાઓ પ્રત્યે મારા જેવા કોઈને વધુ પક્ષપાત જન્મી પડે, એમ પણ બને. •‘સન્નિધાન-૬’ (૧૯૯૫) –માં પ્રકાશિત.

* * *