અનુબોધ/‘જીવનનો આનંદ’ (કાકા કાલેલકર)
૧
કાકાસાહેબનું પુસ્તક ‘જીવનનો આનંદ’(ઈ.સ. ૧૯૩૬માં પ્રથમ આવૃત્તિ), મારી દૃષ્ટિએ, આપણા અર્વાચીન સાહિત્યની એક ખરેખર અનોખી ઘટના સમું છે. સુવિદિત છે તેમ, એના ચાર ખંડો પૈકી પહેલાં ત્રણ ખંડોમાં તેમણે પ્રકૃતિના સૌંદર્યદર્શનનાં વર્ણનો રજૂ કર્યાં છે, અને એની અંતર્ગત રાત્રિના આકાશદર્શનનાં વર્ણનો પણ સમાઈ જાય છે; જ્યારે ચોથા ખંડમાં સૌંદર્યબોધના એક મોટા સ્રોત સમી લલિત કળાઓ વિશેનું તેમનું ચિંતનમનન જોવા મળે છે. પ્રકૃતિના સૌંદર્ય વિષયક લેખોમાં તેમની વિલક્ષણ સૌંદર્યદૃષ્ટિનો અને તેમની વિલક્ષણ સર્જકચેતનાનો અતિ નિકટતાથી માર્મિક પરિચય થાય છે; તો કળાઓ વિશેના તેના ચિંતનમનનમાં તેમની વિશિષ્ટ જીવનભાવના પ્રગટ થઈ જાય છે. આ સર્વ લેખોની સૌંદર્યસમૃદ્ધિ અને સત્ત્વશીલતાનો વિચાર કરતાં આજે એનાં ત્રણ પાસાંઓ વિશેષ ધ્યાન રોકી લે છે. એક, ગાંધીજીના અનુયાયી, બલકે નિકટના અંતેવાસી, કાકાસાહેબમાં સક્રિય રહેલી સૌંદર્યચેતના સ્વયં એક અસાધારણ રસનો વિષય છે. બે, પ્રકૃતિનાં સૌંદર્યની અપારવિધ ઝલક વર્ણવવા તેમણે સહજ રીતે સિદ્ધ કરેલી ગદ્યશૈલી એટલી જ વિશિષ્ટ છે, અને ઝીણવટભર્યું અવલોકન માગે છે. અને ત્રણ, તેમની કળાવિચારણામાં જે રીતે તેમનાં સામાજિક નૈતિક વલણો છતાં થયાં છે તેમાં તેમનાં નિજી રસરુચિ અને એ યુગનાં ગાંધીજીપ્રેરિત વિચારવલણો વિશિષ્ટ રીતે સંયોજિત થયાં છે. ગાંધીજીના અનુયાયી ચિંતકોએ – જે વિશિષ્ટ સમાજદર્શન કેળવ્યું હતું, તેનું ચોક્કસ અનુસંધાન કાકાસાહેબની કળાવિચારણાઓમાં મળે છે. એ રીતે આ પુસ્તક આપણા આ સદીના સાહિત્ય-સાંસ્કૃતિક પ્રવાહો વચ્ચે એક વિરલ ઉપલબ્ધિ સમુ બની રહે છે. કાકાસાહેબની સૌંદર્યચેતના, તેમની વિશિષ્ટ ગદ્યશૈલી અને તેમાંના સામાજિક નૈતિક સંદર્ભો – ત્રણે બાબતો આ પુસ્તકનાં લખાણોમાં, અલબત્ત, એકબીજામાં પ્રગાઢપણે સંકળાયેલી છે. આપણે આગળ ઉપર જોઈશું કે કાકાસાહેબની સૌંદર્યચેતનાનું યર્થાથ રૂપ ઓળખવા માટે તેમનાં વર્ણનોની ભાષા-પરિભાષાનું બારીક અવલોકન જરૂરી છ, તો તેમાં ગર્ભિત રહેલો સામાજિક-નૈતિક અર્થોની ય નોંધ લેવાની રહે છે. બીજી બાજુ, તેમણે સિદ્ધ કરેલી શૈલીનું બંધારણ તપાસતાં તેમના સૌંદર્યબોધનાં સૂક્ષ્મતમ સંચલનોનો પરિચય મળે છે. તો તેમાંનાં સામાજિક નૈતિક વલણોની ઓળખ પણ એમાંથી જ શક્ય બને છે. તો, તેમનાં સામાજિક-નૈતિક વલણો તેમનાં રસરુચિને કેવી રીતે ઘડે છે, અને તેમની શૈલીમાં કેવી રીતે પ્રતિબિંબિત થાય છે, તે પણ જોવા જેવું છે.
૨
‘જીવનનો આનંદ’માં ખંડ-૧ ‘પ્રકૃતિનું રહસ્ય’, ખંડ-૨ ‘અનંતનો વિસ્તાર’, અને ખંડ-૩ ‘નિવૃત્તિમાં નિરીક્ષણ’ : એ ત્રણ ખંડનાં લખાણો, અગાઉ નિર્દેશ કર્યા છે તેમ, તેમનાં પ્રકૃતિદર્શનોમાંથી જન્મ્યાં છે. સ્વ. પાઠકસાહેબે નોંધ્યું છે તેમ, કાકાસાહેબની પ્રતિભા, ગાંધીમંડળના કાર્યકારો અને ચિંતકોમાં, તેમનામાં સદોદિત સદાજાગ્રત સૌંદર્યવૃત્તિને કારણે નોખી તરી આવે છે. સાબરમતીના જેલવાસ દરમ્યાન ફુરસદની ક્ષણોમાં, બિમારીના દિવસોમાં હવાફેર અર્થ સહ્યાદ્રિના આરોગ્યધામના એકાંતમાં, (અને એ સિવાય રાષ્ટ્રીય કાર્યક્રમ નિમિત્તે ભારતના જુદા જુદા પ્રાંતોમાં તેમ પરદેશમાં પ્રવાસની ક્ષણોમાં) પ્રકૃતિનાં રમ્યભવ્ય, કોમળકરાલ, અલ્પ અને વિરાટ – જે કોઈ દૃશ્ય, જે કોઈ સત્વ, જોવાની તક તેમને મળી, તે તરત જ તેમનું અંતર એવા દૃશ્યમાં, સત્ત્વમાં, સહજ જ વિસ્તરી રહેવાનું. આમ પણ, પ્રકૃતિના સૌંદર્યદર્શનની તેમની ઝંખના છેક તેમના બાળપણના પ્રવાસોમાં જાગૃત થઈ ઊઠી હતી. એ પછી તરુણ વયે રાષ્ટ્રીય ભાવનાના રંગે તેઓ રંગાયા, અને ગાંધીજીની છત્રછાયા નીચે આવી તેમના રચનાત્મક કાર્યક્રમમાં જોડાઈ ગયા, તે પછી ય સૌંદર્યદર્શનની તેમની ઝંખના ક્યારેય ઓછી થઈ હોય એમ જણાતું નથી. ઈ.સ. ૧૯૧૩માં ઉત્તર ભારતમાં અને હિમાલયના વિશાળ પ્રાંતમાં તેમને પ્રવાસ કર્યો ત્યારેય તેમની સૌંદર્યવૃત્તિ એટલી જ ઉત્કટપણે સક્રિય રહી છે. એક ગાંધીવાદી ચિંતક-લેખકમાં આ જાતની સૌંદર્યવૃત્તિ પહેલી નજરે કંઈકે કોયડા રૂપ લાગવા સંભવ છે. પણ આપણે આગળ ઉપર વિગતે જોઈશું કે, તેમની સૌંદર્યદૃષ્ટિ અને સૌંદર્યભાવના સામાન્ય સૌંદર્યરસિકો કરતાં જુદી છે. ‘જીવનનો આનંદ’ શીર્ષક, આ પુસ્તકમાં કળા અને કુદરત વિષયક લેખોના સંદર્ભે, ઘણું સૂચક બની રહે છે. તેમને માટે કુદરત અને કળાકારે રચેલા જગત વચ્ચે એવો કોઈ મૂળગત વિચ્છેદ નથી : બંનેયમાં જીવનનો પરમ આનંદ જ વિલસી રહ્યો છે. પ્રકૃતિના રમ્ય કે ભવ્ય, અલ્પ કે વિરાટ, કોઈ પણ દૃશ્યમાંથી, કોઈ પણ સત્ત્વમાંથી જે વિશુદ્ધ સાત્ત્વિક આનંદ મળે છે, તે આ વિશ્વજીવનના આદિસ્રોતમાં જ રહ્યો છે. એ જ રીતે, લલિત કળાઓમાં જે પરમ આનંદ મળે છે તેના મૂળમાં એ જ તત્ત્વ રહ્યું છે. કાકાસાહેબને માટે પ્રકૃતિનું હરકોઈ દૃશ્ય, હરકોઈ રૂપ, હરકોઈ છટા, પરમ આનંદનું નિમિત્ત બની શકે છે. તેમની આ પ્રકારની સૌંદર્યપ્રતીતિ, દેખીતી રીતે જ, પ્રકૃતિની જીવંત સત્તાનો સ્વીકાર કરીને ચાલે છે. પ્રાચીન ભારતીય દર્શનમાં વિશેષતઃ વેદ-ઉપનિષદ આદિમાં વિશ્વજીવનની મૂળભૂત એકતાનો અને વિશ્વાત્માની અખિલાઈનો જે ખ્યાલ પ્રતિષ્ઠિત થયેલો છે તે તેમને પ્રેરણારૂપ બન્યો છે. જો કે ભગવદ્, ગીતા મહાભારત, રામાયણ, પુરાણો, સંસ્કૃતકાવ્યો, મધ્યકાલીન ભક્તોની વાણી અને રવીન્દ્રનાથ આદિની પરંપરામાંથી તેમને બળ મળ્યું હોય એ પણ એટલું જ સ્વાભાવિક છે. ગ્રંથના મુદ્રાલેખ રૂપે ઉપનિષદના ઋષિનું વચન તેઓ ઉતારે છે : ‘જો જગતમાં (વિશ્વાકાશમાં તેમ હૃદયાકાશમાં) આ આનંદ ન હોત તો શ્વાસ પણ કોણ લેત? અને જીવવાને પણ કોણ રાજી થાત?’ અર્થાત્, આ વિશ્વજીવનના અનંત વિસ્તારમાં, તેની અનંતવિધ રૂપરમણાઓમાં, એ જ પરમ આનંદનું તત્ત્વ વિલસી રહ્યું છે. કાકાસાહેબના પ્રકૃતિદર્શનમાં આવી કોઈ ગૂઢ પ્રતીતિ રહી છે, અને એવી પ્રતીતિ જ તેમને હર કોઈ પ્રાકૃતિક ઘટનામાં લીન થવા પ્રેરે છે. વિશ્વપ્રકૃતિ અને વિશ્વજીવન પરત્વે કાકાસાહેબનો આ અભિગમ ખાસ ધ્યાનપાત્ર છે. પ્રકૃતિના હરકોઈ દૃશ્ય કે પદાર્થ સુધી વિસ્તરવામાં તેમને કોઈ મોટો આંતરિક અવરોધ નથી. પોતાની સામે જે વિશ્વ વિસ્તરી રહ્યું છે તે તેમને માટે કોઈ પરાઈ અણજાણ સત્તા નથી. પ્રકૃતિના જીવન સાથે અંતરનો સંવાદ સાધવામાં ક્યાંય કોઈ કૂટ વિઘ્ન નથી. પશ્ચિમના વૈજ્ઞાનિકો પ્રકૃતિને ઘણુંખરું જડ શક્તિના સંચયરૂપે, ચોક્કસ નિયમોથી ચાલતા મહાયંત્ર રૂપે, કે ઉત્ક્રાન્તિની ક્ષમતાવાળા અમુક મૂળ તત્ત્વરૂપે, સ્વીકારે છે. અને, આમ પણ, પશ્ચિમના તત્ત્વજ્ઞાનની દીર્ઘ પરંપરામાં જડ દ્રવ્યરૂપ સત્તા અને ચેતન વચ્ચે હંમેશાં ખાઈ રહી છે. આધુનિક સમયના અસ્તિત્વવાદી ચિંતકો, ખાસ કરીને સાર્ત્ર અને કામૂ માટે માનવઅસ્તિત્વ અને શેષ જગત વચ્ચે મોટો અવકાશ રહ્યો છે. પ્રકૃતિના પદાર્થો, સત્ત્વો, માનવીને હંમેશ પરાયાં અને અણજાણ રહ્યાં છે. વૃક્ષો પહાડો પથ્થરો ગ્રહો નક્ષત્રો સૂર્યો – સર્વ કંઈ strangenessનું અપારદર્શી આવરણ ધરીને ઊભાં છે. તેમનું હાર્દ તેઓ ખોલતાં નથી; અથવા, એમ કહો કે માનવવ્યક્તિ તેમના હાર્દમાં પ્રવેશી શકતો નથી. કાકાસાહેબ માટે, બલકે ભારતીય દર્શનનું રહસ્ય પામનાર હર કોઈ ચિંતક માટે, વિશ્વપ્રકૃતિ આવી કોઈ પરાઈ સત્તા રહી નથી. એટલે, પ્રકૃતિનાં સત્ત્વો સાથે ક્ષણક્ષણાર્ધમાં આત્મીયતા કેળવી લેવાનું, તેમ એવા સત્ત્વની સાથે કશીક વિશ્રંભકથા માંડવાનું, તમને ક્યારેય મુશ્કેલ બન્યું નથી. હકીકતમાં, પ્રકૃતિના જડ અને નિશ્ચેષ્ટ લેખાતા પદાર્થોને વારંવાર ચેતનવાન કલ્પીને, તેમનામાં માનવસ્વભાવનાં અમુક લક્ષણોનું તેમ માનવસહજ વૃત્તિઓ પ્રવૃત્તિઓ ઇચ્છાઓ ઊર્મિઓ અને ભાવદશાઓનું આરોપણ કરવું એ તેમની સર્જકવૃત્તિનો સહજ પણ કેન્દ્રિય વ્યાપર બની રહ્યો છે. પ્રકૃતિ વિશેનાં તેમનાં વર્ણનોમાં વૃક્ષ વાદળ સૂર્ય ચંદ્ર તારા નક્ષત્ર આદિ સત્ત્વોમાં લગભગ સાતત્યપૂર્વક સજીવારોપણ જોવા મળે છે તે ઘટના ઓછી સૂચક નથી. જેમકે,
- ‘જેલ બહારનાં ઝાડ કાલના વરસાદથી તાજાં થઈ પ્રસન્ન ગીતો ગાય છે.’(પૃ.૭)
- ‘સાંજને વખતે ચિત્રા ઊગે છે અને રાત્રિનો રથ આકાશમાર્ગે સવાર સુધી ખેંચ્યાં કરે છે.’(૮)
- ‘વચમાં વચમાં નાનકડાં વાદળાં, ‘અમે તો નાનાં અમને કોની હરકત?’ એમ કહેતાં અમાતેમ ગમે ત્યાં ફરતાં હતાં’(પૃ.૧૦)
- ‘પરોઢિયે પાંચ વાગ્યાના અરસામાં પૂર્વા ભાદ્રપદાનાં બંને નક્ષત્રો વાંકી ડોક કરીને ગેંદ રમતાં ઉપર આવે છે.’ (પૃ.૧૧)
- ‘અને સૂર્ય? આકાશમાં જ રૂપાળાં વાદળોનો દરિયાકિનારો બનાવી ત્યાં તે રમતો હતો’ (પૃ.૧૨)
- ‘અને સૂર્ય કંઈ અઠ્ઠાવીસ યુગો સુધી કેડ ઉપર હાથ દઈ ઊભો રહેનાર વિઠોબા નથી. તેને અરુણને સાથે લઈ ઉષાને મંદિરે જવાનું હોય છેઃ ભૈરવી રાગ સાંભળતાં સાંભળતાં આકાશનો ઊંચો માર્ગ ચડીને ભૈરવ મહાદેવને દર્શને જવાનું હોય છે.’(૧૨)
- ‘અગ્નિ ખૂણામાં આવેલો આંબો એ બધું રસપૂર્વક સાંભળી રહ્યો હતો.’ (પૃ.૧૩)
- ‘તારિકાઓએ તેની આસપાસ ઘેરો ઘાલ્યો અને તરત જ ચંદ્રનો મુખચંદ્રના પ્રસન્ન દેખાવા લાગ્યો.’ (પૃ.૧૪)
- ‘આવતી કાલે તે (ચંદ્ર) ચિત્રાને મંદિરે પહોંચી જશે. સ્વાતિનું લાવણ્ય વધારે; છતાં ચંદ્ર તો ચિત્રાનું જ સાન્નિધ્ય પસંદ કરે છે. ચિત્રા છે જ એવી નિખાલસ વૃત્તિની.’ (૧૫)
- ‘અને પાકોળીઓ તો પોતાની ગતિને કારણે જ આ આખું વિશ્વ અસ્થિર છે એમ કહેતી ફરે છે’ (પૃ.૧૬)
- ‘આજે સવારે વાદળાંઓએ એક આખું સપ્તાંકી નાટક ભજવી બતાવ્યું.’ (પૃ.૨૦) ‘બીજું ધુમ્મસ યાદ છે સિંહગઢ ઉપરનું. પાછળની બાજુએ સૂર્ય અને સામે ગઢ ઉપરથી નીચે કૂદકા મારતાં ધૂમ્મસનાં ઊડતાં વાદળો.’ (પૃ.૨૯)
- ‘વિશાખા આંબાનાં ઝાડ ઉપર પ્રસરી હતી અને અનુરાધાની વાટ જોતી હતી.’ (પૃ.૪૩)
- ‘તડકાની લહેજત પારખે છે એકલો પવન. એ સુખેથી ફાવે તેમ દોડે છે.’ (પૃ.૫૬)
- ‘ચિત્રલેખાએ તેજોરસમાં પોતાની પાંચે આંગળીઓ બોળીને આકાશના ફલક ઉપર પોતાનો પંજો મુદ્રિત કર્યો અને તે હસ્ત થયો.’ (પૃ.૧૦૦)
- ‘પણ આ સ્થળે માણસે એક લાંબી દીવાલ બાંધી દરિયાનાં મોજાંને અનહદ છેડ્યાં છે, અને આટલાં વર્ષ થયાં એ મોજાં આવો આક્ષેપ હજી સાંખી શક્યા નથી, અને કોઈ કાળે સાંખીને બેસવાનાં નથી.’ (પૃ.૧૮૫)
અલબત્ત, સજીવારોપણના વ્યાપારમાં ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વિભાવના, અર્થાન્તરન્યાસ આદિ અલંકારો એમાં વારંવાર યોજાતા ને જોડાતા રહ્યા છે, પણ એમાં સજીવારોપણ વ્યાપાર વધુ વ્યાપકપણે પ્રવર્તતો જોવા મળશે. પ્રકૃતિનાં પંચ મહાભૂતો – પૃથ્વી, પાણી, આકાશ, વાયુ અને તેજ-ની અનંતવિધ રમણાઓમાં આદિ વિશ્વચેતનાનું જ પ્રગટીકરણ છે. એવી તેમની આંતરપ્રતીતિમાંથી આ સજીવારોપણના વ્યાપારને ગૂઢ બળ મળ્યું છે. એક રીતે, પ્રકૃતિનાં દૃશ્યો અને સત્ત્વોની બાબતમાં, સજીવારોપણ એ કોઈ સંલક્ષ્યક્રમવાળી બૌદ્ધિક પ્રવૃત્તિ કરતાંય, વધુ તો તેમના પ્રત્યક્ષીકરણની ક્ષણમાં અસંલક્ષ્યક્રમવાળી સર્જનાત્મક પ્રવૃત્તિ હોવાનું સમજાશે. દૃશ્ય, આકાશના પટ પર સૂક્ષ્માતિસૂક્ષ્મ રંગોની ઝાંયના પરિવર્તનનું હો, વાદળોનાં ક્ષણક્ષણનાં રૂપાંતરોનું હો, તારાઓ નક્ષત્રો અને સૂર્યચંદ્રની આકાશયાત્રાનું હો, પ્રથમ વર્ષાની રોમાંચક ઝડીનું હો – કોઈ પણ દૃશ્ય તેમની સર્જકચેતનાને એવી રીતે સ્પર્શે છે કે પ્રકૃતિનાં સત્ત્વો સ્વયં ચેતના ધરીને છતાં થાય, અને તેમના હૃદયજીવનનો અનાયાસ ભાગ બની રહે. ‘પ્રકૃતિનું હાસ્ય’ખંડનાં લખાણોમાં તેમના જેલવાસ દરમ્યાનનાં સૌંદર્યદર્શનો રજૂ થયાં છે, દેખીતું છે કે જેલમાં તોતિંગ દીવાલો વચ્ચેની બૅરેકમાં તેમની જીવનચર્યા ઘણીઘણી મર્યાદિત બનાવી દેવામાં આવી હોય. એટલે દિવસના સમયે બૅરેકની બહાર આવીને, તેમ રાત્રે બૅરેકના દરવાજાના સળિયાઓ વચ્ચેથી, દૃષ્ટિનો શક્ય તેટલો વિસ્તાર સાધીને, આસપાસની પ્રકૃતિનું અને ઉપરના આકાશનું તેમણે દર્શન કર્યું : અતિ ઉત્કટ કુતૂહલવૃત્તિથિ, આતુરતાથુ, જિજ્ઞાસાથી તેમણે એ દર્શન કર્યું. જેલના બંધનને કારણે તેમના પ્રકૃતિદર્શનને વારંવાર અવરોધ પણ નડ્યો છે. છતાં, જે કંઈ ‘બારી’ મળી તેમાંથી, પ્રકૃતિનાં અલ્પતુચ્છ પદાર્થોથી લઈ વિરાટ ભૂમાને પામવા, તેઓ નિરંતર સક્રિય રહ્યા. જોકે ‘નિવૃત્તિનાં નિરીક્ષણો’ ખંડનાં લખાણોમાં પ્રકૃતિદર્શન માટે તેમને મોટી મોકળાશ મળીળ દેખાય છે. ‘અનંતનો વિસ્તાર’ ખંડમાં કેટલાંક ખગોળશાસ્ત્રને લગતાં પરિચયલક્ષી લખાણો છે; તો અન્ય લખાણો આકશદર્શનનાં મનોહર વર્ણનો આપે છે. ‘દેવોનું કાવ્ય’ ભા. ૧-૨નાં લખાણો આપણા ગદ્યસાહિત્યમાં સાચે જ વિરલ આવિર્ભાવ સમાં છે. પોતની સૌંદર્યવૃત્તિના સંદર્ભમાં કાકાસાહેબે એમ નોંધ્યું છે : ‘દિવસનાં વાદળાંનું શું કે રાત્રિના તારાનું શું, જ્ઞાન અને ઉપયોગિતાની દૃષ્ટિ મનમાં રાખીને તેમનો અભ્યાસ કે નિરીક્ષણ નથી કર્યું. કેવળ સૌંદર્યપ્રતીતિ અને હૃદયની ભવ્યતામૂલક ઉન્નતિ એ બે વસ્તુઓની જ અપેક્ષા હંમેશ રાખી છે.’ (પૃ.૧૨). તેમનું આ નિવેદન ઘણું સાંકેતિક છે. પ્રકૃતિનાં દૃશ્યોમાં સૌંદર્યોની ઝલક જોવામાં, ખરેખર ‘જ્ઞાન’ કે ‘ઉપયોગિતા’ની તેમણે દૃષ્ટિ રાખી નથી. અન્ય એક સંદર્ભમાં તેઓ એમ ઉચ્ચારી રહે છે : ‘આનંદમાં પ્રયોજન! છટ્! એવી વાત સરખિ ન કરો. આનંદ કંંઈ જાતે વૈશ્ય છે?’ (પૃ.૩૮). અર્થાત્, પ્રકૃતિના સૌંદર્યમાંથી મળતો પરમ આનંદ એ જ તેમને માટે એક અપ્રતિમ મૂલ્ય છે. અને એવી સાત્ત્વિક આનંદની પ્રવૃત્તિ લેખે જ તેઓ પ્રકૃતિમાં પરોવાતા રહ્યા છે. ‘સૌંદર્યપ્રતીતિ’ સાથે ‘હૃદયની ભવ્યતામૂલક ઉન્નતિ’ ને તેમણે જે રીતે ઉપરના અવતરણમાં સાંકળી છે, તેય ઘણું સૂચક છે. સાચી સૌંદર્યાનુભૂતિ માનવીના અંતરમાં ભવ્ય અને ઉન્નત લાગણીઓ અને ભાવનાઓ આપમેળે જગાડે એમ તેમને એમાં અભિપ્રેત છે. પ્રકૃતિના આનંદનાં વર્ણનોમાં તેમ કળાઓના ચિંતનમાં તેમની આ પ્રતીતિ વારંવાર દૃઢાવાતી રહી છે. ઇન્દ્રિયોના ભોગ કે વિષયોના સુખમાંથી મળતા આનંદ કરતાં સૌંદર્યનો આનંદ ભિન્ન કોટિના છે : એમાં દૃષ્ટા સ્વયં તાટસ્થ કેળવીને સૌંદર્યના પદાર્થની સાથે લીન બને છે એમ તેમને કહેવું છે. પણ તેમની આ તત્ત્વવિચારણા વિશે વિગતે જરા પાછળથી જોઈશું. કલાકોવિદ રસ્કિનની સૌંદર્યઘેલછા એટલી ઉત્કટ કે જીવનના હર કોઈ સુંદર પદાર્થને, સુંદર દૃશ્યને, તેઓ રંગરેખા કે શબ્દમાં ઉતારી લેવા મથી રહેતા. અને જે કોઈ સૂર્યોદય કે સૂર્યાસ્તનું સૌંદર્ય ઝીલવામાં તેઓ નિષ્ફળ જતા તેની ઊંડી વ્યથા તેઓ અનુભવી રહેતા. રસ્કિનની આ મનોવૃત્તિના સંદર્ભમાં કાકાસાહેબ એવી ટીકાટિપ્પણી કરે છે કે સૃષ્ટિસૌંદર્યની એવ કોઈ ક્ષણ ખોવા માટે વિષાદ કરવાની જરૂર નથી. આ વિશ્વમાં સૌંદર્યતત્ત્વ નિરંતર નિત્યનવીન છટાઓ ધરીને વિલસતું રહ્યું છે, અને વિલસતું રહેશે. એ સૌંદર્યનું ઝરણ કદી ખૂટ્યું નથી, ખુટવાનું પણ નથી. કાકાસાહેબ કહે છે : ‘માણસની પ્રતિભાની જેમ સૃષ્ટિ-સૌંદર્ય દહાડેદહાડે ઓસવાઈ જવાની શંકા પણ આજ સુધી કોઈને થઈ નથી.’(પૃ.૩૪). અને, પછી તેઓ તરત ઉમેરે છે : ‘અને સૃષ્ટિસૌંદર્યને થોડાક ચિત્રકારો ચિત્રબદ્ધ કરી શકે એટલા માટે જ કંઈ પરમેશ્વરે આવડી મોટી અદ્ભુત લીલા પાથરી મૂકી નથી.’ (પૃ.૩૪). ગાંધીજી પણ એમ માનતા કે માનવપ્રતિભાએ સરજેલી કળાકૃતિઓ કરતાં આ વિશ્વના સ્રષ્ટાએ રચેલી સૃષ્ટિ વધુ અદ્ભુત અને વધુ પ્રભાવક રહી છે. માનવ-કળાકાર માટે એ વિશ્વના અદ્ભુત સૌંદર્યની ઝલક પામવાનું દુષ્કર જ રહેવાનું. કાકાસાહેબ પણ એવો જ ખ્યાલ નોંધે છે : ‘સૌંદર્યપ્રવાહ અનંતરૂપે જે શણગાર કરે છે, ક્ષણેક્ષણે જે નવોનવો ઉન્મેષ બતાવે છે, અને માનવજીવનનો વિચાર કરતાં જે કોઈ દિવસ સુકાઈ જવાનો નથી, તેને રેખા, શબ્દ, કે વર્ણમાં બાંધી રાખવાનો પ્રયત્ન કેટલો સફળ થવાનો હતો? અને સૃષ્ટિસૌંદર્ય કોઈ કાળે બંધાય છે ખરું? જે બંધાઈ ગયું તે મરી ગયું જ જાણવું, કારણ તે સ્થિર થઈ ગયું.’ (પૃ.૩૪).
૩
પ્રકૃતિના સૌંદર્યસદર્શનનાં લખાણો આપણા લલિત નિબંધના ઇતિહાસમાં અનન્ય સીમાચિહ્નો બન્યાં છે. કાકાસાહેબની સ્વૈર સર્જકવૃત્તિને વિકસવા-વિલસવા એમાં અનંત અવકાશ મળ્યો છે. પ્રકૃતિનાં દૃશ્યોનું કેવળ બહિર્લક્ષી વર્ણન કરવાના એ ઉપક્રમો નથી, તેમના અંગત મનોભાવો. એમાં પ્રગટપણે કે પ્રચ્છન્નપણે જોડાતા રહ્યા છે. દૃશ્ય કે પ્રસંગ તેમની સર્જકવૃત્તિને સંકોરી રહે, એટલે અંગત સંવેદનાઓનો સ્પર્શ પામીને એ દૃશ્ય કે પ્રસંગ અનોખી રમણીયતા ધારણ કરે. એમાં દૃશ્યની રજૂઆત અને પ્રસંગકથનનું કોઈ જડ યાંત્રિક માળખું સ્વીકાર્યું નથી. ક્યાંક દૃશ્યની મોહક-પ્રભાવક રેખાના વર્ણન સાથે, ક્યાંક પ્રસંગના આરંભના કથન સાથે, ક્યાંક ચિંતનના આછાપાતળા તંતુ સાથે, ક્યાંક કોઈ સ્મૃતિપ્રસંગ સાથે – એમ અનેકવિધ રીતે આરંભ કરીને તેઓ લેખની માંડણી કરે છે; અને તેમની સર્જકકલ્પના, સંવેદના, અને સ્મૃતિસાહચર્યો, તેમાં જુદીજુદી રીતે ગૂંથાતાં આવે છે. કાકાસાહેબની ક્રીડાશીલ કલ્પના નિરંતર તાજગીભર્યા અલંકારો રચી લે છે. ઉપમા, રૂપક ઉત્પ્રક્ષા સજીવારોપણ આદિ અલંકારો અવનવી ચમત્કૃતિ સાથે એમાં ઉપસ્થિત થાય છે. એક રીતે, તેમની અલંકારરચનામાં, ઔપમ્યભાવે, દૂરદૂરના પરસ્પરથી સાવ વેગળા પદાર્થોને સ્વયંભૂ સાંકળી લેવામાં, તેમની સર્જકવૃત્તિનો વિશેષ છતો થાય છે. આપણને અતિ પરિચિત જગત, અને તેના અતિ પરિચિત પદાર્થો, અને સત્ત્વોમાં કાકાસાહે કશુંક અણજાણ અને કશુંક અનનુભૂત તત્ત્વ પ્રત્યક્ષ કરી લે છે. અંધકારને જોવાની તેની દૃષ્ટિ એ રીતે ખાસ ઉલ્લેખનીય છે : ‘પણ ખરું જોતાં આનંદને વિહાર કરવા જો પૂરેપૂરો અવકાશ ક્યાંયે હોય તો આકાશના અંધકારમાં જ. જો વધારેમાં વધારે અંતર્મુખ થવું હોય તો તે અંધારામાં જ થવાય’(પૃ.૩). ‘પણ રાત્રે જ્યારે કાળો પ્રકાશ રેલાય છે ત્યારે જ અનંત સૂરજવાળી ઈશ્વરની સૃષ્ટિ પ્રગટ થાય છે, અને વિશ્વ કેટલું અગણિત વિશાળ છે એનો કંઈક ખ્યાલ આવે છે.’ (પૃ.૭૩). પરંપરાગત ચિંતનમાં જ્યાં માત્ર પ્રકાશતત્ત્વનો મહિમા કરવાનું વલણ હતું, ત્યાં કાકાસાહેબ અંધકારના તત્ત્વનો સ્વીકાર અને મહિમા કરવા પ્રેરાયા છે તે સૂચક છે. જીવનની વાસ્તવિકતાને અખિલાઈમાં જોવાની ને સ્વીકારવાની તેમની દૃષ્ટિનું એ દ્યોતક છે. વાસ્તવમાં પ્રકાશ અને અંધકાર-તેજ અને છાયા –ની ભીંત પર તેઓ આપણા આ જગતને નિહાળતા રહ્યા છે. પદાર્થ દૃશ્ય કે સત્ત્વનું દર્શન કરતાં તે દરેકની આસપાસ વીંટળાયેલા તેજછાયાના પરિવેશ પર તેમની દૃષ્ટિ સહજ જ ઠરવાની. અંધકારમાં ઊપસતાં છાયાદૃશ્યો પણ તેમની નજર બહાર રહ્યાં નથી. થોડાંક દૃષ્ટાંતો જોઈએ :
- ‘ઝાડનાં પાંદડાં તડકામાં ચળકે છે ત્યારે તો સુંદર હોય જ છે, પણ તેના કરતાં મેઘાચ્છાદિત દિવસે તેઓ પોતાની ગટામાં અંધકાર ભરી રાખે છે ત્યારે એ ગૂઢ દૃશ્ય વધુ શોભાવંત હોય છે.’ (પૃ.૫)
- ‘મધરાતે દરિયામાંથી દીવા હોલવીને કોઈ વહાણ જતું હોય તો તે જેમ કાળપુરુષ જેવું ભાસે, તેવાં આ વાદળાં ભાસે છે.’ (પૃ.૧૧)
- ‘દીવાલ પાછળ રાતના અંધારામાં હિમાલયના એકાદ સુંદર શિખર જેવું લાગતું લીમડાનું ઝાડ ઊભું છે. એની ડાળો અને એને આશ્રયે શોભતાં બીજાં ઝાડો મળીને એ બધું પિરામિડ જેવું દેખાય છે.’ (પૃ.૫૧)
- ‘અંધારું થયું અને રાત્રિનું વિશાળ કદંબ ફૂલવા લાગ્યું. પારિજાતના ઝાડ ઉપર જેમ ફૂલોની બહાર આવે તેમ નક્ષત્રો ફૂટવા લાગ્યાં. આખી રાત ચકમક ચકમક ચળક્યાં જ કરે.’ (પૃ.૬૧)
આ અવતરણોમાં પહેલું ચિત્ર તો સ્વભાવોક્તિ જેવું છે; જ્યારે બીજા ત્રીજા અને ચોથા દૃશ્યચિત્રમાં અંધકારની આકૃત્તિઓ અવનવા અલંકારોમાં મંડિત થઈને આવી છે. વર્ણ્યવસ્તુના પ્રત્યક્ષીકરણમાં ચમત્કૃતિ સાથે તેનાં ઉપમામૂલક ચૈતસિક પરિણામો ઊપસી આવે છે. દેખીતું છે કે ઉપમા-રૂપક-ઉત્પ્રેક્ષા–અતિશયોક્તિ જેવા વિશિષ્ટ અલંકારોના નિર્માણ પાછળ કોઈક ને કોઈક ઐપમ્યભાવ રહ્યો હોય છે. કાકાસાહેબના આ પ્રકારના અલંકારોનું નિકટતાથી અવલોકન કરતાં જણાશે કે ઉપમેય-ઉપમાન વચ્ચે અણજાણ અણધાર્યા અને અ-સામાન્ય સ્તરના સંબંધો તેઓ સહજમાં પ્રત્યક્ષ કરી લે છે. બલકે, આવાં ઉપમાબોધનાં ચૈતસિક પરિમાણો રચવામાં તેમના વિશાળ અનુભવો અને વિદ્યાકીય સંસ્કારો તેમને પ્રેરણારૂપ બન્યા છે તેમની સદ્યજાગ્રત સંવેદનપટુતા અને તેમની તરલ દ્યુતિમય કલ્પનાશીલતા એમાં એકસાથે પ્રવર્તતાં દેખાય છે. દૃષ્ટાંત લેખે થોડાંક જ અલંકારનિર્માણો જુઓ :
- ‘જ્યાં જુઓ ત્યાં સુપરિન્ટેન્ડેન્ટ ને જેલરના ચહેરા જેવી નીરસ દીવાલો જ દીવાલો હોય છે. (પૃ.૩-૪).
- ‘સિંદૂરનો રંગ મુત્સદ્દીની ભાષા જેમ ક્ષણેક્ષણે નવો અર્થ વ્યક્ત કરે છે.’ (પૃ.૫)
- ‘આકાશ સાવ ચોખ્ખું છે. એટલા માટે જ જાણે આજે દક્ષિણ તરફ અને ઉત્તર તરફ પાછાં વાદળાંઓની વીચિ છે. સિંહાસન ઉપર બેઠેલા રામચંદ્રના મુખ ઉપરનું જાણે સૌમ્ય સ્મિત જ!’(પૃ.૧૦)
- ‘આજે સવારનાં પૂર્વ તરફનાં વાદળાં વિજયનગર હંપીના પહાડ જેવાં દેખાતાં હતા.’(પૃ.૧૦)
- ‘કોઈ જૈન મંદિરમાં જેમ અનેક જાતનાં શિખરોનું સંમેલન ભરાયેલું હોય છે તેવો તે દેખાવ હતો.’ (પૃ.૧૨)
- ‘અને સૂર્ય કંઈ અઠ્ઠાવીસ યુગો સુધી કેડ ઉપર હાથ દઈ ઊભો રહેનાર વિઠોબા નથી.’ (પૃ.૧૨).
- ‘બપોરે સારંગ રાગના ભવ્ય આલાપ સાંભળતાં સાંભળતાં યમરાજના કૂતરાની જેમ જીભ બહાર કાઢી હાંફતા અપરાહ્નને પશ્ચિમ તરફ હાંકી કાઢવાનો હોય છે.’(૧૨)
- ‘પ્રથમ ક્ષણે સૂર્ય તો સંન્યાસ લીધેલા કોઈ સમર્થ પુરુષ જેવો પ્રભાવશાળી પણ પ્રભાવહીન એવો દેખાતો હતો.’ (પૃ.૧૩).
- ‘આ આકાશમાં એમાંનું કશું જ નથી. બૌદ્ધોનું નિર્વાણ જ જાણે ન પ્રસરેલું હોય!’ (૧૩)
- ‘હરિકેન ફાનસના કાચ પર સળગતી મશાલ વાળા હાથનું ચિત્ર ઉપસાવેલું હોય છે, એના જેવી શોભા અહીં દેખાતી હતી.’ (પૃ. ૧૩).
- ‘...અને આકાશ સીતાની કીર્તિની જેમ પૂરેપુરું સ્વચ્છ થયું.’ (પૃ.૧૫)
- ‘કાગડાઓ સીધા ન જતાં કરચલાની જેમ વાંકાચૂંકા ઊડતા હતા.’ (પૃ.૨૪).
- ‘જ્વાડામુખીના શિખર દ્રોણમાં ધાતુઓનો રસ સીઝતો હોય તેમ આકાશમાંનાં વાદળાં ખદખદતાં હતાં...’ (પૃ.૨૫)
- ‘દુર્વાસાની જેમ ૐજાદ્બદ્વ ૐદ્ભદ્વ ઽદ્બદ્બદ્ધ : કરીને એણે બેચાર ટીપાં અમારીક ઓરડીઓમાં નાખ્યાં’ (પૃ.૨૫-૨૬).
- ‘અમે તે ધુમ્મસના ક્ષીરસમુદ્રમાંથી માર્ગ કાપતા ચાલ્યા હતા.’(પૃ.૨૯)
- ‘અગ્નિકોણ તરફનો મોટો અંબો રાત્રે જોતાં બૌદ્ધ સ્તૂપ યાદ આવે છે.’(પૃ.૩૧)
- ‘આછી નજરે સામેનો લીમડો પૃથ્વીના યૌવનના પુંજ જેવો દેખાય છે.’(પૃ.૫૧)
- ‘કાલનિદ્રામાંથી જાગતા સત્યવાનના મોઢા ઉપર ફરી કળા જામવા લાગી અને તેથી સાવિત્રીના હૈયામાં આનંદ સ્ફૂરવા લાગ્યો, તેવી જ રીતે, સૃષ્ટિ ઉપર પ્રભાતની આશા પથરાવા લાગી.’ (પૃ.૫૨)
અસ્તુ. અલંકારોનાં દૃષ્ટાંતોની બાબતમાં અહીં જ થંભીએ. સહૃદયોએ એવાં અસંખ્ય દૃષ્ટાંતો નોંધ્યાં જ હશે. કાકાસાહેબની સર્જકચેતના, ઔપમ્યભાવના અનાયાસ વિકાસ નિમિત્તે, ઇતિહાસ પુરાણ સાહિત્ય આદિ ક્ષેત્રોમાં ક્યાં ક્યાં ગતિ કરે છે, અને પોતાના જીવનના અનુભવોના કેવાકેવા ખંડોમાં ફરી વળે છે, તે પણ તેમણે નોધ્યું જ હશે. પ્રકૃતિના પદાર્થો સત્ત્વો અને દૃશ્યોના પ્રત્યક્ષીકરણમાં દરેકનાં ભૌતિક રૂપરંગ રેખા પોત અને તેની ગતિસ્થિતિનાં બારીકમાં બારીક અવલોકનો તેઓ કરતા રહ્યા છે. પ્રકૃતિના દૃશ્યપટમાં કે આકાશના ફલકમાં જે રીતે રંગોની ઝાંય ક્ષણેક્ષણે પરિવર્તન પામતી રહે છે તેનાં ગતિશીલ ચિત્રણો તેમણે અનેક સંદર્ભે આપ્યાં છે. રંગોનીક સૂક્ષ્માતિસૂક્ષ્મ ઝાંય અજબ કુશળતાથી તેઓ તાદૃશ કરી શકે છે.
- ‘ખેતરમાં જેમ તરબૂચ પાકવાની શરૂઆત થતાં અંદર લાલ રંગ ધીરેધીરે પાકવા માંડે છે તેમ વાદળાંની નીચેના ભાગમાં ઝાંખોઝાંખો સિંદૂરનો રંગ ચોંટે છે, અને એને લીધે વાદળાંની મુખ્યમુખ્ય નસોનો વળાંક કેવો છે તે ઓળખાવું બહુ સહેલું થઈ પડે છે.’ (પૃ.૫)
- ‘વાદળાં તો હતાં જ નહીં પણ નીલ વર્ણ સાથે પ્રભાતની જે ગુલાબી છટા ભળી જાય છે તે પણ પૂર્વથી પશ્ચિમ સુધી એકસરખી પથરાઈ ગઈ હતી. આ ગુલાબી છટા જ્યારે કલ્પનાના પ્રાથમિક સ્ફુરણ જેટલી પાતળી આછી હોય છે ત્યારે તે એટલી પારદર્શક હોય છે કે તેમાંથી આકશનો નીલ વર્ણ સ્પષ્ટ દેખાય છે, અને આ રંગ પ્રસન્નતા અને વિલાસિતાની વચલી સ્થિતિનો પૂરેપૂરો દ્યોતક હોય છે!’(૧૫-૧૬).
- ‘જોતજોતામાં બધાં વાદળાં સોનેરી કિનારવાળાં થયાં. આ સોનેરી રંગ બરાબર આ ભાગમાં થતાં પદ્મિનીનાં ફૂલોના રંગ જેવો હતો?’ (પૃ.૨૦)
- ‘...આબુ ઉપર અચળેશ્વર મહાદેવના મંદિરની આસપાસ ચંપાનાં કેટલાંક ઝાડ જોયાં હતાં તેની પાંખડીને રંગ તદ્દન ફીકાશવાળો પીળો હતો. પણ ફૂલો કેવાં તાજાં દેખાતાં હતાં! આજનું આકાશ જોતાં અચળગઢ ઉપરના પેલા ચંપાનું સ્મરણ થયું!’ (પૃ.૩૦)
- ‘...સામેની બરાક ઉપરના આકશમાં આ વાદળાંઓ પથરાઈ ગયાં અને તેમણે પોતાના રંગમાં પીળી છટાનું મિશ્રણ કર્યુ કે તરત જ પ્રથમ દૂધના જેવો રંગ દેખાયો. થોડો જ વખતમાં તેનું રૂપાંતર થઈ તેમાં હાથીદાંતની છટા આવી... થોડા વખતમાં ફણસના લાકડાની પીળાશ ધારણ કરી અણે ફણસનું અંતે સુવર્ણ થતાં વળી વાર કેટલી!’ (પૃ.૩૯)
- ‘આજે પરોઢિયે ઇશાન ખૂણા તરફનું આકાશ તદ્દન પાકવાની અણી ઉપર આવેલા બોર જેવું દેખાતું હતું...’(પૃ.૪૪)
પ્રકૃતિનાં દૃશ્યો અને સત્ત્વોમાં આ પ્રકારનાં વર્ણનોમાં દૃશ્યકલ્પનોની પ્રચુરતા સહજ જ આપણા ચિત્તમાં છવાઈ જાય છે. એકએકથી નિરાળાં અને વિસ્મયકારી ચિત્રાંકનોમાં તેમની સર્જકતાનો વિશેષ છતો થાય છે. આ દૃશ્ય કલ્પનોની સાથે જોડાઈને કે અલગપણે કેટલીકવાર ગતિ વિસ્તૃતિનાં કલ્પનો પણ એમાં ગતિશીલ બને છે. ક્યારેક શ્રુતિક અને સ્પર્શનાં કલ્પનોય એમાં ઉપસ્થિત હોય છે. ‘છૂટેલાં રમતિયાળ પાંદડાં’ લેખના ખંડકોમાં ગતિ વિસ્તૃતિનાં કલ્પનોની સમૃદ્ધિ એકદમ ધ્યાન ખેંચે છે : ‘અમારા દિવાણી’ના આંગણામાં કડવા લીમડાનું એક અટૂલું ઝાડ છે અને આજકાલ તે અખંડપણે પાંદડાંને વેરતું હોય છે.’ (પૃ.૬૫). ‘આ પાંદડાંને નીચે પડવાની જરાય ઉતાવળ હોય એમ દેખાતું નથી. નીચે પડતાંપડતાં કેટલીય વાર ચક્કર ચક્કર ફરે છે.’ (પૃ.૬૫). ‘આ પાંદડાં અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં, ને ક્યારેક ચકરચકર ગોળગોળ દોડે છે.’ (પૃ.૬૫). – આવાં ચિત્રાત્મક વર્ણનોમાં પાંદડાંની ગતિ સૂચવતાં કલ્પનો ઊપસે છે. ‘ક્યારેક-ક્યારેક ધૂળના ઊડવાથી ચાંદરણું વધારે શોભી ઊઠે છે. કપૂર કે બરફના કકડાનો ભૂકો થતાં તેનું પારદર્શકપણું જેમ જતું રહે છે અને તે દૂધ જેવો સફેદ રંગ ધારણ કરે છે, તે જ પ્રમાણે ચાંદનીમાં ધૂળ ઊડે છે ત્યારે તેની પારદર્શકતા ઓછી થાય છે અને તે તદ્દન કર્પૂર-ગૌર થાય છે!’(પૃ.૧૮). અહીં ચાંદરણાનું સ્પર્શક્ષમ પોત અને તેની દૃશ્યરૂપતાનું સંકુલ કલ્પન પડેલું છે. ‘એમનાં છિદ્રોમાંથી પછીથી જ્યારે સૂરજે પોતાનાં મયૂબ હાથની આંગળીઓની જેમ ફેલાવ્યાં ત્યારે એ પંજો કે પંખો જોવા જેવો હતો.’(પૃ.૧૦) અહીં ગતિ અને વિસ્તૃતિનું સંકુલ કલ્પન રચાયું છે.
કાકાસાહેબનાં પ્રકૃતિવર્ણનોમાં, વિચાર, લાગણી અને અલંકારની સાથે પુરાણકથાઓ અને પ્રાચીન પ્રશિષ્ટ સાહિત્યના તેમ તેમના અભ્યાસમાં આવેલી અનેક વિદ્યાશાખાઓના સંસ્કારો અને સાહચર્યો જોડાતાં રહ્યાં છે. જેમ કે, આકાશના ફલક પર પ્રચંડ ગાજવીજ અને વર્ષાની ઝડીનું રુદ્ર રૂપ તેમના ચિત્તમાં ઉર્વશી પાછળ ગાંડા થયેલા પુરુરવાનું સહજ સ્મરણ જગાડે છે.’(પૃ. ૯). એક રાત્રિદર્શનમાં અરુન્ધતીની ખોજ કરતાં તેમને મહાભારતમાંનો સપ્તર્ષિવૃત્તાંત યાદ આવે છે. (પૃ. ૧૪). બૅરેકમાં પ્રથમ વર્ષાના રુદ્ર પ્રકોપમાં દુર્વાસા ઋષિના બોલ તેમને સંભળાય છે. (પૃ. ૨૫-૨૬). આકાશમાં વાદળાંના પ્રચંડ વિસ્તારવાળા ખંડોને તરતા જોઈ પુરાણના મૈનાકપર્વતની યાદ તાજી થાય છે. (પૃ. ૪૧). પ્રભાતના આકાશમાં સ્ફુરતા આનંદના અનુભવને, સજીવન થતા સત્યવાનનું વદન નિહાળી અંતરની પ્રસન્નતા અનુભવતી સાવિત્રીના મુખ પર છવાતા ભાવ સાથે સાંકળે છે (પૃ. ૫૨). આવાં અસંખ્ય દૃષ્ટાંતો આ લેખોમાં સહેજે મળી રહેશે. પણ, આ જાતના પૌરાણિક વૃત્તાંતો / પાત્રોના પ્રગટ નિર્દેશો કરતાંય, વધુ વ્યાપક સ્તરે પ્રાચીન સાહિત્ય અને વિદ્યાના માષાપ્રયોગો અહીં પ્રાપ્ત થાય છે. પણ એ મુદ્દો સહેજ પાછળથી તેમની ભાષાશૈલીના અવલોકન વખતે લઈશું. અહીં આપણે એ મુદ્દો સ્પર્શ લેવો છે કે પ્રકૃતિનાં દૃશ્યો અને સત્ત્વોનાં વર્ણનોમાં તેમનાં સામાજિક નૈતિક વલણો સહજ ગુંથાતાં રહ્યાં છે. મૂળ વાત તો એ છે કે સૌંદર્યબોધનાં વર્ણનો આપતાં તેઓ કેટલાક સંદર્ભે સમાજ નીતિ અને કળા જેવા વિષય નર સહજ સ્ફુરણ સમા વિચારો રજૂ કરવા પ્રેરાયા છે. જોકે ‘પ્રભાતદર્શન ’, ‘ચોમાસી સંધ્યા ’, ‘વાસંતિક રાત્રિ’, ‘અવ્યક્ત સૌંદર્ય ’, ‘પહેલો વરસાદ’, ‘ધુમ્મસ’, ‘અનંત પ્રકૃતિ’, “રંગપંચમી’, ‘લાવણ્ય’, ‘સૌંદર્યદીક્ષા’, ‘તારાશિખર’, ‘મધ્યાહ્નનું કાવ્ય’, ‘છૂટેલાં રમતિયાળ પાંદડાં’, ‘દેવોનું કાવ્ય’ (૧-૨) – જેવાં લખાણોમાં તેમની ચિંતનપ્રવૃત્તિ અતિ ગૌણ છે કે અતિ અલ્પ છે. પણ અન્ય લખાણોમાં તેમની ચિંતનશીલતા અનાયાસ થોડી જગ્યા મેળવી લે છે. આ પ્રકારના વિચારો જોકે, તેમની તત્ક્ષણની મનોદશામાં જન્મતા તેમના ત્રૂટક ખ્યાલો છે, કોઈ વ્યવસ્થિત ચર્ચાનો ભાગ નથી. આમ છતાં તેમની અન્ય સંદર્ભે ચાલતી સામાજિક સાંસ્કૃતિક વિચારણાઓ સાથે તેની સંગતિ જોવામાં ઝાઝી મુશ્કેલી નથી. જેમ કે, ‘વાસંતિક રાત્રિ’ શીર્ષકના લેખમાં બૅરેક પાસેના આંબાને પોતાના ગીતાપાઠનું શ્રવણ કરતો કલ્પ્યો છે, અને એ આંબાની ‘સમ્યક્ વૃત્તિ’નો તેમણે મહિમા કર્યો છે. પોતાને પ્રિય એવું જીવનદર્શન એમાં તેઓ પ્રત્યક્ષ કરે છે. કાબરો અને પાકોળીઓ’ લેખના અંતમાં પંખીઓની ભાષાનો મુદ્દો છેડી માણસે ખેડેલી ભાષા અને પ્રગતિ વિશેની તેની માન્યતા વિશે મર્માળો ભંગ કર્યો છે. ‘ચાંદની રાત’માં અર્વાચીન સમયના કવિઓની મોહક પણ નરી કલ્પનાની શબ્દસૃષ્ટિઓની ઊણપ દર્શાવી, આપણા પ્રાચીન કવિઓએ પોતાની સાહિત્યકૃતિઓમાં ધર્મભાવના ગૂંથી લઈ જીવનપોષક સાહિત્ય કેવી રીતે નિર્માણ કર્યું હતું, તેની તેમણે ટૂંકી ચર્ચા કરી છે. ‘સૌંદર્યદીક્ષા’માં આપણા સમાજનો ઘણો મોટો વર્ગ શિક્ષણ, સંસ્કાર અને કળાની દીક્ષાથી વંચિત રહી ગયો છે. તેને લગતી ટીકાટિપ્પણી કરી છે. ચોમાસું માણીએ’માં, વળી, આપણા રાષ્ટ્રીય વિકાસ અર્થે રાષ્ટ્રીય વિદ્યા એટલે કે ભગીરથ વિદ્યા’ (નદીનહેરોને કાબૂમાં લાવવાન વિદ્યા) ની અનિવાર્યતા તેઓ સમજાવે છે. તો ‘શિયાળાનો સંદેશો’માં કાશ્મીરનાં ચિનારવૃક્ષોની કથની નિમિત્તે, વ્યાપકપણે માનવસમાજ અને સંસ્થાઓના વિકાસ સંદર્ભો જીવનની સંરક્ષકવૃત્તિ અને પરિવર્તનશીલતાના સમન્વયનો મુદ્દો તેઓ છેડે છે. પ્રકૃતિનાં વર્ણનોમાં, આ રીતે, જે ચિંતનમનન ભળતું રહ્યુ છે તેમા તેમની સામાજિક-નૈતિક વિચારવલણો છતાં થાય છે. તો, તે સાથે, આપણા સમાજ અને સંસ્કૃતિની તત્કાલીન પરિસ્થિતિ વિશે નિર્દેશો મળતા રહે છે. કાકાસાહેબ સૌંદર્યદર્શનની ક્ષણે તેમાં તલ્લીન બની જતા હોય છે, વિસ્મયમાં સૌંદર્યદર્શનના સત્ત્વ સાથે તદ્રુપ બની જતા હોય છે એ ખરું, પણ એના વર્ણનની પ્રક્રિયામાં તેમનાં બૌદ્ધિક-નૈતિક વલણો તરત જ જોડાઈ જતાં દેખાશે. વૃક્ષ વાદળ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, તારાઓ વગેરેનાં વર્ણનોમાં સજીવારોપણની વ્યાપક પ્રવૃત્તિ ચાલે જ છે એમ આ અગાઉ આપણે નોંધ્યું છે. અહીં એમ સ્પષ્ટ કરવું છે કે પ્રકૃતિનાં પદાર્થો-સત્ત્વોમાં માનવપ્રકૃતિનું જે રીતે આરોપણ કર્યુ છે, અને તેમની વૃત્તિપ્રવૃત્તિઓનું જે રીતે બયાન આપ્યું છે, તેમાં સૂક્ષ્મપણે તેમની સામાજિક અને નૈતિક સંવેદનાઓ પણ જોડાયેલી છે. કાકાસાહેબનાં આ લખાણોમાં તેમની નિર્મળ નિર્દોષ અને નિર્દેશ એવી વિનોદવૃત્તિ પ્રસંગેપ્રસંગે છતી થાય છે. તેમના ઋજુ-કોમળ વ્યક્તિત્વનો એમાં વિલક્ષણ આવિર્ભાવ જોવા મળે છે. તેમની સદાજાગ્રત બૌદ્ધિકતા અને તેમની સૂક્ષ્મ અભિજાત રસજ્ઞતાનો વિરલ સંયોગ વારંવાર એમાં પ્રત્યક્ષ થશે. આવાં અનેક દૃષ્ટાંતોમાં શબ્દનો શ્લેષ યોજીને કે અન્યથા શબ્દની રમત કરીને તેમણે મર્માળું સ્મિત જન્માવ્યું છે. જેમ કે, એક પરોઢે જેલની બારાકની બહાર આવતાં જ આકાશમાં એક દ્વિજરાજનું તેમણે જે દર્શન કર્યું તે સંદર્ભમાં તેમનું વર્ણન જુઓઃ એઓ ભલે મારી તરફ ન જુએ, હું તો અરસિક માણસજાતનો પ્રતિનિધિ રહ્યો! એમણે મારી તરફ શું કામ જોવું? પણ હું એને સમાનધર્મી ગણીને વંદન કરું છું – નમન નહીં. કારણ એ આકાશગામી તરફ માથું નમાવવાને બદલે ઊંચું કરવાનું જ હોય છે.’(પૃ. ૪). આકાશમાં વિહરતા દ્વિજરાજને વંદન કર્યાં, નમન નહિ – એ જાતની રજૂઆતમાં ‘નમન ’ શબ્દનો શ્લેષયુક્ત પ્રયોગ છે જે મર્માળું સ્મિત જગાડે છે. ‘સમાનધર્મી’શબ્દપ્રયોગ પણ મર્માળો વિનોદ જન્માવે છે. જેલમાં ગૂડી પડવો’શીર્ષકના લેખમાંનો આ મર્માળો સંદર્ભ જુઓઃ ‘શાસ્ત્રના વિધિ પ્રમાણે આ દિવસે સ્વાદમાં કડવા, પણ પરિણામે પથ્યકર એવા લીંબડાનું ક્ષણ કરવાનું હોય છે. જેલમાં લીંબડો ક્યાંથી કાઢવો? પણ જેલજીવન એ જ આજકાલ ખરેખરું લિંબ-ભક્ષણ છે. ’ (પૃ. ૮). અહીં, લીંબડાના શાસ્ત્રોક્ત ઉપયોગના ઉલ્લેખ પછી, જેલજીવન સ્વયં એક ‘લિંબ-ભક્ષણ’નો પ્રયોગ છે, એ જાતની તેમની રજૂઆતમાં ‘લિંબ-ભક્ષણ’નો શ્લેષ એકદમ ધ્યાનપાત્ર છે. પહેલો વરસાદ’માં પુસ્તકોને વરસાદથી ભીંજાતાં અટકાવવા તેમને એક ‘ખૂણા’ (ઇંન્ન્દ્બદ્ધત્ર્દ્બ)માં ગોઠવ્યાં એવો ઉલ્લેખ છે. એ પ્રસંગે ‘ઇંન્ન્દછઙદ્બ ઠ્ઠદ્બજ્દ્બજાદ્બ જાદ્બદ્ધહદ્બદ્બદ્વ ઇંન્ન્દ્બદ્ધત્ર્દ્બ ઇંન્ન્દ્બઠ્ઠદ્બદ્બજ્દ્બ જાદ્બહદ્બદ્બદ્ધ એ મરાઠી ઉક્તિમાંનાં ‘ઇંન્ન્દ્બદ્ધત્ર્દ્બ’ શબ્દ પર તેઓ શ્લેષ કરી લે છે! પણ, આ ‘જાદ્બદ્ધહદ્બદ્બદ્ધ’ એ મરાઠી ઉક્તિમાંનાં ‘ઇંન્ન્દ્બદ્ધત્ર્દ્બ’ શબ્દ પર તઓ શ્લેષ કરી લે છે! પણ, આ સિવાય પ્રસંગ પરિસ્થિતિ કે પાત્રને નિમિત્તે પણ તેઓ ભિન્નભિન્ન રીતે વિનોદ કરતા જ રહે છે. ‘ચામાચીડિયાં’શીર્ષકના લેખના આરંભમાં જ એ ‘પંખી’ને અનુલક્ષીને તેઓ વિરલ મર્મ કરે છેઃ વાલખિલ્યોની જેમ પોતાની જાતને ઝાડે ટિંગાડીને તપશ્ચર્યા કરતાં ચામાચીડિયાં સરજીને ઈશ્વર કયો પ્રયોગ કરવા માગે છે તે સમજાતું નથી. ’ (પૃ. ૨૧). તારાશિખરમાં, પરોઢના પંખીઓના અવાજોની બાળવાર્તાની રગમાં રજૂઆત કરી છે ત્યાં હોલાના અવાજ વિશેનું આ આલેખન જુઓઃ ‘એણે (હોલા ભગતે) તો ઊઠતાંવેંત પ્રભુ તું, પ્રભુ તું, શરૂ કર્યું, જાણે એનો પ્રભુ એના ‘વિશ્વાસના ઠરાવ’ની રાહ જોઈ બેઠો હતો, અને એ ન મળે તો સૃષ્ટિનું કારભારું કરવાની હિંમત ખોઈ એ અધિકાર ત્યાગ જ કરત.’(પૃ. ૫૨). અહીં હોલાના અવાજમાં માનવસમાજના આશયનું આરોપણ કરી વિનોદ કરી લીધો છે. ‘અનંતનો વિસ્તાર’ ખંડમાં આકાશદર્શનનાં જે લખાણો રજૂ થયાં છે તેમાં દેવોનું કાવ્ય’ (ભાગ ૧-૨) શીર્ષકના લેખો આપણા સાહિત્યમાં તો સાચે જ વિરલ સર્જન છે; પણ ભારતના અન્ય પ્રાંતનાં સાહિત્યોમાં પણ એ પ્રકારનું આકાશદર્શનનું રમણીય આલેખન થયું છે કે કેમ, એય તપાસવા જેવું છે. ખરી વાત તો એ છે કે, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાના દિવસોમાં કાકાસાહેબે જ એ સમયનાં તરુણ શિક્ષિતોમાં આકાશદર્શનની લગની લગાડી હતી. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, આ ખંડના કેટલાક લેખો ખગોળશાસ્ત્રની માહિતી આપવાના ઉદ્દેશથી જ લખાયેલા છે. પણ આ ખંડની અનન્ય સમૃદ્ધિ તો આકાશદર્શનનો પરમ આહ્લાદ વર્ણવતા તેમના લેખોમાં પ્રાપ્ત થાય છે. ‘દેવોનું કાવ્ય’ (ભાગ ૧-૨) એ લેખો ગુજરાતી લલિત નિબંધના ક્ષેત્રમાં અપ્રતિમ રચનાઓ છે. રાત્રિના આકાશમાર્ગમાં નક્ષત્રો અને તારાઓની સંવાદી લયાત્મક ગતિવિધિઓનું એમાં રમણીય ચિત્રાંકન છે. ‘દેવોનું કાવ્ય’ શીર્ષક સૂચવે છે તેમ, રાત્રિના આકાશનો આ તેજોમય આવિર્ભાવ સ્વયં દેવોનું કાવ્ય છે. અને એ રીતે એ પરમ આનંદનો સ્રોત છે. કાકાસાહેબે અહીં પણ તારાઓ અને નક્ષત્રોને જીવંત સત્ત્વો રૂપે કલ્પી તેમનામાં માનવસહજ વૃત્તિઓ પ્રવૃત્તિઓ અને લાગણીઓનું આરોપણ કર્યું છે. રાત્રિના બદલાતા પ્રહરમાં દરેક તારા નક્ષત્રની બદલાતી સ્થિતિ-ગતિ અને આકૃતિ તેમની સર્જકકલ્પનાને સતત સંકોર્યા કરે છે, અને એ કલ્પના તારાનક્ષેત્રોમાં અવનવી પ્રતિભાઓ તાદશ કરતી રહે છે. ક્ષણેક્ષણે પલટાતી શોભાના ચિત્રણમાં નિત્યનૂતન અલંકારો એ રીતે જન્મતા રહે છે. તેમની વિસ્મયની ઇન્દ્રિય કેવી તો જાગૃત છે તેનો પરિચય પણ એમાં મળે છે. પણ, તે સાથે તેમનાં આશા, નિરાશા, ચિંતા, વિષાદ, ભીતિ જેવાં સંવેદનો પણ તેમાં ભળતાં રહે છે. કોઈ સ્વગતોક્તિ ઉચ્ચારાતી હોય તેમ, આકાશલીલાનું વર્ણન તેઓ આપે છે. એ રીતે તેમના અંતરના આકાશમાં જન્મતી ભાવલીલા પણ પ્રતિફલિત થતી રહે છે. જુઓ આ સંદર્ભઃ પણ સ્વાતિ તળે લટકતા આ કિરીટનું શું કરીશું? એના સાત તારાઓમાં કોહિનૂર જરાક આગળ બેસાડ્યો છે, એ ઘડનારની કુશળતા બતાવે છે. આ કિરીટને કોને માથે મૂકી દઈશું? જેને માથે મૂકીએ તે આકાશની રાણી થાય. અત્યારે પાસે ઉમેદવાર તો બે જ છેઃ ચિત્રા અને સ્વાતિ. સ્વાતિ કહેશે કે તેજ તો મારું જ કહેવાય. હું નમ્રતાથી એને કહીશ, માટે જ મુકુટ વિના તારું ચાલી શકે એમ છે. હું તો એ મુકુટ મારી ચિત્રાને જ આપું.’(પૃ. ૧૦૦). અહીં સ્વાતિ, ચિત્રા અને તેજસ્વી તારાની આકૃતિ નિમિત્તે કાકાસાહેબની તર્કલીલા અને માર્મિક સંવેદના પ્રગટ થઈ છે. બીજો સંદર્ભઃ ‘એ પેલું ઈંડા જેવું વાદળું આવે. એનો નીચલો ભાગ કાળો છે ત્યાં ભીનાશ વધુ હશે. ઉપર ભીનાશ ઓછી. એટલે એ બાજુ ધોળાશ વધારે. પણ ઈંડું આટલામાં ભાંગી ગયું. પેલી શું બચ્ચાંની ચાંચ કહેવાય? હવે એ સાવ પાસે આવી ગયું. હવે તો ઢાલ જેવું દેખાય છે. ના, ના, આરસપહાણનો કટકો લાગે છે. ના ભુલ્યો, અબ્બાસ સાહેબની દાઢી છે. ગયું દીવાલ બહાર ગયું. એને ક્યાં બહાર જવા માટે રજા લેવાની હોય છે?’(પૃ. ૧૦૭). કાકસાહેબની કલ્પનાનો આ લીલામય આવિર્ભાવ સ્વયં રમણીયતાનો સ્રોત છે!
૪
‘જીવનો આનંદ’નાં લખાણોમાં સૌંદર્યની ચેતના જે રૂપે અને જે રીતે વ્યક્ત થઈ છે તેનો યથાર્થ પરિચય મેળવવા, ખરેખર તો, આપણે તેમની વર્ણનશક્તિનું નિકટતાથી અવલોકન કરવાનું રહે. અને, મૂળ વાત એ છે કે, વ્યાપકપણે ગાંધીમંડળના લેખકોએ ખેડેલી અને પ્રતિષ્ઠિત કરેલી ગદ્યશૈલીમાં – અને વ્યક્તિગત રીતે સ્વયં કાકાસાહેબે ખેડેલી ગદ્યશૈલીમાં – એ વિશિષ્ટ ઉન્મેષ છે. સૌંદયોધના વર્ણનમાં ભિન્નભિન્ન રીતે ભાષાનો સર્જનાત્મક વિનિયોગ કરવા તેઓ પ્રેરાયા છે. પ્રકૃતિના પદાર્થો સત્ત્વો અને દૃશ્યોમાં સૌંદર્યની સૂક્ષ્મતમ રેખાઓ તેમણે જોઈ તે નિમિત્તે તેમના વ્યક્તિત્વનો સમૃદ્ધમાં સમૃદ્ધ અંશ લીલયા તેમના વર્ણનમાં પ્રવેશ્યો છે. સંવેદના, કલ્પના અને વિચારોના સહજ સંયોજનમાં તેમના વિશાળ વિદ્યાકીય સંસ્કારો જોડાતા રહ્યા છે, અને તેમની ગદ્યશૈલીમાં, એ રીતે તેમના અંતરની સમૃદ્ધિ ઊતરી આવી છે. કાકાસાહેબે આ વર્ણનમાં આગવી રીતે શિષ્ટ સુકુમાર અને કાન્તિસભર શૈલી યોજી છે; અને એ શૈલીના નિર્માણમાં વિશિષ્ટ સ્તરના તત્સમ શબ્દો / શબ્દસમૂહોનો વિનિયોગ થયો છે એટલું કથન અહીં પૂરતું નથી. અને અલ્પપરિચિત કે અપરિચિત લાગતા તત્સમ શબ્દો / શબ્દસમૂહો તેમના વાક્યવિન્યાસમાં અનિવાર્ય સ્થાન લે છે, પૂરા ઔચિત્યપૂર્વક આવે છે, એમ કહેવું ય પૂરતું નથી. આવા તત્સમ શબ્દો / શબ્દસમૂહો ઘણુખરું, પ્રાચીન સાહિત્યના સંસ્કારો અને સાહચર્યો લઈઅઆવ્યા છે. ઉદાત્ત ભાવ અને ગરિમાયુક્ત અર્થસંપત્તિ તેમની સાથે જોડાયેલી આવી છે. અનેક તત્સમ શબ્દો પ્રાચીન પરંપરાનાં જ્રાાન અને સંસ્કારો અતિ લાઘવમાં વ્યક્ત કરે છે. એક રીતે, આવા તત્સમ પ્રયોગોનો – એના શબ્દસમૂહ, વાક્ય, વાક્યમંડળ, અને સમગ્ર લેખના ગદ્યનાં પોત અને તેની શૈલીગત સંરચનાઓથી અલગપણે છૂટકપણે વિચાર કરવાનુંય વાજબી નથીઃ સમગ્ર ગદ્યની સંચરચનાગત માત, તેનું પોત, અને તેની વિશિષ્ટ કાર્યશીલતાના સંદર્ભે જ તેની દરેકની સમર્પકતાનો વેચાર થઈ શકે. અહીં એની વિસ્તૃત ચર્ચા માટે અવકાશ નથી, એટલે તેમની ગદ્યશૈલીનાં થોડાંક પ્રભાવક તત્ત્વોનો નિર્દેશ કરી લઈએ. (અ) પ્રકૃતિના સૌંદર્યબોધનાં વર્ણનોમાં સંસ્કૃત કાવ્યના લલિત અને ઓજસ્વી શબ્દો, શબ્દસમૂહો અહીં વ્યાપકપણે પ્રયોજાયા છે. અરુણોદય, સંધ્યાવિલાસ, આકાશગામી, ધનનીસ, દુર્દિન, મેઘાચ્છાદિત, આકાશકટહ, મેઘનૌકા, અપરાલ, સંધિવૈભવ, રક્તવર્ણ, ચંદ્રવિકાસી કુમુદ, રક્તિમા, ઉષર્બુધ, નિરાગસ યૌવન, પાદાક્રન્ત, વિવર્ણ, શિરોસ્નાન, કાલિમા, ધૂલિધૂસર, ગલિતપર્ણ વૃક્ષ, પરિક્ષીણ, વાજિનાવતી ઉષા, મૃત્તિકા--જેવા પ્રયોગોમાં ઘણાએક તો સમાસરૂપ છે, જે અભિવ્યક્તિમાં લાઘવ અને ઘનતા આણે છે. (બ) અસંખ્ય શબ્દો / શબ્દસમૂહો કોઈ ને કોઈ જ્ઞાનવિજ્ઞાન કે સાહિત્યના વિશેષ સંસ્કારો અને સાહચર્યો લઈ ને આવ્યા છે. દ્વિજરાજ, સમાનધર્મી, અવગુંઠનવતી, કૃષ્ણમેઘ, કાળપુરુષ, સૂર્યોપસ્થાન, વિગલિત વેદ્યાંતર, ધ્યાનમૂર્તિ, ખ-સ્વસ્તિક, અપધ્યાન, મુખચંદ્રમા, અલસગમના, સ્ફુરણ, કર્પૂરગૌર, આકાશલક્ષ્મી, સ્થિતપ્રજ્રા, શિખરનો દ્રોણ, ક્ષીર સમુદ્ર, લિંગદેહ, બૌદ્ધ વિહાર, યુક્તિશૂન્ય વૃત્તિ, ક્ષણેક્ષણે નવોન્મેષ, ગ્રામદેવતા, અપૂર્વવસ્તુનિર્માણક્ષમા, દેવોની કામધેનુ, પ્રેમરસની સ્તન્યધારા, સ્વાહા, રજોગુણાત્મક, ચંક્રમણ, ધૈવત, નિર્વાણ, સ્થિતપ્રજ્ઞ વગેરે. (ક) અનેક સંદર્ભોમાં ભિન્ન સંજ્ઞાઓથી સહોપસ્થિતિ કે સમાસની નિર્મિતિ દ્વારા તેઓ અપૂર્વ રૂપકાત્મક અર્થનો વિસ્તાર સાધીને ચમત્કૃતિ સાધી લે છેઃ જેમ કે વાદળાંનો કાવ્યાત્મા,’ ‘વાદળાં જાણે વરસાદનો ગર્ભ’, ‘આંધળી ભીંત’, ‘રાત્રિનો રથ’, મેઘનૌકા’, ‘શિખરોનું સંમેલન’, ‘સુવર્ણરંગી ગોચર’, ‘તેજના ભારથી અલસગમના’, ‘સનાતન પર્વત’, પ્રાચીના ઉદરમાં’, ‘પૂર્વના દર્પણમાં’, ‘ચાંદરણાનું ઘોડાપૂર ’, ‘ધુમ્મસના ક્ષીરસમુદ્રમાં’, ‘કાદવનું કાવ્ય’, ‘કર્દમલેખ’, ‘સનાતન કાદવ’, ‘વાદળાંની પ્રતિભા’, ‘વર્ષાવતાર’, ‘તારાશિખર’, ‘તારાનો આહાર’, ‘વૃક્ષસમ્રાટ’, ‘વૈરાગી પાંદડાં’, ‘વેદાંતી પાંદડાં’, ‘પ્રેમરસની સ્તન્યધારા’વગેરે. (ડ) કાકાસાહેબની સર્જકવૃત્તિ, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, પ્રકૃતિના પદાર્થો સત્ત્વો અને દૃશ્યોને લગભગ સતત રીતે સજીવ કલ્યે છે. સજીવારોપણની અંતર્ગત કે તેની સાથે સંપૃક્ત રહીને ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, અતિશયોક્તિ, સાસોક્તિ, અર્થાન્તરન્યાસ, સ્મરણ આદિ વિશિષ્ટ અલંકારો તેમના ગદ્યમાં વ્યાપકપણે સ્થાન લે છે. જે કંઈ પરિચિત અને ટેવગ્રસ્ત પ્રતિભાવોમાં બંધાઈ ચૂકી હતી તે વાસ્તવિકતાનાં નિત્યનૂતન રૂપો તેઓ પ્રત્યક્ષ કરતા રહ્યા છે, અને વાસ્તવિકતાની અપૂર્વ રેખાઓ ઝીલવામાં તેમના વૈચિત્ર્યસભર વાણીપ્રયોગોનો એવો મોટો ફાળો છે, કે ઘડીભર આ નિબંધોની રમણીયતા તેના વાણીપ્રપંચોમાંથી જ જન્મી આવી છે એમ માનવાનું મન થાય.
૫
‘જીવનનો આનંદ’માં જીવનનો ઓપ’શીર્ષક નીચે ચોથા અને છેલ્લા ખંડમાં કાકાસાહેબે લલિતકળાઓની ચર્ચાવિચારણાઓને લગતાં નાનાંમોટાં ૨૪ લખાણો સંચિત કર્યાં છે. એમાંનાં ૨૩ લખાણોમાં લલિતકળા વિશે જુદાજુદા નિમિત્તે લખાયેલી પ્રાસંગિક અને ત્રૂટક ચર્ચાઓ મળે છે. જ્યારે છેલ્લા દીર્ઘ લેખ, ‘કળા – એક જીવનદર્શન’માં તેમની અગાઉ ની ત્રૂટક વિચારણાઓ એક વ્યવસ્થિત સિદ્ધાંતવિચારના રૂપમાં ગૂંથાઈ ને રજૂ થતી દેખાશે. અહીં બધું ધ્યાન એ લેખ પર જ કેન્દ્રિત કર્યું છે. - કાકાસાહેબની કળાવિચારણામાં સીધી રીતે ગાંધીજીની, અને પરોક્ષ રીતે ટૉલ્સ્ટોય અને રસ્કિનની, કળાવિચારણાની પ્રેરણા હોવાનું સહજ અનુમાન કરી શકાય. જોકે ભારતભરની કળાસંપત્તિ એમાં વિશેષ પ્રેરક અને વિધાયક બળ બની હોય એ પણ એટલું જ સાચું છે. દેશવિદેશની અસંખ્ય કળાકૃતિઓ વિશે તેમણે માર્મિક જાણકારી મેળવી લીધી છે, અને દરેક પ્રજાની આગવી સંસ્કૃતિના એક જીવંત ભાગરૂપે તેઓ તેનો વિચાર કરવા પ્રેરાયા છે. દરેક કળાપરંપરા પાછળ તેના વિશિષ્ટ સામાજિક આદર્શો અને વિશિષ્ટ તત્ત્વદૃષ્ટિ રહી હોય છે એવી તેમની પ્રતીતિ છે. ભારતીય સ્થાપત્યો, શિલ્પો આદિની કૃતિઓમાંથી તેમણે આ વાતનું સમર્થન શોધી આપ્યું છે. કાકાસાહેબની કળાવિચારણા તેમના જીવનભારતી’ગ્રંથની સાહિત્યચર્ચા સાથે પૂરી સંગતિ ધરાવે છે. એક રીતે ગાંધીમંડળના લેખકો મહાદેવભાઈ, કિશોરલાલ, સ્વામી આનંદ આદિએ જે રીતે ગાંધીજીમાંથી પ્રેરણા લઈ આગવીઆગવી જીવનવિચારણા કરી, એવા જે ઉપક્રમ સ્વીકારી કાકાસાહેબે પણ જીવનમીમાંસા કરી. અને એવો વ્યાપક સંદર્ભમાં કળાનું સ્વરૂપ, તેનાં કાર્યો અને તેનાં પ્રયોજનોનો વિચાર કરવા તેઓ પ્રેરાયા. એમાં, સ્વાભાવિક રીતે જ, તેમનાં નૈતિક અને આધ્યાત્મિક વિચારવલણો તેમની આધારભૂમિ બન્યાં. કળાવિષયક બધાંય લખાણોની ભાષાનું સહેજ જ નિકટતાથી અવલોકન કરતાં એમાં નૈતિક-આધ્યાત્મિક overtones એકદમ સ્પષ્ટ બની જશે. આપણે વિગતે જોયું કે પહેલા ત્રણ ખંડનાં લખાણોમાં પ્રકૃતિનાં સૌંદર્યોની ઝલક નિહાળતાં તેમને જે રીતે રોમહર્પણ આનંદ મળ્યો તેનું તેમણે વર્ણન કર્યું છે. આથી ભિન્ન, ચોથા ખંડમાં જુદીજુદી કળાઓ વિશે તેમનું ચિંતનમનન પ્રાપ્ત થાય છે. પહેલાં ત્રણ ખંડમાં પ્રકૃતિના સૌંદર્યની અનુભૂતિ સ્વયં વર્ણ્યવિષય છે; જ્યારે ચોથામાં સૌંદર્યના એક મહત્ત્વના સ્રોત લેખે કળાઓ વિશે ચિંતન રજૂ કર્યું છે. એ રીતે સૌંદર્યમીમાંસા કે કળામીમાંસાને સ્પર્શતી પણ અલગઅલગ બાબતો અહીં સ્પર્શાઈ છે. ગાંધીજી અને તેમના અનુયાયી ચિંતકોએ એ યુગમાં કળાવિચાર અને સૌંદર્યતત્ત્વ વિશે રજૂ કરેલાં દૃષ્ટિબિંદુઓ કોઈ એક સુગ્રથિત સિદ્ધાંતના રૂપમાં આપણને હજુ મળ્યાં નથી; પણ કાકાસાહેબનાં લખાણોમાં એ યુગની મહત્ત્વની ભૂમિકા મળી જાય છે એમ એકંદરે કહી શકાય. પણ કાકાસાહેબમાં જ, કળાની સિદ્ધાંતદર્શનનાં લખાણો કરતાં વધુ મુખરિત બન્યાં છે, અને, એમ બનવું સ્વાભાવિક પણ છે. સૌંદર્યના સ્રોત લેખે પ્રકૃતિનાં જે પદાર્થો સત્ત્વોને તેઓ વર્ણવવા ચાહે છે તે તો વિશ્વસ્પષ્ટાની અનંતવિધ ‘કળા’નું આવિષ્કરણ છે, અને એનું અદ્ભુત સૌંદર્ય નિહાળવા માટે ભાવક પાસે માત્ર નિષ્કામ વૃત્તિ જ અપેક્ષિત છે. પણ લલિત-કળાઓ તો માનવસર્જિત વસ્તુઓ છે. એમાં એના સર્જકનું ચારિત્ર્ય અને સંસ્કારિતા જોડાયેલાં છે, અને એ રીતે સમાજ અને સંસ્કૃતિના અંતિમ શ્રેયાશ્રેય સાથે તેના પ્રશ્નો સંકળાયેલા છે. પોતાની કળાની ઉપાસના વિશે એક કેફિયતરૂપે તેમણે નોંધ્યું છેઃ ‘મારી કળાની ઉપાસના ભારતભક્તિમાંથી ઉત્પન્ન થઈ છે. સ્વદેશ એટલે કેવળ એનાં ખેતરો અને ડુંગરો જ નહીં, પણ દેશવાસીઓએ ખીલવેલી આખી સંસ્કૃતિ. એ જ સાચો દેશ છે એમ જ્યારે પ્રતીત થયું ત્યારે દેશમાં બધે ફરી એના દર્શન મારફતે ભારતમાતાનું દર્શન કરવાનો મેં પ્રયત્ન કર્યો છે.’ અહીં પોતાની કળાની ઉપાસનાને દેશવાસીઓએ ખીલવેલી આખી સંસ્કૃતિ’ સાથે તેઓ જે રીતે સાંકળે છે તે સૂચક છે. તેમની કળાવિષયક તત્ત્વચર્ચામાં, આથી સ્વાભાવિક રીતે જ, આપણા દેશની કળાપરંપરા અને વર્તમાન કળાકીય પરિસ્થિતિ સાથે ફરીફરીને અનુસંધાન થતું રહ્યું છે. સમાજ અને સંસ્કૃતિ વિશેની તેમની વિશિષ્ટ વિચારણા કળાના સામાજિક-નૈતિક કાર્યની ચર્ચામાં ફેરવાઈ જાય એ સમજવાનું, આથી, મુશ્કેલ નથી. કળાવિચારણાના ખંડને જીવનનો ઓપ’ એવું તેમણે જે શીર્ષક આપ્યું તે પણ ઘણું સૂચક છે. તેમના દર્શનમાં આ જીવન સ્વયં અતિ વિરાટ અને અતિ ગૂઢ વસ્તુ છે. કળાકારે રચેલી કૃતિ એની તુલનામાં અતિ અલ્પ અંશ છે. જીવનની સમગ્રતાને અને અખિલાઈને કોઈ કળાકાર, કોઈ કૃતિ ક્યારેય આશ્લેષમાં લઈ શકે નહિ. અનંત સ્થળકાળમાં પ્રગટ થતા જીવનદેવતા સ્વયં તેમને માટે ઉપાસ્યમૂર્તિ છે. જીવન અને કળા વચ્ચેનો સંબંધ તેઓ સાડી અને પાલવના દૃષ્ટાંતથી સમજાવે છે. જીવન એ જો વિસ્તૃત સાડીપોત છે, તો કળા એની કોર પરનો પાલવમાત્ર છે. કળા જીવનમાં વધારાનો ઓપ આણે છે, પણ એ સમગ્ર જીવન નથી જ, અને જીવનનું સ્થાન એ કદી લઈ શકે નહિ. ગાંધીજીની જેમ કાકાસાહેબ પણ, અંતે, એ વાત ૫૨ આવી ઊભે છે, કે સાચી કળા તો વિશુદ્ધ પવિત્ર અને તપોમય જીવન જીવવામાં રહી છે. શબ્દ, રંગ, રેખા, સૂર આદિના સાધનથી રચાતી કળા સામે ત્યાગ, સંયમ અને સદાચારથી પરિપૂત જીવન દશાંગુલ ઊર્ધ્વ જ રહેવાનું. કળામાત્ર કલ્પના અને ભાવનાની નિર્મિતિ રહેવાની; જ્યારે નીતિ અને સદાચાર તો સમસ્ત જીવનને વ્યાપી લે છે. કાકાસાહેબ, અલબત્ત, કળાકારની સર્જકપ્રતિભાનું મૂલ્ય સારી રીતે સ્વીકારે છે, અને કળાકૃતિની આગવી પ્રભાવકતાનોય મહિમા કરે છે; પણ કળાકારે રચેલું ‘વિશ્વ’ એ કોઈ સ્વતંત્ર સ્વાયત્ત અને જીવનના વિકલ્પરૂપ વિશ્વ તો નથી જ. એ રીતે ‘કળા ખાતર કળા’ના આંદોલનનો તેઓ વિરોધ કરે છે. કળાકૃતિનું સ્વતંત્ર ગૌરવ કરીએ, અને કળાકારના ચારિત્ર્ય વિશે ઉપેક્ષા કરીએ, તે વાત તેમને સ્વીકાર્ય નથી. શેલી, ઓસ્કાર વાય્લ્ડ અને કલાપી જેવા કવિઓના ચારિત્ર્યની શિથિલતા તેમને ડંખતી રહી છે. જીવનની ઉન્નત ભાવના ૨જૂ ક૨ના૨ કળાકાર પોતાના અંગત જીવનને ઊંચે ઉઠાવી ન શકે એ પરિસ્થિતિ તેમને માનવસમાજના એક ફૂટ કોયડા સમી લાગી છે. જીવનમાં કળા અને નીતિ પરસ્પરથી ભિન્ન છે એમ સ્વીકારીએ, પણ તે ૫રસ્પરવિરોધી અને વિઘાતક શી રીતે બને – એવો પ્રશ્ન તેઓ કરે છે. એક સંદર્ભે સત્ય, સૌંદર્ય અને શિવતત્ત્વના પરસ્પરના સંબંધોનો મુદ્દોય તેઓ સ્પર્શે છે. પણ એમાં તેમનું નિરાકરણ પ્રમાણમાં સરળ છે. સાચી કળામાં આ ૫૨મ મૂલ્યો વચ્ચે ક્યાંય વિસંવાદ ન સંભવે એવી તેમની પ્રતીતિ છે. કાકાસાહેબે કળાઓમાંથી મળતા આનંદતત્ત્વનો ૫૨મ મહિમા કર્યો છે. ઇંદ્રિયસુખ કરતાં તે ઉચ્ચતર કોટિનો વિશુદ્ધ અને સાત્ત્વિક આનંદ છે એમ તેઓ કહે છે. એ ખરું કે વિભિન્ન કળાઓમાં સૌંદર્ય સુધી જવા ઇંદ્રિયબોધનું માધ્યમ જરૂરી છે, પણ વિશુદ્ધ કળાકીય અનુભૂતિ તે ઇંદ્રિયબોધથી પર તત્ત્વ છે. તેમની આ સમજ ભારતીય રસવિચા૨થી પરિશુદ્ધ થયેલી છે. એક તબક્કે, જોકે, વૈરાગ્યના આનંદ સામે કળાનો આનંદ તદ્દન ફિક્કો લાગે છે એમ પણ તેઓ કહે છે. અહીં સ્પષ્ટ કરવું જોઈએ કે ટોલ્સ્ટોય પણ કળાના વિશુદ્ધ અનુભવને પ્રચલિત સુખવાદ (hedonism) થી અલગ રેખાંકિત કરે છે, પણ તેમની કળાવિચારણામાં ‘વિશુદ્ધ આનંદ’ એ તેનું પરમ પ્રયોજન બનતું નથી. કળાકૃતિ દ્વારા માનવજાતિમાં મૂળભૂત ઐક્ય અને પ્રેમનું સંવર્ધન એ જ એમને મન મુખ્ય બાબત છે. કાકાસાહેબ પણ, આમ જુઓ તો, કળા દ્વારા વ્યાપક લોકજીવનનો ઉત્કર્ષ ઝંખે છે, કળાઓને એ માટે સામાજિક આદર્શ પણ અર્પે છે, પણ કળાના આધ્યાત્મિક આનંદ અને લોકશ્રેય વચ્ચે તેમને ક્યાંય વિસંગતિ જણાતી નથી. બલકે, સાચી કળા તો મજૂરી અને પરિશ્રમની સાથેય મેળ સાધીને ચાલે છે એમ તેઓ માને છે. જોકે, આ મુદ્દાઓની તેમની વિચારણાઓમાં આજે ક્યાંક ને ક્યાંક ગૂંચો રહી ગયેલી જણાશે. ‘જીવનનો આનંદ’માં ૨જૂ થતા સૌંદર્યદર્શનના અને કળાચિંતનના લેખો સમગ્રતયા લક્ષમાં લેતાં, આપણા સાહિત્યિક સાંસ્કૃતિક જીવનનું એક અતિ મહત્ત્વનું પ્રકરણ એમાં ખુલ્લું થાય છે. આપણા આ સદીના સાહિત્યનો ઇતિહાસ લખવા ચાહતા ઇતિહાસકારે આ પુસ્તકનું હાર્દ પચાવી લેવાનું રહે એવી મારી પ્રતીતિ છે.
* * *