અન્વેષણા/૧૦. પાટલિપુત્ર અને ઉજ્જયિની

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પાટલિપુત્ર અને ઉજ્જયિની



નાગરિક જીવન એ સંસ્કૃતિનું ઉદ્ભવસ્થાન છે. નગર એ સંસ્કૃતિનું પ્રચારકેન્દ્ર છે. આર્યો ભારતમાં આવ્યા ત્યાર પૂર્વે દક્ષિણ પજાબ અને સિન્ધમાં વસતા દ્રાવિડ નગરવાસીઓ—મોંહે જે દડો અને હડપ્પાના વતનીઓ સંસ્કૃતિની ઉચ્ચ કક્ષાએ પહોંચેલા હતા, અને ભારતીય સંસ્કૃતિના ત્યાર પછી થયેલા વિકાસમાં એ નગર સંસ્કૃતિઓના વારસાએ ઘણો અગત્યનો ભાગ ભજવ્યો હતો. ગ્રીક સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ ત્યાંનાં નાનકડાં નગરરાજ્યોમાં થયો હતો. પછીના કાળમાં એ ગ્રીક સંસ્કારિતાનો વારસો રોમ અને કોન્સ્ટન્ટિનોપલ એ યુરોપનાં બે મોટાં નગરોએ યથાશક્ય પચાવ્યો અને પ્રસાર્યો હતો. આપણા દેશમાં પુરાણ કાળમાં હસ્તિનાપુર; ઇન્દ્રપ્રસ્થ, માહિષ્મતી, અયોધ્યા, દ્વારકા આદિ નગરો, પ્રાચીન ઇતિહાસમાં પાટલિપુત્ર, મથુરા, તક્ષશિલા, રાજગૃહ, ઉજ્જયિની અને વૈશાલી તથા મધ્યકાલીન ઇતિહાસમાં કનોજ, ધારા, પાટણ અને વિજયનગર જેવાં નગર સંસ્કૃતિનાં પ્રચારકેન્દ્રો હતાં. બનારસ જેવું નગર સેંકડો વર્ષ થયાં ભારતમાં ધર્મ અને વિદ્યાનું એક મહાન કેન્દ્ર રહ્યું છે. આ બધામાં પાટલિપુત્ર અને ઉજ્જયિની જેવાં નગરોનું સ્થાન વિશિષ્ટ છે, કેમકે સેંકડો વર્ષ સુધી મહાન સામ્રાજ્યોનાં એ બન્ને મુખ્ય શહેરો હોઈ રાજકીય, સાંસ્કૃતિક અને આર્થિક દૃષ્ટિએ ભારે મહત્ત્વ ધરાવતાં હતાં. એમાં પહેલાં આપણે પાટલિપુત્ર લઈએ. બિહાર પ્રાન્તની અત્યારની રાજધાની પટણાના સ્થાન ઉપર પાટલિપુત્ર આવેલું હતું. બિહારનો પ્રદેશ પ્રાચીન કાળમાં મગધ નામથી ઓળખાતો. ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં, બુદ્ધ અને મહાવીરના સમયમાં, મગધનું પાટનગર રાજગૃહ હતું અને ત્યાં શ્રેણિકનો પુત્ર અજાતશત્રુ રાજ્ય કરતો હતો. ગંગાની ઉત્તરે, અત્યારના ઉત્તર બિહારમાં, વૈશાલી નામે નગર હતું અને ત્યાં લિચ્છવી ક્ષત્રિયોનું ગણસત્તાક રાજ્ય હતું. અજાતશત્રુની માતા જોકે વૈશાલીની હતી, પણ રાજકુટુંબમાં ઘણી વાર બને છે તેમ વૈશાલી અને રાજગૃહ વચ્ચે વેર બંધાયું હતું અને અજાતશત્રુએ છેવટે પોતાના માતામહનું રાજ્ય લડાઈથી કબજે કર્યું હતું. પોતાના વિરોધી લિચ્છવીઓને રોકવા માટે વિજેતા અજાતશત્રુએ શોણ અને ગંગા નદીઓના સંગમ આગળ, શોણના ઉત્તર કિનારે પાટલિ નામે ગ્રામ પાસે એક કિલ્લો બંધાવ્યો. તેના પુત્ર ઉદયે એ કિલ્લા પાસે એક નગરનો પાયો નાખ્યો અને રાજધાની પણ ત્યાં કરી. જૈન ગ્રન્થો પ્રમાણે, પાટલિના એક સુન્દર વૃક્ષ પાસે આ નગરનો પાયો નંખાયો હતો, અને તેથી તે પાટલિપુત્ર તરીકે ઓળખાયું. એક હજાર વર્ષ કરતાં વધારે સમય સુધી એ નગર વિકસતું રહ્યું હતું અને તેની ભવ્યતા ઉત્તરોત્તર વધતી રહી હતી. ભારતમાં પહેલું મહાન સામ્રાજ્ય સ્થાપનાર મૌર્યવંશની એ રાજધાની બન્યું હતું, અને ત્યાર પછી ગુપ્ત અને શુંગ જેવાં મહાન સામ્રાજ્યોની રાજધાની ત્યાં હતી. કુસુમપુર, પુષ્પપુર એવાં નામે પણ તે ઓળખાતું હતું. મૌર્ય વંશમાં, ચદ્રગુપ્ત અને અશોક મૌર્યના સમયમાં પાટલિપુત્ર એ માત્ર મગધનું નહિ, પણ લગભગ આખાયે ભારતનું પહેલી વાર પાટનગર બન્યું હતું. મધ્ય કાળ અને અર્વાચીન યુગમાં દિલ્હી જેવું સ્થાન પ્રાચીન ઇતિહાસમાં પાટલિપુત્રનું છે. ગુપ્ત સામ્રાજ્યની રાજધાની પાટલિપુત્રથી અયોધ્યામાં ફેરવવામાં આવી ત્યાર પછી પણ એનું મહત્ત્વ લગભગ પૂર્વવત્ ચાલુ રહ્યું હતું. ઈસવી સન પૂર્વે ત્રીજી-ચોથી સદીમાં ચન્દ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેતા એક ગ્રીક એલચી મેગાસ્થનિસે તત્કાલીન ભારતનું વર્ણન કર્યું છે અને તેમાં પાટલિપુત્ર વિષે પણ ઘણી રસપ્રદ હકીકતો આપી છે. મેગાનિસ કહે છે કે પાટલિપુત્ર નગર લગભગ દસ માઈલ લાંબું અને બે માઈલ પહોળું હતું. નગરને ફરતી ૩૦ હાથ ઊંડી અને ૬૦૦ હાથ પહોળી રક્ષણ માટેની ખાઈ હતી, જેમાં ગંદવાડનું પાણી પણ જતું હતું. કિલ્લાની દીવાલોમાં ૫૭૦ બુરજ અને ૬૪ દરવાજા હતા. મેગાસ્થનિસ કહે છે કે કિલ્લો લાકડાનો હતો અને તેમાં બાણ મારવા માટેનાં કાણાં હતાં. પાટલિપુત્રની નગરવ્યવસ્થા વિષે બહુ ઉપયોગી માહિતી મેગાસ્થનિસની નોંધમાંથી મળે છે. અત્યારના ઉત્તમ સુધરાઈ-વહીવટની સરસાઈ કરી શકે એવી નગરવ્યવસ્થા એમાંથી જાણવા મળે છે. ત્રીસ સભ્યોના આ નગરવ્યવસ્થા મંડળને પાંચપાંચ સભ્યોની એક એવી છ સમિતિઓમાં વહેંચી નાખવામાં આવ્યું હતું. પહેલી પંચસમિતિ ઔદ્યોગિક કળાકારીગરીને લગતી બાબતો ઉપર દેખરેખ રાખતી. કારીગરોની મજૂરીના વાજબી દર ઠરાવવામાં આવે, એમનાં હિતોનું રક્ષણ થાય તથા ચોખ્ખી અને સારી ચીજો બજારમાં આવે તે ઉપર આ સમિતિ ધ્યાન આપતી હશે એમ જણાય છે. બીજી પંચ-સમિતિ નગરમાં વસતા પરદેશીઓ તથા પરદેશી મુસાફરો ઉપર ધ્યાન આપતી. પરદેશીઓની ઝીણી તપાસ રખાતી. તથા એમને રહેવા માટે ઘર, પ્રવાસમાં રક્ષણ તથા જરૂર પડતાં વૈદ્યકીય સહાય આપવામાં આવતાં. એમાંના કોઈ મરણ પામે તો એની ઉત્તરક્રિયા આ સમિતિ કરાવતી અને એની મિલકત હકદાર વારસોને મોકલતી. ઈસવી સન પૂર્વે ત્રીજી સદીમાં મૌર્ય સામ્રાજ્યને અનેક પરદેશો સાથે ગાઢ સબંધો હતા અને તેથી વેપારથી માંડી રાજકાજ માટે અનેક પરદેશીઓ પાટનગર પાટલિપુત્રમાં આવતા, એનો પુરાવો આમાંથી પણ મળે છે. ત્રીજી પંચસમિતિ જન્મ-મરણની નોંધ રાખતી. કેવળ કર નાખવાની સગવડ માટે આ નોંધ નહોતી રખાતી, પણ ઉચ્ચ કે નીચ કોઈનાં જન્મમરણ રાજ્યના ધ્યાન બહાર ન રહે એ પણ તેનો ઉદ્દેશ હતો. જન્મમરણની નોંધ રાખવાની આ પ્રકારની વ્યવસ્થા તે કાળે જગતના કોઈ નગરમાં હોય એમ જણાતું નથી અને યુરોપમાં પણ એ વ્યવસ્થા પ્રમાણમાં ઘણી મોડી દાખલ થઈ છે, એ મૌર્ય રાજ્યકર્તાઓની દીર્ઘદૃષ્ટિનો પુરાવો છે. ચોથી પંચ–સમિતિ વેપાર અને ઉદ્યોગ પર દેખરેખ રાખતી. રાજ્યે મંજૂર કરેલાં તોલમાપનો એ ઉપયોગ કરાવતી તથા મોસમની પેદાશનું વેચાણ યોગ્ય જાહેરાત પછી જ થાય એવી વ્યવસ્થા કરતી, વેચાણનો પરવાનો લેવા માટે વેપારીઓને અમુક કર ભરવો પડતો અને એક કરતાં વધારે ચીજનો વેપાર કરવા ઇચ્છે એને બમણો કર આપવો પડતો. પાંચમી પંચ-સમિતિ તૈયાર થયેલા માલના વેચાણનું નિયમન કરતી. જૂના માલનું વેચાણ નવા માલથી અલગ રીતે કરવું પડતું, અને બન્નેની ભેળસેળ કરનારનો દંડ થતો. વેચાયેલા માલની કિમંતનો દસમો ભાગ ઉઘરાવવા એ છઠ્ઠી પંચ-સમિતિનું કામ હતું. આ કરની ચોરી કરવાના અપરાધ બદલ મોતની સજા થતી. આ બધાં કામો ઉપરાંત આ સમિતિઓના સભ્યો તમામ અગત્યની નાગરિક બાબતો તથા બજારો, મન્દિરો, અને તમામ જાહેર સ્થળોની દેખરેખ રાખતા. આ માહિતી પાટલિપુત્રની સુધરાઈને લગતી છે, પણ ઉજ્જયિની તક્ષશિલા, અને રાજગૃહ જેવાં એ કાળનાં બીજા મોટાં શહેરોની નગરવ્યવસ્થા પણ એકંદરે આ પ્રકારની હોવી જોઈએ. આ પછી કેટલાક સૈકા બાદ, ઈસવી સનની પાંચમી સદીના આરંભમાં ભારતમાં આવેલા ચીના મુસાફર ફાહિયાને પોતાના પ્રવાસવર્ણનમાં પાટલિપુત્ર વિષે કેટલીક પ્રાસંગિક હકીકતો નોંધી છે. એ સમયે પાટલિપુત્રમાં ગુપ્તવંશનો ચંદ્રગુપ્ત બીજો, જે સામાન્ય રીતે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય તરીકે ઓળખાય છે તેનુ રાજ્ય હતું. અશોકનો રાજમહેલ એ સમયે પણ પાટલિપુત્રમાં ઊભેલો હતો. એની ભવ્યતા એવી અદ્ભુત હતી તથા એમાંની શિલ્પકલા એટલી આશ્ચર્યજનક હતી કે એનું બાંધકામ અમાનુષી સત્ત્વોએ કર્યું હોવાનું લોકો માનતા એમ ફાહિયાન લખે છે. ફાહિયાનનો મુખ્ય આશય ગૌતમ બુદ્ઘની જન્મભૂમિ ભારતમાં એ કાળે પ્રચલિત બૌદ્ધ ધર્મનો અને બૌદ્ધ સાહિત્યનો અભ્યાસ કરવાનો મુખ્યત્વે હતો, એટલે છ વર્ષ ભારતમાં રહેવા છતાં દુન્યવી બાબતોની નોંધ લેવાની ઝાઝી કાળજી તેણે રાખી નથી. આમ છતાં પાટલિપુત્ર વિષે કેટલીક જાણવા જેવી હકીકતો એના લખાણમાંથી મળે છે. પાટલિપુત્રમાં અશોકે બંધાવેલા એક સ્તૂપ પાસે એ કાળે બે મઠ હતા, એમાંના એકમાં મહાયાન પંથના અને બીજામાં હીનયાન પંથના સેંકડો બૌદ્ધ સાધુઓ રહેતા હતા. એ સાધુઓની વિદ્વત્તા એટલી સુવિખ્યાત હતી કે ચારે દિશામાંથી જિજ્ઞાસુઓ અને વિદ્યાર્થીઓ એમનાં વ્યાખ્યાન સાંભળવા માટે આવતા હતા. પાટલિપુત્રમાં ત્રણ વર્ષ સુધી રહીને ફાહિયાને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો, તથા બૌદ્ધ ધર્મના જે ગ્રન્થો બીજે ક્યાંયથી તેને મળ્યા નહોતા, તે અહીંના મઠોમાંથી તેણે મેળવ્યા. એ લખે છે કે મગધ દેશના રાજમાર્ગો ઉપર યાત્રીઓ માટે ધર્મશાળાઓ બાંધેલી હતી, તથા પાટનગર પાટલિપુત્રમાં દાનશૂર અને શિક્ષિત નાગરિકોના દાનથી ચાલતું એક ઉત્તમ મફત દવાખાનું હતું. તે કહે છે, ‘અહીં અનેક રોગોથી પિડાતા ગરીબ દર્દીઓ આવે છે. અહીં તેમની પુષ્કળ સારવાર કરવામાં આવે છે, અને તેમની જરૂરિયાત પ્રમાણે તેમને દવા અને ખોરાક અપાય છે. આમ તેમને સુખસગવડનાં સાધન પૂરાં પાડવામાં આવે છે. સાજા થયે તેઓ પાછા પોતાને ઘેર જાય છે.’ આવાં દવાખાનાંઓ તે કાળે જગતના કોઈ પણ દેશમાં હશે કે કેમ એ શંકાસ્પદ છે. નંદરાજાના રાજ્યનો નાશ કરી તેના સ્થાને પોતાના શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્યનો અભિષેક કરી મૌર્ય વંશ ચલાવનાર ચાણક્ય વિષ્ણુગુપ્ત પાટલિપુત્રમાં થઈ ગયા. એનું બીજું નામ કૌટિલ્ય હતું અને પ્રાચીન ભારતની રાજ્યવ્યવસ્થા વિષે ખૂબ ઝીણવટભરી માહિતી આપનાર સંસ્કૃત ગ્રન્થ ‘અર્થશાસ્ત્ર’ એની રચના છે. પણ મૌર્ય પછીનો ગુપ્તયુગ એ પ્રાચીન ભારતના ઇતિહાસમાં સાચે સુવર્ણ યુગ હતો. વૈભવ, વિદ્યા અને કલાનો એ કાળે પરમ ઉત્કર્ષ થયો, અને સંસ્કૃત વિદ્યાનું પુનર્જીવન થયું. ‘મુદ્રારાક્ષસ' નાટક તથા ઘણા સૈકા થયાં જે નાશ પામી ગયું છે તે ‘દેવી ચંદ્રગુપ્ત’ નાટકનો કર્તા વિશાખદત્ત પાટલિપુત્રમાં થઈ ગયો. વિખ્યાત ગણિતશાસ્ત્રી આર્યભટ પાંચમા સૈકામાં પાટલિપુત્રમાં થઇ ગયો. ‘મહાભારત'ની અને કેટલાંક પુરાણોની છેવટની સંકલના ગુપ્ત યુગમાં થઈ હતી. જૈન અને બૌદ્ધ ધર્મનું પણ પાટલિપુત્ર સૈકાઓ સુધી કેન્દ્ર હતું, અને જૈન અને બૌદ્ધ મૂલ ગ્રન્થોની સંકલના કરવા માટેની પરિષદો પાટલિપુત્રમાં મળી હતી. ગુપ્તોની રાજધાની પાટલિપુત્રથી અયોધ્યા ગયા પછી પણ પાટલિપુત્ર દુય્યમ પાટનગર– Second Capital તો હતું જ, અને પૂર્વવત્ ગુપ્ત સામ્રાજ્યનું એ સૌથી આબાદ શહેર હતું. પરન્તુ છઠ્ઠા સૈકામાં ગુપ્ત સામ્રાજ્ય ઢીલું પડ્યું અને હૂણ લોકોનો હુમલો થતાં પાટલિપુત્રને મોટો ફટકો પડયો. સાતમા સૈકામાં, ઈ. સ. ૬૪૦માં ચીના મુસાફર હ્યુ એન ત્સંગે આ પ્રાચીન નગરની જગા સેંકડો ખંડેરોથી છવાયેલી જોઈ હતી. એ લખે છે કે આ શહેરનો મોટો ભાગ વેરાન પડેલો છે. ગંગા કિનારે કિલ્લેબંધીવાળા એક નાના ગામમાં માત્ર ૧૦૦૦ માણસો રહે છે. વળી આઠમા સૈકામાં રહ્યું સહ્યું પાટલિપુત્ર ગંગા અને શોણના પૂરમાં તણાઈ ગયું હતું. ‘તિત્ત્થોગાલી પ્રકીર્ણક' નામે એક અપ્રકટ જૈન આગમગ્રન્થમાંથી પણ આ પૂરની વાતને ટેકો મળે છે. બિહાર અને બંગાળના પાલ વંશના રાજાઓએ પ્રાચીન પાટલિપુત્રને પાછું કંઈક મહત્ત્વ આપવું શરૂ કર્યું હોય એમ જણાય છે, કેમકે એ વંશના બીજા રાજા ધર્મપાલે ઈ. સ. ૮૧૧માં પોતાનો દરબાર પાટલિપુત્રમાં ભર્યો હતો. પ્રસિદ્ધ મુસ્લિમ વિદ્વાન અલ બિરુનીના ઉલ્લેખ પરથી જણાય છે કે ઈ.સ. ના અગિયારમા સૈકાના આરંભ સુધી પાટલિપુત્ર નામ વપરાતું હતું. એ પછી લગભગ પાંચ સૈકા સુધી પાટલિપુત્ર વિષે આપણે કશું જાણતા નથી. ઠેઠ સોળમા સૈકાના આરભમાં દુરંદેશી રાજકર્તા શેરશાહે એ સ્થાનની લશ્કરી અગત્ય પિછાની ત્યાં પાંચ લાખ રૂપિયાના ખર્ચે એક મોટો કિલ્લો બંધાવ્યો અને ત્યારથી પાટલિપુત્રને સ્થળે આવેલું પટણા પાછું બિહારનું મુખ્ય શહેર થયું. અવંતિ અથવા માળવાના પ્રાચીન પાટનગર ઉજ્જયિની અથવા ઉજ્જન અને પાટલિપુત્ર એ બે નગરોનો ઘનિષ્ઠ સબંધ જૂના સમયથી હતો. બુદ્ધ અને મહાવીરના સમયમાં મગધમાં જ્યારે અજાતશત્રુનો પિતા શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો ત્યારે ઉજ્જયિનીમાં પ્રદ્યોત અથવા ચંડપ્રદ્યોતનું રાજ્ય હતું. શ્રેણિક અને પ્રદ્યોત વચ્ચે કેટલોક સમય વિગ્રહ ચાલ્યો હતો. પાડોશમાં આવેલા વત્સ દેશના રાજા શતાનીક સાથે પણ પ્રદ્યોતને કેટલોક સમય સુધી વિગ્રહ ચાલ્યો હતો. શતાનીકના પુત્ર ઉદયનને પ્રદ્યોતે કપટથી કેદ પકડયો હતો, પણ પ્રદ્યોતને અંધારામાં રાખી, એની પુત્રી વાસવદત્તાનું હરણ કરી, ઉદયન પોતાની રાજધાની કૌશાંબીમાં પાછો ચાલ્યો ગયો હતો. ઉદયન અને વાસવદત્તાની પ્રણયકથાનું નિરૂપણ ભાસ કવિ કૃત ‘સ્વપ્નવાસવદત્ત'થી માંડી અનેક સંસ્કૃત કાવ્યનાટકો અને કથાગ્રન્થોમાં થયું છે. ઉદયનનાં પરાક્રમોની કથાઓ પ્રાચીન કાળમાં ખૂબ લોકપ્રિય હતી, અને એથી કવિ કાલિદાસ ‘મેઘદૂત'માં અવંતિનું ' વર્ણન કરતાં ઉદયનકથામાં કોવિદ એવા ગ્રામવૃદ્ધોનો ઉલ્લેખ કરે છે. સંસ્કૃત શબ્દ ‘ઉજ્જયિની’નું પ્રાકૃત રૂપ થાય છે ‘ઉજજેણી’, એનો અર્થ થાય છે ‘વિજયશાળી’. ‘સ્કન્દપુરાણ' અનુસાર, ત્રિપુરાસુર ઉપર મહાદેવના વિજયના સ્મરણમાં અવંતિની આ મુખ્ય નગરીને ઉજ્જયિની કહેવામાં આવે છે. વળી એ જ પુરાણ ઉજ્જયિનીનાં જુદાં જુદાં નામ પણ આપે છે. પહેલા કલ્પમાં ઉજ્જયિની સુવર્ણશૃંગા કહેવાતી, બીજા કલ્પમાં કુશસ્થલી, ત્રીજામાં અવંતિકા, ચોથામાં અમરાવતી, પાંચમામાં ચૂડામણિ અને છઠ્ઠામાં પદ્માવતી કહેવાતી. ઐતિહાસિક કાળમાં કવિ કાલિદાસે આ વિસ્તૃત અને સમૃદ્ધ નગરીને વિશાલા કહી છે તથા ‘કથાસરિત્સાગર’ના કર્તા સોમદેવ ભટ્ટે એનાં પદ્માવતી, હિરણ્યવતી અને ભોગવતી એવાં નામ આપ્યાં છે. ભૌગાલિક દૃષ્ટિએ ઉજ્જયિનીનું સ્થાન બહુ અગત્યનું છે. ઉત્તર ભારતમાં રાજગૃહ અને પાટલિપુત્રથી દક્ષિણમાં ગોદાવરીને ઉત્તર કિનારે આવેલા પ્રતિષ્ઠાન અથવા પૈઠણ સુધીના મહાન વેપારી રાજમાર્ગ ઉપર એ આવેલું હતું. વળી પશ્ચિમ ભારતમાં ભૃગુકચ્છ અથવા ભરૂચના બંદરે ઊતરતો પરદેશોનો માલ ઉત્તર અને દક્ષિણ ભારતમાં સર્વત્ર પહોંચાડવા માટેનું પણ ઉજ્જયિની એક ચાવીરૂપ મથક હતું. એ જ રીતે ભરૂચથી પરદેશોમાં નિકાસ કરવા માટેનો ભારતીય માલ ઘણુંખરું ઉજ્જયિનીમાં એકત્ર થતો. ‘કુત્રિક ' અથવા ત્રિભુવનની તમામ વસ્તુઓ જેમાં મળે એવા નવ મોટા આપણ અથવા ‘સ્ટોર્સ’ ઉજ્જયિનીમાં હતા, જે ‘ કુત્રિકાપણ’ નામથી ઓળખાતા હતા. મૌર્યકાળમાં આપણે પાટલિપુત્ર અને ઉજ્જયિનીનો સવિશેષ સબંધ જોઈએ છીએ. ઉજ્જયિનીનું મહત્ત્વ માત્ર પાટલિપુત્રથી ઊતરતું હતું. મૌર્ય સમ્રાટોના સૂબા ઉજ્જયિનીમાં રહેતા. આ સૂબાગીરી ઉપર ઘણી વાર રાજકુમારોની નિમણૂક થતી. અશોક મૌર્ય યુવરાજ હતો તે સમયે તેણે અવંતિ દેશ જીતી લીધો હતો અને તેથી એના પિતા બિન્દુસારે તેની નિમણૂક ઉજ્જયિનીના સૂબા તરીકે કરી હતી. આ સ્થાન અશોકે ૧૧ વર્ષ સુધી સંભાળ્યું હતું. આ જગા સંભાળવા માટે પાટલિપુત્રથી ઉજ્જયિની જતાં અશોક માર્ગમાં વિદિશા નગરમાં દેવ નામે એક નાણાવટીને ત્યાં રહ્યો હતો, અને ત્યાં એની પુત્રી દેવી સાથે તેણે લગ્ન કર્યું હતું. ઉજ્જયિની પહોંચ્યા પછી દેવીએ મહેન્દ્ર નામે પુત્રને અને બે વર્ષ પછી સંઘમિત્રા નામે પુત્રીને જન્મ આપ્યો હતો. પાછળથી સીલોનમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે અશોકે આ ભાઈ-બહેનને મોકલ્યાં હતાં. જૈન ગ્રન્થો જણાવે છે કે અશોક પાટલિપુત્રની ગાદી ઉપર આવ્યો એ પછી તેણે પોતાના પુત્ર કુણાલને ઉજ્જયિની ‘કુમારભુક્તિ’માં આપ્યું હતું. અર્થાત્ એને ઉજ્જયિનીની જીવાઈ આપી હતી. કુણાલ ઉંમરલાયક થતાં અશોકે પોતાના હસ્તાક્ષરોમાં એને પત્ર લખ્યો કે- अधीयतां कुमारः (કુમાર વિદ્યાભ્યાસ કરે), પણ ઓરમાન માએ અ ઉપર અનુસ્વાર કરી अंधीयतां कुमारः (કુમારને અંધ બનાવવામાં આવે) એવું કરી નાખ્યું. આ પત્ર વાંચીને કુણાલે, પિતાની આજ્ઞા પાળવા માટે પોતાની આંખો ફોડી નાંખી. પાછળથી સાચી વાત જાણતાં અશોકને બહુ શોક થયો, અને તેણે પોતાનું રાજ્ય કુણાલના પુત્ર સંપ્રતિને આપ્યું. ઈસવી સન પૂર્વે પહેલી સદીમાં ઉજ્જયિનીમાં ગર્દભિલ્લ વંશ રાજ્ય કરતો હતો. એ વંશના એક રાજાએ જૈન આચાર્ય કાલકાચાર્યની બહેન સરસ્વતીનું હરણ કર્યું હતું. આથી કાલકાચાર્યે શકોને લાવી ઉજ્જયિનીમાં શક રાજ્ય સ્થાપ્યું હતું. પણ ગર્દભિલ્લના પુત્ર વિક્રમાદિત્યે શકોને નસાડી, રાજ્ય પાછું મેળવી, પોતાના નામનો સંવત ઈ. સ. પૂર્વે ૫૬થી ચલાવ્યો, જે વિક્રમ સંવત તરીકે ઓળખાય છે. જો કે આ બાબતમાં મતભેદ છે. કેટલાક વિદ્વાનો માને છે કે ગુપ્તવંશનો ચંદ્રગુપ્ત બીજો, જે ઈ.સ.ના ચોથા-પાંચમા સૈકામાં રાજ્ય કરતો હતો તે જ શકારિ વિક્રમાદિત્ય હતો, અને ઉજ્જયિનીમાં બીજો કોઈ વિક્રમાદિત્ય થયો નથી. આ બાબતનો છેવટનો નિર્ણય હજી થઈ શક્યો નથી. એ નિર્ણય થાય કે ન થાય પણ ભારતની વિવિધ ભાષાઓના લોકસાહિત્યમાં તો ઉજ્જેણી નગરી અને ક્ષિપ્રા નદી, પરદુઃખભંજન વિક્રમ રાજા અને આગિયો વેતાળ, મહાકાલનું મંદિર અને સિદ્ધવટ એ બધાં અમર સ્થાન પામ્યાં છે. સાહિત્ય અને વિદ્યાનું ઉજ્જયિની મહાન કેન્દ્ર હતું. વિક્રમ રાજાના દરબારમાં અનેક વિદ્વાનો હતા એવી પરંપરા પ્રાચીન કાળથી છે. પ્રાસિદ્ધ જ્યોતિષી, ‘બૃહત્સંહિતા’નો કર્તા વરાહમિહિર ઉજ્જયિનીનો હતો એમ મનાય છે. એ નગર ભારતીય ખગોળશાસ્ત્રનું કેન્દ્ર હતું. અને તેમાં યામ્યોત્તર વૃત્તથી પૃથ્વીના રેખાંશોની ગણતરી કરવામાં આવી હતી. અવંતિ અને ઉજ્જયિનીના નાગરિકો ખૂબ સંસ્કારી ગણાતા. બારમા સૈકામાં ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહે માળવાને ગુજરાતના રાજ્ય સાથે જોડ્યું, પણ ગુજરાતની વિદ્યાપ્રવૃત્તિના વિકાસ માટે ઘણી પ્રેરણા એને માળવામાંથી મળી હતી. ઉજ્જયિની મોટું તીર્થસ્થાન પણ છે. પુરાણોમાં ગણાવેલી ભારતની સાત પવિત્ર નગરીઓમાંની એક ઉજ્જયિની છે, અને મહાકાલનું શિવલિંગ એ બાર પવિત્ર ર્જ્યોતીર્લિંગોમાંનું એક છે. દર બાર વર્ષે ભરાતો કુંભ મેળો પ્રયાગ, હરદ્વાર, નાસિક અને ઉજ્જયિની એ ચાર તીર્થોમાં ભરાય છે. આજે મધ્ય ભારતના એક મુખ્ય શહેર તરીકે ઉજ્જન વિદ્યમાન છે અને ભારતના સાંસ્કારિક ઇતિહાસમાં તેનું નામ હંમેશને માટે યાદ કરવા લાયક છે.

[ ‘પ્રજાબંધુ-ગુજરાત સમાચાર’, દીપોત્સવી અંક, સં. ૨૦૧૨]