અન્વેષણા/૧૨. એશિયાની સાંસ્કૃતિક એકતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એશિયાની સાંસ્કૃતિક એકતા



આપણી પૌરાણિક ભૂગોળમાં વર્ણવાયેલા ‘જંબુદ્વીપ’નો અર્થ ‘એશિયાખંડ’ એવો કરવામાં આવે છે. એ જંબુદ્વીપમાં ભારતવર્ષ આવેલો છે અર્થાત્ પૌરાણિક ભૂગોળમાં જંબુદ્વીપને એક સ્વતંત્ર એકમ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. જંબુદ્રીપમાં ભારતવર્ષનું સ્થાન કેન્દ્રમાં છે. ઇતિહાસ દૃષ્ટિએ કહીએ તો એ કેન્દ્રમાંથી પશ્ચિમે એશિયા-માઇનોર અને પૂર્વે જાવા – સુમાત્રા સુધી એની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અસરો વિસ્તરેલી છે. એશિયા-માઇનોરમાંથી હ્યુગો. વિન્કલરે ખોળી કાઢેલા ઈ. સ. પૂર્વે ૧૪૦૦ આસપાસના મિટાની રાજકર્તાઓના લેખોમાં ઇંદ્ર, મિત્ર, વરુણ અને નાસત્ય એ ઋગ્વેદ- પ્રોક્ત દેવોનાં નામ મળે છે. કેટલાક વિદ્વાનો માને છે કે આર્યો ભારતમાં આવ્યા તે પૂર્વેના – અથવા ભારત–યુરોપીય કાળના આ લેખો છે, જ્યારે બીજા કેટલાક એમ માને છે કે ભારતની ભૂમિ ઉપર વૈદિક સંસ્કારિતાનો પૂર્ણ વિકાસ થયા બાદ વૈદિક આર્યોનો એકાદ સમૂહ ભારતમાંથી એશિયા-માઇનોર ગયો હશે અને તેના આ લેખો હોવા જોઈએ. આ બેમાંથી ગમે તે મત ગ્રાહ્ય ગણવામાં આવે તોપણ એ લેખો ભારતના પ્રાચીનતમ ધાર્મિક અને સાંસ્કારિક ઇતિહાસ માટે ખૂબ અગત્યના છે એમાં તો શંકા નથી.

પૂર્વ દિશાએ જોઈએ તો સિયામ, હિંદી ચીન, કંબોડિયા, જાવા અને સુમાત્રામાં અતિ પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર થયો હતો. આજે પણ એ પ્રદેશમાં જે સ્થાપત્યનાં અવશેષો અને કલાસ્વરૂપો છે તેમાં ભારતની ધાર્મિક કલાની તથા એની ભાષામાં સર્વ ભારતીય આર્ય ભાષાઓની જનની સંસ્કૃતની અસર વ્યક્ત થાય છે. પ્રાચીન ભારતના સંસ્કારનો એ શાંતિમય વિજય હતો. અગસ્ત્ય મુનિ સમુદ્ર પી ગયા, એવી પૌરાણિક આખ્યાયિકાનો અર્થ સમુદ્રપારના દેશોમાં થયેલો આ સંસ્કૃતિવિસ્તાર જ હોઈ શકે.

અઢી હજાર વર્ષ પૂર્વે થયેલા શાક્યમુનિ ગૌતમ બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરતાં આ સંસ્કૃતિવિસ્તારને ભારે વેગ મળ્યો. બૌદ્ધ ધર્મ એક આંતરરાષ્ટ્રિય બળ બન્યો. બુદ્ધનિર્વાણ પછીના થોડાક સૈકાઓમાં જ એ ધર્મ જગતના અનેક દેશોમાં ફેલાયો. એશિયાનો પ્રત્યેક પ્રદેશ એનાથી પ્રભાવિત થયો અને એનાં જીવન તથા કલા ઉપર બૌદ્ધ ધર્મની અને તે દ્વારા ભારતીય જીવન અને કલાની ઊંડી અસર થઈ. અગ્નિ એશિયાના દેશમાં અને ઇન્ડોનેશિયામાં તો હિંદુ અને બૌદ્ધ ધર્મની અસરો એકમેકમાં મિશ્રિત થઈ ગઈ. આમ હોવું સ્વાભાવિક છે, કેમ કે વ્યાપક અર્થમાં જોઈએ તો બૌદ્ધધર્મ ભારતવ્યાપી આર્યધર્મનો એક ભાગ હતો અને તેના ઉદ્ભવકાળ પૂર્વે કેટલાયે સૈકાઓથી ચાલી આવતી ભારતીય શ્રમણપરંપરામાંથી તેણે પ્રેરણા લીધી હતી. આથી જ વિષ્ણુના દશ અવતારોમાં બુદ્ધને સ્થાન મળ્યું. આપણા દેશની લોકપરંપરા પ્રમાણે, આપણે બુદ્ધાવતારના સમયમાં રહીએ છીએ, કેમ કે કલ્કી અવતાર તો ભવિષ્યમાં થવાનો છે. બૌદ્ધમાર્ગ એક સંપ્રદાય તરીકે આપણા દેશમાંથી નામશેષ થઈ ગયો ત્યાર પછી રચાયેલા, ભક્તકવિ જયદેવકૃત ‘ગીતગોવિંદ’ની દશાવતાર-સ્તુતિમાં દયામય બુદ્ધની સ્તુતિ કરેલી છે કે-

निन्दसि यज्ञविधेरहह श्रुतिजातम् ।
सदयहृदय दर्शितपशुघातम् ।
केशव धृतबुद्धशरीर, जय जगदीश हरे ॥

હિંદુ ધર્મ દ્વારા જ જંબુદ્ધીપની સાંસ્કારિક અને આધ્યાત્મિક એકતાનો પ્રારંભ થયો, પણ બૌદ્ધ ધર્મ દ્વારા એ એકતા ઘણે અંશે સિદ્ધ થઈ. ભગવાન ગૌતમ બુદ્ધના સ્મરણનું મહાન પર્વ ગયા મહિનાની ચોવીસમી તારીખે ઊજવાયું ત્યારે મુખ્યત્વે એમના ઉપદેશો વડે આ એકતા કેવી રીતે સધાઈ એ જોવું ઉચિત થશે, એટલું જ નહિ, પંચશીલનો સિદ્ધાંત નવા અર્થવિસ્તારથી આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે સ્વીકારાતો જાય છે ત્યારે ભવિષ્ય માટે પણ કંઈક ઉપયોગી થશે. ચીન અને ભારતના પ્રાચીન સાંસ્કારિક સંપર્કનો ટૂંકો વૃત્તાન્ત આ પહેલાંના લેખમાં મેં આપ્યો છે. પૌરાણિક ભૂગોળમાં વર્ણવેલ ‘ત્રિવિષ્ટપ’ હિમાલયની પેલી મેર અને ચીનની પડોશમાં આવેલું તિબેટ છે એમ મનાય છે. જાપાનના પ્રાચીન શિન્ટો ધર્મની જેમ તિબેટમાં બોન ધર્મ પ્રચલિત હતો. ‘બોન’નો શબ્દાર્થ ‘પવિત્ર' એવો થાય છે. એમાં સ્થાનિક તિબેટ તેમ જ ઉત્તર ભારતીય લોકધર્મોના અંશો એકત્ર થયા હતા. તિબેટના એક રાજ્યકર્તાએ ભારતીય લિપિનો અભ્યાસ કરવા માટે તથા બૌદ્ધ ધર્મગ્રંથોની નકલો તિબેટમાં લાવવા માટે એક વિદ્વાન રાજદૂતને ભારતમાં મોકલ્યો. આ રાજદૂતે પોતાની કામગીરી બહુ સફળતાથી બજાવી; ઉત્તર ભારતની તત્કાલીન લિપિ ઉપર રચાયેલી એક લિપિ તેણે પોતાના દેશને આપી અને તે દ્વારા તિબેટની ભાષામાં બૌદ્ધ ધર્મગ્રંથોનું ભાષાંતર કર્યું. તથાગતની મૂર્તિ આસપાસ તિબેટનો દેવતાસમૂહ ઊભો થયો. પ્રાચીનતર ભારતીય બૌદ્ધધર્મ, પછીના સમયનો તાંત્રિક બૌદ્ધધર્મ અને તિબેટનો જૂનો બોનધર્મ એ ત્રણેના મિશ્રણ અને આદાનપ્રદાનમાંથી તિબેટનો વિશિષ્ટ બૌદ્ધધર્મ તથા લામા-વાદ પેદા થયો, જે આજ સુધી લગભગ અવિચ્છન્ન રૂપે ચાલુ છે. ભારતીય, ચીના અને તિબેટના વિદ્વાનોની અનુવાદપ્રવૃત્તિને કારણે જ ભારતમાં જેમનાં નામ પણ ભુલાઈ ગયાં છે એવા પાલિ અને સંસ્કૃત ગ્રંથો ચિનાઈ અને તિબેટનાં ભાષાંતરો રૂપે સચવાયા છે. તિબેટની તાંજુર અને કાંજુરની ગ્રંથમાળાએ ભારત અને તિબેટના પ્રાચીન સાહિત્ય ઉપર તેમ જ બૌદ્ધધર્મના ઇતિહાસ ઉપર કિંમતી પ્રકાશ પાડે છે. પંદરમા સૈકામાં થયેલા લામા તારાનાથે તિબેટનો પરંપરાગત ઇતિહાસ લખ્યો છે; એ ઇતિહાસનાં જર્મન અને અંગ્રેજીમાં ભાષાંતર થયાં છે; એમાંથી તિબેટ અને ભારત એ બંને દેશોનાં ધર્મ અને કલા વિષે ઘણી જાણવા જેવી હકીકત મળે છે. ચીન અને તિબેટમાંથી કોરિયા અને જાપાનને બૌદ્ધધર્મ અને કલા મળ્યાં. ઈસવી સનની ચોથી સદીમાં કોરિયા દેશ ત્રણ રાજ્યોમાં વહેંચાયેલો હતો. ઉત્તરમાં કોગુર્ય, નૈઋત્યમાં પાકચે અને અગ્નિખૂણે શિલ્લ. પડોશના ચિનાઈ રાજ્યમાંથી એક બૌદ્ધ સાધુ, જે જન્મે તિબેટન હતો તેણે કોગુર્યના રાજાને બુદ્ધની મૂતિઓ અને ધર્મગ્રંથ મોકલ્યા તથા બૌદ્ધધર્મ સ્વીકારવા વિનંતી કરી. કોગુર્યના રાજાએ આ વિનંતી સ્વીકારી અને એ સાધુને પોતાના યુવરાજના શિક્ષક અને ઉપદેશક તરીકે નીમ્યો. થોડાં જ વર્ષમાં એ રાજ્યમાં વિદ્યાક્લાનો એટલો વિસ્તાર થયો કે પડોશના પાકચેના રાજાએ પણ એક વિદ્વાન બૌદ્ધ આચાર્ય પોતાને ત્યાં મોકલવા માટે ચીનના સમ્રાટને વિનંતી કરી. સમ્રાટે મારાનંદ નામે એક વિખ્યાત ભારતીય બૌદ્ધસાધુને મોકલ્યો. કોરિયાના ત્રીજા રાજ્ય શિલ્લમાં પણ પાંચમા સૈકાના આરંભમાં બૌદ્ધ ધર્મનો પ્રવેશ થયો. એક શ્યામવર્ણ બૌદ્ધ આચાર્ય, જે દક્ષિણ ભારતના નિવાસી દ્રાવિડ વિદ્વાન હશે એમ કેટલાક માને છે, તેઓ જે ગુફામંદિરમાં વસતા હતા એની દીવાલો સુશોભિત કરવા માટે શિલ્લના રાજાએ ચિત્રકારો મોકલ્યા હતા. આ ચિત્રો આજ સુધી મોજૂદ છે અને કોરિયા જેવા દૂર દેશમાં ભારતની પ્રાચીન ચિત્રકલાનું અવિસ્મરણીય સાતત્ય રજૂ કરે છે. જગતની કદાચ જૂનામાં જૂની વિદ્યમાન વેધશાળા તેરસો વર્ષ પહેલાં કોરિયામાં બંધાઈ. લાકડાની તકતી ઉપર અક્ષરો કોતરીને મુદ્રણ કરવાની કળા યુરોપમાં શોધાઈ તેનાથી બે સદી પહેલાં, ઈ. સ. ૧૨૧૮ આસપાસ, સંપૂર્ણ બૌદ્ધ ધર્મ ગ્રન્થો એ રીતે કોરિયામાં છપાયા હતા. કોરિયાના રાજાની વિનંતીથી છઠ્ઠા સૈકામાં જાપાનના રાજાએ પોતાના દેશમાં બૌદ્ધધર્મને આવકાર આપ્યો. જાપાનના પ્રાચીન શિન્ટો ધર્મને સંમત એવી પૂર્વજપૂજામાં માનનારા અમીરોએ નવા ધર્મનો કેટલોક વિરોધ કર્યો, પણ છેવટે તો શિન્ટો ધર્મ, કોન્ફુશિયસના ઉપદેશો અને નવા આવેલા બૌદ્ધધર્મના સમન્વયમાંથી એકતા અને સહિષ્ણુતાની એક નવી પ્રવૃત્તિ શરૂ થઈ. જાપાનની કલા અને વિદ્યાપ્રવૃત્તિ ઉપર એની બહુ સુભગ અસરો થઈ. નવાં નવાં મંદિરો બંધાવા લાગ્યાં; ‘દાઈ બુસ્તુ’ અથવા ‘લોકોત્તર બુદ્ધ'ની કાંસાની વિશાળ પ્રતિમાઓ અને લાકડાની પ્રમાણમાં નાની પ્રતિમાઓ કલાકારોએ બનાવવા માંડી. ભારતના બૌદ્ધસ્તૂપ, ચીનમાં અને જાપાનમાં જેને ‘પેગોડા' તરીકે ઓળખવામાં આવે છે તે સ્વરૂપ પામ્યો. બૌદ્ધધર્મ અને કલા પહેલાં ચીન અને કોરિયા મારફત જાપાનમાં આવ્યાં, પણ પછી ગુપ્તકાળમાં તો ભારતમાંથી જ કલાકારો જાપાન ગયા. જાપાનની પ્રાચીન ચિત્રકલાને ભારતમાંથી પોષણ મળ્યું. આઠમી સદીના આરંભમાં જાપાનમાં હિર્યુજી નામે સ્થાનમાં આવેલા મંદિરમાં અજંટાની શૈલીએ દોરેલાં સુંદર ભીત્તિચિત્રો છે અને આ પુરાતન કલાવારસાનું સંરક્ષણ જાપાનની સરકાર બહુ કાળજીપૂર્વક કરી રહી છે. આઠમા સૈકામાં થયેલો જાપાનનો સમ્રાટ શોમુ પોતાને ‘બુદ્ધ, ધર્મ અને સંઘના દાસ' તરીકે ઓળખાવતો અને તેની આજ્ઞાથી તૈયાર થયેલી બુદ્ધની વિરાટકાય પ્રતિમા જગતભરની ઢાળેલી કાંસાની પ્રતિમાઓમાં સૌથી વિશાળ છે. કોરિયા અને જાપાને ગુપ્તકાળ પછીની જૂની ભારતીય વર્ણમાળા સહિત સંસ્કૃત ભાષા ચીન મારફત મેળવી. ગુપ્તકાળ પછીની આ વર્ણમાળા હજી પણ જાપાનમાં બૌદ્ધ ધર્મના કેટલાક તાંત્રિક સંપ્રદાયોમાં પ્રચલિત છે. સાતમી સદીમાં અને ત્યાર પછી તાડપત્ર ઉપર લખાયેલી કેટલીક ભારતીય હસ્તપ્રતો આજ સુધી જાપાનમાં જળવાઈ રહેલી છે. આપણે જોયું કે ચીન અને ભારતનો સર્વ પ્રથમ સંપર્ક મધ્ય એશિયા મારફત થયો હતો. વેપારી કાફલાઓ ભારતમાંથી કપિશા અથવા કાબુલ અને ત્યાંથી મધ્ય એશિયા થઈને ચીન જતા, અને સાધુઓ તથા ધર્મપ્રચારકો પણ એ માર્ગે જતા. વાયવ્ય સરહદ અને. અફઘાનિસ્તાનનો પ્રદેશ એક વાર બૌદ્ધસ્તૂપો અને મઠોથી વ્યાપ્ત હતો, અને એક તરફ ભારતીય તથા બીજી તરફ ગ્રીક અને ઈરાની કલાસંપ્રદાયોના સંમિશ્રણથી જન્મેલા, ગાંધારશૈલી નામે ઓળખાતા બૌદ્ધ કલાસંપ્રદાયનો જન્મ પણ ત્યાં થયો હતો. મૂર્તિવાચક ફારસી શબ્દ ‘બૂત' ઈરાનમાં બુદ્ધની મૂર્તિઓ કેટલી બધી પરિચિત હતી એ બતાવે છે. ભારતમાંથી ચીન ગયેલા અને ચીનથી ભારત આવેલા યાત્રીઓના વૃત્તાંતો ઉપરથી જણાય છે કે મધ્ય એશિયામાં તુખાર બદક્ષાન, કાશ્ગર, કૂચી, ખોતાન, તુરફાન વગેરે બૌદ્ધધર્મનાં કેન્દ્રો હતાં. આ બધા વૃત્તાંતને છેવટનાં કેટલાંક વર્ષોમાં થયેલા પુરાવસ્તુઅન્વેષણને પરિણામે પૂરો ટેકો મળ્યો છે. ગાંધારકલા તથા અજંટાની કલા સાથે સામ્ય ધરાવતી કાંસાની, પકવેલી માટીની તથા લેપ્યમય વસ્તુઓ, અલંકારો, રત્ન અને સિક્કા ત્યાંથી મળ્યાં છે. સ્તૂપો અને મંદિરોના અવશેષો પણ એ દટાયેલી સંસ્કૃતિમાંથી પ્રાપ્ત થયા છે. બૌદ્ધસાહિત્યના કેટલાયે વિરલ ગ્રંથો અથવા ગ્રંથોના ટુકડા મધ્ય એશિયાનાં આ ખંડેરોમાંથી મળ્યા છે. સંસ્કૃત સાહિત્યની વિરલ કૃતિઓમાં બૌદ્ધ કવિ અશ્વઘોષકૃત નાટક ‘શારિપુત્રપ્રકરણ' તથા સંખ્યાબંધ મહાયાન ગ્રંથો ગણાવી શકાય. આયુર્વેદનો જૂનામાં જૂનો યોગસંગ્રહ એટલે કે દવાનાં મિશ્રણોના સંગ્રહ ‘નાવનીતક,’ જે ચોથા સૈકા આસપાસ રચાયો છે, એની લગભગ એ જ અરસામાં લખાયેલી પોથીના ટુકડાઓ કાશ્ગરમાંથી મળેલાં છે. એમાં नमस्तथागतेभ्यः એવું નમસ્કારવચન છે તે ઉપરથી એનો કર્તા બૌદ્ધ હોવો જોઈએ. આયુર્વેદના પ્રખર અભ્યાસી ડૉ. હર્નલે આ ગ્રંથ છપાવ્યો છે, પણ એની હસ્તપ્રત સૌ પહેલાં કર્નલ બાવરને મળી હતી, તેથી પુરાવિદોમાં તે ‘બાવર મેન્યુસ્ક્રિપ્ટ' તરીકે પ્રસિદ્ધ છે. મધ્ય એશિયામાંથી મળેલી અનેક રસપ્રદ પ્રાચીન ચીજોનું સંગ્રહાલય નવી દિલ્હીમાં રાખવામાં આવ્યું છે. ભારતની પડોશમાં આવેલા બ્રહ્મદેશમાં પાલિ અને બીજા આ શિલાલેખો ઈસવીસનની પાંચમી- છઠ્ઠી સદીથી મળે છે અને તે પહેલાં સૈકાઓથી મગધ અને બ્રહ્મદેશ વચ્ચે જળમાર્ગે સંપર્ક હતો એના પુરાવા છે. બ્રહ્મદેશની ધાર્મિક ભાષા તરીકે પાલિ એકચક્રે રાજ્ય કરે છે. તેણે બ્રહ્મી ભાષાને સેંકડો શબ્દો આપ્યા છે તેમ જ એના સાહિત્યને પ્રેરણા આપી છે. પાલિસાહિત્યનો વિસ્તાર અને મહત્ત્વ વધારવામાં બ્રહ્મી વિદ્વાનોએ પણ ભાગ લીધો છે. પાલિ જેવી ભારતીય ભાષાનું સાહિત્ય દેવનાગરી લિપિમાં છાપવાનો આરંભ તો થોડાક દશકાથી જ થયો છે; એ પહેલાં પાલિ ત્રિપિટકો વાંચવા ઇચ્છનારે બ્રહ્મી અને સિંહાલી લિપિ જાણવી પડતી. અગ્નિ એશિયાના દેશો સિવાય, કંબોડિયા અને ચંપા અથવા અનામમાં સેંકડો વર્ષ પૂર્વે ભારતીય સંપર્ક અને સંસ્કૃત ભાષાએ પ્રવેશ કરેલો છે. આપણી ભાષાના શબ્દભંડોળમાં સંસ્કૃતનું જેવું સ્થાન છે, લગભગ તેવું જ સ્થાન સિયામની ભાષામાં છે. જાવા, સુમાત્રા અને બાલિનાં સેંકડો સ્થળનામો અને વિશેષનામો સંસ્કૃત મૂળનાં છે, સ્થાનિક ઇન્ડાનેશિયાઈ તત્ત્વોથી મિશ્રિત થયેલો હિંદુધર્મ આજે પણ બાલિ ટાપુના એક લાખ વતનીઓમાંથી ૯૯ ટકાનો ધર્મ છે. આ બધા પ્રદેશોમાં હિંદુ અને બૌદ્ધ સ્થાપત્યાવશેષો ઠેર ઠેર વેરાયેલા છે, જેમાં જાવાનું બોરોબુધુરનું મંદિર સૌથી પ્રસિદ્ધ છે. પૂર્વ અને પશ્ચિમના જળમાર્ગમાં ચાવીરૂપ સ્થાને આવેલ સિલોનની સિંહાલી ભાષા ભારતીય આર્યભાષાકુળની છે. ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં સિંહપુર અથવા શિહોરના રાજકુમાર વિજયે સિલોનમાં વસાહત સ્થાપી એની સાથે આ ભાષાનું પૂર્વરૂપ ત્યાં ગયું હશે. સમ્રાટ અશોકના પુત્ર મહેંદ્ર અને પુત્રી સંઘમિત્રાએ સિલોનમાં બૌદ્ધધર્મનો પ્રચાર કર્યો ત્યારથી આજ સુધી સિલોન બૌદ્ધધર્મનું મોટું કેંદ્ર છે, અને પાલિ ત્રિપિટકોના અધ્યયન માટેની ‘ત્રિપિટકાચાર્ય’ની સર્વોચ્ચ પદવી ત્યાંના મઠોમાં અપાય છે. આમ બુદ્ધના ઉપદેશોના વિસ્તારનું જાણે કે એક પ્રકાશવર્તુળ ભારતની આસપાસ રચાયું છે. અઢી હજાર વર્ષ થયા છતાં એની આભા ઝાંખી પડી નથી, બલકે વધુ દીપ્તિમય બની છે. એશિયાની સાંસ્કારિક અને આધ્યાત્મિક એકતાનું સૌથી મોટું રહસ્ય એમાં રહેલું છે.

[‘અખંડ આનંદ', જૂન ૧૯૫૬]