અન્વેષણા/૧૩. રાષ્ટ્રમુદ્રા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાષ્ટ્રમુદ્રા



આપણા રાષ્ટ્રની મુદ્રા અથવા ‘સીલ ’એટલે સારનાથના અશોક સ્તંભનું સિંહશિખર. લગભગ બાવીસસો વર્ષ પર થઈ ગયેલા સમ્રાટના કલાપ્રેમ, ધર્મપ્રેમ બલકે માનવપ્રેમના પ્રતીકરૂપ આ અત્યુત્તમ શિલ્પાકૃતિને રાષ્ટ્રમુદ્રા તરીકે સ્વીકારીને આપણા રાષ્ટ્રવિધાયકોએ સાચે જ એક અતિયોગ્ય પગલું ભર્યું છે. પ્રાચીનકાળમાં રાજાઓની અને રાજ્યોની મુદ્રાઓ હતી, અને રાજ્યવહીવટમાં મુદ્રા એક અતિ અગત્યની વસ્તુ હતી, પરંતુ જે અર્થ આજે આપણે ‘રાષ્ટ્રમુદ્રા’નો કરીએ છીએ એ અર્થમાં આખા રાષ્ટ્રની અથવા દેશની કોઈ પ્રતીકરૂપ મુદ્રા એ કાળે હોય એમ જણાતું નથી; કેમકે ‘રાષ્ટ્ર'નો’ અર્થ તો પશ્ચિમની અસરથી આપણે નવો વિકસાવેલો છે. પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં તો ‘રાષ્ટ્ર’ એટલે ‘રાજ્ય’ અને ‘રાષ્ટ્રપતિ' એટલે રાજા. મહાભારતમાં અનેક સ્થળે રાજા યુધિષ્ઠિરને ‘રાષ્ટ્રપતિ' કહ્યા છે અને ઋગ્વેદના ‘વાગાંભૃણિસૂક્ત’માં વાગ્દેવી પોતાને ‘રાષ્ટ્રી' એટલે કે રાણી તરીકે ઓળખાવે છે. લાંબા પરદેશી રાજ્યઅમલમાંથી સ્વતંત્ર થઈ તે હિંદ જ્યારે સર્વ દિશામાં પોતાની મુક્ત પાંખો ફફડાવી રહ્યું છે ત્યારે— જ્યારે હિંદ સદીઓ પછી પહેલી જ વાર, બહારથી નહિ લદાયેલી એવી, રાજકીય એકતા અનુભવી રહ્યું છે ત્યારે, એની આશા અને આકાંક્ષાઓનાં સૂચક જે રાષ્ર્ાપ્રતીકો યોજવામાં આવ્યાં છે તે વસ્તુતઃ જૂનાં હોવા છતાં એની યોજનામાં નવાં છે. એવું જ એક પ્રતીક આપણી રાષ્ટ્રમુદ્રા છે. અશોકનું જે સિંહશિખર આપણી રાષ્ટ્રમુદ્રા બન્યું છે તે હિંદી સરકારના પુરાતત્ત્વ ખાતાએ બનારસ પાસેના સારનાથમાં સને ૧૯૦૫માં કરાવેલાં ખોદકામોમાં મળ્યું હતું. ભગવાન બુદ્ધના પ્રથમ ધર્મોપદેશનું સ્થાન હોવાથી સારનાથ એકવાર બૌદ્ધોનું મોટું તીર્થધામ હતું અને હવે સૈકાઓની વિસ્મૃતિ પછી ફરી પાછુ એ જગતભરના બૌદ્ધો અને બુદ્ધપ્રેમીઓને આકર્ષી રહ્યું છે. આ સ્થાનમાં પૂર્વે ‘મૃગદાવ’ એટલે કે મૃગવન નામે એક ઉદ્યાન આવેલું હતું. એ વિષે એવી એક જાતકકથા છે કે બુદ્ધ પોતાના એક પૂર્વેજન્મમાં એ વનમાં હરણોના રાજા હતા. વારાણસીનો રાજા આ વનમાંથી ઘણાં હરણોનો શિકાર કરી જતો હતો તે અટકાવવા તેમણે રાજાને દરરોજ એક હરણ આપવાનું કબૂલ કર્યું. પછી એકવાર એક સગર્ભા હરણીનો વારો આવ્યો ત્યારે હરણીની સાથે તેના નિર્દોષ ગર્ભનો પણ નાશ ન થાય એ માટે બોધિસત્ત્વ પોતે રાજા પાસે જવાને તૈયાર થયા, પણ તેમનો આ આત્મભોગ જોઈને રાજાએ પોતે જ હરણોની હિંસા બંધ કરી. સારંગ અથવા હરણનું નિવાસસ્થાન હોવાથી આ જગ્યાનું નામ સારંગનાથ-સારનાથ પડયું હશે એવું કેટલાકનું માનવું છે. એ વનમાં ઋષિઓ તપશ્ચર્યા કરતા હોવાને કારણે તે ઋષિપત્તન-ઋષિઓનું નગર પણ કહેવાતું. બુદ્ધગયામાં બોધિ પ્રાપ્ત થયા પછી ગૌતમ બુદ્ધ પર્યટન કરતા આ મૃગદાવમાં આવ્યા. અગાઉ જે પાંચ અનુયાયીઓ તેમનાથી છૂટા પડી ગયા હતા તે અહીં એમને મળ્યા અને એમના શિષ્ય બન્યા. ભગવાન બુદ્ધે પોતાનું પહેલું ધાર્મિક પ્રવચન અહીં જ કર્યું. અને આ રીતે તેમના ધર્મચક્રપ્રવર્તનનો આરંભ થયો. આ રીતે સારનાથ બૌદ્ધ ધર્મનાં પવિત્રતમ સ્થાનો પૈકીનું એક ગણાયું. ગૌતમ બુદ્ધ પછી આશરે ત્રણસો વર્ષે થયેલા સમ્રાટ અશોકે પોતાના કલિંગવિજય પછી લોહિયાળ યુદ્ધોથી ત્રાસીને વિજયયાત્રા બંધ કરીને ધર્મયાત્રાનો પ્રારંભ કર્યો. બૌદ્ધ ધર્મની ગાઢ અસર નીચે આવેલા એ શાસકે દેશ અને પરદેશમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. પોતાના વિશાળ સામ્રાજ્યના દૂરદૂરના પ્રદેશમાં શિલાલેખો કોતરાવીને સર્વ પ્રજાજનોને પરમતસહિષ્ણુ, દયાળુ અને પ્રામાણિક બનવા સમજાવ્યાં અને એ જ આદેશ પોતાના અમલદારોને પણ આપ્યો. અશોકનાં આ શાસનો તેની ધર્મલિપિઓ તરીકે ઓળખાય છે. પણ બહુજનસમાજના માનસ ઉપર ધર્મરાજ્યની દૃઢ અસર નિપજાવવા માટે અશોકે બીજો એક વધુ મૌલિક માર્ગ લીધો. એ માર્ગ તે પોતાના રાજ્યમાં, બુદ્ધના ચરણસ્પર્શથી પાવન થયેલાં સ્થળોમાં, જાણે કે તેમના ધર્મરાજ્યના પ્રતીક હોય એવા ઊંચા સ્તંભો ઊભા કરવાનો. પોતાના રાજકાળમાં અશોકે અનેક સ્તૂપો બાંધ્યા હતા; એમાંનો એક સ્તૂપ સારનાથમાં પણ હતો. પણ ધર્મલિપિ અથવા સ્તૂપ કરતાંયે બુદ્ધના ધર્મરાજ્યનું વધુ સબળ પ્રતીક તેણે. સ્તંભને ગણ્યું હોય એમ જણાય છે. અશોકની પૂર્વે પણ કોઈ પ્રકારના ધર્માંસ્તંભો હિંદમાં બનતા હશે જ. યજ્ઞનો યૂપ, ઇન્દ્રમહોત્સવનો ઇન્દ્રકીલ અથવા ઇન્દ્રસ્તંભ વગેરે ધાર્મિક વિધિઓના પ્રતીકરૂપ સ્તંભો હતા; પરંતુ એ બધા તો લાકડાના બનતા હતા. એ જ કારણથી અશોકની પહેલાંના કોઈ સ્તંભ બચ્યા નથી; કદાચ અશોકે જ લાકડાના સ્તંભોને સ્થાને પથ્થરના સ્તંભો પહેલવહેલા દાખલ કર્યા હોય. ગમે તેમ હોય, પણ એટલું તો નિશ્ચિત છે કે હિંદુની સ્થાપત્યકલાના પ્રાપ્ત નમૂનાઓમાં અશોકના સ્તંભો જેમ સર્વશ્રેષ્ઠ છે તેમ સર્વપ્રથમ પણ છે. અશોકે પોતાના રાજ્યમાં ઓછામાં ઓછાં ત્રીસ સ્થળોએ આવા સ્તંભો ઊભા કર્યા હતા. એમાંના કેટલાક તો આજે પણ તદ્દન અખંડ દશામાં જળવાયેલા છે; એ પૈકી દસ સ્તંભો ઉપર એ સમયની બ્રાહ્મી લિપિમાં કોતરેલા લેખો પણ છે. એમાંનો પ્રત્યેક સ્તંભ એક જ પથ્થરમાંથી ઊભો કરવામાં આવેલો છે અને એ પૈકી સર્વથી મોટા સ્તંભનું વજન લગભગ પચાસ ટન થાય છે. આ સર્વ સ્તંભો ચુનારગઢ પાસેની એક જ ખાણમાંથી કાઢવામાં આવેલા ભૂખરા રંગના ખાસ પથ્થરમાંથી બનાવેલા છે. આ બૃહત્ સ્તંભોને ઘડવાનું અને અશોકના વિશાળ સામ્રાજ્યના જુદાજુદા ભાગોમાં વહી જઈને સબળ રીતે ઊભા કરવાનું કાર્ય જે રીતે થયું છે એ બતાવે છે કે અશોકના યુગના શિલ્પીઓ અને સ્થપતિઓ જગતના કોઈ પણ પ્રદેશના અથવા કોઈ પણ સમયના કારીગરો કરતાં ઊતરતા નહોતા. આ સર્વ સ્તંભોના શિખર ઉપર ઘણુંખરું કોઈ પ્રાણીનું શિલ્પ હોય છે; તેમ જ વિવિધ ધાર્મિક પ્રતીકો તે ઉપર કોતરેલાં હોય છે. કેટલાક વિદ્વાનો આ પ્રકારના સ્તંભોમાં ઈરાની અને ગ્રીક કલાની અસર જુએ છે. મૌર્ય રાજ્યકાળમાં પાટનગર પાટલિપુત્રમાં જ માત્ર નહિ, પરંતુ પ્રાંતિક પાટનગરોમાંયે ઈરાન વગેરે એશિયાઈ દેશોના વતની બનેલા ગ્રીકો અને ઈરાનીઓની ઠીકઠીક વસ્તી હતી. અશોકના સ્તંભો સાથે રચના અને કારીગરીની બાબતમાં સરખાવી શકાય એવા સ્તંભો ઈરાનમાંથી મળેલા છે અને મૌર્યયુગ પૂર્વે આવું એક પણ નોંધપાત્ર પાષાણમય ભારતીય સ્મારક મળતું નથી, એ બધી વસ્તુઓ આ માન્યતાની પોષક છે. પણ અશોકના સ્તંભોની કદાચ સૌથી વધુ નોંધપાત્ર લાક્ષણિકતા અદ્ભુત પૉલિશ છે. ઉત્તમ બાંધકામ કરનારા પ્રાચીન જગતના બે દેશો ગ્રીસ અને મિસરની કલામાં બાંધકામની ‘કાચ જેવી ચળકતી સપાટી'ને ખૂબ મહત્ત્વ અપાયું છે, છતાં એ મહાન દેશોનાં સ્થાપત્યસર્જનો પૈકી એકેય, મૌર્ય યુગના કારીગરોએ શિલ્પરચનામાં સાધેલી લગભગ મીનાકારી જેવી સફાઈની તોલે ભાગ્યે જ આવી શકે એમ છે. ઈસવીસન પૂર્વે ત્રીજા સૈકામાં પથ્થર ઉપર થયેલી આ પૉલિશ આઠસો વર્ષ પછી પણ એટલી બધી આકર્ષક હતી કે પાંચમા સૈકામાં હિંદમાં આવેલો ચીની યાત્રાળુ ફાહ્યાન વર્ણવે છે કે ‘એ કાચની જેમ ચળકતી હતી.' આજે બાવીસસો વર્ષ પછી પણ આ ભારતીય કૃતિઓની ચમક કંઈ બહુ ઝાંખી પડી નથી. મૌર્ય યુગની શિલ્પ-સ્થાપત્યકૃતિઓની આદર્શ-દર્પણ જેવી (आयंसभूए) પૉલિશનું સુન્દર વર્ણન જૈન આગમગ્રન્થોમાં છે. સાધારણ કોટિના પથ્થરોમાંથી બનેલા અશોકના સ્તંભો મુખ્યત્વે એ પૉલિશને કારણે જ સચવાઈ રહેલા છે. ઈસવીસન પૂર્વે પહેલી સદીથી આ કલા હિંદમાંથી લુપ્ત થઈ ગયેલી છે અને ત્યાર પછીની કોઈ શિલ્પરચનામાં હજી સુધી તે જોવામાં આવતી નથી. સારનાથનો સ્તંભ એ અશોકના સ્તંભો પૈકી કલાદૃષ્ટિએ સર્વોત્તમ છે. અગિયારમા સૈકામાં મહમ્મૂદ ગઝનવીએ અને બારમા સૈકામાં શાહબુદ્દીન ઘોરીએ સારનાથ જીત્યું અને લૂટ્યું, ત્યારે ત્યાંના કેટલાયે વિહારો, સ્તૂપો, મંદિરો અને મૂર્તિઓનો નાશ થયો હતો. એ સમયે આ ભવ્ય સ્તંભને પણ ખંડિત કરવામાં આવ્યો હશે એમ જણાય. છે. અત્યારે એ સ્તંભ ખંડિત દશામાં તેના મૂળ સ્થાન ઉપર ઊભેલો છે. અસલ સ્તંભ આશરે ૫૫ ફીટ ઊંચો હતો. આ સ્થંભનો અગ્રભાગ – એનું સિંહશિખર એના દંડથી છૂટું પડી ગયેલું હોઈ સારનાથના સંગ્રહસ્થાનમાં રાખવામાં આવેલું છે. સિંહશિખરની ઊંચાઈ પણ સાત ફીટની છે. એમાં સૌથી નીચે ઉલટાવેલી પાંખડીવાળા એક સુંદર પદ્મની આકૃતિ કોતરેલી છે. પદ્મની ઉપરના ગોળાકાર ફલક ઉપર ચાર દિશાઓમાં હાથી, વૃષભ, અશ્વ અને સિંહ –એ ચાર બળવાન પશુઓની ગતિદર્શક આકૃતિ છે અને તેમની વચમાં એકાંતરે ચોવીસ આરાવાળાં ચાર ધર્મચક્ર કોતરેલાં છે એની ઉપર ચાર દિશામાં મુખ રાખીને ચાર સિંહ ઊભેલા છે. અગાઉ આ સિંહોની પણ ઉપર – સમગ્ર સ્તંભના શિરોભાગમાં લગભગ ૨।।। ફીટ વ્યાસનું એક વિશાળ ધર્મચક્ર રહેતું હતું. અત્યારે તો એના કેટલાક ટુકડા જ સચવાઈ રહેલા છે. આ સ્તંભની રચનામાં ભાવપ્રતીકોનો અદ્ભુત કુશળતાથી ઉપયોગ કરવામાં આવેલો છે. પહેલી વસ્તુ તો એ કે સારનાથમાં બુદ્ધે કરેલા પોતાના પ્રથમ ધર્મોપદેશનું એ સ્મારક છે. શિખર ઉપરના સિંહને કેટલાક વિદ્વાનો શાક્યસિંહ તરીકે ઓળખાતા બુદ્ધના પ્રતીકરૂપ ગણે છે. ફલક ઉપરનું ધર્મચક્ર તથા ગતિમાન પશુ-આકૃતિઓ એ ચક્રનું પ્રવર્તન ચારે દિશામાં થયું હોવાનું સૂચવે છે. આ પ્રતીકો સાથે સંયોજિત થયેલી ઉત્તમ કારીગરી પરત્વે હિંદી સરકારના પુરાતત્ત્વ ખાતાના એક વારના વડા જહોન માર્શલ લખે છે : ‘ આ આકૃતિઓ અદ્ભુત ચેતનભરી અને સ્વાભાવિક છે અને શિલ્પકલાની સર્વ મહાન કૃતિઓના પ્રાણરૂપ સાદાઈ અને સંયમથી તેની રચના થયેલી છે. સાચે જ આની તોલે આવે એવું બીજું એકે શિલ્પ હિંદે પેદા કર્યું નથી.’ સુપ્રસિદ્ધ ઇતિહાસકાર અને કલાવિવેચક વિન્સેન્ટ સ્મિથ એ વિષે જણાવે છે: ‘આ સુંદર ક્લાકૃતિ કરતાં ચઢિયાતો -અરે, એની તોલે આવે એવા પ્રાણીશિલ્પનો પ્રાચીન નમૂનો કોઈ પણ દેશમાંથી શોધી કાઢવો મુશ્કેલ પડશે, જેમાં વાસ્તવદર્શી રચના અને ભાવનાત્મક ગાંભીર્યનું આટલી સફળતાથી સંયોજન થયું હોય અને પ્રત્યેક વિગતમાં આટલી નખશિખ કુશળતાથી જેનું આલેખન થયું હોય.’ આ ઉપરથી તો એમ જ કહેવું પ્રાપ્ત થાય કે જેમ પ્રતિભાશાળી કવિને કોઈ ધન્ય પળે અદ્ભુત કલ્પના સ્ફુરે તેમ આપણા રાષ્ટ્રવિધાયકોને સારનાથનું સિંહશિખર આપણી રાષ્ટ્રમુદ્રા તરીકે સ્વીકારવાનો વિચાર સ્ફૂર્યો. એ ઉપરનું ચક્ર કોઈ સંકુચિત ધાર્મિક પ્રતીક નથી. વિશ્વવ્યવસ્થાની ભાવનાને ચક્રનું રૂપક આપવાની કલ્પના બુદ્ધ કરતાં યે ઘણી પ્રાચીન છે. મૂળ તો ચક્ર એ સૂર્યનું પ્રતીક હતું. વિષ્ણુ એ પ્રાચીનતર સૂર્યદેવનું રૂપાંતર છે અને તેમના હાથમાંનું સુદર્શનચક્ર પણ સૂર્યનું જ પ્રતીક હોય એ સંભવિત છે, ઋગ્વેદમાં ત્રણ ઋતુ, બાર માસ ને ત્રણસો સાઠ દિવસના વર્ષને ત્રણ ધરી, ત્રણ પૂઠિયાં અને ત્રણસો સાઠ આરાવાળા એક ચક્રનું રૂપક આપવામાં આવ્યું છે. કાળની અનંતતાના પ્રતીકરૂપ આપણી યુગોની કલ્પના પણ એક ચક્રરૂપે જ વિકસી છે. પ્રાચીનતમ ભારતીય સંસ્કૃતિ વિકસિત સ્વરૂપમાં પ્રથમવાર જ્યાં જોવા મળે છે ત્યાં–મેાંહેં–જો–દડો અને હડપ્પાનાં અવશેષોમાં પણ ચક્ર અને બિંબની આકૃતિઓ છે. આમ ચક્ર એ તો ભારતીય ચિંતન-સૃષ્ટિનું એક વિશિષ્ટ પ્રતીક છે. સારનાથના સિંહશિખરનું આપણું રાષ્ટ્રપ્રતીક તરીકેનું ઔચિત્ય બીજી રીતે પણ છે. પ્રાચીન ભારતીય શિલ્પકલાના એ સર્વોત્તમ નમૂનો છે. સેંકડો વર્ષ પૂર્વે, વ્યાપક માનવહિતની ભાવનાથી વિજયયાત્રાને બદલે ધર્મયાત્રામાં ચિત્ત જોડનાર, સુરાજ્યપ્રવર્તક તત્ત્વજ્ઞાની સમ્રાટ અશોકે સ્થાપેલાં સ્મારકો પૈકીનું તે એક છે; અને સૌથી વધારે તો, અઢી હજાર વર્ષ પૂર્વે માનવપ્રેમની ઘોષણા કરીને, વેરથી વેર શમતાં નથી, પ્રેમથી જ વેર શમે છે’ એમ પોકારનાર જગજ્જ્યોતિ શાક્યસિંહની ધર્મદેશનાનું એ પ્રતીક છે, જેનું પુનરાવર્તન આપણને એવા જ મહાન જગજ્જ્યોતિ મહાત્મા ગાંધીજીના અદ્ભુત જીવન અને એથી યે અદ્ભુત મરણમાં જોવા મળ્યું. આમ આપણી રાષ્ટ્રમુદ્રા એ આપણા દેશ અને સંસ્કૃતિનાં સર્વોત્તમ તત્ત્વોનું સૂચન કરે છે. વ્યક્તિગત તેમ જ સામાજિક જીવનમાં એને અનુરૂપ આચરણ કરવાનું પ્રભુ આપણને સામર્થ્ય આપો.

[‘અખંડ આનંદ', જાન્યુઆરી ૧૯૫૦]