અન્વેષણા/૧૪. પ્રાચીન ભારતમાં વહાણવટ અને નૌકાસૈન્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રાચીન ભારતમાં


વહાણવટ અને નૌકાસૈન્ય



ભારતનો વિશાળ સમુદ્રકિનારો તથા એનાં મેદાનોમાં વહેતા મહાનદોને કારણે એના વહાણવટાનો અને નૌકાસૈન્યનો ઇતિહાસ ઘણો પ્રાચીન અને વિવિધતાભર્યો છે. એક તરફ પશ્ચિમ એશિયાના, આફ્રિકાના અને યુરોપના દેશો સાથે અને બીજી તરફ દક્ષિણ એશિયા, દૂર પૂર્વ તથા અગ્નિ એશિયાના દેશો સાથેનો ભારતનો વેપાર અને વ્યવહાર સદીઓ સુધી ચાલુ રહેલો હતો. ભારતીય દરિયાખેડુઓ, યોદ્ધાઓ અને સાહસિકો અગ્નિએશિયાના અનેક દેશોમાં ગયા હતા અને ત્યાં તેમણે ભારતનાં સંસ્થાનો અને ધર્મસ્થાનો સ્થાપ્યાં હતાં. એના અવશેષો અને સ્મરણચિહ્નો આજ સુધી છે અને એથી એ સર્વ પ્રદેશોને ઇતિહાસકારો બૃહદ્ ભારત અથવા વિશાલ ભારત તરીકે ઓળખે છે. કાર્યક્ષમ વહાણવટ અને નૌકાસૈન્ય વિના આ બની શકે નહિં. આવી વહાણવટ તથા નૌકાસૈન્યના અસ્તિત્વ અને વિકાસના અનેકવિધ પુરાવા ઐતિહાસિક સાધનોમાંથી મળે છે. વેદકાલીન સાહિત્ય, ધર્મસૂત્રો અને સ્મૃતિઓ, પાલિ સાહિત્ય અને જૈન આગમો, તે પછીના કાવ્યનાટકકથાઓના સંસ્કૃત પ્રાકૃત ગ્રન્થો અને પુરાણો વગેરેમાં સમુદ્રપર્યટનનાં અનેક કથાનકો અને વર્ણનો છે; મૌર્યયુગમાં વહાણવટના નિયમને લગતા કાયદાની વાતો કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં છે; પ્રાચીન સિક્કાઓ ઉપરની મુદ્રાઓમાં અનેક પ્રકારની નૌકાઓ અને પ્રવહણોનાં આલેખનો છે; આપણા દેશનાં મન્દિરો સ્તૂપો આદિમાં તથા જાવા- કંબોડિયા જેવી પ્રાચીન ભારતની વસાહતોમાંનાં બોરોબુદુર, એંગકોર વાટ જેવાં સ્થાપત્યોમાં તેમ જ અજંટાના ચિત્રોમાં ભારતની વહાણવટ ઉપર પ્રકાશ પાડતાં શિલ્પો અને રેખાંકનો મળે છે. એ સર્વ ઉપરથી સળંગ ઇતિહાસની કડીઓ સાંધવાની રહે છે. એવો ઇતિહાસ આલેખવાના કેટલાક પ્રયત્નો આધુનિક સમયમાં થયા છે. વૈદિક સંહિતાઓનું સાહિત્ય એ માત્ર ભારતનું નહિ, પણ જગતનું સૌથી પ્રાચીન ઉપલબ્ધ સાહિત્ય છે. વહાણવટ અને નૌકાસૈન્યના ઉલ્લેખો તરીકે જેના અર્થો ઘટાવી શકાય એવા થોડાક નિર્દેશો મંત્રોમાં પ્રાપ્ત થાય છે. પરંતુ એ તપાસતાં પહેલાં વહાણવટ અને નૌયાનના હુન્નર અને કારીગરી ઉપર પ્રકાશ પાડતી કોઈ વાતો પ્રાચીન ભારતીય સાહિત્યમાંથી મળે છે કે કેમ એ જોઈએ. હુન્નર અને કારીગરીની દૃષ્ટિએ વહાણવટ ઉપર પ્રકાશ પાડતો એક જ સંસ્કૃત ગ્રન્થ અત્યાર સુધીમાં જાણવામાં આવ્યો છે, અને તે છે ઈસવીસનના અગિયારમા શતકમાં થઈ ગયેલા ભોજરાજાને નામે ચઢેલો, શિલ્પ અને ક્લાકારીગરીનો ગ્રન્થ ‘યુક્તિકલ્પતરુ.' અનેક વિપ્રકીર્ણ વિષયોના સંગ્રહાત્મક સંકલન જેવો એ ગ્રન્થ છે. એમાંનો એક નૌકાઓ વિષેનો છે. નૌકાઓના જુદા જુદા પ્રકારો અને તેમનું માપ, એ બાંધવા માટેની સામગ્રી અને બીજી અનેક બાબતોનો સંગ્રહ એ વિભાગમાં કરેલો છે. ભારતમાં મુસ્લિમોના આગમન પૂર્વેની સૈકાઓ જૂની, વહાણ બાંધવાની પરંપરાગત વિદ્યા સંઘરાઈ છે. સંભવ છે કે આ હુન્નરમાં કુશળ કોઈ વર્ધકિ અથવા નિષ્ણાત સુત્રધાર શિલ્પીએ એ વિભાગની રચના કરીને એનુ કર્તૃત્વ વિદ્યાવિલાસી રાજા ભોજ ઉપર આરોપિત કર્યું હોય. વૃક્ષાયુર્વેદ પ્રમાણે, કાષ્ઠના ગુણધર્મ અનુસાર તેની ચાર જાતિઓ પાડવામાં આવી છે- બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. હળવું કોમળ અને બીજા સાથે સહેલાઈથી જોડી શકાય એવું લાકડું તે બ્રાહ્મણ જાતિનું; હળવું, સખ્ત પણ બીજી જાતિનાં લાકડાં સાથે ન જોડી શકાય એવું લાકડું તે ક્ષત્રિય જાતિનું; કોમળ અને ભારે લાકડું તે વૈશ્ય જાતિનું; સખ્ત અને ભારે લાકડું તે શૂદ્ર જાતિનું. ભોજ કહે છે કે ક્ષત્રિય જાતિનાં લાકડાંમાંથી બાંધેલાં વહાણ મજબૂત હોય છે અને સમુદ્રનાં બહોળાં પાણીમાં પણ સારું કામ આપી શકે છે. વળી તે કહે છે કે વહાણનાં પાટિયાંને ભેગાં જડી લેવા માટે લોખંડના ખીલાનો ઉપયોગ ન કરવો, કેમ કે એમ કરવાથી સમુદ્રમાં લોહચુંબકવાળા ખડકો સાથે અથડાઈ વહાણ તૂટી જવાનો ભય રહે છે. ‘યુક્તિકલ્પતરુ’માં નૌકાઓના બે મુખ્ય વિભાગ પાડવામાં આવ્યા છે–‘સામાન્ય’ અને ‘વિશેષ’. સામાન્ય નૌકાઓ દેશની અંદર જ મોટી નદીઓ ઉપર ચાલતા વ્યવહાર માટે છે. એના પેટાવિભાગો–ક્ષુદ્રા, મધ્યમા, ભીમા, ચપલા, પટલા, ભયા, દીર્ઘા, પત્રપુટા, ગર્ભરા અને મંથરા એ પ્રમાણે દસ છે. એ પ્રત્યેક પ્રકારની નૌકાનાં વિગતવાર માપ પણ ગ્રન્થકારે આપ્યાં છે. ‘વિશેષ’ પ્રકારની નૌકાઓ ખુલ્લા સમુદ્રમાં લાંખી ખેપો માટે છે. એ નૌકાઓને એમની આકૃતિ ઉપરથી ગ્રંથકાર બે ભાગમાં વહેંચે છે- ‘દીર્ઘા’ અને ‘ઉન્નતા' અર્થાત્ લાંબી અને ઊંચી. ‘દીર્ઘા’ના દસ પેટાપ્રકારો તેણે આપ્યા છે-દીર્ઘિકા, તરણી, લોલા, ગત્વરા, ગામિની, તરી, જંગલા, પ્લાવિની, ધારિણી અને વેગિની. ‘ઉન્નતા’ નૌકાના પાંચ પેટાપ્રકારો-ઉર્ધ્વા, અનૂર્ધ્વા સ્વર્ણમુખી, ગર્ભિણી અને મંથરા એ પ્રમાણે છે. એ સર્વનાં માપ પણ આપેલાં છે. નૌકાઓને શણગારવા વિષેની તથા મુસાફરોની અનુકૂળતા માટે તેમને સજ્જ કરવા વિષેની અનેક સૂચનાઓ એમાં છે. સોનું, ચાંદી, તાંબું અને એ ત્રણેયની મિશ્ર ધાતુ–એમ ચાર પ્રકારની ધાતુઓનો ઉપયોગ નૌકાઓને શણગારવા માટે કરવાનું કહ્યું છે. વિવિધ પ્રકારની નૌકાઓ માટે જુદા જુદા રંગો કરવાનું પણ વિધાન છે–જેમ કે ચાર સઢવાળી નૌકાને સફેદ રંગે રંગવી; ત્રણ સઢવાળીને લાલ રંગથી, બે સઢવાળીને પીળા રંગથી અને એક સઢવાળીને ભૂરા રંગથી રંગવી. નૌકામુખ અથવા વહાણનો અગ્રભાગ જેને અંગ્રેજીમાં ‘પ્રાઉ’ (Prow) કહે છે તેની આકૃતિનું પણ અનેકવિધ વૈવિધ્ય રહેતું. સિંહ, પાડો, નાગ, હાથી, વાઘ, જુદાં જુદાં પક્ષીઓ, દેડકો, મનુષ્ય વગેરેની આકૃતિનું નૌકામુખ બનાવવામાં આવતું, એ સૂચવે છે કે વહાણ બનાવવાના હુન્નરમાં પણ સુથાર અને શિલ્પીની કલાનો કેટલો વિકાસ થયો હતો. નૌકાની અંદરનાં ‘મન્દિર’ અથવા ‘કેબિનો'ની વ્યવસ્થા પ્રમાણે ત્રણ પ્રકારની નૌકાઓ ગણાવવામાં આવી છે. જે નૌકામાં એકથી બીજા છેડા સુધી સળંગ મોટી ‘કેબિનો’ હોય તેને ‘સર્વમન્દિરા’ નૌકા કહે છે. આવી નૌકાઓ રાજકોશને, રાજરાણીઓને અને ઘોડાઓને લઈ જવાના ઉપયોગમાં લેવાતી. પ્રાચીન ભારતમાં લશ્કરના ઉપયોગમાં આવતા જાતવંત ઘોડાઓ મોટે ભાગે પરદેશોમાંથી સમુદ્રમાર્ગે આવતા એ જોતાં એ માટેની ખાસ નૌકાઓ વિષેનો આ ઉલ્લેખ ઘણો રસપ્રદ છે. જે નૌકાઓમાં ‘કેબિનો’ મધ્યભાગમાં હોય તે ‘મધ્યમન્દિરા’ કહેવાતી; રાજાઓનાં આનંદપર્યટનો માટે તેનો ઉપયોગ થતો તથા વર્ષાઋતુમાં તે ખાસ કામમાં આવતી. જે નૌકાઓમાં ‘કેબિનો’ ’અગ્રભાગમાં હોય તે ‘અગ્રમન્દિરા’ કહેવાતી; વર્ષાઋતુ પૂરી થઈ ગયા પછી લાંબા પ્રવાસોમાં અને યુદ્ધમાં તેનો ઉપયોગ થતો. તુગ્ર ઋષિનો પુત્ર ભુજ્યુ પોતાના કોઈ શત્રુઓ સામે લડવા માટે નૌકામાં બેસીને ગયો હતો એના ઉલ્લેખો ‘ઋગ્વેદ'માં અનેક વાર આવે છે; એ નૌકા હમણાં કહ્યું તેવી– ‘અગ્રમન્દિરા’ પ્રકારની હોવી જોઈએ એમ કેટલાક વિદ્વાનોનું માનવું છે. વહાણ ભાંગી જતાં ભુજ્યુ અને એના બધા અનુયાયીઓ ભરદરિયે ડૂબવાની તૈયારીમાં હતા ત્યારે બે અશ્વિનીકુમારોએ પોતાની ‘શતારિત્રા’ અથવા સો હલેસાંવાળી નૌકામાં આવીને તેમને ઉગારી લીધા હતા એવું કથાનક પણ ‘ઋગ્વેદ’માં છે. સો હલેસાંવાળી નૌકાનો ઉલ્લેખ એટલા પ્રાચીન કાળમાંયે સુવિકસિત વહાણવટાનું સૂચન કરે છે. ‘ઋગ્વેદ’માંના બીજા અનેક ઉલ્લેખો આ અનુમાનને પુષ્ટિ આપે છે. એક સ્થળે વરુણદેવની સ્તુતિ કરતાં કહ્યું છે કે ‘આકાશમાં ઊડતાં પંખીઓનો માર્ગ તે જાણે છે અને સમુદ્રમાં ફરતી નૌકાઓનો માર્ગ પણ જાણે છે’ લોભને કારણે દૂર દેશાવરોમાં વહાણો મોકલતા વેપારીઓનો નિર્દેશ અન્યત્ર છે. જેમના પ્રવૃત્તિ ક્ષેત્રને કોઈ સીમા નથી, આર્થિક લાભને માટે જેઓ ગમે ત્યાં જાય છે અને સમુદ્રોમાં સર્વત્ર પ્રવાસ કરે છે એવા વેપારીઓનો ઉલ્લેખ બીજે એક સ્થળે છે. વસિષ્ઠ અને વરુણે સુસજ્જ વહાણમાં એક સાથે પ્રવાસ કર્યો હતો અને તેમનું વહાણ સમુદ્રના તરંગો ઉપર સુખપૂર્વક ઝૂલતું હતું એવો ઉલ્લેખ પણ છે, વળી એક ઠેકાણે અગ્નિની સ્તુતિ કરવામાં આવી છે કે ‘હે સર્વદર્શી અગ્નિ ! અમારા શત્રુઓને જાણે કે વહાણમાં બેસાડીને સામે કિનારે મોકલી દેતો હોય તેમ તું હાંકી કાઢ; અમને અમારા કલ્યાણને માટે નૌકારૂઢ કરીને મહાસાગર પાર કરાવ.’ ‘અથર્વવેદ’માં બ્રાહ્મણોનું જ્યાં દમન થતું હોય એવા રાજ્યની તુલના ‘ભિન્ના’ અર્થાત્ ભેદાયેલી કે છિદ્રવાળી નૌકા સાથે કરેલી છે. આ તુલના ઘણી સૂચક છે. ‘સમુદ્ર’, ‘નૌ’ અર્થાત્ નૌકા, ‘દારુ’ અથવા તરાપો, ‘અરિત્ર’ અથવા હલેસું વગેરે શબ્દોનો પ્રયોગ ‘ઋગ્વેદ’માં અનેક વાર થયો છે. ‘સિન્ધુ’ શબ્દ ‘ઋગ્વેદ’ અને ‘અથર્વવેદ’માં ‘જલપ્રવાહ–નદી’ એવા સામાન્ય અર્થમાં છે; એક વિશિષ્ટ નદી—‘સિન્ધુ નદી’ એવા ખાસ અર્થમાં પણ તે પ્રયોજાયેલો છે. પરંતુ ‘સિન્ધુ' શબ્દ ‘સમુદ્ર’ એવા અર્થમાં વૈદિક સાહિત્યમાં વપરાયેલો નથી. એ અર્થ ‘સિન્ધુ’ નદીનાં સમુદ્ર જેવાં બહોળાં જળના માનસિક સાહચર્યને કારણે પાછળથી વિકસેલો જણાય છે. વૈદિક અધ્યયનના પ્રારંભકાળમાં કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનો એ વસ્તુ સ્વીકારતા જ નહોતા કે વૈદિક આર્યોને સમુદ્રનું કે વહાણવટનું ખાસ જ્ઞાન હોય. એક વિદ્વાને તો એમ પણ કહ્યું છે કે વેદમાં ‘સમુદ્ર’ શબ્દ ઘણું ખરું આલંકારિક અર્થમાં પ્રયોજાયેલો છે અથવા સિન્ધુ નદીમાં તેની તમામ ઉપનદીઓ મળતાં જે મહાનદ બને છે તેને માટે વપરાયેલો છે. પરંતુ, હકીકતમાં તો, જે પ્રજા સિન્ધુ નદીથી સુપરિચિત હોય એ સમુદ્રથી અપરિચિત રહે એ બને જ શી રીતે? હમણાં વૈદિક સાહિત્યના જે ઉલ્લેખો આપણે જોયા તે પણ એ જ બતાવે છે. ભારતીય વિદ્યાના મહાન જર્મન નિષ્ણાત ડૉ. જ્યોર્જ બ્યૂલરે પોતાના એક નિબંધમાં આમ કહ્યું છે: ‘પ્રાચીન ભારતીય ગ્રન્થોમાં એવા ખંડકો છે, જે અસલના વારામાં હિન્દી મહાસાગરમાં ભારતવાસીઓની સંપૂર્ણ વહાણવટનું તથા તેમની વેપારી અને લશ્કરી ખેપોનું અસ્તિત્વ દર્શાવે છે.’ ઐતિહાસિક પુરાવાઓ જોતાં આ વિધાન સાથે આપણે પૂરેપૂરા સહમત થઈશું.