અપરાધી/૨૬. કોનું ઘર?
“તું – તારા વર પાસે નો’તી?” ફાળભરી મા જ્યારે આ પૂછતી હતી ત્યારે એના કાનની ફાટેલી બંને બૂટો, આકોટા વગરની અડવી લબડતી હતી. “માડી – વર નૈ – હું મુંબીમાં હતી.” બોલતે બોલતે અજવાળીએ નવે સાડલે પોતાનાં બેઉ ડેબાં ઢાંકી લીધાં, પણ એ ઢાંકી લે તે પૂર્વે તો માએ ભરેલાં ડેબાં નિહાળી લીધાં. ધૂંધવાતા ચૂલામાં એકાએક ભડકો થયો તેને અજવાળે દીકરીના મોં પરની થેથર અને કાળા પડેલા હોઠ પારખ્યા. “અભાગણી! મારા જેવી જ તારી દશા થઈ છે ને શું? અરે ઠાકર! અરે રામ! લોકો વાતું કરતાં’તાં તે સાચી પડી ને શું?” માનો કોમળ હાથ અજવાળીના ખભા પર હતો, તે એકાએક ચમકી ઊઠ્યો. બહારની ખડકી ઊઘડતી હતી, ને ખડકી બહાર રસ્તા પર ગરમાગરમ શબ્દોની ટપાટપી બોલી રહી હતી: એક અવાજ પોતાના ધણીનો હતો. બીજો અવાજ પાડોશણ કડવી કુંભારણનો હતો. ધણી કહેતો હતો: “જો રાંડ ખાળે ડૂચા દઈને મારા ઘરનું પાણી રોકે છે, ખાળે ડૂચા દેછ તે કરતાં મોંએ ડૂચા દેને!” “ડૂચા તો તારે ઘરે દે, તારે ઘરે,” કડવી ડણકતી હતી, “ને તારા ઘરની ખાળું ઠેકાણે રાખતો જા. તારી છોકરીની વાતું મલકમાં થાય છે એની આડે જા ડૂચા દબાવવા.” “બેસ બેસ હવે, નવરી! મારે વળી છોકરીબોકરી કેવી! જેની હોય તેને કે’વા જા!” “હં-અં-ને! છોકરી સોતી બાયડી કબૂલીને તો રૂપિયાની પોટલી બાંધી’તી: આજ બોલે છે, મારે છોકરી કેવી! બાયડી મલકને ઊઠાં ભણાવવા નીકળી છે કે મારે તો કાંઈ જમાઈ મળ્યો છે! કાંઈ છોકરીને રાખે છે! જમા...ઈ! મુંબી-અમદાવાદના પાતરવાડામાં કોણ જાણે કેટલાય જમાઈ કરતી તારી અંજુડી બેઠી હશે!” એવા શબ્દગોળાની સામે ખડકીનાં કમાડ ધડાક ધડાક અવાજે બંધ કરીને અંજુનો ઓરમાયો બાપ અંદર આવ્યો. ચૂલા પાસે ઓરત બેઠી હતી, તેની સામે લાંબા હાથ કરીને તડાપીટ આદરી: “હવે કોઈ વાતે મારી બદનામી બંધ કરાવવી છે? તારી છોકરી – તારો ઈ સાંઢડો – ઈ ક્યાં છે, કહે તો ખરી! તારો જમાઈ કેમ હજી ક્યાંય જડતો નથી? તારા પેટનાં પાપ મારે કપાળે કેમ જડી રહી છો? મારે મલકનું સાંભળવું તે હવે કેટલુંક?” “ધીરા પડો, પણ તમે ધીરા તો પડો!” ચૂલે બેઠેલી બાઈ રોટલો ઘડતી ઘડતી હાથ જોડીને બોલી. એક સળવળાટ થયો. બાપે પછવાડે જોયું. ખૂણામાં અંજુ લપાઈને બેઠી છે. એની આંખોમાં ભય છે, રોષ છે, કાકલૂદી છે. “ઓહોને ભૈ!” બાપે પાઘડીમાંથી બીડી ખેંચતે ખેંચતે કહ્યું, “આવી ગિયાં છો ને શું? ક્યારે મારું આંગણું પાવન કર્યું? કિયા મોટા કુળની વ’વારુ આ કંકુનાં પગલાં વેરીને મારાં પાતક ધોવે છે? પૂછવાની રજા છે ને, રાયજાદી?” અજવાળીએ થોડી વાર બાપની સામે જોયું ને થોડી વાર ધરતી સામે. “આહા ને!” વળગણી પર અજવાળીની બે શહેરી સાડી સુકાતી હતી તે જોતાં જ બાપે બીજો અહોભાવ ઉચ્ચાર્યો, “આ તો કોઈ મોટા ખોરડાની કુળવંતી ઊતરી આવી છે ને શું? વાહ ઓઢણાં વાહ! પેટી ને પટારા તો હજી વાંહે હાલ્યા આવતાં હશે, ખરું ને?” અજવાળી ભીંતના ખૂણામાં શક્ય હતું તેટલું સંકોડાઈ ગઈ. માએ ધણીને કહ્યું: “તમે મૂંઝવો છો શીદને? છોડી વીસ ગાઉનો પલ્લો કરીને આવી છે – થાકી ગઈ છે.” “પલ્લો કરીને? શા સાટુ, ભા? અડીખમ સાસરું મળ્યું છે ને વે’લડી ન જોડાવી? વઢિયારા બળદની જોડ્ય જોતરીને જમાઈરાજ મૂકવાય ન આવ્યા? અમારા ગરીબ ઘરથી શરમાય છે, કે શું છે, તે આટલે મહિનેય મોઢું દેખાડતા નથી?” “પટલ, અરે પટલ,” મા રગરગવા લાગી, “તમે થોડી ઘડી તો છોકરીને શ્વાસ હેઠો મેલવા દો. તમે કાંઈ સમજતા નથી. છોકરી મંબીથી આવે છે. એની કાયાની કેવી દશા છે! સાનમાં સમજોને, પટલ! એને દલાસાની જરૂર છે.” “હં-હં, તયેં એમ ચોખું કહી નાખોને! બે’નબા મંબી હતાં એટલે તો સમજાણું કે એકલાં એકલાં જ પાછાં નથી આવ્યાં. ત્યારે તો કોઠીનું કાણું જરા મોટું કરવું જોશે. ખેતર જરા વધુ ખેડવું જોશે. ભાણાનું પેટ ભરવા સારુ મારે મારાં કાંડાં નિચોવી નાખવાં પડશે. હે-હે-હે-હે, વધામણી! મોટી વધામણી!” એમ બોલીને એણે બીડી ફૂંકવા માંડી. અજવાળીના મન પર પિતાની મશ્કરીનું કરવત ફરી રહ્યું. અજવાળીને એની માએ કહ્યું: “જા બેટા, નીરણની ઓરડીમાં જઈને બેસ.” “ક્યાં જઈને?” કુંભારે મોંમાંથી બીડી કાઢી લઈને ત્રાડ મારી. “ખડકીની બા’ર જઈને બેસ, બા’ર. આંહીં મારા ખોરડામાં એના ભવાડા નહીં સંઘરાય.” “અરે, અરે, જરી સમતા—” “બેસ, બેસ, સમતાવાળી!” એમ કહેતો પુરુષ અજવાળી તરફ વળ્યો: “ઊઠ છોકરી, ખડકીમાંથી બા’ર નીકળ, આંહીં તારાં કરતૂકને સંઘરવા મારું ખોરડું ખાલી નથી.” “ઊઠીશ મા, બચા, બેઠી રે’ તું તારે.” માએ રોટલો ઉખેડતાં ઉખેડતાં કહ્યું. “નહીં ઊઠે ને જાશે ક્યાં? મારું ખોરડું—” એમ કહેતો પુરુષ જેવો અજવાળીનો હાથ પકડવા ગયો, તેવી જ મા ચૂલેથી હાથમાં તાવેથો હતો તે હેઠો મૂકીને ઊભી થઈ. આવીને એ દીકરીની અને ધણીની વચ્ચે ઊભી થઈ. એની આંખોમાંથી રગરગાટ અને કાકલૂદી ચાલ્યાં ગયાં હતાં. ચૂલામાં ઝગતો હતો તેવો જ અગ્નિ એનાં નેત્રોમાં પ્રજ્વળી ઊઠ્યો. એણે પૂછ્યું: “કાઢી મૂકવી છે? ઘરમાંથી? કોનું ઘર? મારા બાપનું. એક કરતાં એક પણ જણશ છે તારી આ ઘરમાં?” “તમામ મારી છે.” “કોણે કહ્યું?” “કાયદે.” “ચૂલામાં નાખ તારા કાયદાને. મારા બાપે જનમારો આખો તૂટી મરીને સાચવેલું આ ઘર, એમાં તને કોણે આવવા દીધો?” “તારે બાપે જ તારી ને એની બેઆબરૂ ઢાંકવા મને રાખ્યો. કાંઈ દાન નો’તું કર્યું મને, ડોકરી!” “જાણું છું. હું ફસાઈ ગઈ’તી. મારી છોકરીની જે દશા આજ છે તે જ મારી હતી. બાપ મરતો’તો, બાપનો કોઈ બીજો ઉપાય નો’તો. પણ તેં શું ભલાઈ કરી’તી તે દી? તારે તો નકટાને નાક નો’તું ને તારે તો બાયડી ભેળા પૈસા જોતા’તા. મારે મરતે બાપે ઓસીકા હેઠથી કોથળી કાઢીને એનાં લોહી નિચોવીને કામેલા રોકડા ત્રણસો તને કાઢી દીધા. તયેં તો તું મારો ધણી બનવા કબૂલ થયો. મરતા બાપને તેં નો’તું કહ્યું, કુંભાર? – નો’તો કોલ દીધો? – કે તમારી દીકરી ને એના પેટના પોટાને હું મરીશ ત્યાં લગી પાળીશ? નો’તું કહ્યું, હેં રૂપિયાના સગા? ને આજ હવે મારી દીકરીને તું કાઢી મેલીશ ઘરબા’ર? કાઢ તો જોઉં? હમણાં મારાં આંતરડાં તારે ગળે નહીં પે’રાવી દઉં?” “રાખી મૂકજે, સંઘરી મૂકજે તારી દીકરીને.” એમ કહેતો કુંભાર ઘર બહાર ચાલ્યો. પગરખાં પહેરતો બબડતો ગયો: “મલક જાણશે, અધરાત મોર્ય, કે છોકરી કમાણી કરીને ઘેર આવી છે... હરામના હમેલ લઈને આવી છે: હમણાં જ ફુલેસને જાણ થઈ જાશે, કે મા-દીકરીએ હમેલ પાડી નાખવાનો ત્રાગડો રચ્યો છે. હમણાં જ તેડું આવશે ડિપોટીસા’બ શિવરાજસંગજીનું.” “ને કહી આવજે,” માએ કળકળતે સ્વરે એને બૂમ પાડી, “કે ભેળી મારી ઠાઠડી પણ બાંધીને લેતા આવે. હું બેઠે મારી અંજુડીને કોઈ નહીં લઈ જઈ શકે.” ખડકી બંધ થઈ, ને અજવાળીએ કહ્યું: “મા, લે હું વહી જઉં.”