અપરાધી/૩૪. છેતરપિંડી! નામર્દાઈ!
સરરસ્વતીની આંખમાંથી આંસુ વછૂટ્યાં. બંનેની સ્થાન-બદલી થઈ ચૂકી. આશ્વાસન આપવાનો વારો હવે અજવાળીનો આવ્યો. “મારી ભૂલ થઈ હો, બોન!” એણે સરસ્વતીને ખભે હાથ મૂક્યો, “મને ભાન જ ન રહ્યું કે હું શું કરી બેઠી. રુવો મા, બોન! મને મરતી દેખો જો રુવો તો. મેં અભાગણીએ તમને મારા સ્વારથને કારણે સંતાપ્યાં.” બંને જણીઓ એકબીજીને બાઝી પડી: જાણે બે છોકરાં જંગલમાં ભૂલાં પડ્યાં હતાં. પુરુષપ્રેમના નિ:સીમ દરિયાવમાં બે ડૂબતી સ્ત્રીઓ હાલકલોલ થઈ એકબીજીને બાઝી પડી હતી. અજવાળીને વેળાસર શાતા વળી આવી. હવે તો મેં બધી વાત કબૂલ કરી નાખી છે એટલે છોટા સા’બ મને છોડી જ મૂકશે, એવો દિલાસો એણે સરસ્વતીની પ્રસ્તાવનાને આધારે મેળવી લીધો. “હવે તો મને ઇ માફી આપશે, નહીં બોન?” એણે બાળક જેવી આસ્થા અને અજ્ઞાનતા બતાવી. એના ઉપર વેર વાળવાનો ઘાતકી આનંદ ઘડીભર સરસ્વતીને પ્રિય બની ગયો. એણે ઠંડોગાર કટાક્ષભર્યો જવાબ દીધો: “હા રે હા. હવે શું બાકી છે?” “આંહીંથી છૂટીને તો બોન, હું જેમ મારી મા કહેશે ને એમ જ વર્તવાની છું. હવે મારો બાપ મને કાપી નાખેને તોયે હું ક્યાંય ભાગીશ નહીં. અને હવે તો મારી માએ એક ઠેકાણું જોઈ રાખેલ છે ને, ઇની જોડે હું પરણી લઈશ. ખરુંને, બોન?” “હા રે હા!” વધુ કશું જ બોલ્યા વગર સરસ્વતી ઊઠી. બહાર નીકળતી હતી ત્યારે એની પછવાડે જાણે કોઈ ગીતના સૂર આવતા હતા. અજવાળી તુરંગમાં ઝીણું ઝીણું ગાતી હતી. બહાર નીકળતાં એણે જેલરની ઑફિસમાં રામભાઈને ઊભેલ જોયો. અજવાળીને મળવા આવેલ રામભાઈ સરસ્વતી અંદર હોવાના ખબર સાંભળી જેલર પાસે જ બેઠેલો. સરસ્વતીના મોં પર રામભાઈએ બપોરવેળાના અદાલતના ભાવોને સ્થાને મીઠી લાગણી નિહાળી. સાંજ પડી ગઈ હતી. “કાલે સવારે આવીશ” કહીને રામભાઈ ઊઠ્યા. સરસ્વતીએ જ રામભાઈને સામે ચાલીને કહ્યું: “કેમ, આ તરફ ચાલવું છે ને?” “ભલે!” કહીને રામભાઈ બંગલા તરફ સાથે ચાલ્યો. રસ્તામાં સરસ્વતીએ કહ્યું: “રામભાઈ, અજવાળીના જીવનનો દાટ વાળવાનો વહેમ મેં તમારા પર આણ્યો હતો. હું દોરવાઈ ગઈ હતી. મને સત્ય જડ્યું છે.” “કોની પાસેથી?” “અજવાળી પાસેથી જ.” “એણે તમને દિલ આપ્યું!” “અથ-ઇતિ બધી જ વાત કહી, બાળક જન્મ્યાની, બાળકની હત્યાની, ગોઝારે કોઠે મૂકી આવ્યાની, બધી જ વાત સાચી.” “ઇરાદાપૂર્વક માર્યું?” “પહેલો ઇરાદો તો પતાવી જ દેવાનો હતો. પછી બાળક જન્મ્યું ત્યારે લાગણી બદલાઈ ગઈ. ચાહે તે થાય પણ બાળકને ઉછેરવાનો નિશ્ચય કર્યો; પણ એના ઘાતકી બાપની બીકે, થોડી વાર બાળકને ચૂપ રાખવા જતાં ગૂંગળાવી નાખ્યું.” “તો બીજું કાંઈ નહીં, કોર્ટની દયા યાચી શકાશે.” “હું ત્યાં જ હઈશ, ને કોર્ટમાં બોલાવશો ત્યારે હાજર રહીશ.” “બાપુજી આવવા દેશે?” “શા માટે નહીં?” “આવા ગુનાઓ પ્રત્યે એમનું વલણ કડક હોય છે.” “કોર્ટમાં એ ગમે તેવા હો, મારી આડે નહીં આવે.” “ને શિવરાજભાઈ પસંદ કરશે?” રામભાઈથી સહેજ હસી જવાયું. પણ સરસ્વતીના ચહેરા પર ત્રાસની રેખાઓ, પાંચ-દસ કાનખજૂરા જેવી, સળવળી ઊઠી ભાળીને એ તો દંગ જ થઈ ગયો. સરસ્વતીએ જવાબ આપ્યો: “મારા ઉપર કોઈનો અધિકાર પહોંચતો નથી. ને હું તમને બીજી એક વાત પૂછું, રામભાઈ; તમને એમ લાગે છે ખરું, કે આવી સ્થિતિમાં સ્ત્રીને ફસાવનાર હરામી પુરુષનું નામ કોર્ટમાં પ્રગટ કરીએ તો કંઈ વધુ દયા મળી શકે?” “હું નથી માનતો.” “પણ કોઈ સારા માણસમાં ખપતો એ દંભી પુરુષ હોય તો?” “તો કદાચ એવા માણસનું નામ અદાલત માને નહીં; ઊલટાનું અવળું પડે, સ્ત્રી કોઈને બનાવટી રીતે બદનામ કરવા માગે છે એવું વલણ લેવાઈ જતાં વાર ન લાગે.” રામભાઈ સરસ્વતીની મુખરેખાઓ વાંચવા મથ્યો. એ મુખની કરચલીઓમાં સાપોલિયાં સળવળતાં હતાં. સરસ્વતીના દિલને કયો પ્રકોપ ઉકળાવી રહ્યો હતો? કયો પુરુષ છટકતો હતો? “ત્યારે તો એ નરાધમ નિર્ભય જ રહેશે, એમ ને? એ શું કાયદો?” બોલતાં બોલતાં એના હોઠમાં ધ્રુજારી ચાલી હતી. ફાટક આવ્યું. સરસ્વતીએ રામભાઈને નમન કર્યાં, ફરીથી માફી માગી. “હવે તો રાજકોટમાં મળીશ,” એમ કહીને એ ગઈ. અંદર પિતા પાસે શિવરાજ બેઠો હતો. સરસ્વતીએ પિતાના છેલ્લા બોલ પકડ્યા: “ખેલ બગાડી માર્યો રામભાઈએ. ખેર! હવે તમે શું કરો? તમારી ફરજ બજાવી લીધી.” એ શબ્દોએ સરસ્વતીનાં રૂંવાંમાં છમ છમ ડામ દીધા. એ સીધી પોતાના ઓરડામાં પેસી ખીંટીએ લટકતાં કપડાં સૂટકેસમાં ફગાવવા લાગી. શિવરાજ થોડી વારે અંદર આવ્યો. “તમારી ફરજ પૂરી થઈ ગઈ!” – સરસ્વતીના એ શબ્દો શિવરાજના મોં પર ઉંબરની બહાર જ તમાચાની માફક પડ્યા. એ સ્તબ્ધ બન્યો. “આંહીંથી ચાલ્યા જશો? અત્યારે મારે નથી મળવું.” સરસ્વતીએ જાણ્યું કે શું? ક્યાંથી જાણ્યું? કોની પાસેથી? પોતે ને બીજી અજવાળી, ત્રીજું તો કોઈ નથી જાણતું! અજવાળીને મળી હશે? ક્યારે? ને અજવાળીના હોઠના ટેભા શું તૂટી ગયા? ના, ના. કાયદાની અજ્ઞાન સરસ્વતી પણ કદાચ એવો ધોખો કરી બેઠી હશે કે મેં અજવાળીને છોડી દેવાની હિંમત કેમ ન કરી? “પણ હું શું કરું? કાયદાએ મારા હાથ બાંધી લીધા છે, સરસ્વતી!” “કાયદા! કાયદા! એ તમારા કાળા કાયદા એક અબળા, દુખિયારી, ફસાઈ ગયેલી છોકરીને ખાઈ જવા માગે છે; અને, એનું સત્યાનાશ વાળનાર પુરુષને ન્યાયની ખુરશી પર ક્ષેમકુશળ બેસવા દે છે! એ તમારા કાયદાના કબાટોમાં આગ લાગો! જ્વાળાઓ ઊઠો – જાઓ!” જાણી ચૂકી હતી! શિવરાજના રામ રમી ગયા. એનું મોં ઢળી પડ્યું. પોતાના પ્રેમના અમૃત-પાત્રમાં વિષ-ટીપાં પડી ગયાં! “સરસ્વતી, મેં શું શું સહ્યું છે, કેટલું ભોગવ્યું છે, તે જો તમે જાણત, તો મને ક્ષમા આપત.” “ક્ષમા – મારી ક્ષમા માગો છો? ધિક્કાર છે. જેનું જીવન રોળી નાખ્યું એની ક્ષમા માગવાની તો એક વાર હિંમત કરો! તમે – તમે શું એમ માનો છો કે હું તમારા કૃત્યની ક્ષમા કરું? એવી તો હજાર ભૂલોને હું ભૂલી જઈ શકત. મારી પણ થઈ હતી, ને મેં એ ભૂલ તમારે ખોળે નાખી હતી. હું તમારા જીવનમાં ચોર બનીને, દગાબાજ બનીને પેસી જવા નહોતી માગતી. ચોર-લૂંટારા તો તમે બન્યા. આવડું મોટું પાપ તમે મારાથી સંઘરીને રાખ્યું. તમે સ્ત્રીજાતના રક્ષક – જગતની બહેનોના ધર્મભાઈ – અબળાઓની લડાઈઓ લડનાર – એવાને હું મારા કરી શકી હતી. લોકો એમાં મારું મહાભાગ્ય સમજતા. હું દુનિયા પર ગર્વિષ્ઠ છાતીએ ચાલતી હતી. મને તમે છેતરી. મારી દેવમૂર્તિને તમે ભાંગી નાખી. એ મૂર્તિના પોલાણમાં તમે મારે માટે સર્પો સંઘર્યા હતા. અને હવે મને બધું જ સમજાઈ ગયું. તમારે એ છોકરીનું કાસળ કાઢવું હતું. એ માટે તમે માંદગીનો ઢોંગ કર્યો હતો. તમે એને તમારા મદદનીશ મૅજિસ્ટ્રેટના હાથે જ પતાવી દેવા માગતા હતા. તમે – તમે – તમે—” “સરસ્વતી! જરી મારું તો સાંભળો!” “સાંભળી લીધું; વધુ નથી સાંભળવું. હું નાદાન બની. બીજી વાર પણ નાદાન બની. મેં પુરુષ પુરુષ વચ્ચે ભેદ કલ્પવાની ભ્રમણા સેવી. હવે થયું, પતી ગયું. મારી આંખો ઊઘડી ગઈ. હવે તમે પધારો.” “જતાં પૂર્વે, ફરી નથી મળવાનાં એમ સમજીને પણ માફી યાચું છું.” “એવી માફી માગનાર માણસ નામર્દ હશે. પોતાના પાખંડનો ભોગ બનનારી છોકરી જ્યાં સુધી તમારા ઇન્સાફના અજગર-મુખમાં છે ત્યાં સુધી એવી માફી માગવા કરતાં ખરો પુરુષ મરી જવું જ પસંદ કરે. આટલી છેતરપિંડી ઉપર એવી નામર્દાઈનું શિખર ન ચડાવો. પધારો!” “જતાં જતાં કહી લઉં? – મેં તમને એકનિષ્ઠાથી ચાહ્યાં છે. ને મરતાં સુધી ચાહતો રહીશ.” “તમારું મોં ન ગંધાવો. કેવીક ચાહી છે તેની તમે પરિપૂર્ણ સાબિતી આપી દીધી છે. આજે તો મને ઈર્ષ્યા આવે છે એ કેદમાં પડેલી ગંધારી છોકરીની – એનું સ્થાન મને કાં ન મળ્યું! તમારો એટલો પ્રેમ પામવા માટે પણ મારું સર્વસ્વ તમને આપી દેત. મારી લાજ-આબરૂ પણ ઓળઘોળ કરી દેત. પણ મને તો તમે સૂતી વેચી.” “સરસ્વતી!” “જવા દો મને. હું ક્યાંક ગાંડી થઈ જઈશ. તમને હું ધિક્કારું છું. મારું અંતર તમે ફોડી નાખ્યું છે. તમને મેં વીર માનેલા – તમે તો નામર્દ નીકળ્યા!” “સરસ્વતી!” “દંભી! હજુ – હજુયે જીભ પર સરસ્વતી... ઓહ! મા! આઈ! આઈ! આઈ!” દક્ષિણીની છોકરીના અંતરમાંથી મૂએલી માતાનું સંબોધન કારમી પીડાએ છેક પાતાળમાંથી બહાર ખેંચી આણ્યું. એણે ભડભડ અવાજે બારણાં ભીડી દીધાં. ને એ નીચે પટકાઈ તેનો અવાજ બહાર ઊભેલા શિવરાજે સાંભળ્યો. એ પાછો વળી ગયો – જાણે કદાચ સરસ્વતી પસ્તાઈ મને પાછો બોલાવશે. મોટર સુધી એ ધીરે પગલે ચાલ્યો – જાણે હમણાં બારણું ઊઘડશે ને ‘પાછા આવો’નો ટહુકાર પડશે. મોટરનું એન્જિન ગર્જના કરવા લાગ્યું. બારણું કે બારી ઊઘડ્યાં નહીં. ચક્ર ફેરવતાં પહેલાં પોતે કપાળ લૂછ્યું. કોઈએ ન કહ્યું કે, ‘પાછા વળો’. મોટર આંચકા લેતી લેતી ચાલી. બેચાર બોલ એના માથાનાં ફાડિયાં કરતા હતા. ‘મેં તમને વીર માનેલા – તમે નામર્દ નીકળ્યા.’ ‘એ છોકરી જ્યાં સુધી જેલમાં પુરાઈ છે ત્યાં સુધી માફી ન મળે.’ ‘કાયદો – કાયદો – આગ લાગો એ કાયદાને – જે કાયદો અજ્ઞાન, ફસાઈ ગયેલી, એક છોકરીને ખૂની ઠરાવી જીવતી દાટે છે અને ફસાવનાર નરાધમને ન્યાયની ખુરશી પર ક્ષેમકુશળ બેસવા આપે છે.’ રાત પડી. સરસ્વતીનો મોકલ્યો કોઈ માણસ તેડવા આવશે એ વાટ જોતાં જોતાં કલાક પછી કલાક ગયા. કૅમ્પનું ટાવર કોઈ વીતરાગી જોગી જેવું ઊભું ઊભું પોતાના કલેજાના ઘડિયાળ-કાંટા નિર્મમ ભાવે ફેરવ્યે જતું હતું. આખરે અધરાત ઓળંગીને ટાવરે ઝાલર પર એક ટકોરો પાડ્યો. સરસ્વતીને લઈને રાતની મિક્સ્ડ ગાડી રાજકોટ ભણી રવાના થઈ.