અપરાધી/૩૫. મર્દાઈસે કામ લેના!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૫. મર્દાઈસે કામ લેના!

સુજાનગઢનું મકાન ખાલી કરીને શિવરાજનો બધો સામાન કૅમ્પના બંગલામાં ગોઠવાઈ ગયો હતો. બંગલામાં ફક્ત બે જ જણા રહેતા: એક પોતે અને બીજા બુઢ્ઢા ચાઊસ. ત્રીજું કોઈ કદી પ્રવેશ કરવાનું નહોતું. છતાં છોટે સા’બની શાદી નજીક માનનારો એ આરબ આખો દિવસ શિવરાજની ગેરહાજરીમાં પટાવાળાઓ પાસે મકાનની સાફસૂફી અને સજાવટ કરાવ્યા જ કરતો હતો. પટાવાળાઓને એ કહેતો હતો: “લડકા બેચારા ઇત્તા થા તબ—” એમ બોલીને પટાવાળાઓને એ લીંબુડીનો તાજો ફૂટેલો રોપ દેખાડતો હતો, “બાબાને હમ દોનોંકો બોલ દિયા થા કિ ચાઊસ, માલુજી, લડકાકી શાદી કરકે અપન તિનું બૂઢે ચલે જાયેંગે હજ કરનેકો. ચાઊસ, તુમ હમકો અપને વતનમેં લે જાના. મૈંને કહા થા, હાં સા’બ. ક્યોં નહીં! પર બાબા ભી ગયા, માલુજી ભી રવાના હો ગયા. અબ લડકાકી શાદી મૈં ન કરું તો કૌન કરેગા? લડકા બેચારા! બદન ખાલી બઢ ગયા, લેકિન મું તો અદલ વો હી! મા જબ મર ગઈ ના, તબ જૈસા થા વૈસા હી ચહેરા! ઠીક વૈસા હી! છોટા સા’બ હુવા, બડા સા’બ ભી હોને દો ના! ચહેરા તો બસ વો હી જ રહેગા. માને દૂધ પિલાયા થા ઉસી વખ્તકા ચહેરા! ઔર દેખો તો સહી, ક્યા કરામત હે અલ્લામિયાંકી! મા જબ આઈ તબ જવાન થી, મર ગઈ તબ ભી પૂરી જવાનીમેં થી; લેકિન મૈંને તો ઠીક આંખોંસે દેખા હૈ, કિ હમ બુઢ્ઢોં કી ભી વો તો મા હી દિખલાતી થી. વો જવાનીભર બસ જઇફ થી, ઔર યે લડકા જઇફીમેં ભી બચ્ચા હી રહેગા – હા – હા – હા – હા—” ડોસો કોઈ મહાન તત્ત્વ ખોળી કાઢ્યું હોય તેવો ગર્વિષ્ઠ બનીને હસતો. ડોસાએ મરહૂમ સાહેબનો લખવા-વાંચવાનો ખંડ અદલ જેવો સુજાનગઢમાં હતો તેવો જ અહીં પણ સજાવ્યો હતો. શિવરાજના ઓરડામાં પણ ત્યાં હતી તે જ ઠેકાણે માતાની તસવીર ગોઠવી હતી. સવાર-સાંજની બંદગી ખતમ થયા બાદ ધ્રૂજતા હાથમાં લોબાનનું ધૂપિયું લઈને એ બેઉ ઓરડામાં ધૂપ દેતો. ચાઊસ શિવરાજની સામે ધૂપિયું ધરી રાખતો અને ક્યારેક ક્યારેક, એ શિવરાજને ચુપકીદીથી કહેતો: “બાબા આયે થે કલ શામકો.”... “મા આઈ થી, ઔર યાદ દેતી થી – વહ તાવીજ સમાલનેકી.” આર્યસમાજી પિતાનો અંગ્રેજી ભણેલો નૂતનયુગી પુત્ર ચાઊસની આ વહેમીલી વાતોને અંદરખાનેથી હસતો. પણ આજે ‘તાવીજ’ શબ્દ કાને પડતાં એ ચમકી ઊઠ્યો. માતાએ આપેલું ને માલુજીએ જતન કરી એની ભુજા પર બાંધેલું એ માદળિયું ક્યાં હતું? યાદ આવ્યું: અજવાળીની વિદાય-રાત્રિએ માલુજીએ પોતાને હાથેથી છોડીને એ અજવાળીને હાથે બાંધ્યું હતું. અદાલતમાં એ માદળિયું અજવાળીની ભૂજા પર હતું? કે જેલરે છોડી લીધું હતું? સરત નહોતી રહી. ચાઊસને ક્યાંથી માલૂમ હોઈ શકે એ વાત? મા ખરેખર શું આવ્યાં હશે? પ્રેતસૃષ્ટિ શું સાચી હશે? તો તો માએ જોયું હશે કે એ માદળિયાની કેવી દશા થઈ છે? વળતી રાત કાળાં ઘોર મંથનોમાં વીતી, અને પ્રભાતે ચાઊસે આવીને કહ્યું: “બાબા આયે થે.” ચાઊસની આ બેવકૂફીને ચૂપ કરી દેવા શિવરાજ તત્પર બન્યો ત્યાં તો ચાઊસે નાકે આંગળી મૂકી સત્તાવાહી શબ્દે કહ્યું: “ઔર બોલ ગયે: ક્યા બોલે માલૂમ? હાં! સૂનો! વે બોલે કિ, ચાઊસ, બચ્ચાકો કહના, ઐસી બેવકૂફી કભી ન કરે, મર્દ બને.” કઈ બેવકૂફી! શિવરાજ ચોંક્યો. ગઈ રાતનો કાળો મનસૂબો ચાઊસને કોણે કહ્યો હોય? પિતાજીના બોલ બંધબેસતા હતા. આખી રાત શિવરાજે આત્મહત્યા વિચારી હતી. જિંદગીમાં જીવવા સરીખું બાકી શું રહ્યું હતું? પોતાના કમોતથી આખી રહસ્યકથાને બહાર પડવા બારી મળે, પોતે આખા અપરાધનો એકરાર એક કાગળ પર મૂકી જાય, એકરાર અદાલતમાં વંચાય, પોતાના પ્રત્યેની ઘૃણામાંથી અજવાળી પ્રત્યે અધિક દયા જન્મ પામે – એવા મનસૂબાની કડીઓ શિવરાજે સારી રાત બેસીને સાંકળી હતી. એવી બેવકૂફી કરવાની પિતા ના પાડતા હતા. ચાઊસે આંગળી ઊંચી કરી, આંખો તાકી, કદી નહીં બતાવેલો એવો સત્તાવાહી સીનો રાખીને વિશેષ કહ્યું: “ઔર બોલે, બચ્ચા, ઐસી બેવકૂફી કરનેસે કભી નહીં છૂટેગા, કોઈ ફાયદા નહીં નિકાલેગા, આગમેં ગિર પડેગા, કભી ન નિકલને પાવેગા. બચ્ચાકો જલદી બોલ દો, ચાઊસ, નામર્દ કભી ન બને. મર્દાઈસે કામ લેવે, હાં! બોલ ગયે, માલૂમ?” “તુમ વો બાતકા ક્યા માયના સમઝે, ચાઊસચાચા?” શિવરાજે સકારણ પૂછ્યું. જાણવું હતું કે આ રહસ્યમાં ચાઊસને પિતાના પ્રેતે ક્યાં સુધી શામિલ બનાવેલ છે. “માયના તો મૈં કુછ નહીં સમઝતા, સા’બ. બાબાને ફેરફેર સિર્ફ ઇતના હી કહા, કિ ઐસી બેવકૂફી ન કરે, બોલો લડકાકો, મર્દાઈસે કામ લેના.” થોડી વાર બેઉએ ચુપકીદી પકડી. ચાઊસે શિર ઝુકાવ્યું; બોલતો બોલતો ચાલ્યો ગયો: “હાં સા’બ, મર્દાઈસે કામ લેના, હાં બેટા!” શિવરાજને પોતાના પર જ ઘૃણા આવી. આપઘાતનો માર્ગ નામર્દનો માર્ગ હતો, છટકી જવાની નાઠાબારી હતી. સાચી વાત, પોતાને જીવતી બદનામીની બીક લાગી હતી. પોતે ખતમ થઈ જાય, પાછળથી તો જે થવાનું હોય તે થાય; કોણે ખાતરી આપી કે અજવાળીને એનો લાભ મળશે! મારે મરીને મારું કાળું મોઢું નથી છુપાવવું. મારે મારા છુટકારાની આશા – અરે, ઝાંખામાં ઝાંખી અભિલાષ-રેખા પણ – ભૂંસી નાખવાની છે. મારા જીવનનું અવશેષકાર્ય આ એક જ છે કે મારે આ જીવનમાં પેસી ગયેલી નામર્દાઈ બહાર ખેંચી નાખવી. મારે ઉઘાડા પડી જવું, લોકોના થૂથૂકાર મસ્તક પર ઝીલવા. પછી એક દિવસ સરસ્વતીની જીભ શું નહીં બોલે, કે શિવરાજ, તું હવે નામર્દ નથી, તું હવે નિષ્કપટ બની ગયો! આટલું જ જો એક વાર એની એકની જીભ પર ચડી જાયને, તો હું નિહાલ થઈ જઈશ. તો મારી તમામ સંસારી કંગાલિયત અને બદનામી વચ્ચે પણ હું ઇન્દ્ર જેવો બનીશ. બીજું કશું બાકી નથી રહ્યું. સરસ્વતીનો હાથ તો આજે વિચારવાની વાત પણ નથી રહ્યો. ફક્ત એની જીભ પરનો પેલો બોલ – ‘નામર્દ છો તું’ – એ બોલ જવો જોઈએ. એ હું કેવી રીતે કરીશ? કયે માર્ગે? ચાલતી અદાલતે જજને જઈ કહું, કે અજવાળીના આ ગુનાનો મૂળ અપરાધી હું છું? હા, સાચે જ, ભર અદાલતમાં. સૌ સ્તબ્ધ બની રહેશે. મારા એકરારની ભવ્ય અસર પડશે. મારી નૈતિક હિંમત પર લોકો મુગ્ધ બનશે. પણ અજવાળીનો ગુનો એથી શી રીતે મટશે? એનું કર્મ કેવી રીતે કોર્ટને હળવું લાગશે? પેલો ‘હેંગિંગ જજ’, વિલાયતની જૂની રસમોનો પ્રેમી, એ ગોરો મને હસી કાઢશે, અજવાળીને કટકેય નહીં છોડે. લોકો મારી હાંસી કરશે કે હું કોઈ નવલકથાનો વીર બનવા આવ્યો છું. અજવાળી તો કદાચ ઓછી સજા પામે, પણ તેથી આ કાયદાને શી આંચ? એ કાયદાનો નાશ કોણ કરે? રાજસત્તાનું ધ્યાન એ કાયદાની કાળાશ પર કેમ કરીને ખેંચાય? પ્રજાના આત્મભાનને આ કાયદાના અધર્મ પર એકાગ્ર કરીને. પણ એ બધું ક્યારે થાય? જમાનો વીત્યે. નહીં, નહીં, અજવાળીનું બલિદાન લેનાર આ કાયદા પ્રત્યે રાજસત્તા ચોંકી ઊઠે તેવું કોઈ ત્વરિત પગલું લેવું છે. કેમ કરીને? – એ કાયદાનો ભંગ આચરીને. કોણ ભંગ કરે? – એ કંપી ઊઠ્યો. કાયદો કોણ ભાંગે? – એ પ્રશ્નની સામે ધ્રૂજી ઊઠેલું એનું અંતર આખરે હિંમતમાં આવીને વિચારી ચૂક્યું: અજવાળીના વિનાશનું કારણ હું બન્યો છું, અજવાળીના છુટકારાનું કારણ પણ મારે જ બનવું રહે છે. ફરી પાછી વિચારોની એ સાંકડી ગલીને આધારે એની કલ્પના કંપી ઊઠી. “અરર! હું ન્યાયાધિકારી ઊઠીને કાયદો ઉથાપું?” એને એના સોગંદ સાંભર્યા, એને પિતાનો મુદ્રાલેખ યાદ આવ્યો: એ જ મુદ્રાલેખની સામે જોઈ એણે અદાલતમાં ઇન્સાફ તોળ્યો હતો: ‘જગતમાં ઇન્સાફ સમું પવિત્ર બીજું કોઈ નથી.’ હું અપરાધી બનું? કાયદાનો રક્ષક કાયદાનો ભંજક બનું? ન્યાયદાતા તરીકેની મારી ઇજ્જતનું શું? બારીમાંથી વાયરો આવ્યો, ને જૂના વિચારે જોર કર્યું: એ ઓરતની જિંદગીને મુકાબલે મારી ન્યાય-ઇજ્જત શા હિસાબની હતી? – કશી જ નહીં! તલભાર નહીં! અજવાળી નહીં રહી શકે કેદખાનામાં, ન રહેવી જોઈએ. એને નાસી છૂટવા મારે મદદ કરવી જ જોઈએ – કોઈ ન જાણે તેમ. એ કાયદો જુઠ્ઠો છે. માટે એ હું ખતમ કરીશ. એવા કાયદાને ઉથાપવાનો હક છે – નહીં, પવિત્ર ધર્મ છે. પણ અજવાળીને રાજકોટ તો નથી લઈ ગયા? એ છલંગ મારીને તારીખિયા પર દોડ્યો. આજે કયો વાર! શનિવાર છે. આવતી કાલે રવિવાર છે ને? અજવાળીને લઈ ચાલશે સોમવારે. કાલે – કાલે જ એને નસાડું. પણ નસાડીશ ક્યાં? જગતના કયા છેડા ઉપર? એ જ્યાં જશે ત્યાં ઝલાઈ જશે. એને કોણ સંઘરશે?