અભિમન્યુ આખ્યાન/કડવું ૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૯
[શ્રીકૃષ્ણ અને અહિલોચન પરસ્પર સ્વપરિચય આપે છે. શ્રીકૃષ્ણ અહિલોચન સાથેનો પોતાનો સંબંધ જજમાનગુરુનો દર્શાવી વજ્રપેટી વિશે જિજ્ઞાસા વ્યક્ત કરે છે. અને પેટીનું પ્રમાણ નક્કી કરવા અહિલોચનને પેટીમાં પ્રવેશવા લલચાવે છે.]


રાગ ગોડી ઝૂમખડી
વાયક સાંભળી સ્નેહ તણાં અસુર પામ્યો આનંદ જી;
પ્રેમે લાગ્યો પૂછવા, ન ઓળખ્યા ગોવિંદ, માયા મોટી જી.          ૧

પરમેશ્વર-શું પ્રીત કરી પણ અંતરમાં છે ખોટી જી,
નવ સમજ્યો દાનવ અલ્પમતિ, જે હરિની માયા મોટીજી           ૨


‘કહો, ઋષિજી! ક્યાંથી આવ્યા? શું તમારું નામ જી?
મારા પિતાને કેમ સંભારો? કોણ વસ્યાનો ઠામ?
માયા૦           ૩

તમો તે મુજને શું જાણો? હું અયદાનવનો તન જી.’
એવું સાંભળી હરખ્યા હરજી, ધાઈ દીધું આલિંઘન.
માયા          ૪

હાથે ઝાલી હડપચી ને બોલ્યા શ્રી ભગવાન જી :
‘સાચે અયદાનવનો કુંવર, હું ગુરુ, તું જજમાન.
માયા          ૫

ગયાં નેત્ર અંધને આવે, વંધ્યા પ્રસવે તન જી,
એવું મારે થયું; હશે, ભાઈ! સાચું કે સ્વપન?
માયા           ૬

તું સરખો ભારે ભડ, ભાઈ! બેસી રહ્યો શું ઘેર જી?
કૃષ્ણ-શત્રુને હાથે હણ્યો નહિ, ન વાળ્યું બાપનું વેર!
માયા          ૭

શુક્રાચાર્ય તે નામ મારું, હુંથી કાળ પામે બીક જી;
દુઃખી થયો જજમાન જ મરતાં, જીવ્યું તે મારું ધીક.
માયા          ૮

કો જનુનીએ જન્મ્યો નથી જે જદુપતિયાને પછાડે જી,
દાઝ ઓલવી મયદાનવની, મુજને સુખ પમાડે.
માયા          ૯

કહે કુંવર, તું કેમ ઊછર્યો? મેં હવે હાથે ઝાલ્યો જી;
વજ્રપંજર ક્યાંથી પામ્યો? આ મારગે કેમ ચાલ્યો?’
માયા          ૧૦

શમીવૃક્ષની છાયા હેઠળ બેઠા બંને એકાંત જી;
અહિલોચને વાત જ માંડી, આવ્યો ન જાણે અંત.
માયા          ૧૧

વહાલો ગુરુ જાણીને કુંવર કર જોડી ઓચરિયો જી :
‘પાતાળમાં પ્રસવ થયો ને મોસાળમાં ઊછરિયો.
માયા          ૧૨

ઈશ્વર આરાધી પંજર પામ્યો, એહથી કારજ સરશે જી;
કૃષ્ણને ઘાલું પેટી માંહે, અકળાઈ આફણિયે મરશે.’
માયા          ૧૩

એવું સાંભળી હરજી બોલ્યાઃ ‘એ કામ કઈ પેરે થાશે જી?
દ્વાર પેટીનું સાંકડું દીસે તે શામળો કેમ સમાશે?
માયા          ૧૪

કામ કાચું ન કીજે, કુંવર! જ્ઞાન-દૃષ્ટે નીરખો જી;
પેસીને જુઓ પરમાણું પેટીનું, કૃષ્ણિયો છે તુજ સરખો.
માયા૦          ૧૫

પાસે મૂક્યા બદલાઓ બંને, જૂજુઆ નવ ઓળખાઓ જી;
માટે પેટીમાં પેસી નીસરો, પછે સંગ્રામે જાઓ.
માયા૦          ૧૬

વલણ
‘જાઓ પછે સંગ્રામ કરવા,’ એમ બોલ્યા શ્રીગોવિંદ રે;
અહિલોચને પછે શું કીધું, તે કહે ભટ પ્રેમાનંદ રે.
માયા૦          ૧૭