અભિમન્યુ આખ્યાન/કડવું ૧૭
રાગ ગોડી મલ્હાર
ભીમ કહે, ‘લખો કાગળ માંહે : એક સહસ્ર માતંગ,હળધર;
સાજ સંગાથે પાણી પંથા, પાંચ સહસ્ર તોરંગ હળધર. ૧
રથ સુરભિ, પટકૂળ ને પામરી, ઘટે તે રોકંત હળધર;
આજ ઇન્દ્રાસન માગીએ, આપનાર શ્રીકંત, હળધર. ૨
કૃપ, દ્રોણ ને ભીષ્મ પિતામહ, કાકાનો પરિવાર, હળધર;
વિદુર, યુધિષ્ઠિર કુંતા માતા, અમો બાંધવ ચાર, હળધર. ૩
માતાનું મન તો વહુ મનાવશે, વસ્રાદિક ત્યાંહાં જેહ, હળધર;
રોક જોઈએ કાંઈ સોનું રૂપું, પારથને પૂછો તેહ, હળધર. ૪
છોકલડાં લાખેક લખો, તેનો અહીં શો આંક? હળધર;
ગાય, ભેંશ તો સહુ કો આપે, જે હોય દરિદ્રી રાંક, હળધર. ૫
કોઈ ગામ ઘટે મામેરા મધ્યે, તો હાથ ઓડે ધર્મરાય, હળધર;
શત ગામ આપવાં કરીને, નમો નરપતિને પાય, હળધર. ૬
સો કૂડી લખો સાળુની, તો પિછોડી પામે દાસ, હળધર;
જાડાં છાયલ લાખક જોઈએ, કિંકરીઓ કરે આશ, હળધર. ૭
ભાર કનક આપો ભગિનીને, જેણે બાંધી છે રક્ષાય, હળધર; વ્
બે ભાર આપો બુસટિયાને, જે કારજ ચાલતું થાય, હળધર. ૮
ભૂરશી દક્ષિણા લખો બ્રાહ્મણને, મળ્યા છે વીસ સહસ્ર, હળધર;
એકેકાને સવાશેર સોનું, એક અબોટિયું વસ્ર, હળધર. ૯
એટલું તો આશરે લખાવ્યું, જો આપશો આજ, હળધર;
લખ્યાથી અદકું કરો તે તમારા ઘરની લાજ, હળધર. ૧૦
વલણ
લાજ વધશે તમ તણી, જો લખ્યાથી અદકું કરો રે;
હાથ નવ પહોંચે હળધરજી, તો અમારું લઈ છાબે ભરો રે. ૧૧