અભિમન્યુ આખ્યાન/કડવું ૫૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૫૧

[અભિમન્યુના મૃત્યુ વિશે અર્જુને કરેલી પૃચ્છાના પ્રત્યુત્તરમાં ભીમે સઘળો વૃતાંત કહી સંભળાવ્યો. અર્જુને જયદ્રથને સૂર્યાસ્ત સુધીમાં મારવાની પ્રતિજ્ઞા કરી. અર્જુન સંધ્યા સુધી લડ્યો પણ સંતાડેલો જયદ્રથ જડ્યો નહિં. ચાર ઘડી બાકી રહેતાં શ્રીકૃષ્ણે સુદર્શનચક્ર આડું મૂકી કૃત્રિમ સંધ્યાકાલ કર્યો. સાંજ થઈ જાણી. જયદ્રથ બહાર નીકળતાં જ અર્જુને જયદ્રથનો શિરચ્છેદ કર્યો. પાંડવો રાજ્યાસન પામ્યા, એમનો કીર્તિકળશ ઝળહળ્યો.

પરંપરાગત કવિપરિચય, રચ્યાવર્ષ, ફલશ્રુતિ વગેરે સાથે આખ્યાનનું સમાપન.]


રાગ ધનાશ્રી

અર્જુન પુત્રને ઘણું ટળવળેજી, તેથી ત્રિકમ બમણું વલવલે જી;
દ્રુપદરાયે આશ્વાસના કરી જી : ‘રોયે કુંવર નહિ આવે ફરી જી.’          ૧

ઢાળ
‘રોયે કુંવર નહિ આવે ફરી, નાહ્યા અર્જુન મોરાર;
સજ્જ થઈને અર્જુને પૂછ્યો ભીમને સમાચાર.          ૨

‘કેમ મૂઓ કુંવર અમારો? કુળ બોળ્યુ કે તાર્યું?
નાસી મૂઓ કે નામ ખોયું? કે આપણને લાંછન માર્યું?          ૩

ભીમ કહે : ‘ભત્રીજો ભડિયો તે વાણીએ કહ્યું જાય નહીં;
કૌરવ-કુંજર મરદિયા, ભાઈ, અભિમન્યુ મોટો સહી.          ૪

દસ સહસ્ર સંઘાતે માર્યો અયોધ્યાનો રાજન;
સોળ સહસ્ર સાથે માર્યો લક્ષ્મણ નામે તન.          ૫

શલ્યસુત રુક્મરથ માર્યો, વળી કર્ણસુત વૃષસેન;
કૌરવની સેના હીંડે નાસતી જેમ વ્યાઘ્રભયે ધેન.          ૬

સવા અક્ષૌહિણી સેન માર્યું, એણે રાઢ કીધી એવી;
પછે જયદ્રથ આવ્યો કપટ કરીને, જે કૌરવનો બનેવી.          ૭

તેણે અમને ખાળી રાખ્યા, પણ એકલો ગયો સુભટ;
સાતમે કોઠે બાણ સાંધી રહ્યા મહારથી ખટ.          ૮

સર્વે મળી અકળાવિયો, પણ ન જાણ્યું કેમ કીધો નાશ;
અમો જોવા ગયા તો કાલકેતુ પડ્યો દીઠો પાસ.’          ૯

સાંભળીને બોલ્યો અર્જુન, મુખે તે ખંખારિયો;
‘મસ્તક છેદ્યા વિના પડ્યો કે વેગળેથી મારિયો?          ૧૦

જયદ્રથે અનર્થ કીધો, જે ખાળ્યા રણમાં તમો;
તે પાપીને માર્યા તણી પ્રતિજ્ઞા કરું છું અમો.          ૧૧

 કાલ્ય સાંજ ઓરો નહિ મારું તો પૂર્વજ પડે નરકમાંહે;
એમ કરતાં સૂરજ આથમ્યો તો હોમું શરીર અગ્નિ માંહે.’          ૧૨

એમ જ્યારે પ્રતિજ્ઞા કીધી, ગ્રહી ગાંડીવ બાણ;
ત્યારે સુભટે શંખનાદ કીધો ઘાવ વાળ્યાં નિસાણ.          ૧૩

દુર્યોધનને નિશાચરે જઈ કહ્યો સમાચાર :
‘સ્વામી! પાર્થે કીધી પ્રતિજ્ઞા, જયદ્રથ હણવા સાર.’          ૧૪

ચિંતા થઈ કૌરવપતિને, રાત્રે શકટ વ્યૂહ તે રચિયો;
સેનાને અંતે ભોમમાં જીવતો જયદ્રથ દટિયો.          ૧૫

વહાણું વાતે જુદ્ધ કીધું, દાઝ આણી અર્જુન;
જયદ્રથ તો જડ્યો નહિ, કૃષ્ણે વિચાર્યું મન.          ૧૬

ચક્ર સુદર્શન મૂક્યું, અંતરિક્ષ, લોપિયો અજવાળ;
દિવસ ચાર ઘટિકા છતે છબીલે કીધો સંધ્યાકાળ.          ૧૭

પછે અર્જુને આયુધ છોડ્યાં, પડ્યો રથથી ઊતરી;
બાણ ઘસીને અગ્નિ પાડ્યો, ભાંગ્યા રથ એકઠા કરી.          ૧૮

નમસ્કાર સર્વને કીધો જુએ સર્વને મોરાર;
કૌરવે અનર્થ કીધો : જયદ્રથ કાઢ્યો બહાર.          ૧૯

એવે અંતરિક્ષમાંથી કૃષ્ણજીએ સુદર્શન અળગું કર્યું;
પછે અર્જુનને સાન કીધી, પાર્થે ધનુષ પાછું ધર્યું.          ૨૦

કાલચંદ્ર એક બાણ માર્યું, અંતર આણી રીસ;
મુકુટ-કુંડળ સહિત છેદ્યું, જયદ્રથ કેરું શીશ.          ૨૧

અર્જુન પ્રત્યે બોલિયા, સમરથ અશરણશરણ :
‘એનું મસ્તક પડશે ભોમ વિષે તો તારું પડશે ધરણ’          ૨૨

પછે પાર્થે શિર ઉડાડ્યું, તે ગયું ગંગા માંય;
શ્રાદ્ધ સારતો હતો જયદ્રથપિતા, નામ બ્રેહદ્રથરાય.          ૨૩

દીકરાનું મસ્તક દેખીને બાણ હૃદયાશું વાગ્યું;
હાથે હેઠું મૂકતાં, પોતાનું સાથે ભાંગ્યું.          ૨૪

વરદાન માગ્યું દેવ પાસે, તે પોતાને આવી નડ્યું;
સંજય કહે : સાંભળો રાજા, પાંડવનું ઈંડું ચઢ્યું.          ૨૫

જીત્યા પાંડવ વળ્યા વેગે, અંતે હાર્યો દુર્યોધન;
કુંતાના કુંવર જીતિયા, પામ્યા રાજ્યાસન.           ૨૬

વૈશંપાયન બોલિયા : સુણ જનમેજય રાજન;
અહીં થકી પૂરણ થયું અભિમન્યુનું આખ્યાન.          ૨૭

એકાવન કડવાં, રાગ સત્તર, ચાલ છે છત્રીસ;
પદબંધ ચોપાઈની સંખ્યા એક સહસ્ર ને પાંત્રીસ.          ૨૮

વડું ગામ વડોદરું, વાસી વ્રિપ પ્રેમાનંદ;
એકવીસ દિવસે કૃષ્ણકૃપાએ બાંધિયો પદબંધ.          ૨૯

કવતા કવિતા કૃષ્ણજી, નિમિત્ત માત્ર તે હુંય;
પણ આશરો અવિનાશનો, કવિજન જોડે શુંય?          ૩૦

સંવત સત્તર અઠ્ઠાવીસે શ્રાવણ સુદ દ્વિતીયાય;
તે દહાડે પૂરણ થયું, અભિમન-ચરિત્ર મહિમાય.          ૩૧

મહિમા શ્રી કૃષ્ણજીનો, કહ્યું અભિમન્યુનું ચરિત્ર;
સાંભળતાં મહાપાપ જાયે, કાયા થાય પવિત્ર.          ૩૨

જે કો ગાય ને સાંભળે, તેનાં બળે કૃત કર્મ;
મહાભારત દ્રોણપર્વે અભિમન્યુનું પ્રાક્રમ.          ૩૩

વલણ
પરાક્રમકથા અભિમન્યુની કવી છે પ્રેેમે કરી રે;
જન પ્રેમાનંદ એમ ઊચરે : શ્રોતાજન બોલો શ્રીહરિ રે.          ૩૪