અમાસના તારા/જીવન અને નાટક
રામપુરના નવાબસાહેબના શોખની વિચિત્રતાઓ વિશે ઘણું સાંભળ્યું હતું. એટલે એક વખત નીલમનગરના મહારાજા સાથે રામપુર જવાનું થયું ત્યારે મારા અંતરમાં ભારે કુતૂહલ હતું. સ્પેશિયલ ટ્રેનમાં અમારી રવાનગી હતી. બીજા પણ ચારપાંચ મહારાજાઓ પધારવાની બાતમી હતી એટલે રંગ જામશે એવી અપેક્ષા હતી. દરભંગાના મહારાજાની કે રામપુરના નવાબસાહેબની મહેમાનગતિનું વર્ણન કરવું સરળ નથી; અને સલામત પણ નથી. કારણ કે ત્યાં ઉડાઉગીરીના જે કીમિયા અજમાવવામાં આવે છે તે લગભગ તિલસ્મી લાગે એવા હોય છે. એટલે સામાન્ય માણસો કાં તો એને અસંભવિત માને અથવા કહેનારને ગપ્પીદાસનું બિરુદ આપે. પણ અમે જે સાંજે પહોંચ્યા તે રાતે એક નાટક જોયું તેનું વર્ણન કરી શકાય તેવું છે. મહેલમાં જ નાટ્યઘર અને તે પણ તદ્દન અદ્યતન પ્રકારનું. હિન્દુસ્તાનના તો શું પણ યુરોપના કોઈ પણ ગીતઘરની સાથે સરખાણણીમાં ઊતરે એવું સુરમ્ય. નવાબસાહેબ પોતે નાટકના લેખક છે, કવિ છે અને સંગીતસંયોજક પણ છે. એટલે અમે જોયું તે ‘ચિંતામણિ’ નાટક એમની જ સર્જનકલાનો નમૂનો હતું. આજે સ્ત્રીઓ જ સ્ત્રીપાત્રો ભજવે અને પુરુષો પોતાના જ ક્ષેત્રમાં મર્યાદિત રહે એ ચળવળ જોર પકડતી જાય છે. અને પરિણામે ધંધાદારી રંગભૂમિને પણ બેચાર કુમારિકાઓનાં નામોની જાહેરખબર આપવાની ફરજ પડે છે. પરંતુ નવાબસાહેબની રીતરસમ જુદી હતી. એમને સ્ત્રીપાત્રો તરીકે પુરુષો અભિનય કરે એવો આગ્રહ હતો. એટલે નાટકનાં બધાં જ સ્ત્રીપાત્રો પુરુષો જ ભજવતાં હતા. તખ્તાની પાસે જ કોઈ મોટા પંતસચિવનું ટેબલ હોય એવું સુશોભિત અને સુંદર વિશાળ ટેબલ નવાબસાહેબનું હતું. એ ટેબલ પર લગભગ સો સવાસો વીજળીની ચાંપો હતી. એની દ્વારા નવાબસાહેબ પોતે જ આખા તખ્તાનું, પ્રકાશનું, સિનસિનેરીનું અને લગભગ બધાનું બધું જ સંચાલન કરતા હતા. એ ટેબલ ઉપર ચારપાંચ ટેલિફોન પણ હતા. એક અંદરનાં પાત્રો તથા માણસો સાથે વાતો કરવા માટે. એક પોતાના મહેલમાં કોઈની સાથે વાત કરવી હોય તેની સરળતા માટે, એક વળી ટ્રંક-કોલ માટે. અને બે ટેલિફોન ખાસ જનાના સાથે વાતચીત કરવા માટેના હતા. આ બધી પૂર્વભૂમિકા સાથે અમે નાટક જોવા બેઠા હતા. બધા મળીને પચીસેક માણસો અમે હોઈશું.
પહેલી હારમાં મહેમાન રાજાઓ સોફા ઉપર બેઠા હતા. ત્યાર પછીની ખાસ ખુરશીઓ ઉપર મહારાજાના અમલદારો બેઠા હતી. અને ત્યારબાદ છેલ્લી હારમાં પાંચસાત જાણીતી ગાનારીઓ જે મહેમાનોનું દિલ ખુશ કરવા આવી હતી તે બેઠી હતી. પ્રાચીન રીત પ્રમાણે ધડાકા સાથે પડદો ઊઘડ્યો અને સૂત્રધાર-નટીઓએ કલ્યાણની ચીજ ગાઈને ‘ચિંતામણિ’ નાટકનો પ્રારંભ કર્યો. અને પછી તો નાનપણમાં જોયેલા બિલ્વમંગલ ઉર્ફે સુરદાસના નાટકની યાદ આપે તેવા એ નાટકના એક પછી એક પ્રવેશ ભજવાતા ગયા. વચમાં વચમાં નવાબસાહેબ ટેલિફોનનો ઉપયોગ કરે, સંગીતનું સંચાલન પ્રગટપણે કરે, વળી પ્રકાશસંયોજનની જવાબદારી પણ અમને દેખાય તેમ અદા કરે અને બધું બરાબર ગાડું ચાલતું હોય ત્યારે એકાદ ટેલિફોન ઉપર જનાના સાથે ગુફતેગો કરે.
ત્યાં તો અમે ચિંતામણિ અને બિલ્વમંગલના એક બહુ જ રોમાંચક પ્રસંગમાં પહોંચી ગયાં. ચિંતામણિ પોતાની અટારીએ ગમગીન બેઠી છે. નીચે એની બેત્રણ દાસીઓ પોતાની બાઈને ગમે અને એનું મનોરંજન કરે એવું સંગીત જમાવવાની પેરવી કરી રહી છે. એટલામાં બિલ્વમંગલ આવે છે. આ એનું પ્રથમ આગમન છે. એનો સમૃદ્ધ અને દમામદાર પહેરવેશ જોઈને દાસીઓ માનથી એને ઉપર લઈ જાય છે અને એમ બિલ્વમંગલ ચિંતામણિ પાસે અટારીએ આવે છે. ત્યાં બન્ને વચ્ચે સંવાદ થાય છે. એ સંવાદની મધ્યમાં ચિંતામણિને જ્યારે જાણ થાય છે કે બિલ્વમંગલ પરિણીત છે ત્યારે એ એને સ્વીકારવાની આનાકાની કરીને શિખામણ દે છે કે : “પરિણીત પુરુષોએ વારાંગનાને ઘેર આવવું વ્યાજબી નથી.” જ્યાં ચિંતામણિના મુખમાંથી આ વાક્ય સર્યું કે તરત જ નવાબસાહેબે પાછળ ફરીને પેલી ગાનારી બાઈઓને ઉદ્દેશીને ટકોર કરી : “જરા સુન ભી તો લો. ચિંતામણિ જૈસી જિંદગી બનાઓ.” એ ગાનારીઓમાં બનારસની મશહૂર ગાનારી સિદ્ધેશ્વરી પણ હતી. એણે તરત જ ઉત્તર વાળ્યો : “ચિંતામણિ તો અપને મકાનમેં બેઠી હૈ, લેકિન હમ તો આપકે મહેલમેં હૈં, ક્યા કરેં ઔર કૈસે કરેં?”
અને સૌ હસી પડ્યા. નાટક પાછું ચાલુ થયું. ગમગીન બનીને હું ઊઠી ગયો.