અરણ્યરુદન/અરણ્યરુદન1

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અરણ્યરુદન

સુરેશ જોષી

હમણાંની એક એવી છાપ ઊભી થતી જાય છે કે સાહિત્યનાં સર્જન અને વિવેચન પરત્વે ઊભા થતા પ્રશ્નોની તાત્ત્વિક ચર્ચાનું ધોરણ નીચું ઊતરતું જાય છે. કેટલીક વાર સિદ્ધાન્તોને ઉચિત રીતે સ્થાપી આપ્યા વિના શ્રદ્ધા કે અભિનિવેશથી સ્વીકારી લેવડાવવાનો હઠાગ્રહ દેખાય છે. આપણાં ગૃહીતોની રસકીય કે દાર્શનિક પીઠિકા રજૂ કરવાનો પુરુષાર્થ ઝાઝો દેખાતો નથી. ગ્રન્થાવલોકનમાં પણ આની માઠી અસરો દેખાય છે. એક જ લેખમાં જુદી જુદી અને કેટલીક વાર તો પરસ્પરવિરોધી એવી ભૂમિકાઓની સેળભેળ થઈ જતી દેખાય છે. પોતે જે મૂળ સિદ્ધાન્ત સ્વીકારે છે તેની સાથે એની બધી જ તાકિર્ક ઉપપત્તિઓનો પણ સ્વીકાર અનિવાર્ય બની રહે છે એ હકીકત ભૂલી જવાતી લાગે છે. પશ્ચિમમાં આ પરત્વે સતત મીમાંસા થયા કરતી હોય છે. એવી મીમાંસાનાં સૂત્રોચ્ચાર માત્ર કરવામાં આવે છે. એની માંડણી જે દાર્શનિક પીઠિકા પર થઈ હોય છે તેનો જો પરિચય કરાવવામાં ન આવે તો આવા સૂત્રોચ્ચારથી સાચા ઊહાપોહની ભૂમિકા રચી શકાતી નથી.

હમણાં હમણાં એક એવો મત પ્રકટ આવે છે કે સાહિત્યકૃતિની આલોચનામાં એના સર્જકનું આગવું વ્યક્તિત્વ અને એનું દર્શન મહત્ત્વનાં છે. તેવી રીતે વિવેચકે પણ પોતાના વિવેચન દ્વારા પોતાની આગળ વ્યક્તિતાનો, એના વિશિષ્ટ પ્રતિભાવોનો જ પરિચય કરાવવાનો છે. આપણી પાસે જે તૈયાર પરિભાષા છે તે વાપરીને જો વાત કહીએ તો એમ કહી શકાય કે આજનો વિવેચકોનો એક વર્ગ આત્મલક્ષી અને સંસ્કારનિર્ભર આલોચનાનો આગ્રહ રાખે છે.

કોઈ પ્રચલિત સિદ્ધાન્ત એટલા બધા લાંબા કાળથી પ્રચારમાં રહે કે એનાં ગૃહીતો આદેશાત્મક બની જાય, ત્યારે એની પ્રતિક્રિયા થયા વિના નહીં રહે. જે પ્રતિક્રિયા રૂપે કહેવાય તે ઘણું ખરું સામે અન્તિમે જઈને કહેવાય. આવી કશીક પરિસ્થિતિમાંથી આજે આપણે પસાર થઈ રહ્યા હોઈએ એવું લાગે છે. આવે પ્રસંગે જ બને તેટલી તત્ત્વનિષ્ઠાથી અને તાટસ્થ્યથી સત્યને અતિરેકના અત્યાચારમાંથી બચાવી લેવાનો પ્રયત્ન થવો જોઈએ.

સર્જનમાત્ર અપૌરુષેય છે. એમાં સર્જકનું બિનંગત એવું દર્શન જેની વસ્તુલક્ષી ચર્ચા થઈ શકે એવાં માધ્યમ અને સામગ્રી દ્વારા પ્રકટ થતું હોય છે. આથી વિવેચકે તો રૂપરચના શી રીતે થઈ, એમાં ભાષાનો વિનિયોગ શી રીતે થયો તે જ તપાસવાનું છે. આમાં રૂપનિમિર્તિ અને સંરચનાના પર ભાર મૂકવામાં આવતો હતો. કાવ્યનો અર્થ તે એનો રસ છે. એ રસની નિષ્પત્તિની પ્રક્રિયાનો આલેખ આપવો એ જ વિવેચનનું કાર્ય છે. એ કરવાથી જ આપણે પણ રસાનુભૂતિ થાય છે. ભાષા એ માધ્યમ છે કે દરમ્યાનગીરી કરનારું કોઈ તત્ત્વ છે એવો પ્રશ્ન હવે પૂછવામાં આવે છે. રૂપનિમિર્તિ ભાષાની અપૂર્વ રચનારીતિથી સિદ્ધ થાય છે એની સામે હવે વિરોધ પ્રકટ થયો છે. કવિની ચેતનાના પર ભાર મૂકવામાં આવે છે. કૃતિ સ્વયંસમ્પૂર્ણ છે એવો દાવો કરવાની હવે કશી જરૂર દેખાતી નથી. કાવ્ય દ્વારા આપણે મૂળ પદાર્થ સુધી પહોંચીએ છીએ. કાવ્ય એમાં અન્તરાયરૂપ બનવું ન જોઈએ.

‘The Unmediated Vision’ નામના એમના શકવર્તી પુસ્તકમાં જ્યોફ્રે હાર્ટમેને કહેલું કે કાવ્યને ‘ઇતર પદાર્થ’ રૂપે જોવાનું નથી, એને કવિની ચેતનામાં આત્મસાત્ થઈ જતું જોવાનું છે. એ રીતે એ વિવેચકની ચેતનામાં આત્મસાત્ થઈ જાય છે. કશી દરમ્યાનગીરી કે અન્તરાય વગરના આ વિશ્વમાં કેવળ પ્રકૃતિ, માનવદેહ અને માનવચેતનાનું જ અસ્તિત્વ છે, એમાં શબ્દનિમિર્ત પાઠ અન્તરાયરૂપ બનીને રહેતો નથી.

હમણાં જે પ્રતિક્રિયા દેખાઈ રહી છે તે શબ્દને ‘ઇતર પદાર્થ’ ગણવાની વૃત્તિની સામેથી છે. અમેરિકામાં ઇહાબ હસને વિવેચનની ચાલી આવતી પ્રવૃત્તિ સાથે જેહાદ જગાવી છે. એ જેહાદનો મુખ્ય ઉદ્દેશ સાહિત્યને પદાર્થતામાંથી મુક્ત કરીને વ્યક્તિની વિશિષ્ટ ચેતના રૂપે પ્રતિષ્ઠિત કરવાનો છે. કેટલાક તો અન્તિમે જઈને રસચર્વણાને સ્થાને કાર્ય જ આપણો કૃતિ પ્રત્યેનો પ્રતિભાવ હોવો જોઈએ એવું કહે છે.

કૃતિના બારીકાઈથી અભ્યાસ કરવાના ઉદ્યમથી જાણે હવે બધા વાજ આવી ગયા હોય એવું લાગે છે. કળાના અમાનવીકરણને સ્થાને હવે એની ફરી માનવસન્દર્ભમાં પ્રતિષ્ઠા કરવાનું વલણ દેખાય છે. એવો સન્દર્ભ જ એને પુષ્ટ કરે છે, અને એવી પુષ્ટ થયેલી કળા માનવસમાજને પણ સમૃદ્ધ બનાવે છૈ.

આ વલણનાં લક્ષણો જોતાં ઘણા એને અભિનવ રોમેન્ટિક ઉદ્રેક કહીને ઓળખાવવા પ્રેરાય છે. પ્રશિષ્ટતા અને વસ્તુલક્ષિતાને નામે, સાહિત્યની સ્વયંપર્યાપ્તતાને નામે, વિવેચન ધીમે ધીમે અમુક પ્રકારના યાન્ત્રિક લાગતા વ્યાપારમાં સરી પડતું હોય એવું કેટલાકને લાગ્યું. આથી એમાં નિષ્પ્રાણતા આવી ગઈ, કવિતાનું જે જીવન્ત વ્યક્તિત્વ હતું તેને જાણે શબવત્ લેખીને વિવેચનને નામે કેવળ શવચ્છેદનની પ્રવૃત્તિ જ ચાલતી રહી. આપણા શાબ્દિક વૈભવમાં વિવેચક વધારો કરતા નહોતા. એમાં એક પ્રકારની કૃતક શાસ્ત્રીયતા પ્રવેશી ગઈ હતી.

આની પ્રતિક્રિયા રૂપે સાહિત્યને ફરીથી જીવનપ્રદાન કરવાના પ્રયત્નો શરૂ થયા. સોક્રેટિસે કહેલું તેમ વિવેચકનું કામ તો દાયણનું જ કામ છે. એ શવચ્છેદનને પરિણામે મરણ શાથી થયું તેનો અધિકૃત ચુકાદો આપનારો અધિકારી નથી. વિવેચનની પ્રવૃત્તિમાં જે વસ્તુલક્ષિતાનો આગ્રહ રખાતો, અનાસક્ત તાટસ્થ્યની તપાસ કરવાનો જે દાવો થતો તેની સામે હવે પ્રહાર થવા શરૂ થયા. વિવેચક પૃથક્કરણ કરતો અને કૃતિના મૂલ્ય પરત્વે ન્યાય ચૂકવીને નિર્ણય જાહેર કરતો. આમ એ સર્જક અને વાચક વચ્ચે મધ્યસ્થનું કામ કરતો હતો, બીજી રીતે જોઈએ તો આને જ દરમ્યાનગીરી અથવા દખલગીરી કહી શકાય. કૃતિ અને વિવેચક વચ્ચે જે અન્તર પાડવામાં આવ્યું છે તેને હવે દૂર કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો. અમાનવીય પૃથક્કરણનું સ્થાન હવે માનવીય પ્રતિભાવ લે એવું ઇચ્છવામાં આવ્યું. આવી પરિસ્થિતિ કૃતિ અને વિવેચક વચ્ચે વસ્તુલક્ષિતાને નામે જે અન્તર પાડવામાં આવે છે તેને કારણે જ ઉદ્ભવે છે. એને કારણે જ પૃથક્કરણને માટે જરૂરી અવકાશ ઊભો થાય છે. આને પરિણામે શાસ્ત્રીય વસ્તુલક્ષિતાના દાવાઓ થાય છે.

વિવેચક કૃતિ સાથેની આ દૂરતા શી રીતે દૂર કરી શકે? એ બાબતમાં એણે સર્જકને અનુસરવું જોઈએ. સર્જક પોતાની સર્જક પ્રવૃત્તિ માટે ‘નૈર્વ્યક્તિક’ એવી કશી સર્જન પરત્વેની શાસ્ત્રીય વિચારણાનો આધાર લેતો નથી. એનો પોતાનાં સર્જન સાથેનો સમ્બન્ધ અપરોક્ષ હોય છે. પરિણામ કરતાં પ્રક્રિયાને વધુ વફાદાર એવો આ વિવેચક જો આ દૂરતાને દૂર કરવા ઇચ્છતો હોય તો એણે પણ કૃતિ સાથેની આવી અપરોક્ષતા કેળવવી જોઈએ. તો કવિતાને પણ કશી દરમ્યાનગીરીની વિરોધી તરીકે, ભાષાના દરમ્યાનગીરીના સ્વભાવની વિરોધી લેખે એ જોતો થશે.

આપણે જે બોધક કે જ્ઞાનદાયક સાહિત્ય વાંચીએ છીએ તેમાં તો ભાષાનું કામ જ દરમ્યાનગીરી કરવાનું છે. પણ કવિતામાં તો તત્ક્ષણતા હોવી જોઈએ. એ તરત જ પોતાની ઉપસ્થિતિનો વિલય કરી શકતી હોવી જોઈએ. જો એ ટકી રહે તો પેલી તત્ક્ષણતામાં જે ચૈતન્યપ્રવાહ રહ્યો છે તેને થીજવી દઈને સ્થગિત કરી નાંખે. આને બદલે કૃતિ વ્યવધાનરહિત ઉપલબ્ધિમાં ઓગળી જવી જોઈએ. આવી ઉપલબ્ધિમાં જ સર્જક કૃતિ અને વિવેચક અભિન્ન ભાવે ભળી જતા હોય છે. આથી આપણા સાહિત્ય સાથેના સમ્બન્ધમાં એક નવું કૌવત આવે છે. કૃતિ એ સ્વયંપર્યાપ્ત એવી સંરચના છે, એનાં લક્ષણોની વ્યાખ્યા એમાંથી જ મળી રહે છે એવી માન્યતાને હવે ત્યજી દેવાનું વલણ દેખાય છે; કારણ કે એમાં કૃતિ સાથેના માનવીય સ્પર્શનો જ છેદ ઉડાવી દીધો હોય એવું લાગે છે. આ માનવીય સ્પર્શ કૃતિની પહેલાં અને પછી હોય છે એટલું જ નહીં પણ કૃતિમાં અભિન્નભાવે ભળી જઈને કૃતિને એ જ પ્રાણવન્ત બનાવે છે.

કાવ્યની સંરચનાની વિગતો અને એને દૃઢ કરી આપનારી વિવેચનની પરિભાષા જ અન્તરાય ઊભો કરે છે. હવે જે ‘માનવીય’ છે અને ‘આન્તરિક’ છે તેનું વર્ચસ્ ‘શાસ્ત્રીય’ અને ‘બાહ્ય’ના પર સ્થપાય એવો આગ્રહ રાખવામાં આવે છે. જો આમ કરવામાં આવે તો જ સાહિત્યમાં નવા પ્રાણનો સંચાર થતો રહે. જો એવું નહીં થાય તો એ કુણ્ઠિત થઈ જાય. આપણે ત્યાં આવો આગ્રહ રાખનારાં વિવેચનો હવે દેખાવા લાગ્યાં છે. એમાં ક્વચિત્ પ્રભાવ પાડવાની શક્તિ દેખાય છે. પણ ઘણી વાર એમાં કવિતાની વાત કરતાં બીજું આછુંપાતળું કાવ્ય જ ઊભું કરી દેવા જેવું થાય છે એવાં વિવેચનો આપણી કલ્પના પર પ્રભાવ પાડે છે, પણ આપણા કાવ્યબોધ પર એની ઝાઝી અસર પડતી નથી. એથી રુચિને કેળવવાનું કામ ઝાઝું પાર પડતું નથી. આ વલણનો જ્યારે અભિનિવેશપૂર્વક અતિરેક થાય છે ત્યારે ઉગ્ર પ્રતિક્રિયા રૂપે કળાનો પ્રતિકાર કરનાર, શબ્દ અને શબ્દના વેપલાની હાંસી ઉડાવનારા અને આખરે ભાષાનો નિ:શબ્દતામાં વિલય થાય એવું ઇચ્છનારા ખરીતાઓ દેખાવા લાગે છે.

જો તારણ કાઢીએ તો કવિતાને પદાર્થ ગણવા સામે અને વિવેચનને વિવેકજન્ય પૃથક્કરણ લેખવા સામે જે વિરોધ ઊભો થયો છે તેના મૂળમાં શબ્દને અપાતા મહત્ત્વ તથા ભાષાની દરમ્યાનગીરી કરવાની ખાસિયતના પર થતા પ્રહારો છે. રૂપરચનાનાં જે ગુણગાન ચાલ્યા કરે છે તેની સામેનો અણગમો પણ આમાં પ્રકટ થાય છે. આપણામાંના જે વધારે રસપરાયણ છે તેમને શબ્દો નહીં, પણ શબ્દો જે વિશિષ્ટ રૂપો ઉપજાવે છે તે આપણા આત્મલક્ષી અનુભવની આડે અન્તરાય ઊભો કરતા લાગે છે. કહેવાતા અનુભવો અને સંવેદનો અરાજકતામાંથી વ્યવસ્થા સ્થાપવા માટે આપણે એના પર આ રૂપોનું આરોપણ કરીએ છીએ. એ રૂપો નિબદ્ધ અને સ્થગિત બની જાય છે. વ્યવધાનરહિત એવી આપણી સંવિત્ની જે કાચી ધાતુ તેને આપણે આવાં સ્વયંપર્યાપ્ત રૂપમાં ફેરવી નાંખીએ છીએ તેથી આપણા માનવીય સ્વાતન્ત્ર્યનો જ ઉચ્છેદ થાય છે. આપણી આ સ્વતન્ત્રતાની યદૃચ્છતા ચાલી જાય છે, એ સંરચનાની મર્યાદામાં બંધાઈ જાય છે, એ એક પ્રકારની પૂર્વનિર્ણીતતાના ચોકઠામાં પુરાઈ જાય છે. માનવીમાં રહેલી આ રૂપવિધાયક વૃત્તિએ પોતાની સ્વતન્ત્રતાને જ છેહ દીધો છે.

સમયમાં જે પ્રાણવન્ત વેગ છે, પ્રવાહિતા છે તેને સ્તમ્ભિત કરી દઈને આકારની જડ અવસ્થામાં, સ્થળની મર્યાદિત નિશ્ચિતતામાં પૂરી દેવાનું કામ આ રૂપવિધાયક વૃત્તિ કરે છે. આપણો સૌષ્ઠવપૂર્ણતાનો અને પ્રશિષ્ટતાનો આગ્રહ પણ આપણને એ તરફ જ દોરી જાય છે. આથી સાહિત્યને થીજવી દઈને શિલ્પમાં બદલી નાંખવા જેવું થાય છે. સમયની અણસરખી અને અકળ એવી ધારાને આકાર દ્વારા એક બિન્દુએ સ્થળમાં જડી દેવામાં આવે છે. આગલા જમાનામાં તો આ બહુ ખટક્યું નહીં હોય, કારણ કે ત્યારે માનવસ્વતન્ત્રતામાં દખલગીરી કરનાર ઈશ્વરને, દૈવને આપણે સ્વીકાર્યાં જ હતાં, પણ આજે માનવસ્વાતન્ત્ર્યની ભાવનાએ વધુ ઉગ્ર રૂપ ધારણ ર્ક્યં છે. આજે આ વલણની સામે ઉગ્ર પ્રતિક્રિયા ઊભી થઈ છે.

સ્વનિયન્ત્રિત એવી અમુક લક્ષ્યસાધક હેતુપરાયણતાનું તત્ત્વ આ રૂપવિધાનમાં રહેલું છે અને એ આ સ્વૈરતાના તત્ત્વનો નિરોધ કરીને સ્વતન્ત્રતાને હણી છે. જો દરમ્યાનગીરી કરનારો ઈશ્વર જ રહ્યો નહીં હોય તો પછી દેવતુલ્ય બનેલા માનવે તત્ક્ષણની જે અક્ષુણ્ણ એવી સ્વતન્ત્રતા છે તેને અબાધિત રાખવી જોઈએ. એમાં પોતાના તરફથી જ નવી દખલગીરી ઊભી કરવી ન જોઈએ.

ભાષા દ્વારા આપણું ઉન્નયન થાય, એને માટે પ્રતીકાદિનો આશ્રય લેવાનો રહે. આ પ્રતીકો અમુક ચોક્કસ પ્રકારની સાંસ્કૃતિક ભૂમિકામાંથી ઉદ્ભવતાં હોય છે. આ ભૂમિકા આત્મલક્ષી સ્વરૂપની નથી હોતી, એનો વસ્તુલક્ષી અભ્યાસ શક્ય બનવો જોઈએ. આવા અભ્યાસને પરિણામે આપણે અમુક તારણો આગળ આવીને અટકીએ છીએ જે નર્યાં બૌદ્ધિક અને અમૂર્ત હોય છે. એ તો સર્જનનો મૃત્યુઘણ્ટ જ વગાડે છે. અવિશિષ્ટ એવી શૂન્યમય અરાજકતા નિ:શબ્દતાથી જ છવાયેલી હોય છે. અહીં કોઈ ચઢતીઊતરતી શ્રેણીની ગોઠવણીનો પ્રશ્ન ઊભો થતો નથી. આથી ઉન્નયનની પ્રવૃત્તિ પણ રહેતી નથી. એને બદલે સર્જનનો આનન્દમય ઉન્મેષ જ પ્રકટ કરવાનું વલણ રહે છે, એમાં મૂર્તતા આવે છે. બલવત્તર ઉદ્રેક રૂપે પ્રકટ થાય છે, એમાંથી વ્યવસ્થા કે નિશ્ચિત રૂપની સીમા નહીં પણ અરાજકતા – કૌવતભરી અરાજકતા પ્રકટ થાય છે; એને કશી વસ્તુલક્ષી પદાર્થતા સાથે લેવાદેવા નથી, એ નરી આત્મલક્ષી ચૈતસિક અવસ્થા હોય છે, એમાં આવેગનિર્ભર જીવનનો ઉચ્છ્વાસ હોય છે. એ પ્રચલિત ધોરણોને વફાદાર રહીને લખાતાં કાવ્યોનો વિરોધ કરીને અ-કવિ બનવાનું પસંદ કરીને અ-કવિતા લખે છે. આ અ-કવિતાને રસમીમાંસાનાં ધારાધોરણોની પળોજણ હોતી નથી. એ અ-વિવેચકને માટે જ હોય છે, રૂઢ શૈલીના વિવેચક માટે નહીં – એવું ઝનૂનપૂર્વક જાહેર કરવામાં આવે છે. એ વ્યવસ્થિત અને અવશ્યંભાવીને સ્થાને આકસ્મિકને ઉપાસે છે. કોઈ પ્રકારની સૂત્રબદ્ધ સૂત્રનિર્ભર સંરચનાના ચોકઠામાં ગોઠવાઈ જાય એવું કશું એને ખપતું નથી. રૂપગત કશી અધિકૃતતાને એ વશ વર્તીને રહેવા ઇચ્છતો નથી. કળા પોતે પોતાનો જ વિલય સાધીને આખરે અપરોક્ષ એવી અસ્તિત્વની વિભીષિકામાં નિ:શેષ થઈ જાય એવી જ એની મહત્ત્વાકાંક્ષા હોય છે. રૂપનિર્માણ નહીં, પણ રૂપહીનતામાં વિલય પામવો, રસકીય આડમ્બરને ત્યજી દઈને જે અરાજકતાભર્યો આદિમ અન્ધકાર છે તેને સ્વીકારવો એ જ એનો ચરમ પુરુષાર્થ છે.

આવું અન્તિમવાદી વલણ ભાષાને વ્યવધાનરૂપ બનાવીને એની દ્વારા સાહિત્યેતર કશુંક સિદ્ધ કરવાના ઉધામાના વિરોધમાંથી જન્મ્યું છે. આ વિરોધ વાજબી છે એ સમજાય એવું છે. કાવ્યને કુણ્ઠિત કરનારાં તત્ત્વોનો વિરોધ થવો જ જોઈએ. કાવ્ય જ નિ:શબ્દતામાં વિલય પામે એવું તો આપણે ઇચ્છતા નથી. કાવ્યના સર્જક અને કાવ્ય વચ્ચે પરોક્ષતા રહેવાની જ, નહીં તો નિવિર્શેષ ચેતના સિવાય આપણી પાસે કશું બચશે નહીં. આથી કાવ્યને પદાર્થ તરીકે જોવાનો સમૂળો વિરોધ કરવો તે ઉચિત નથી. કાવ્યને સમયના અજસ્ર ગતિશીલ પ્રવાહમાંથી તારવીને અવકાશમાં દૃઢ કરવાથી જ એ મૃત:પ્રાય બની જશે એવો ભય સેવવામાં આવે છે. માધ્યમ ક્યારે વ્યવધાન બનતું અટકે? જ્યારે એ એનામાં પિણ્ડીભૂત રૂપે પ્રાણવન્ત ગતિશીલતાને ધારણ કરી શકે ત્યારે. કાવ્ય એ કશી સ્થગિત, થઈ ચૂકેલી, વસ્તુ નથી. એમાં ગતિનાં આવર્તો છે, પણ એ ગતિ નિશ્ચલ ગતિ છે.

આમ આપણે વિરોધાભાસમાં ઊતરી પડીએ છીએ. આ સમસ્યાઓ જ એવી અટપટી છે. એને સરળ બનાવવા જતાં મર્મને જ બાદ કરી નાંખવા જેવું થાય છે. આથી કેટલાક આવા ઊહાપોહને જ મિથ્યા વાણીવિલાસ લેખવા પ્રેરાય છે. એ વલણ સાહિત્યમીમાંસાને માટે વિઘાતક છે, સાહિત્યને જીવન વિશેના મૂલ્યબોધના પ્રચારનું સાધન માનનારા, એ દ્વારા ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો બોધ કરાવીને કૃતકૃત્યતા અનુભવનારા માટે આવી કશી સમસ્યા જ ઊભી થતી નથી, કૃતિની અદ્વિતીયતા સ્થાપવાનો એમને કશો ઉત્સાહ હોતો નથી. તૈયાર રાખેલો લઘુમત દૃઢભાજક જ એમને બધાં ધોરણો પૂરાં પાડે છે. એવી કોઈ કૃતિ, એમને મતે, સંભવતી નથી જે એ ધોરણનાં ચોકઠામાં સમાઈ નહીં શકે. જો કોઈ કૃતિમાં ન ગાંઠે એવું કશું તત્ત્વ દેખાય તો એમની પાસે એની ભર્ત્સના માટેની પરિભાષા તૈયાર હોય છે. દરેક કૃતિ, સાચી રીતે જોઈએ તો, એક સુખદ અકસ્માત હોય છે, પણ આવા વિવેચકો તો જે એમના શાસ્ત્રની કારિકાઓથી સમજાવી શકાતું નથી તેની ઉપેક્ષા કરીને ધર્મ આચર્યાનો સન્તોષ માને છે. કૃતિ સાથેના આપણા અપરોક્ષ સમ્બન્ધની આડે એઓ એમને અભિમત એવા ‘મોડેલ’ને મૂકે છે. ‘મોડેલ’ની આ વિભાવના કૃતિને અને એની પ્રત્યેના આપણા પ્રતિભાવને અમુક ચોક્કસ રીતે નિયન્ત્રિત કરે છે, અદ્વિતીય અને સમૃદ્ધ સંકુલતાવાળી કૃતિને એઓ સર્વસાધારણ લક્ષણોના સરવાળામાં પલટી નાંખે છે! સાહિત્યને વિશ્વજ્ઞાનસંગ્રહ બનાવવાની મહત્ત્વાકાંક્ષા કેટલાક ધરાવતા હોય છે. એઓ કશાક logocentric utopia પૃથ્વી પર અવતારવાની મહેચ્છા સેવતા હોય છે. આ બધું સાહિત્યને ભોગે થતું હોય છે. સંરચનાવાદીઓ પણ પુરાણકલ્પનની સંરચના અને સાહિત્યકૃતિની સંરચનાને જોડાજોડ મૂકીને સાદૃશ્યો ને સિદ્ધાન્તો સ્થાપવાને ઉત્સાહિત બને છે. એ બધું કદાચ હાથ લાગતું હશે. પણ એ દરમિયાન સાહિત્ય જ હાથમાંથી સરી જાય છે. જે અદ્વિતીય અને વિશિષ્ટ છે તેને સર્વસાધારણ બનાવી મૂકવાના આવા પ્રયત્નો જ ભાષાને વ્યવધાન ગણીને એની પ્રત્યે શંકાશીલ બનવાને પ્રેરે છે. વળી ભાષાને વ્યવધાન બનાવીને જ જંપનારાઓ હંમેશાં તારસ્વરે એમનાં ધોરણોની ઘોષણા કરીને એ વિશેનો દુરાગ્રહ પ્રકટ કર્યા કરતા હોય છે.

આ બન્ને અન્તિમમાર્ગી વલણો અન્તે તો કાવ્યને વિઘાતક નીવડે છે. કાવ્ય એક પદાર્થ તરીકે અસ્તિત્વ ટકાવી રાખતું હોવું જોઈએ અને સાથે સાથે એની ભાષા વ્યવધાન ન બની રહે અને એની અપરોક્ષ તત્ક્ષણતા જળવાઈ રહે એ જોવું જોઈએ. આવું નથી બન્યું એનું કારણ એ છે કે વિવેચનપ્રવૃત્તિમાં કાવ્યનિષ્ઠાને બદલે પોતે સ્થાપેલા (!) સિદ્ધાન્તો પ્રત્યેનું મમત્વ જ વધારે માત્રામાં જોવા મળે છે. કાવ્યની પ્રતિષ્ઠા કરવાને બદલે પોતાના સિદ્ધાન્તને વાજબી ઠરાવવાનો ઉદ્યમ વિશેષ જોવા મળે છે, નર્યો બુદ્ધિવ્યાયામ કાવ્યને પામવામાં ઉપકારક નીવડતો નથી.

ભાષા વિશેનું કંઈક વિરોધાભાસી લાગતું એવું દૃષ્ટિબિન્દુ સ્વીકાર્યા વિના છૂટકો નથી. એ વ્યવધાન છે અને છતાં એની દ્વારા આપણને જગતનો બોધ થાય છે, પણ એ બોધ કાવ્ય એની આગવી રીતે કરાવે છે. કવિ ભાષાને એની સર્વ અપૂર્ણતાઓ અને ક્ષમતાઓ સહિત સ્વીકારે છે. પોતાના કાવ્ય માટે એને એ પોતાની રીતે ઘડે છે ત્યારેય કશું બહારનું માગી આણેલું એના પર આરોપતો નથી. આ ભાષા દ્વારા જ એ આપણા અનનુભૂત અપૂર્વ સંવેદનોને, સ્વપ્નોને અને દર્શનોને મૂર્ત કરે છે. એ અદ્વિતીય છે કારણ કે એને બીજી રીતે વ્યક્ત કરતાં એનું સ્વરૂપ જ સમૂળું બદલાઈ જાય છે. એ આ વિશિષ્ટ રૂપરચના દ્વારા જે રીતે પ્રકટ થયા છે તે રૂપે અન્યથા પ્રકટી શકે જ નહીં. કૃતિ ભાષાની શક્તિને નકારતી છતાં આખરે તો એના આ નકારને જ એ નકારે છે તે આ અદ્વિતીયતાને જ કારણે.

પ્રચલિત સિદ્ધાન્ત જડ બની જતાં એની પ્રતિક્રિયા શરૂ થાય. પણ એ પ્રતિક્રિયાનો ધક્કો વાગતાં આપણે પાછા બીજે અન્તિમે જઈ પડીએ! પણ આ અતિરેકમાંથી બચી જવા જેટલી સ્વસ્થતા જાળવીને આપણે એમ કહી શકીએ કે તત્ક્ષણતાનો આગ્રહ રાખીને આપણે કવિના ચૈતન્યોત્કર્ષનો જ અપરોક્ષ રીતે જોવાનો આગ્રહ રાખતા હોઈએ, અને એમાં કાવ્ય પોતે જ વ્યવધાન બનતું હોવાથી એનો જ વિલય સાધવાનું અનિવાર્ય ગણતા હોઈએ, અથવા તો કાવ્યના પર વ્યાપક સ્વરૂપના ચિન્તનને લાદીને એની તત્ક્ષણતાને જ ભૂસી નાંખવા માગતા હોઈએ. તેમ છતાં કાવ્યને પદાર્થ તરીકે જાળવી રાખવું, એવી રીતે જાળવી રાખવું કે એની તત્ક્ષણતા પણ ભુંસાઈ નહીં જાય એવી આવશ્યકતાને નકારી દઈ શકાશે નહીં. વિવેચક પોતાની બહુશ્રુતતા કે વિદગ્ધતાનો દેખાડો કરવા માટે કાવ્ય પદાર્થને કેવળ નિમિત્તરૂપ બનાવે એ પરિસ્થિતિ કાવ્યાસ્વાદ માટે તો વિઘાતક છે જ, પછી ભલેને વિવેચક એને માટે કુશાગ્ર બુદ્ધિથી કશીક સાભિપ્રાયતા ઉપજાવવાનો પ્રયત્ન કરી છૂટતો હોય.

કાવ્યમાં પ્રયુક્ત શબ્દને ઓળખાવવો એટલું જ વિવેચકનું કાર્ય નથી; એ શબ્દ જે ભાષામાંથી આવિષ્કૃત થયો છે અને એની પાછળ જે સાંસ્કૃતિક ભૂમિકા રહી છે તેના અત્યાર સુધી નહીં પ્રકટ થયેલા પ્રદેશોને પણ એ કેવી રીતે અજવાળતો જાય છે તે પણ બતાવવું ઘટે. આસ્વાદ કેવળ ઊમિર્ની ભૂમિકા પર જ ચાલે છે એવું નથી, સમગ્ર સંવિત એનું ક્ષેત્ર હોય છે. કવિની ચેતના સાથેના સમ્પર્કની અપરોક્ષતા અને તત્ક્ષણતા જાળવી રાખીને એને ઉલ્લંઘી જઈ વ્યાપક જાગતિક સન્દર્ભ સુધી પહોંચી જવાની ક્ષમતા વિવેચકમાં અપેક્ષિત છે. આપણાં સ્વપ્નો અને દર્શનો આ સન્દર્ભમાંથી જ નીપજે છે, છતાં એમાં અપૂર્વર્તા અને અનનુભૂતતા વર્તાવાં જોઈએ.

કાવ્યમાં તો રસ એ જ અર્થ છે. અર્થ કાવ્યમાંથી તારવી લઈને તર્કસંગત ચોકઠામાં કે સમીકરણોમાં ગોઠવી દઈ શકતો નથી. કવિ ઘણી વાર આવાં ચોકઠાંઓમાં નહીં પુરાઈ જવાનો મરણિયો પ્રયત્ન કરે છે અને અર્થથી અન્-અર્થ તરફ પ્રબળ વેગે ધસી જતો દેખાય છે. કાવ્યમાંના શબ્દો જાણે અર્થની પકડમાંથી નાસી છૂટવાને માટે દોડાદોડ કરી મૂકે છે અને એકબીજા જોડે અથડાઈ પડે છે. આવી અથડામણમાંથી અન્વયના વ્યતિક્રમ ઉદ્ભવે છે ને અરાજકતા સર્જાય છે. આ અરાજકતામાં સરળતાનું સૌન્દર્ય નથી હોતું, પણ સામર્થ્ય હોય છે. પણ આવી બધી ભાંગફોડને અન્તે કવિ પોતાની ભાષા સુધી જઈ પહોંચે છે. રૂઢ સંકેતોના ભંગારમાંથી ઉગારી લીધેલો નરવો અર્થ એને લાધે છે. વિવેચકનો ધર્મ આ બધી પ્રક્રિયાનો સાક્ષાત્કાર કરીને કવિએ પ્રાપ્ત કરેલા આ ‘નવા’ શબ્દને સાંભળવાનો છે; એને નિષેધ અને સ્વીકૃતિની સમસ્તતામાં જોવાનો છે. શબ્દહીન ચૈતન્ય કે પછી શબ્દને સાધન માત્ર ગણીને રેઢિયાળ દર્શન – આ બે અન્તિમોમાંથી એણે ઊગરી જવાનું છે.

સત્યનું મુખ તો હિરણ્મય પાત્રથી ઢંકાયેલું જ છે. આ આચ્છાદનમાંથી જ બધી સન્દિગ્ધતાઓ જન્મે છે. આપણે એને જ રસનિષ્પત્તિ તરફ દોરી જતા ઘટક રૂપે, પ્રતિરૂપ લેખે કે પ્રતીક તરીકે જોઈ શકીએ. એક બાજુ વિશિષ્ટ છે તો બીજી બાજુ સર્વસાધારણ છે. આથી તો કળા દ્વારા જે સિદ્ધ થાય છે તેને હેગલે ‘concrete universal’ કહીને ઓળખાવ્યું છે. દરેક કાવ્ય તો વિશિષ્ટ જ નહીં, પણ અદ્વિતીય બની રહેવું જોઈએ. તેમ છતાં સર્વદેશ અને કાળમાં સંવેદ્ય બની રહે એવી ‘universality’ એનામાં હોવી જોઈએ, એવું સાધારણીકરણ એમાં થયું હોવું જોઈએ. આ ઉપરાન્ત ઇન્દ્રિયગોચરતા અને ઇન્દ્રિયબોધને ઉલ્લંઘીને અનુભવાતી આધ્યાત્મિકતા – આ બેનો પણ એમાં વિરોધ રહી ગયો નહીં હોવો જોઈએ. કાવ્ય આપણને પૃથ્વી પરથી ઉપાડીને સ્વર્ગના રાજમાર્ગ પર મૂકી દે કે પછી પૃથ્વીને જ પ્રિયતર બનાવીને પૃથ્વી પર જ આપણને જકડી રાખે એની ચર્ચા પૂરેપૂરી પ્રસ્તુત ગણી શકાય એવી નથી. છતાં આપણા વિવેચનમાં કાવ્યના પ્રયોજન વિશેની વધુ પડતી વાચાળતા કોઈક ને કોઈક રીતે આ વિશેની નિરર્થક વિતણ્ડામાં પાડે છે. પ્રતીકનું મહત્ત્વ એની આસ્વાદ્યતાને કારણે છે, એ કોઈ સૂક્ષ્મ અપરિમેય વિચારજગતમાં પ્રવેશ કરવાની ચાવી છે એટલા માટે નથી. આપણે એમ માનીએ છીએ કે પ્રતીક કશાકની અવેજીમાં છે. એ કશુંક આપણે આકલન કરી શકીએ એવું નથી હોતું માટે એની અવેજીમાં પ્રતીક દ્વારા આપણે સમીકરણની શૃંખલા નથી ઊભી કરતા કે પ્રતીક એ કશા પરાત્પર તત્ત્વ સુધી પહોંચવાના માર્ગમાં વિકૃત ઇન્દ્રિયલુબ્ધતાને વશ થઈને ઊભાં કરેલાં પ્રલોભનો પણ નથી. આ હિરણ્યમય પાત્રનું સ્થાન વિવેચનમાં બહુ વિવાદાસ્પદ રહ્યું છે. ઘણી વાર એને નર્યું ભ્રામક વ્યવધાન ગણી લેવામાં આવ્યું છે, એને કારણે જ વિકૃતિઓ કાવ્યમાં પ્રવેશતી લાગી છે, એને કારણે જ કાવ્ય દુર્બોધ બની જતું અનુભવાય છે, તો એ ઉમરા પર થઈને જ અગોચર અજ્ઞાતના પ્રદેશનાં દુસ્સાહસો પણ થયાં છે. આ વિશે ઊહાપોહ તો ચાલ્યા જ કરશે ને એમ થાય એ ઇષ્ટ પણ છે છતાં એ પરત્વે પ્રસ્તુતઅપ્રસ્તુતનો વિવેક વધુ જાગ્રત રહે એવી અપેક્ષા રહે.

પાયાની સમસ્યા માત્ર આટલી જ છે: જે અપરોક્ષ તત્ક્ષણતા છે તેનો વ્યવધાન જ જેનો સ્વભાવ છે એવી ભાષા દ્વારા શી રીતે અનુભવ કરાવવો? આપણે જેને પ્રકટ કરવા ઇચ્છીએ છીએ તે કશું સ્થગિત, સ્થિર કે જડ નથી. એને રૂપની સીમામાં બદ્ધ શી રીતે કરવું અને તેય વળી ભાષાની રૂઢ સંકેતવ્યવસ્થા દ્વારા? કૃતિને આપણે કોઈ પ્રાપ્ત થઈ ચૂકેલા ‘દર્શન’ને પ્રકટ કરવાના ઉપક્રમ રૂપે જોવી નહીં જોઈએ. આ દર્શન તો કૃતિને ઘડવાની પ્રક્રિયામાંથી જન્મે છે. ‘દર્શન’ કવિતામાંથી બહાર આવે છે, એને કવિતામાં મૂકવામાં આવતું નથી. કવિને થતી સંવેદનાની અદ્વિતીય વિશિષ્ટતાને અનેકવિધ પરિમાણો હોય છે એ આપણે સ્વીકારવું જોઈએ. એને આપણે પૂર્વનિર્ણીત ‘દર્શન’ના સૂત્રમાં સમાવી દઈ શકીએ નહીં. આન્તર સંવેદન તો ભાષાથી અભેદ્ય છે ને આપણે તો જાણે એના છાયાઓથી મુંઝાઈને જ બેસી રહીએ છીએ. એમાંથી આપણને આ અપરોક્ષ આત્મચૈતન્યનો સાક્ષાત્કાર કરાવનારો આત્મલક્ષી વિવેચક જ ઉગારી લે છે એવું પણ યોગ્ય નથી.

આમ તો સાહિત્યમીમાંસાનો ઇતિહાસ જોતાં આપણને એક જ વાતની પ્રતીતિ થાય છે; કૃતિને સામાન્ય સ્વરૂપની વ્યાપ્તિ રૂપે સારવી લેવાના દોષમાંથી બચવા માટે આપણે એની રૂપરચનાની અદ્વિતીયતાનું આકલન કરવા મથીએ છીએ. સાહિત્યનું માધ્યમ ભાષા જ છે અને એ ભાષા પરત્વે આપણને ગમે તેટલી નફરત હોય તોય એ દ્વારા જ જે કેવળ આત્મલક્ષી છે તેને એ મર્યાદામાંથી મુક્ત કરીને, એને ચિરસ્થાયી રૂપ લેખે ભાષા દ્વારા જ સિદ્ધ કરીને આખરે તો આપણે કાવ્યને વ્યવધાન રૂપે નહીં પણ અપરોક્ષતાથી માણવાના પદાર્થમાં રૂપાન્તરિત કરી નાંખીએ છીએ.

સમય તો અસ્ખલિત વહે છે, અવકાશ સ્થિર છે. રૂપરચનામાં આપણે એવું કશુંક સિદ્ધ કરીએ છીએ જેને કારણે પ્રાણવન્ત ચૈતન્યની પ્રવાહિતા સ્થગિત થાય નહીં છતાં ધુ્રવ એવા કશાકમાં એનું નિબન્ધન થાય. અવકાશની સ્થગિતતા આથી એને મૃત:પ્રાય કરી નાંખી શકે નહીં. કવિ કાવ્યની ભાષાને આ રીતે જ પ્રયોજે છે. મુખ્યાર્થનો બાધ થાય એવી અનિવાર્યતા ઊભી કરીને ભાષાને એ એની રૂઢતામાંથી બહાર આણે છે. વસ્તુલક્ષિતા અદ્વિતીયતાને માટે વિઘાતક છે એવું સૂત્ર આપણા કાનમાં ગાજ્યા કરે છે. પણ કાવ્યમાં પ્રયોજાતી ભાષા કાવ્યપદાર્થને અકબંધ રાખે છે છતાં કવિચેતનાના અર્થના સમ્પર્કની અપરોક્ષતા અને તત્ક્ષણતાનો એમાં લોપ થતો નથી. એમાં તત્ક્ષણતા અને સદ્યતાનો ભેગો સમાવેશ થયેલો હોય છે. કાવ્યમાં ગતિશીલ ક્ષણ રૂપમાં નિબદ્ધ થાય છે એમાં રહેલી ‘still movement’નો વિવેચકે પરિચય કરાવવાનો છે.

આ રૂપ એ વાસ્તવિકતા અને એને મૂર્ત કરતી કૃતિ વચ્ચેના સમીકરણની કોઈ વ્યવસ્થા નથી. આ રૂપ એ કાવ્યના બંધારણની પ્રક્રિયા છે, એ વાસ્તવિકતાની કોઈ વિભાવના નથી, એને મૂર્ત કરનારો વ્યાપાર છે. ભાષાવિજ્ઞાનીઓનો ભાષા પરત્વેનો દૃષ્ટિકોણ ભાષાકીય વિશ્વને નોખું પાડીને રજૂ કરે છે. મેર્લો પોન્તિ કહે છે તેમ એ એક કૃત્રિમ વ્યવસ્થા છે. એમાં માનવીની ઉપસ્થિતિ જ નથી. એની સાથે સાથે સમયનાં પરિમાણો અને પ્રકૃતિનો પુરાણકલ્પ, કવિતા અને ચમત્કારમાં થતો આવિષ્કાર પણ બાદ થઈ જાય છે.

ભાષા અને શબ્દ સાથેના સમ્બન્ધ વિશેની ભાષાવિજ્ઞાનની વિભાવનાઓ ટકી રહી શકતી નથી કારણ કે ભાષા પોતે તો પોતા વિશે જ કહે છે, એ સિવાયનું બીજું કશું એ કહી શકતી નથી, ભાષા દ્વારા જેવો બોધ થાય છે તેને ધ્વનિ ધ્વનિ વચ્ચેના પ્રભેદ, પ્રયોગનાં આવર્તનોની ગણતરી કે શબ્દવ્યાપારની નિયમવશતા જોડે ઝાઝો સમ્બન્ધ નથી. યથાયોગ્ય ધ્વનિવ્યવસ્થા હોય એટલે શબ્દનો અર્થ હાથમાં આવી જાય એવું નથી. એને અંગે તો સમાજ અને ભાષાના પારસ્પરિક સમ્પર્કમાંથી રચાતા અર્થના સમગ્ર વિશ્વને લેખામાં લેવું પડે, જે અર્થ જીવનમાં જીવાઈને શબ્દમાં રચાતો આવે તેનો સમાવેશ કરવો પડે.

માર્ચ, 1976