અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અરદેશર ફ. ખબરદાર/ગુણવંતી ગુજરાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગુણવંતી ગુજરાત

અરદેશર ફ. ખબરદાર

ગુણવંતી ગુજરાત! અમારી ગુણવંતી ગુજરાત!
નમીએ નમીએ માત! અમારી ગુણવંતી ગુજરાત!
મોંઘેરા તુજ મણિમંડપમાં ઝૂકી રહ્યાં અમ શીશ  :
માત મીઠી! તુજ ચરણ પડીને માગીએ શુભ આશિષ!
         અમારી ગુણવંતી ગુજરાત!

મીઠી મનોહર વાડી આ તારી નંદનવન-શી અમોલ!
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરીએ નિત્ય કલ્લોલ!
         અમારી ગુણવંતી ગુજરાત!

સંત મહંત અનંત વીરોની વહાલી અમારી માત!
જય જય કરવા તારી જગતમાં અર્પણ કરીએ જાત!
         અમારી ગુણવંતી ગુજરાત!

ઊંડા ઘોર અરણ્ય વિશે કે સુંદર ઉપવનમાંય;
દેશ વિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય,
         અમારી ગુણવંતી ગુજરાત!

સર સરિતા રસભર અમીઝરણાં રત્નાકર ભરપૂર;
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત! રમે અમ ઉર!
         અમારી ગુણવંતી ગુજરાત!

હિન્દુ, મુસલમિન, પારસી, સર્વે માત! અમે તુજ બાળ;
અંગ ઉમંગ ભરી નવરંગે કરીએ સેવા સહુ કાળ!
         અમારી ગુણવંતી ગુજરાત!

ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર!
એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર
         અમારી ગુણવંતી ગુજરાત!

નમીએ નમીએ માત! અમારી ગુણવંતી ગુજરાત!

(રાસચંદ્રિકા, ૧૯૪૧, પૃ. ૧૮-૧૯)




અરદેશર ફ. ખબરદાર • ગુણવંતી ગુજરાત • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: શ્રુતિવૃંદ