અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઊજમશી પરમાર/ઘટમાં ઝાલર બાજે
Jump to navigation
Jump to search
ઘટમાં ઝાલર બાજે
ઊજમશી પરમાર
ઝીણી ઝીણી ઝાલર ઘટમાં બાજે ઘડી ઘડી,
દુનિયા આખી આજ અનોખા લયની મેડી ચડી.
પગલું મેલ્યે ધરતી ધબકે, ઉરના ઢોલ ધડૂકે,
અંધારેયે આંખ માંડતાં શત શત વીજ ઝબૂકે;
ધોમ ધખે ત્યાં અમી તણી આ વરસી ક્યાંથી ઝડી?
વણદેખી કેડીનાં કામણ કિયે મુલક લઈ જાતાં,
ચડી હિંડોળે વળતાં વ્હાણાં પંચમ સૂરે ગાતાં,
સાવ અજાણી આંખેથી મધઝરતી ભાષા જડી!
(ગુજરાતી કવિતાચયન — ૧૯૯૬, સંપા. નરોત્તમ પલાણ, પૃ. ૨૭)