અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કલાપી/આપની યાદી
કલાપી
જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર;
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં છે ઝૂમખાં;
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!
આ ખૂનને ચરખે અને રાતે અમારી ગોદમાં;
આ દમ-બ-દમ બોલી રહી ઝીણી સિતારી આપની!
આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા;
યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની!
દેખી બૂરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઈને બધે ગંગા વહે છે આપની!
થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાં એ આશના;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!
જ્યાં જ્યાં મિલાવે હાથ ચારો ત્યાં મિલાવી હાથને;
અહેશાનમાં દિલ ઝૂકતું, રહેમત પડી ત્યાં આપની!
પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર;
ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની!
રોઉં ન કાં એ રાહમાં એ બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!
જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું:
જૂની નવી ના કાંઈ તાજી એક યાદી આપની!
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી;
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!
(કલાપીનો કેકારવ, ૧૯૯૫, પૃ. ૫૧૨-૫૧૩)
કલાપી • આપની યાદી • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: ગાર્ગી વોરા