અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહર મોદી/અડધો ઊંઘે અડધો જાગે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અડધો ઊંઘે અડધો જાગે

મનહર મોદી

અડધો ઊંઘે અડધો જાગે;
એ માણસ મારામાં લાગે.
એ જ વિચારો કાયમ આવે,
એકાદોયે કાંટો વાગે.
આ પડછાયો તે પડછાયો,
અહીંથી ત્યાંથી ક્યાં ક્યાં ભાગે!
બાર બગાસાં મારી મૂડી,
ગણું નહીં તો કેવું લાગે?
આ ઘર તે ઘર ઘરમાંયે ઘર,
માણસ માણસ માણસ માગે.
એક મીંડું અંદર બેઠું છે,
એ આખી દુનિયાને તાગે.
હું ક્યાં? હું ક્યાં? શબ્દ પૂછે છે,
અર્થો ક્હે છે : આગે આગે.
(૧૧ દરિયા, ૧૯૮૬, પૃ. ૮)