અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/ક્યાં છે?
Jump to navigation
Jump to search
ક્યાં છે?
જયન્ત પાઠક
જાંબુડાના ઝાડ ઉપર લટકતો
લીલો લીલો મારો સૂરજ ક્યાં છે?
ક્યાં છે મારા ખેતરખૂણાના કૂવામાં
કબૂતરાંની પાંખો ઉપર સૂતેલો
ભોળો ભોળો અંધકાર?
પ્રભાતપંખીનાં પગલાંની લિપિમાં
આળખેલો
ડુંગર ફરતો, ચકરાતો એ ચીલો ક્યાં છે?
ક્યાં છે મારી પથ્થર વચ્ચે
પાણી લઈને વહેતી
સમણાં જેવી નદી?
વનપરીના નાનકડા ખોબા જેવી
તરંગની આંગળીઓ વચ્ચે
પવન રમાડતી
પેલી મારી તલાવડી ક્યાં છે?
ક્યાં છે મારું ટેકરીઓનું ગામ,
ગામનું ઘર, ઘરની કોઢ, કોઢમાં
અંધારાની કાળી ગાયને દોહતી મારી બા?
ક્યાં છે…
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૩૩)