અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/ખપે ન ખોટી ચીજ
Jump to navigation
Jump to search
ખપે ન ખોટી ચીજ
જયન્ત પાઠક
ખપે ન ખોટી ચીજ
અમને ખપે ન ખોટી ચીજ
મનને ખપે ન ખોટી ચીજ.
ચાતક ચહું વરસાદ ગગનથી, નહિ ગરજન, નહિ વીજ.
— અમને.
અઢળક ચહું અંબાર તેજનો,
નહીં ઓછાથી રાચું;
તુજ મુજ પ્રીતના દાવે માગું
તારું સકલ, નહીં યાચું.
પૂર્ણ સુધારસ કુમ્ભ પૂનમનો પીવો, ન ઘૂંટડી બીજ.
— અમને.
આ જીવન જમનાના ઘાટે
ઘટ ભરનારી ગોપી;
મોહી પડી છું મોહન જગની
મરજાદાને લોપી.
કંઠે કરનો હાર ચહું, ના માદળિયાં તાવીજ.
— અમને.
→