અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/મિત્રની દીલગીરી (ફાર્બસ વિરહ)
દલપતરામ
સુણ સતી સાભ્રમતી ધીમી કેમ ધારી ગતિ,
વિરતિની મતિ કેમ રાખી મારી વીરી તેં;
કેમ થયું કૃષ અંગ, ક્યાં ગયા તારા તરંગ,
સંગ હતા દાદૂર તેં દૂર કર્યા શી રીતે;
બંને બાજુ ઓઢેલાં લીલાં રૂચિર ચીર હતાં,
ચિત્તમાં શી ચિંતા ચઢી ચીર નાંખ્યાં ચીરી તેં.
ઉદાસી દીસે છે આમ દાખે દલપતરામ.
ફારબસ ગયો તેથી લીધી શું ફકીરી તેં.
વાલા તારાં વેણ, સ્વપ્નામાં પણ સાંભરે;
નેહ ભરેલાં નેણ, ફરી ન દીઠાં ફારબસ. ૩૧
આજકાલની વાત, જોડ વરસ જાતાં રહ્યાં;
ભેળા થઈને ભ્રાત, ફરી ન બેઠા ફારબસ. ૩૨
પામ્યો ગતિ પવિત્ર, જઈને બેઠો જોખમાં,
મિત્રતણી તેં મિત્ર, ફિકર ન રાખી ફારબસ. ૩૩
દિલ ન થશો દિલગીર, વલેરા મળશું વળી;
વંદિને એવું વીર, ફરીને ન મળ્યો ફારબસ. ૩૪
ઉચર્યો કદી ન એક, જુઠો દિલાસો જીભથી;
છેલીવારે છેક, ફોગટ બોલ્યો ફારબસ. ૩૫
દીઠા નહીં દેદાર, સંદેસો નહિ સાંભળ્યો;
કાગળ પણ કો વાર, ફરી ન લખિયો ફારબસ. ૩૬
હેતે ઝાલ્યો હાથ, છેક કદી નહિ છોડતો;
મળ્યે સ્વરગનો સાથ, ફંટાયો તું ફારબસ. ૩૭
માનવ જાતી માત્ર, ભલે વસે સઉ ભૂમિમાં;
પણ પ્રીતીનૂં પાત્ર ફૂટી ગયું રે ફારબસ. ૩૮
લાખ લડાવ્યાં લાડ, સુખ તે તો સ્વપને ગયું;
ઝાઝાં દુઃખનાં ઝાડ, ફળવા લાગ્યાં ફારબસ. ૩૯
અંતરની ગત એક, ઈશ્વર જાણે આપણો,
છેટું પડ્યાથી છેક, ફરું ઉદાસી ફારબસ. ૪૦
તારા બોલતણા જ, ભણકાર વાગે ભલા;
ઉપજે ઘાટ ઘણા જ, ફરિ ક્યાં દેખું ફારબસ. ૪૧
તેણે વરસે નીર, સ્નેહી જ્યારે સાંભરે;
વેલો આવી વીર, ફરીને મળજે ફારબસ. ૪૨