અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપત પઢિયાર/ટેંટોડો
Jump to navigation
Jump to search
ટેંટોડો
દલપત પઢિયાર
એક એંશી વરહનો ટેંટોડો,
એના મોઢામાં દૂધિયા દાંત,
બોલે ટેંટોડો!
એ તો છપઈને છોરી જોતો'તો,
એનાં નેણાંમેં નવરા નાગ,
બોલે ટેંટોડો!
ટેંટોડો તો ટાલવાળો, ટોપી માગી લાયો બેની!
ઘઈડી ઢહરક મૂછોવાળો, મેંસ્યો આંજી આયો બેની!
બોલસ્યા એની બાળ-કુંવારી, કાનુડો!
એની હેંડસ્યા હલ્લક-મલ્લક,
ઘેલો ટેંટોડો!
શેરીએ શેરીએ સાદ પડાવો, — ટેંટોડો!
ઢોલિયા ઢેકી છાંય ઢળાવો,—ટેંટોડો,
એનો રેશમિયો રૂમાલ, ચડતો વેંછૂડો,
એંશી વરહનો ટેંટોડો!
કાળે ઉનાળે કરા પડ્યા 'લી ટેંટોડો,
મારી છાવણીઓમેં છરા પડ્યા 'લી ટેંટોડો!
એણે તાંણીને માર્યાં તીર,
રાયવર ટેંટોડો!
ઉગમણી દિશ આ કોણ ઊડે 'લી બગલું જો,
માતાની મઢીએ દીવા બળે 'લી હમણું જો,
બોરી બજારમેં મૂલ થયાં પેલી લંકા બળે;
અંદાવાદને આઠમે ટાવર ડંકા પડે રે લોલ
એંશી વરહનો ટેંટોડો!
(ભોંયબદલો, ૧૯૮૨, પૃ. ૧૦૫)