અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરેન્દ્ર મહેતા/ભેદ
Jump to navigation
Jump to search
ભેદ
ધીરેન્દ્ર મહેતા
સાવ અજાણ્યું થઈને મારું વરસ સોળમું આવ્યું,
મન ઊંચકી મારામાંથી દૈ જાણે ક્યાં ચાલ્યું!
પૂછવું શું સૈ, ભાનસાનનું, હવે ન આપે મને જ મારી
ઓળખ દર્પણ,
ગોરજટાણે ઘણીક વેળા એમ જ લાગે વેરાતી હું
થઈને કણ કણ;
માળામાં ફફડ્યું એ પંખી કેમ જીવશે આમ અચાનક
આભ મહીં ઉડાડ્યું?
— સાવ.
નદીએ ન્હાવા જાઉં હવે તો ન્હાવું ભૂલી જોયા કરતી
ખળખળ વહેતું જળ,
નોંધારી હું એવી જાણે વેળામાંથી પડી વિખૂટી
એક અટૂલી પળ;
જે ગમ હોઉં તે ગમ હોવું તે ઘડીએથી પછી
મને તો સાલ્યું!
— સાવ.
હથેળીઓની રેખાઓની નદીઓના કાંઠાઓ તોડે
ધસમસ ઘોડાપૂર,
કોઈ પાંદડું જાય તણાતું એમ તણાતી જાઉં પૂરમાં
ક્યાંય દૂરની દૂર!
કોઈ ઉકેલો ભેદ સખી, મેં આટઆટલાં વરસ બધુંયે
કયા ખૂણે સંતાડ્યું!
— સાવ.
(પવનના વેશમાં, ૧૯૯૫, પૃ. ૧૦૪)