અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રબોધ ભટ્ટ/ફરી વતનમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ફરી વતનમાં

પ્રબોધ ભટ્ટ


જૂના રે વડલા ને જૂનાં ગોંદરાં,
જૂની સરોવર-પાળ;
જૂનાં રે મંદિરે જૂની ઝાલરો
બાજે સાંજસવાર;
એથીયે જૂની મારી પ્રીતડી.

ઘેરાં રે નમેલાં ઘરનાં ખોરડાં,
ઘેરા મોભ ઢળન્ત;
ઘેરી રે ડુંગરાળી મારી ભોમકા,
ઘેરા દૂરના દિગન્ત;
એથીયે ઘેરી મારી વેદના.

ઘેલી રે ઘૂમે ગોરી ગાવડી,
ઘેલાં પંખી પવન;
ઘેલી રે ગોવાળણ ગોપની,
સુણી બંસી સુમંદ,
એથીયે ઘેલી મારી ઝંખના.

મનની માનેલી ખેલે મસ્તીઓ
આંગણ બાળક-વૃન્દ;
ફૂલડાં ખીલે ને ખેલે તૉરમાં
માથે મસ્ત પતંગ,
એથીયે મસ્તાની મારી કલ્પના.

સૂનાં રે ઊભાં આજે ઓરડાં,
સૂના મોભ ઢળન્ત;
સૂની રે સન્ધ્યાને ઓળે ઓસરી,
સૂની ખાટ ઝૂલન્ત,
એથીયે સૂની રે ઝૂરે જિંદગી.
(સરોરુહ, ૧૯૮૨, પૃ. ૧૧૨-૧૧૩)