અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી)/ભાષાનું ગાડું ચાલે છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાષાનું ગાડું ચાલે છે

પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી)

શબ્દોના ધોરી જોડ્યા છે, અર્થોના ખૂંટા ખોડ્યા છે, ભાષાનું ગાડું ચાલે છે,
અતીત એ અંધારું છે, ભાવિનાં સમણાં છોડ્યાં છે, ભાષાનું ગાડું ચાલે છે.

બે બળદને રેઢા મેલીને, સચ્ચાઈનો શેઢો મેલીને, હું ખેતર નહીં પણ ભાષાને,
ખૂબ ખંતથી ખેડું છું, મેં કવિનાં મહોરાં ચોડ્યાં છે, ભાષાનું ગાડું ચાલે છે.

વરસી શકે તો વરસી જા, તું અનરાધારે કાગળમાં, હું રવિ નથી કે કવિ નથી,
કે અનુભવીયે નથી દોસ્ત, મેં વિચાર મનના મોડ્યા છે, ભાષાનું ગાડું ચાલે છે.

પાક ઊતરશે સોળ આની કે દુકાળ પડશે છપ્પનિયો? એ જાણતલ કહી દો જોષી,
આડાઅવળા બેક ચાડિયા સાચાખોટા ખોડ્યા છે, ભાષાનું ગાડું ચાલે છે.

મક્તા ને મતલાનાં ડૂંડાં, નાચત ગઝલોના છોડ બધા ચકચૂર પવનના લયમાંહે,
ત્રણ લોક નાચવા લાગ્યા છે, સહુ ખુલ્લાં ચરણે દોડ્યા છે, ભાષાનું ગાડું ચાલે છે.

વળાય એટલું વાળી લ્યો, આ ખળું ખૂટશે નહીં જરી, આ ફાલ ફલકનો ઊતર્યો છે,
માણે ને મલક ભલે ભરચક, મેં તનમન એમાં જોડ્યાં છે, ભાષાનું ગાડું ચાલે છે.