અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાળાશંકર કંથારિયા/દીઠી નહીં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દીઠી નહીં

બાળાશંકર કંથારિયા


બલિહારિ તારા અંગની ચંબેલિમાં દીઠી નહીં,
સખ્તાઈ તારા દીલની મેં વર્જમાં દીઠી નહીં. ૧

મન માહરૂં એવું કુળું પુષ્પપ્રહાર સહે નહીં,
પણ હાય! તારે દિલ દયા મેં તો જરા દીઠી નહીં. ૨

એક દીન તે અલકાવલીમાં દીઠિ’તી મુખની છબી,
પણ ગુમ થઈ ગઈ તે ગુમાની, ત્યારથી દીઠી નહીં. ૩

એ કંઈ જરા કર શોચ કે મારી ઉફર શાને ગુમાન?
મે દેહ અર્પ્યો તોય પણ, દિલદારને દીઠી નહીં. ૪

ગૂમાનિ નુખરાબાજ ગોરી સુંદરીઓ મન હરે,
પણ કોઈએ એ યાર સમ તુજ સુંદરી દીઠી નહીં. ૫

એ વીર વિરહી ખોળવા તુજને જગત કંઈકં ભમ્યો,
ગિરિવર ગુહા કે કુંજકુંજે તોય મેં દીઠી નહીં. ૬

બાગમાં અનુરાગમાં કે પુષ્પના મેદાનમાં,
ખોળી તને આતૂર આંખે, તોય મેં દીઠી નહીં. ૭

સરખાવિ તારૂં તંન મેં, ખોળી ચંબેલી વંનમાં,
પણ હાય ખૂ બી આજની કરમાઈ કાલ દીઠિ નહીં. ૮

તું તો સદા નૂતન અને આખું જગત નિત્યે જૂનું,
મિથ્યા પ્રપંચે ક્યાં થકી તું! તેથિ મેં દીઠી નહીં. ૯

તું તો ખરી જ્યાં પ્રેમ પૂરણ, પ્રેમિનાં કાળજ બળે,
એવી દયા તો એ! ગુમાની, મેં કહીં દીઠી નહીં. ૧૦

મુખચંદ્રમાં મેં દીઠિ છે આખી છબી આ જગ્તની,
પણ આંખડી મુજમાં વસી તું, તેથિ મેં દીઠી નહીં. ૧૧

એ કાળજાની કોર કાં કાપે હવે તો થઈ ચુકી,
મેં તો પ્રથમ કાપ્યું સુપ્રેમે, તોય મેં દીઠી નહીં. ૧૨

કોઈ દેવ આવી કાનમાં દે શિખામણ પાંસરી,
આ જગ્તની જંજાળમાં ચતુરાઈ તો દીઠી નહીં. ૧૩

જ્યાં પ્રેમ મારો જળહળે, ત્યાં તેં દિધો બદલો ખરો,
તો આ જગત છોડ્યા વિના, યુક્તી બિજી દીઠી નહીં. ૧૪

એક દીન મળશે તે અધરસૂધા સબૂરી बाल ધર,
હાં એ બધુંએ છે ખરૂં, પણ હાલ તો દીઠી નહીં. ૧૫