અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/વ્યથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વ્યથા

ભાનુપ્રસાદ ત્રિવેદી

મથું મથું છતાં એની એ આ ઉરે ઊઠતી વ્યથા,
રહી રહી ધુમાતાં કાષ્ઠોમાં ધખે અગનિ યથા;
અસહ બનતું આ એકાકીપણું, જીરવાય ના,
અવર સથવારો તો એથી સહ્યો વળી જાય ના!

વ્યરથ વ્યવહારોનું દાસત્વ રે કઠતું કટુ,
પણ શરણ લૈ એનું હુંથી છુપાઈ જવા મથું!
ક્ષત ક્ષત સહુ અંગે અંગે અપંગ-શી જિંદગી,
હજીય રહું છું એના આલંબને નિજને ઠગી!

સમજી શકું છું, તોયે છોડી શકું નહિ વંચના,
સતત નિજને ખોવાનો આ મુકાય પ્રપંચ ના,
કૃપણ, ખલ હે, કુલ્‌ટા, આવી અચાનક જો મળી —
અનુનય કરું તારો કેવો ફરી ફરી જિંદગી!

દલિત ઉરની લંબાવું ના હવે વધુ આ કથા,
અવશપણું છે, હૈયુંયે છે, અને વળી છે વ્યથા!

(અલસગમના, ૧૯૭૫, પૃ. ૫૨)