અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ ન. દ્વિવેદી/દુનીયાં-બિયાબાઁ
મણિલાલ ન. દ્વિવેદી
ભૈરવી (ગઝલ)
અહા! હું એકલો દુનીયાં-બિયાબાઁમાં સુનો ભટકું
રઝળતો ઈશ્કને રસ્તે અહીં તહીં આંધળો અટકું. ૧
બતાવી રાહ આ જેણે ગયાં તે શું દગો દેઈ!
રિબાવી! રોવરાવી, ને શું રમશો ખાકથી મારી! ૨
સ્મૃતિ આવી તમારી ત્યાં, ન અશ્રુધાર રે’ ઝાલી,
હૃદય રમતું ઉછાળા લૈ—જુવાની શું ફરી આવી? ૩
સુણાવું લો કવિતા આ ઝિલું રસ નેત્રથી ઝરતો,
હૃદય હૃદયે મિલાવો તો જીવું ઊઠું પડ્યો મરતો. ૪
અરે! તે બાલપણના ક્યાં ગયા સાથી બધા સાચા!
ગઈ ક્યાં પ્રાણ પ્યારી તે! રહી મુજ ભાગ આ વાચા! ૫
સુણાવું તેય ક્યાં બેશી! નથી કો ઠામ રોવાનું,
ભર્યું છે એકદર દુનીયાં વિષે જ્યાં ત્યાં વગોવાનું. ૬
ભણાવી દો મને, આજે, તમારી તે રીતિ જૂની,
ન જેની દાગ દિલ લાગે ન લાગે ઝિંદગી સૂની! ૭
બતાવો શી રીતે હસવું, હૃદય ખાલી છતે રડવું,
વચનમાં પ્રેમ બતલાવી ઈશારે પ્રેમિદિલ હણવું! ૮
અરે ઉસ્તાદ! ક્યાં પાયો? મને આ ઈશ્કનો પ્યાલો,
કર્યો સંસારભર સૂનો, વફાઈ ક્યાં મળે? — ચાલો! ૯
ઉથામ્યાં ધર્મશાસ્ત્રોને—ગણાયો જ્ઞાની પંડિતમાં,
ઠરી દૃષ્ટિ ન કો ઠામે, પ્રીતિરીતિ અખંડિતમાં! ૧૦
હશે ક્યાં સત્ય દેખાડો, હશે શું સત્ય સમજાવો,
રડી રે’વું, કદી ગાવું, મને તો એટલો લ્હાવો! ૧૧
બધી દુનીયાં જુવે જેથી ગયાં મુજ નેત્ર તે ફૂટી,
બધી દુનીયાંનું અજવાળું મને અંધારી તે ઊંડી! ૧૨
અહીં તહીં આ ભટકવામાં નથી શાન્તિ તણી આશા,
સિતમગર લે ધરી ગરદનઃ—નિરાશા એ જ છે આશા! ૧૩