અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મધુકર ઉપાધ્યાય/સ્વર્ગસ્થ બાને —

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્વર્ગસ્થ બાને —

મધુકર ઉપાધ્યાય

સ્વર્ગસ્થ બાને —
બા,
મારું સર્જન કરીને
ઈશ્વરની જેમ તું છુપાઈ ગઈ.
તને મેં ક્યાં નથી શોધી?
સ્ત્રીના દરેક રૂપમાં મેં તને શોધી છે.
તને શોધવી છે એટલે સ્ત્રીને ધિક્કારી નથી શકતો,
તું મળતી નથી એટલે સ્ત્રીને ચાહી નથી શકતો,
બધા કહે છે, તારામાં જરાય સ્વાર્થ ન હતો
તો પછી
મારું સ્વર્ગ છીનવીને
તું કેમ સ્વર્ગસ્થ થઈ ગઈ?
પણ, કહે છે કે સ્વર્ગમાં જે ઇચ્છીએ તે મળે.
કદાચ દેવતાઓને તારી ઇચ્છા કરી હશે.
શું તને કોઈ દિવસ મારી ઇચ્છા નથી થતી?




આસ્વાદ: માતૃવિરહની અજંપાભરી પીડા – વિનોદ જોશી

માતૃમહિમા કરતી અનેક કાવ્યકૃતિઓ આપણી ભાષામાં છે. સ્ત્રીનાં વિવિધ રૂપો પૈકી તેનું માતૃરૂપ અતિપવિત્ર અને વાત્સલ્યમંડિત ગણાય છે. કવિ બોટાદકરે ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ એમ ગાઈને એની અનન્યતા સિદ્ધ કરી છે. જેને માતૃસ્નેહ સાંપડ્યો તેનું જીવન ધન્ય થઈ ગયું. પણ જેને માતૃસ્નેહનો અભાવ રહ્યો છે તેમનું શું? અહીં લેવામાં આવેલું કાવ્ય માતાના સ્નેહથી વંચિત એવા હૃદયનો વલોપાત છે. માતા નિમિત્તે સ્ત્રી, ઈશ્વર અને સ્વર્ગની સમીક્ષામાં અટવાયેલા એકાકી કવિનો ચિત્કાર છે. કાવ્યના પ્રારંભે જ કવિ એક વિધાન કરે છેઃ ‘મારું સર્જન કરીને ઈશ્વરની જેમ તું છુપાઈ ગઈ.’ વિધાન બાને સંબોધન રૂપે કરવામાં આવ્યું છે. જરા સમભાવથી ફરી આ વિધાન વાંચશું તો સમજાશે કે તેમાં કેવળ એક પરિસ્થિતિનો ઉલ્લેખમાત્ર નથી. તેમાં આક્રોશ પણ છે, ઠપકો પણ છે, નિરાધારતા પણ છે અને ભય પણ છે. ‘ઈશ્વરની જેમ’ છુપાઈ ગઈ એમ કહીને માતાને ઈશ્વર સદૃશ ગૌરવ પણ અપાયું છે. પણ મૂળ મુદ્દો ‘મારું સર્જન કરીને’ — તેમાંથી ઉદ્ભવે છે. માતાનું મૃત્યુ કેવળ એક શરીરનું મૃત્યુ નથી પણ એક સર્જકનું મૃત્યુ છે. સર્જનના પ્રાગટ્ય પછી સર્જકનું વિલોપન એ તો નોંધારા સર્જનની ઘટના. તેથી જ તો કવિ માની શોધ આદરે છે. તેઓ કહે છેઃ તને મેં ક્યાં ક્યાં નથી શોધી? સ્ત્રીના દરેક રૂપમાં મેં તને શોધી છે.’ મા, જે હયાત નથી તેની શોધ કરતા કવિને કોઈ પણ સ્ત્રી માનો વિકલ્પ લાગતી નથી. તેમ છતાં મા સ્ત્રી હોઈને કોઈક સ્ત્રીમાં જ તેનું સ્વરૂપ વિલોકી શકાશે તેવી શ્રદ્ધા કવિને એક વિરાટ મજબૂરી સમક્ષ લાવી મૂકે છે. દુનિયાની દરેક સ્ત્રી વિશે કવિને આસ્થા જાગે છે અને તેમનામાં મતૃસ્વરૂપ ન સાંપડે ત્યારે તેમના વિશે અસમંજસ પણ એટલું જ તીવ્ર બનીને કવિને પીડે છે. આ કાવ્યની બે પંક્તિઓમાં પ્રગટ થતો કવિનો વલોપાત સમુદ્રમંથન વેળાની જળની પીડાથી લગીરે ઓછો નથી.

‘તને શોધવી છે એટલે સ્ત્રીને ધિક્કારી નથી શકતો,

તું મળતી નથી એટલે સ્ત્રીને ચાહી નથી શકતો.’

સમગ્ર સ્ત્રી જાતિ પરત્વેના કવિના વલણનું તીવ્ર પરંતુ લાગણીભીનું સંવેદન અહીં પરાકાષ્ઠાએ વ્યક્ત થયું છે. કવિની શોધ મા વિશેની છે. મા સ્ત્રી છે. કોઈને કોઈ સ્ત્રીમાં મા દેખાય તેવો સંભવ છે, તેથી કવિ સ્ત્રીને અવગણી નથી શકતા. પણ તેમ કરતાંયે મા મળતી નથી તેથી સ્ત્રીને ચાહી પણ નથી શકતા. જેનામાં કવિ શોધ આદરે છે એ જ સ્ત્રી કવિની વિડંબના પણ કરે છે. માનું સ્ત્રી હોવું એ એક ઓળખ આખી સ્ત્રી જાતિ પરત્વેનો કવિનો વિલક્ષણ અભિગમ રચે છે. ધિક્કાર અને ચાહના વચ્ચે રહેલી સ્ત્રી કવિની આસ્થાનો વિષય છે એટલો જ નિરાશનો પણ વિખય છે. એક સાથે બેવડી ધાર પર ચાલતું સંવેદન કવિએ અહીં બહુ સૂક્ષ્મ કાવ્યવિવેકથી પ્રગટાવ્યું છે. મા નથી એટલે મા વિશે કશો અભિપ્રાય બાંધી શકાય તેમ નથી. મા વિશે બીજા કહે છે તે જ ખરી કે ખોટી તેવી આધારસામગ્રી છે. કવિ કહે છેઃ

‘બધાં કહે છે,
તારામાં જરાય સ્વાર્થ ન હતો

તો પછી
મારું સ્વર્ગ છીનવીને

તું કેમ સ્વર્ગસ્થ થઈ ગઈ?’

મા-વછોયા સંતાનનો આ આક્રોશ તર્કથી ભર્યોભર્યો છે. સ્વર્ગસ્થ એવી મા પોતાના સંતાનના સ્વર્ગની આમ ઉઠાંતરી કરી પોતે જ તેમાં વિરાજે એ તે ક્યાંનો ન્યાય? મા પરનો આ આરોપ કોઈ પીઢ વકીલની અદાથી થયેલો આરોપ છે. પણ તેમાં ખરેખર આક્રોશ છે કે પછી બીજું કંઈક? કવિતા હવે અહીં જતાં ખૂલે છે. કવિ લખે છેઃ ‘કહે છે કે સ્વર્ગમાં જે ઇચ્છીએ તે મળે.’ સ્વર્ગમાં કોણ કોણ રહે છે? દેવતાઓ. દેવતાઓએ ઇચ્છા કરી અને મા એમની પાસેથી ચાલી ગઈ. હવે મા પણ સ્વર્ગમાં છે. હવે મા પણ જે ઇચ્છે તે તેને મળે તેમ છે. હવે મા ઇચ્છે એટલી જ વાર છે. કવિ તત્ક્ષણ મા પાસે જઈ શકે તેમ છે. પૃથ્વી પર સ્ત્રીનાં અનેક રૂપોમાં માની શોધ કરી કરીને થાકી ગયેલા કવિ છેક છેલ્લે કેવી આસ્થાના પગથિયે પગ માંડે છે! પોતાને પૃથ્વીનું નહીં પણ સ્વર્ગનું સુખ આપવા ઉત્સુક એવી મા જન્મ દઈને સ્વર્ગમાં ચાલી ગઈ અને હવે એ પોતાને પણ ત્યાં બોલાવી લેશે, સ્વર્ગનું સુખ સંપડાવશે તેવી શ્રદ્ધામાં કવિને સામધાન સાંપડે છે. પણ એવું ક્યારે થશે? કવિ એટલે જ માને આજીજીપૂર્વક પ્રશ્ન કરીને ઊભા છેઃ ‘શું તને કોઈ દિવસ મારી ઇચ્છા નથી થતી?’ માતૃવિરહની અજંપાભરી પીડાનું અત્યંત તીવ્ર અને હૃદયદ્રાવક ચિત્રણ અહીં થયું છે. અછાંદસ રીતિએ લખાયેલી આ રચના કેવળ કેટલાંક વિધાનોનો સરવાળો બની જતી લાગે તો તેમાં ભાવકના કાવ્યવિવેકનો અભાવ છે. ભાષાની તર્કપૂતતા અને સંવેદનની પારદર્શિતા, બન્ને ટકાવવામાં ભલભલા કવિઓને હાંફ ચડી જતો હોય છે. અહીં વાત સાવ સીધીસાદી છે પણ એટલી તો નિરાળી છે કે તેને કાવ્યકળાના ધોરણે તપાસનાર નિરાશ નહીં થાય. વિડંબનાનું તત્ત્વ આટલી સૂક્ષ્મ રીતે વણાય તેટલી વાત પણ આ રચનાને એક ઉત્તમ કાવ્ય કહેવા પ્રેરે છે. ઘણી વાર સરળતા અને સહજતામાં આરોપી શકાતી સંકુલતા ચાહી કરીને કરવામાં આવતી કાવ્ય-પ્રયુક્તિઓ કરતાં ચડિયાતું કાવ્યસૌંદર્ય નીપજાવે છે અને તે અહીં જોઈ શકાશે.