અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નવનીત ઉપાધ્યાય/ગમતીલા ગામેથી કાગળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગમતીલા ગામેથી કાગળ

નવનીત ઉપાધ્યાય

ગમતીલા ગામેથી કાગળ આવ્યો…રે
કાગળને અક્ષરથી નંઈ રે ટહુકાથી શણગાર્યો…રે

મોર મને વનમાં બોલાવે એવું કૈં સંભળાતું…રે
અંબોડો ગીતોથી ગૂંથું મનડું મારું ગાતું…રે

મારા સમ મારામાં પડઘો દરિયાનો સંભળાયો…રે
કાગળને અક્ષરથી નંઈ રે ટહુકાથી શણગાર્યો…રે

મારી ઉપરથી ધુમ્મસના દિવસો લ્યો વીંખાયા…રે
મારી આંખે નીલા નીલા નભનાં નભ દેખાયાં…રે

આંખોએ આંસુનો ઉત્સવ ઘડી ઘડી શણગાર્યો…રે
કાગળને અક્ષરથી નંઈ રે ટહુકાથી શણગાર્યો…રે
(દરિયાનો પડઘો, ૧૯૮૯, પૃ. ૬૭)