અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખ નારિયા/જેવી મળી આ જિદંગી
મનસુખ નારિયા
જેવી મળી આ જિંદગી, તેવી ગમી હતી,
તો પણ હંમેશાં લાગતું, થોડી કમી હતી.
આધાર એનો ક્યાં હશે, એ જાણતી હશે,
થોડીક ડાળો મૂળ તરફ પણ નમી હતી.
આંખો વડે ઊંડાણથી ઉલેચવા છતાં,
ખારાશ લોહીની કદીયે ક્યાં શમી હતી?
થંભી જવાના આખરે ધબકાર સ્હેજમાં,
શ્વાસોનો બોજ આ હવા ક્યારે ખમી હતી?
ઇચ્છા સવારે સૂર્યની જેમ જ ઊગે સતત,
પણ એ કદી ક્યાં સાંજ થઈને આથમી હતી?
મેં રક્તમાં રાખી હતી એ ઝંખનાઓ પણ,
મારી જ સામે કેટલા દાવો રમી હતી!
સહુ જાણે છે કે કોઈને પસંદગીની જિંદગી મળી નથી. જે મળી અને જેવી મળી તેવી સ્વીકારી લીધા સિવાય કોઈને છૂટકો નહોતો. અન્યની તુલનાએ પોતે દુઃખી છે કે પોતાના સુખને આંબવાનું કોઈનું ગજું નથી એવી ભ્રાન્તિઓનો શિકાર હરકોઈ હોય છે. છેવટે તો સત્ય એટલું જ છે કે મર્યા નથી માટે જીવીએ છીએ અને મરશું નહીં ત્યાં સુધી જીવવાનું છે. પણ જીવવામાંયે અનેક વાર મરવું પડતું હોય છે અેન મરી ગયા પછી જીવન કરતાંયે વધારે જીવી શકાતું હોય છે તે વાત પણ વિચારણીય તો છે. કવિ અહીં પહેલાં તો જેવી મળી છે તેવી જિંદગી સ્વીકારી લીધાની વાતે સહી કરી આપે છે. પણ પછી તરત ઉમેરે છે કે થોડી કમી તો રહી ગઈ છે. વળી આ પ્રતીતિ કોઈ એક દિવસ નહીં, હંમેશાં થાય છે. એવું કોણ હશે જેને આવો અનુભવ થતો ન હોય? સંપૂર્ણતા પણ અપૂર્ણતાની ઓથે જ પરખાઈ હોય છે. થોડીક કમી સાથેનો ખ્યાલ હંમેશાં આપણને પૂર્ણતા તરફ લઈ જતો હોય છે. કવિ આ કારણે જ કદાચ જેવી મળી છે તેવી જિંદગીને સ્વીકારી લેવાનું અને તેને ગમતીલી ગણવાનું સમાધાન મેળવી લે છે. જે વિસ્તરતી જાય છે તે ડાળીઓને માટે અનંત આકાશ ઉપલબ્ધ છે. ક્યાંયે કદી અટકવાનું ન આવેતેવા અવકાશમાં ઊંચે ને ઊંચે ગતિ કરતી ડાળને પોતાનો આરંભ ક્યાંથી છે તે વિચારવાનું બને ત્યારે જ એ ખરી અખિલાઈને પામે છે. કવિ મૂળ તરફ નમેલી ડાળો વિશે આટલી ઊંડી સમજથી પોતાનું દૃષ્ટિબિંદુ સરળતાથી રજૂ કરી દે છે. માનવીય સંદર્ભમાં પણ આ વાતનો બંધ તરત બેસી જાય છે અને મૂળથી દૂર ગયા પછી પણ આધારને વીસરી શકાતો નથી એ વાત પર પ્રકાશ પડે છે. મજા તો એ વાતની છે કે કવિએ ‘થોડીક ડાળો’ એમ કહી આવી સમજણનો અધિકાર બધાને આપ્યો નથી અને એ રીતે મૂળનો મહિમા કરનાર બધા હોતા નથી એવો સૂક્ષ્મ કટાક્ષ પણ કરી લીધો છે. લોહીની ખારાશનો સંદર્ભ લઈ કવિ મનુષ્યના સમગ્ર અસ્તિત્વ સાથે જોડાયેલા ખરાબાનો નિર્દેશ કરે છે. અને નિવારવા માટે આંખો પર્યાપ્ત નથી તેવું કવિને લાગે છે. આંસુ એ કેવળ ખારાશને વહાવી દેવાનું માધ્યમ નથી. તેમાં ખારાશ તો માત્ર નામની જ છે. આંસુ તો વેદનાનો પ્રવાહ છે. એ પ્રવાહમાં સમગ્ર અસ્તિત્વને ઘેરી વળેલી ખારાશ વહાવી દેવી કવિને શક્ય લાગતી નથી. શ્વાસ એ હવા છે પણ હવા શ્વાસ હોતી નથી. એ તો સતત ગતિમાન, તરલ અને અનિબદ્ધ. કવિ આવી હવાને શ્વાસનો બોજો વહી જતી કલ્પે છે તેમાં ઊંચું કવિકર્મ છે. હવા જ્યાં સુધી એકલી છે ત્યાં સુધી તે સહજ છે પણ જેવો તેમાં શ્વાસ ભળે છે કે તે વ્યાકુળ થઈ જાય છે. શ્વાસનો બોજ તેનાથી ખમાતો નથી. આટલી વ્યાપક હવા કરતાં એક શ્વાસ સાથે અનિવાર્યપણે જોડાયેલી જિંદગી કેવી હોય? સંભવ છે કે આ હવા જેવી જ સરળતાથી શ્વાસ પણ થંભી જાય. નાહક હવાને શા માટે વધારાનો બોજ વેંઢારવા મજબૂર કરવી? અત્યંત કાવ્યાત્મક રીતે કવિએ જીવનની ભંગુરતાને અને જગતની શાશ્વતીને અહીં ચીંધી આપી છે.
પ્રત્યેક દિવસ આથમવા માટે ઊગતો હોય છે તે સત્ય સ્વીકાર્યા પછી પણ જ્યાં સુધી દિવસના પ્રારંભે સેવેલી ઇચ્છા પાર પડતી નથી ત્યાં સુધી દિવસ આથમ્યાની પ્રતીતિ થતી નથી. પછી તો સાંજ કેવળ એક રિવાજ પાળતી હોય તેમ આવીને ચાલી જાય. પેલો અગાઉનો સૂર્યોદય ઇચ્છાઓ સાથે અકબંધ જ રહે. ઇચ્છાઓના વળગણની સુંદર, કાવ્યાત્મક અભિવ્યક્તિ કવિએ અહીં કરી છે. ઇચ્છાઓથી મુક્ત થવું તેમ નહીં પણ ઇચ્છાઓને પાર પાડવી તેવી સૂક્ષ્મ યુયુત્સા અહીં પડી છે. ચિનુ મોદીએ તો ઇચ્છાઓ અંગે નિરપેક્ષ થઈ જવાનું જ પસંદ કરતાં લખ્યું છેઃ‘કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
એય ઇચ્છા છે, હવે એ પણ ન હો’
સવારથી સાંજ સુધીના રોજિંદા ચક્ર સાથે પૂરો થતો પ્રત્યેક દિવસ સમયનો એક તબક્કો બનીને થપ્પીમાં ગોઠવાઈ જાય છે. પણ સતત ઊગતી જતી ઇચ્છાઓ તેમાંથી સરી જાય છે. જાત સાથેની રખાવટ તો હંમેશાં દિલાવરી સાથેની જ હોય તે કોઈને પણ સમજાય તેવી વાત છે. ઇચ્છાઓની વિશેષ જાતની નજીક કોઈ હોતું નથી. હકીકતે તો શરીરમાં ભ્રમણ કરતા રક્તચાપની સાથે જ ઇચ્છાઓ પણ ફરતી રહે છે. ઇચ્છાઓથી વધુ અંગત પણ કશું હોતું નથી. ઇચ્છાને તેના ઉદ્ભવ સાથે જ જાણી લેવાનું જાત સિવાય કોઈનાથી શક્ય નથી. એને પોતાની હયાતી સાથે વળગાડી રાખવી, સાચવી રાખવી એટલે એનું જતન કરવું. પણ એ ઇચ્છાઓ જે દાવો રમે છે તે કવિની નજરમાંથી છટકી શકે તેમ નથી. જે ઇચ્છાઓને રક્ષે છે, ઇચ્છાઓ એને જ પોતાને વશ કરવા નીકળી પડે છે. માણસ ઇચ્છાઓનો ગુલામ બની જાય છે. પછી તો ઇચ્છાઓ અને ઇચ્છાઓ સેવનાર વચ્ચેની પકડાપકડી ચાલ્યા જ કરે છે. એને છોડવી પાલવે નહીં એ પણ સાચું અને વશ થવું ફાવે નહીં એ પણ સાચું. સંપૂર્ણ નિરપેક્ષ બની જવું શક્ય નથી એ કવિ જાણે છે. ઇચ્છાઓ ઝંખનાઓ, મનોરથો કે અભિલાષાઓ જેવા શબ્દોથી જેને ઓળખીએ છીએ તે સઘળું છેવટે તો આપણી સાથે યુદ્ધ કરનારું હોવા છતાં તેના થકી જ આપણામાં રક્તસંચાર છે તે સ્વીકારવું ઘટે. જેને જાત સાથે રક્તસંચારમાં વહેતી રાખી હોય એ ઝંખનાઓ જ સામે શિંગડાં માંડે એ વાતમાં જાત સાથેનું જ યુદ્ધ હોવા છતાં તેમાં જાતનો વિજય થવાની સંભાવના પણ પડી છે તેનું કાવ્યાત્મક મૂલ્ય અહીં હાથ લાગે છે.