અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોજ ખંડેરિયા/વરસોનાં વરસ લાગે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વરસોનાં વરસ લાગે

મનોજ ખંડેરિયા

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
(અટકળ, પૃ. ૧)