અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મફત ઓઝા/ઓઢી શકાય તો...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઓઢી શકાય તો...

મફત ઓઝા

અલ્યા!
આથમતી સાંજને ઓઢી શકાય તો...

પગલાંની પાનીએ પંથ તો લંબાય...
એના છેડાને શોધી શકાય તો...

નીલું ગગન આ પથરાયું આસપાસ —
એના એ ભેદને ભાખી શકાય તો...

આછેરી મહેક લઈ આવેલા સોણલાની
એકાદી કૂંપળને સ્પર્શી શકાય તો —

તગતગતા તડકાની છલકાતી છોળોમાં
હલકારે હલ્લેસું મારી શકાય તો...

પવનની પાંપણને ફોરમનો ભાર...
(એના) એકદા શ્વાસને રોકી શકાય તો...

અણિયાળી આંખમાં ફણગેલી રાતથી
ટમટમતા તારલાને આંજી શકાય તો...

અલ્યા!
આથમતી સાંજને ઓઢી શકાય તો...
(ધુમ્મસનું આ નગર, ૧૭૭૪, પૃ. ૩)