અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/માધવ રામાનુજ/સંભારણાં (સાંભરણ)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંભારણાં (સાંભરણ)

માધવ રામાનુજ

પછી પગલાંમાં ચીતર્યાં સંભારણાં...

પહેલું અબોલાના ઓરડાનું અજવાળું
વળતાં ચીતર્યાં રે બંધ બારણાં!
— પછી પગલાંમાં ચીતર્યાં સંભારણાં...

ભીંત્યું ચીતરી ને એમાં પૂર્યા ઉજાગરાના
સોનેરી રૂપેરી રંગ,
પાણિયારું ચીતર્યું ને બેડાંમાં છલકાવ્યો
ધગધગતો તરસ્યો ઉમંગ!

તોરણમાં લીલછોયા ટહુકાના સૂર અને
હાલરડે આળેખ્યાં પારણાં!
— પછી પગલાંમાં ચીતર્યાં સંભારણાં...

ફળિયામાં આંબાનો ચીતર્યો પડછાયો
ને ચીતર્યું કૂણેરું એક પાન,
ચીતરતાં ચીતરતાં ચીતર્યાં ઝળઝળિયાં
ત્યાં નજરુંનું ખરી ગયું ભાન!

કાળજામાં કોરાતી જાય હજી કૂંપળ
ને ઉંબરમાં અમિયલ ઓવારણાં!
— પછી પગલાંમાં ચીતર્યાં સંભારણાં...
(અક્ષરનું એકાંત, ૧૯૯૭, પૃ. ૫૪)