અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/તારું પહેલા વરસાદ સમું આવવું
Jump to navigation
Jump to search
તારું પહેલા વરસાદ સમું આવવું
રમેશ પારેખ
ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને
કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોનાં એવાં અંધાર્યાં વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા
ઓચિંતા ધોધમાર સામસામે આપણે ઊભાં રહ્યાં-નું પૂર આવવું
ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખા છે ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઉછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?
ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું