અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/ચંપકવરણી ગઝલ સદેહા (સંચારિણી દીપશિખા)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચંપકવરણી ગઝલ સદેહા (સંચારિણી દીપશિખા)

રાજેન્દ્ર શુક્લ

મરકે છે કે મ્હેકે છે તું,
બોલે છે કે ફૂલ ખરે છે,
કયે કિરણ આંજે કજજલ કે
નીરખત નીરખત નેણ ઠરે છે!
સાવ પરસ્પર શ્વાસ સરે કે
જલ મધ્યે આ મીન તરે છે,
સુમયસુરાહી સંચરતી કે
તું જ ક્ષણિકનું જામ ભરે છે!
ઘેઘૂર ઘેઘૂર ઘેન ઘટા કે
પલક પારનું અલસ લળે તું,
આછો અમથો ઉજાગરો કે
અચરજનો આકાર ધરે છે!
દીપશિખા સંચારવતી કે
ચંપકવરણી ગઝલ સદેહા,
અનગળંના અભિષેક સરીખો
આઠ પ્રહર અજવાસ ઝરે છે!
કંકણને કિણકાર મધુર આ
કઈ તરત છેડાઈ રહી કે —
રોમ રોમ તું રમણા રૂપે
રેશમ રેશમ સૂર સરે છે!
(કાવ્ય-કોડિયાં : રાજેન્દ્ર શુક્લ, ૧૯૮૧, પૃ. ૫૨-૫૩)