અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/હજો હાથ કરતાલ
Jump to navigation
Jump to search
હજો હાથ કરતાલ
રાજેન્દ્ર શુક્લ
હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજી ક્યાંક થાનક.
લઈ નાઁવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમિયેલ પાનક.
સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.
અમે જાળવ્યું છે ઝીણેરા જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક.
છે ચણ જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.
નયનથી નીતરતી મહાભાવમધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.
શબોરોજ એની મહેકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનહલક હો આનક
(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, સંપા. ચિનુ મોદી, ૧૯૯૬, પૃ. ૧૧૬)