અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાધેશ્યામ શર્મા/સીડીઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સીડીઓ

રાધેશ્યામ શર્મા

તારીખોને
એક પછી એક
ચોકડી-સળીયામાં પૂરી રહ્યાં છે
કૅલેન્ડર.
અહીં સર્પગંધા છે
રજનીગંધા છે.
ઉદયોન્મુખ સૂર્યની સેવામાં
ગ્રહણશીલ ચંદ્ર સાથે રે’વામાં
કારતક કપાતો
માગશર મગ જેવડો
પોષ પોસાતો.
વસંતની સુગંધિત કાયાને
પાનખરનો અજગર
ચ-ગળવા ચાહે
ચતુર સુજાણ
ટકી જાય.
છટકી જાય
સોમ
ભોમ
શિયાળે શીતળ વા વાય
પાનખરે વહુ શેં વિવાય
કુરકુરિયાં કરતાં ક્રાંઉ ક્રાંઉ
ગ્રીષ્મના તપ્ત ઘુરઘુરાટમાં
પંચાંગ પોથીઓ
નક્ષત્રોને પકડવા
સીડીઓ ગોઠવવા
ગગને મથે.