અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રુસ્વા મઝલૂમી/કોણ માનશે?

From Ekatra Foundation
Jump to navigation Jump to search


કોણ માનશે?

રુસ્વા મઝલૂમી

મ્હોતાજ ના કશાનો હતો કોણ માનશે?
મારોય એક જમાનો હતો કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દીવાનો હતો કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન મરણ,
ઝઘડો એ `હા’ ને `ના’-નો હતો કોણ માનશે?

મસ્તીમાં આવી ફેરવી લીધી જગતથી આંખ,
એ પણ સમય નશાનો હતો કોણ માનશે?

હસવાનો આજ મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો કોણ માનશે?

રુસ્વા કે જે શરાબી મનાતો રહ્યો જગે,
માણસ બહુ મઝાનો હતો કોણ માનશે?

(મદિરા, ૧૯૭૨, પૃ. ૫૪)