અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/ECSTASY

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ECSTASY

વિનોદ જોશી

ઝડાફ વીજ મેઘ ડમ્મર ડિબાંગમાં સોંસરી,
ખચાક ખચખચ્ ચીરી ઝળળ ઝુમ્મરો ઊતરી.

પ્રચંડ દ્રુત ૐ ઝબાક્ઝબ અવાક્ ક્ષણાર્ધમાં
ભયંકર પછાડ દૈ લપકતો ગયો, પુચ્છ લૈ

ઊંડે, ક્યહીં ઊંડે ઊંડે પલક ગાત્ર ફુત્કારતો,
કડાક હુડુડુમ્ ધ્રૂજી ધ્રધ્રધરિત્રી સમ્ભ્રાન્ત, ને

ધમે ધમણ હાંફતાં હડફ ધૂર્જટિ ઝાડવાં,
કમાન લફ લાંબી તંગ ક્ષિતિજોની ટંકારતો,

ધસે હવડ વેગ ભેખડ ભફાંગ બુચ્કારતો.
છળે, છળી લળે, ઢળે વળી પળે પળે ઑગળે.

અચાનક ધડામ ધુમ્ટ ખબાંગ ખાંગો થતો,
ફરે લફક જીભ ફીણ ફીણ ચાટતી ચાટતી.

સમસ્ત ખળભળાટ પુંસક ધસે, ડસે નસ્નસે
થતો પ્રપ્રપ્રપાત ચૂર ચૂર માત્ર રાત્રિ શ્વસે.
(કવિશ્રી ઉશનસ્ને અર્પણ)